ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે

માબાપ ગુજરી જાય પછી એમની સ્મૃતિને વાગોળવાની મઝા આવતી હોય છે, પણ એમની હયાતી દરમ્યાન એમના અસ્તિત્વને માણવાની મઝા કેટલા લોકોને આવતી હોય છે? જાત સાથે હન્ડ્રેડ પર્સેન્ટ નિર્વસ્ત્ર થઈને આ પ્રશ્ર્નનો જવાબ કોઈ સાંભળે નહીં એ રીતે પોતાને આપવાનો.

આ એક પિતાની વાત છે જેણે અનેક સપનાઓ સાથે ઘરની ચાર દીવાલોમાં પ્રાણ ફૂંક્યા. આજે હવે એના શ્ર્વાસ ખૂટવા આવ્યા છે. ઘરને પ્રસન્નતાથી ભરી દેવા એણે શું શું નથી કર્યું. એક જમાનો હતો જ્યારે આ માણસની રાહ જોવાતી, ક્યારે આવશે અને શું શું લાવશે. હવે એ ક્યારે જશે એની રાહ જોવાય છે, એ શું શું મૂકતો જશે એની ગણતરીઓ થાય છે.

‘મળેલાં જ મળે છે’ નવલકથા હોઈ શકત, નાટક કે ફિલ્મ હોઈ શકત આ સબ્જેક્ટ પરની. પણ રાજેશ વ્યાસ ‘મસ્કીન’ કવિ છે. એટલે ૧૫૮ ગઝલોના સંગ્રહરૂપે અહીં આ સંવેદના પ્રગટ થઈ છે. આજના જમાનામાં અતિશય સંવેદનશીલતા સાથે જીવવું દુષ્કર છે. સમકાલીન ગુજરાતી સાહિત્યકારોની અગ્રિમ હરોળમાં જેમનું નામ ખૂબ આદરથી લેવાય છે અને ગુજરાતી વાચકોએ તથા શ્રોતાઓએ જેમની ગઝલોને વખાણી વખાણીને માણી છે એવા ‘મસ્કીન’ સાહેબ એવી દુર્લભ જણસ છે જેમને કાચના ફ્રેજાઈલ સામાનની જેમ આપણે સૌએ, આ સમાજે સાચવવા જોઈએ. એક જ વિષયના વિવિધ ભાવને ઘૂંટતો અને આ વિષાદયાત્રાના વિવિધ પડાવોને પાર કરીને વાચકને મૌન, નિ:સ્તબ્ધતા અને અવાચકતાના શિખરે પહોંચાડતો ‘મસ્કીન’ના તાજા ગઝલસંગ્રહ ‘મળેલાં જ મળે છે’ નું પ્રકાશન ગુજરાતી સાહિત્યની એક લૅન્ડમાર્ક ઘટના છે. આ ગઝલસંગ્રહના ભાવને જો એક જ શેરમાં સમેટીને પ્રગટ કરવો હોય તો ૧૫૮ રચનાઓમાંથી આ પંક્તિઓ પર નજર સ્થિર થાય:

ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે
બેસે છે ઘરના મેમ્બર, એ ઓરડો જુદો છે

આ ઘર મંડાયું ત્યારે જે કોઈ સગાંવહાલાં આવતા તે સૌના ગણાતા. દાયકાઓ પછી ઘરનાં સભ્યોનાં મન નોખાં થયાં અને એની સાથે સગાંવહાલાં પણ વહેંચાઈ ગયાં:

આપણે છુટ્ટા પડ્યા તો આપણું કોઈ નથી,
એ સગાંવ્હાલા હવે તારા મળે-મારા મળે.

એક-એક ઈંટ ભેગી કરીને બાંધેલા ઘરની છત બનીને તમે સૌને સાચવ્યાનું ગૌરવ છે તમને, અહમ્ પણ છે. વખત જતાં આ બધું વિખરાઈ જવાનું છે એની કોઈ કલ્પના નહોતી તમને.

સુખ ગયા સર્વસ્વ ઢોળાઈ અહમ્ હસતો રહ્યો,
ને ગયા સૌ સ્વપ્ન રોળાઈ અહમ્ હસતો રહ્યો.

આ બધું બનવાનું કારણ શું? સફળતાનો નશો માથા પર ચડી ગયો હતો? મેં બનાવેલા આ ઘરનો કાંકરોય ખરવાનો નથી એવા અહમ્ સાથે જીવવાનો અંજામ શું આવે?

તોરમાં આવી નિરંતર ભૂલ જે કરતો રહ્યો,
ભાગ્યના નામે ચઢાવાઈ અહમ્ હસતો રહ્યો.

તમે પોતે બનાવેલા ઘરને જોઈને તમે એટલા તો સંતુષ્ટ છો કે એમાં પડેલી તિરાડ તરફ કોઈ ધ્યાન દોરે છે ત્યારે તમે એને ગણકારતા નથી. તમારી સફળતાના દિવસોમાં તમે એવા તો નશામાં ચૂર હો છો કે તમને સમજાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે:

જતા ના કોઈ પણ સમજાવવા એને કશુંયે પણ,
સફળતા જોઈને જ્યારે હવામાં જઈ ચઢે માણસ

વિશ્વાસ બેધારી તલવાર જેવો છે. કોના પર મૂકવો, કેટલો મૂકવો, ક્યારે મૂકવો એ બધા વ્યવહારુ પ્રશ્ર્નો અલખના ઓટલે જઈને બેઠેલા કવિજીવની સમજ બહારની દુનિયા છે:

એક હદ કરતાં વધુ વિશ્ર્વાસ કાયમ જોખમી,
નાવની માફક ચલાવ્યું એ જ ઘર તૂટી ગયું.

કવિને ખબર છે કે વ્યવહારની દુનિયાના રાજેશ વ્યાસ અને કવિ ‘મિસ્કીન’ વચ્ચેનું બૅલેન્સ જાળવવું ખૂબ કપરું છે. તમારી વાત સાંભળવા માટે કોણ ક્યારે કાન ખુલ્લા રાખશે એ તમારે જોવાનું છે. તમારું ગજું મોટું થતું જાય એમ તમારો અહમ્ પણ જો વધતો ગયો તો કુદરતની પાસે એનોય ઈલાજ છે:

કયાં હૃદયને ખોલું? કોની કને ફુરસદ?
રાખતા પ્રત્યેક સગપણ એક ચોક્કસ હદ.

ભાગ્યની પાસે ગજબની એક કાતર છે,
વેતરી નાખે બધું જે કંઈ વધે બેહદ.

એ તરફ રાજેશ છે ને એ તરફ મિસ્કીન,
તંગ હમ્મેશા રહે છે શ્ર્વાસની સરહદ.

વાળ ધોળા થવાથી જ કંઈ લોકોનો આદર નથી મળી જતો. ઉંમર વધવાની સાથે જો તમારી સમજ વધી હોય તો જ તમારા પ્રત્યેનું માન વધતું જશે એ વાત તમે સારી રીતે સમજો છો અને સમજો છો એટલે જ કબૂલ કરો છો:

જીવનભર પાત્રતા મિસ્કીન કેળવવી પડે છે દિલથી,
ફક્ત ઉમ્મર વધે મળતા નથી કૈં હક વડીલોના.

ચાલીમાં, નાના ઘરમાં જે હૂંફ હતી તે બંગલામાં કેમ નથી હોતી? એક રોટલામાંથી ચાર જણ ખાતા ત્યારે સૌની ભૂખ સંતોષાઈ જતી. આજે દરેકને ભાગે ચાર-ચાર રોટલા આવે છે છતાં સૌ ભૂખ્યાના ભૂખ્યા છે:

પ્રેમથી ને સંપથી રહેતા હતા સાંકડમૂકડ,
ઘર કર્યાં મોટાં, ઉડીને દૂર મન ચાલ્યાં ગયાં.

જિંદગી આખી જે રીતે તમે જીવ્યા હો એ રીત જીવનના ઉત્તરાર્ધનાં વર્ષોમાં કેવી રીતે બદલાવાની છે? અત્યાર સુધી તમે તમારી રીતે જીવતા રહ્યા. હવે ઊઠીને કોઈ તમને કહે કે તમને તો જીવતાં જ ના આવડ્યું તો તમે શું કહેશો એને? ભઈ, ના આવડ્યું તો ના આવડ્યું, શું થાય એનું:

આખરી છેલ્લા વળાંકે શું હિસાબો માંડવા,
જિંદગીભર દાખલા ના આવડ્યા એ જાય ક્યાં?

તેં તને મિસ્કીન ભલે ખંડિત કરી નાખ્યો પછી,
જેટલા પથ્થર તેં શ્રદ્ધાથી ઘડ્યા એ જાય ક્યાં?

દુનિયાની રીતરસમોમાં તમે બંધબેસી શકતા નથી એવી પ્રતીતિ પછી તમે તમારી જાતને વિખેરી નાખો છો. જીવન માટેની જે શ્રદ્ધાથી તમે તમારી જાતને ઘડી એ જ શ્રદ્ધાથી તમે તમારાં સંતાનોને ઘડ્યાં છે. તમે પોતે જ એમનામાં તમારું શ્રેષ્ઠ રેડ્યું છે, પણ છેક હવે તમને લાગી રહ્યું છે કે ક્યાંક એમના ઉછેરમાં જ તમે ભૂલ કરી હતી.

‘મળેલાં જ મળે છે’ની પ્રસ્તાવનામાં કવિ ‘મિસ્કીન’ કહે છે કે, ‘આ જગતમાં-જીવનમાં મળેલાં જ મળે છે.’ અર્થાત્ જિંદગીમાં જે કંઈ થાય છે એ જ તમારી નિયતિ છે. તમારી સાથેના ઋણાનુબંધને કારણે કેટલાક લોકો તમને જિંદગીમાં એવા મળી જાય છે જેઓ તમારી પાસેથી પડાવી જાય છે, લઈને નાસી જાય છે. શક્ય છે કે તમારા માથે એમનું કશુંક દેવું બાકી હશે. કેટલાક એવા પણ મળે છે જે તમને કશુંક આપી જાય છે. કદાચ, એ પણ એક ઋણાનુબંધ હશે.

‘મળેલાં જ મળે છે’ વાંચતાં વાંચતાં જો સંબંધો પ્રત્યે કડવા થઈ જવાય તો આ ઋણાનુબંધવાળી વાત યાદ રાખવી. વધુ કાલે.

આજનો વિચાર

હું મને મળતો રહું છું એટલે
સાધુસંતો મારા પર અકળાય છે.

– મનીષ પાઠક ‘શ્વેત’

એક મિનિટ!

ડફલીવાલે ડફલી બજા ગીતનો અર્થ છેક રહી રહીને હવે સમજાયો:

તું તારું કામ કર, માઈન્ડ યૉર ઓન બિઝનેસ.

( મુંબઇ સમાચાર : બુધવાર, 3 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *