ધર્મદલાલો અને તબીબી બહારવટિયાઓ

ભગવાનને વેચવાનો અને તબિયત માટેની તમારી ચિંતાને વેચવાનો ધંધો આજની તારીખે ધમધોકાર ચાલે છે. તમારી આસ્થા ધર્મગુરુઓના બાપની જાગીર બની ગઈ છે. તમારા આરોગ્ય માટેની તમારી કાળજી ફાર્માસ્યુટિકલ્સ બનાવતી મલ્ટિ નૅશનલ કંપનીઓ માટે તમને ઈમોશનલ બ્લૅકમેલ કરવાનું કારણ બની ગઈ છે.

જિંદગીના અનેક રહસ્યો અકળ છે, ગૂઢ છે. આ દુનિયાનો અંત આવશે ત્યારે પણ એ રહસ્યો અકળ અને ગૂઢ જ રહેવાનાં છે. આમ છતાં તમારા ધર્મગુરુઓ, તમારા સંપ્રદાયગુરુઓ અને તમારા ફૅમિલીબાબાઓ તમને જન્મ, પૂર્વજન્મ, પુનર્જન્મ અને મોક્ષના ચકડોળમાં બેસાડીને ફેરવ્યા કરે છે અને તમે મૂરખની જેમ આવા ચકડોળોમાં બેસીને ધન્ય ધન્ય થઈ જાઓ છો. ભગવાન છે કે નહીં અને જો છે તો તે કયા સ્વરૂપે છે અને જો નથી તો આ દુનિયાનું સર્જન કોણે કર્યું અને કોણ આ દુનિયા ચલાવે છે એવા પ્રશ્ર્નોની ગલીકુંચીઓમાં તમને ભટકાવીને કરોડો રૂપિયાનાં સ્યુડો અધ્યાત્મકેન્દ્રો સ્થાપિત થઈ ગયાં, તમારા જ પૈસે.

ભગવાનની હાજરી-ગેરહાજરી અને તમે-આ મામલો તમારા બેનો ખાનગી મામલો છે, સિક્રેટ અને પ્રાઈવેટ બેઉ અર્થમાં ખાનગી અને અંગત. વચેટિયાઓની એમાં કંઈ જરૂર નથી. ધર્મના દલાલોની તમને જરૂર નથી. મંદિરના ટ્રસ્ટીઓની પણ નહીં અને મંદિરના પુજારીઓની પણ નહીં. ધર્મના પ્રવચનો કરનારાઓની તો નહીં જ નહીં. ભગવાનના નામે આ લોકો તમારું શોષણ કરે છે-ઈમોશનલ શોષણ, આર્થિક શોષણ, માનસિક શોષણ. ક્યારે તમારી મજાક ઉડાવીને, ક્યારેક તમારા પર ખીજ ઉતારીને તો ક્યારેક તમારાં વખાણ કરીને, તમારી પીઠ થાબડીને આ ધર્મપ્રવર્તકો તમને પોતાના કાબૂમાં રાખે છે. ભગવાન વિશેની તમારી મૂંઝવણો ઉકેલવાને બદલે એને વધુ ગૂંચવે છે.

ભગવાન કે ધર્મની વાતો તદ્દન સિમ્પલ છે. એક વત્તા એક બરાબર બે જેટલી સિમ્પલ. પણ પોતાનો ધંધો ચલાવવા માટે આ લોકોએ બધું જ એટલું ગૂંચવી કાઢ્યું છે કે તમે બાઘા બની ગયા છો. જે પ્રશ્ર્નોના જવાબ હોઈ જ ના શકે, જે પ્રશ્ર્નો પોતે જ છેતરામણા છે અને જે પ્રશ્ર્નોનું જિંદગી જીવવામાં જરા સરખું મહત્ત્વ નથી એવા પ્રશ્ર્નો તમારા માથે ઠપકારીને તમારા વતી એના ઉકેલો અમે શોધી આપશું એવો દાવો કરીને આ ધર્મદલાલો તમને બેવકૂફ બનાવી રહ્યા છે અને તમે ખુશી ખુશી બની રહ્યા છો. બેવકૂફ.

ધર્મની ચોપડીઓમાં લખ્યું તે બધું જ સાચું, ધર્મના દલાલો જે કંઈ બોલે તે બધું જ સાચું એવું માનીને તમે તમારી જાતને ધાર્મિક માનવા માંડ્યા છો? તમે ધાર્મિક નથી. તમે ગઈ કાલે જેટલા ખરાબ હતા તેના કરતાં આજે ઓછા ખરાબ બન્યા? તમે ગઈ કાલે જેટલા સારા હતા એના કરતાં આજે વધારે સારા બન્યા? જો આ બંને સવાલોના જવાબ ‘હા’માં હોય તો તમે ધાર્મિક છો. મંદિરમાં જઈને ટીલાંટપકાં કરી/કરાવી લેવાથી કે ધર્મદલાલોનાં ચરણસ્પર્શ કરીને કે એમની વાણીનો ‘લાભ’ લઈને ધાર્મિક બની જવાના નથી. આ દલાલો તો તમને સામે જ જે સ્પષ્ટ દેખાય છે તે દૃશ્ય આડે પડદો નાખીને ગોળગોળ ફેરવે છે. આ ધર્મદલાલો, ધાર્મિક ગૅન્ગસ્ટરો તમારા પગ તોડીને, તમારા ટાંટિયા ભાંગીને તમને કાખઘોડી આપે છે અને તમને સમજાવે છે કે મેં તમને ફરી ચાલતા કર્યા, મારી કાખઘોડીના પ્રતાપે તમે ચાલતા થયા અને તમે ઉલ્લુના પઠ્ઠાની જેમ ભાવવિભોર થઈને એમનાં પગ પકડીને એમને તમારા ઉદ્ધારક માનવા માંડો છો.

તબીબી ક્ષેત્રે પણ આવું જ ધુપ્પલ ચાલે છે. તમારી તબિયતમાં જે કાંઈ પણ બગાડો થાય છે તેને સુધારવાના બહાને આ તબીબી ક્ષેત્રના ગૅન્ગસ્ટરો તમારી તબિયતનો ઈજારો લઈ લે છે. ટેમ્પરરી ફાયદો દેખાડીને તમારું આજીવન નુકસાન કરી નાખતી દવા કંપનીઓ, તબીબી સાધનો બનાવતા ઉત્પાદકો તેમ જ આ બેઉ રાક્ષસોની દલાલી કરતા ડૉક્ટરો તમારી તબિયતને કાયમ માટે ખોખલો કરી નાખે છે. તમે પટાવાળા હો તો તમને હાર્ટની ટ્રીટમેન્ટ વગર ચાલી શકે એમ છે પણ તમે માલદાર હો તો તમારે અત્યારે ને અબઘડી એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરાવી લેવી જોઈએ એવી સલાહ તબીબીદલાલો તમને આપતા હોય છે. પાંચપંદર લાખ ખર્ચી કાઢ્યા પછી તમને લાગે છે કે તમારી આવરદા વધી ગઈ, દલાલ તમને દેવ જેવો લાગે છે. કોણે કહ્યું કે તમારી આવરદા વધી ગઈ? આ દલાલોએ જ તમને પટ્ટી પઢાવી અને તમે તમારી જાતને અભણ, ગંવાર ગણીને એની વાતોમાં આવી ગયા. મેં આટલાં વર્ષ પહેલાં કેન્સરનું ઑપરેશન કરાવ્યું ને જુઓ, હું હજુય જીવું છું એવો દાવો કરનારાઓ સમજતા જ નથી કે ભઈલા, એ ગાંઠ કૅન્સરની હતી જ નહીં! તને પેલા બહારવટિયાઓએ બીવડાવ્યો ને તું પાટલૂનમાં મૂતરી પડ્યો ને તાબડતોબ તેં તારું એ અંગ કપાવી નાખ્યું.

માણસને બે કિડનીની જરૂર નથી, એકથી કામ ચાલી જાય છે એવું કહીને તમારી એક કિડની કાઢી લેતા ડૉક્ટરો ક્યારેય તમને કહેતા નથી કે માણસના હૃદયની ત્રણ ત્રણ નળીઓ સિત્તેર ટકા બ્લોક હોય તોય તમારે બાયપાસ તો શું એન્જિયોપ્લાસ્ટી કરાવવાની પણ જરૂર નથી. લિવર વન ફોર્થ જ કામ કરતું હશે તોય તમારી જિંદગીને કંઈ ફરક નથી પડતો એવું કહીને તમને લીવર ડોનેટ કરવા માટે ઘોંચપરોણો કરનારી તબીબી દુનિયા તમારા ઘૂંટણમાં જરા અમથા દુખાવાની ફરિયાદ કરશો એટલે કહેશે કે આમ તો આવતાં પાંચ વરસ સુધી તમે તકલીફ સાથે હરીફરી શકશો પણ ની રિપ્લેસમેન્ટી સર્જરી કરાવી નાખો, ઘૂંટણની ઢાંકણી બદલાવી નાખો તો દસ વરસની નિરાંત. સુનર ધ બેટર.

માંદગીનો હાઉ બતાડીને, તમને નિશ્ર્ચિંત કરવાની ખોટી ધરપત ઉચ્ચારીને તબીબી ક્ષેત્રે માણસના સ્વાસ્થ્ય સાથે જેટલાં ચેડાં કર્યા છે એટલું નુકસાન બીજા કોઈએ નથી કર્યું.

એક તરફ ધર્મદલાલો બીજી તરફ તબીબી બહારવટિયાઓ. માણસની નેવું ટકા મુસીબતોની ગટરનું કનેક્શન આ બે અંડરવર્લ્ડ સાથે જોડાયેલું છે. આ બેઉની સાથેનાં કનેક્શનો કાપીને જેમને જીવતાં શીખવું છે એમના માટે જ આ દુનિયા છે. બાકીના બધા માટે પુનર્જન્મ છે, મોક્ષ છે, મેડિકલેઈમ છે.

આજનો વિચાર

માનવાની ભૂલ કરતા નહીં વિજય છે સત્યનો
જે જીતે છે એ જ અંતે સત્ય બનતું હોય છે

– શોભિત દેસાઈ

એક મિનિટ!

પત્ની: હું બે કલાક માટે બહાર જઉં છું. તમારે કંઈ જોઈએ છે?

પતિ: બસ, મારે એ જ જોઈએ છે.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 2 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *