ભણવાની ઉંમર કામ કરવાની ઉંમર

વૅકેશન શરૂ થઈ ગયું છે અને દસમા પછી શું કરવું કે બારમા પછી શું કરવું એ વિશે કરિયર ગાઈડન્સ આપતા મોટિવેશનલ સ્પીકર્સમાં સલાહ-સૂચન-ઉપદેશો સાંભળવા ગાડરિયા પ્રવાહ ધસમસતો પહોંચી જવાનો.

પૉલ આર્ડન ‘વૉટેવર યુ થિન્ક, થિન્ક ધ ઑપોઝિટ’ પુસ્તકમાં બહુ ઓછા શબ્દોમાં આવા મોટિવેશનલ સ્પીકર્સનો ધંધો ધોઈ નાખે છે. પૉલ આર્ડનનું કહેવું છે કે ડોન્ટ ગો ટુ યુનિવર્સિટી. જે ઉંમરે છોકરા-છોકરીઓએ સ્કૂલ છોડીને કૉલેઝમાં ભણવાનું નક્કી કરવાનું હોય તે ઉંમરે કોઈનાય મનમાં સ્પષ્ટતા ન હોઈ શકે કે મારે શું બનવું છે, લાઈફમાં શું કરવું છે. પંદર-સત્તરની ઉંમરે જિંદગીનું એક્સ્પોઝર કેટલું હોય? આમ છતાં જખ મારીને નક્કી કરી નાખવું પડે છે. આજની તારીખે ડિગ્રીધારી અનેક લોકો તમને મળી આવશે જેમના ધંધા-નોકરી-વ્યવસાય માટે એ ડિગ્રી આટલી પણ ઉપયોગી પુરવાર ન થઈ હોય. અથવા તો એમને લાગતું હોય કે મારે આ ભણવાને બદલે પેલું ભણવું જોઈતું હતું પણ હવે શું થાય.

માંડ થોડા ટકા છોકરા-છોકરીઓને (દિલથી/દિલથી, માબાપના પ્રેશરથી, પિયર પ્રેશરથી કે દુનિયાના પ્રેશરથી નહીં) લાગતું હોય કે હા, મારે આ જ બનવું છે અને હું આ જ કોર્સ કરીને ડિગ્રી લઈશ. જેમની પાસે એવી પૅશન, સમજ કે સ્પષ્ટતા નથી (જે આ ઉંમરે હોઈ શકે પણ નહીં) એમણે પોતાનાં સમય-શક્તિ-નાણાંનો ઉપયોગ ડિગ્રી મેળવવામાં કરવાને બદલે કામ કરવામાં કરવો.

પૉલ આર્ડન કહે છે કે યુનિવર્સિટીમાં નહીં કામ પર જાઓ. તમે જો અઢારેક વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કરી દેશો તો બે ફાયદા છે. જો આ કામ તમારી પૅશન બની જશે અને એ જ ક્ષેત્રમાં તમે આગળ વધવા માગતા હશો તો ડિગ્રી લઈને એ ક્ષેત્રમાં જોડાનારા લોકો કરતાં તમારી પાસે કમસે કમ પાંચ વર્ષનો હેડસ્ટાર્ટ હોવાનો. આ પાંચ વર્ષના વર્ક એક્સપીરિયન્સને લીધે તમારી પાસે એ જ ક્ષેત્રની ડિગ્રીવાળી વ્યક્તિ કરતાં વધારે સમજદારી, વધારે મોટું વિઝન હશે.

બીજો ફાયદો એ કે જો તમે કામ કરવા માટેનું ક્ષેત્ર ખોટું પસંદ કર્યું હશે તો ફિલ્ડ ચેન્જ કરતાં તમને કોણ રોકી શકવાનું છે. પણ ડિગ્રી લઈને પાંચ વર્ષ કામ કર્યા પછી જો તમને એવું લાગ્યું કે આ ફિલ્ડ તમારા માટે નથી તો તમે ઑલરેડી ત્રીસ વર્ષની ઉંમર નજીક ઝડપથી પહોંચી રહ્યા હશો અને હવે ફિલ્ડ ચેન્જ કરવાની હિંમત-સગવડ સાવ ઓછી હશે.

પૉલ આર્ડનને વાંચ્યો પણ નહોતો એ ઉંમરે, આજથી ચાળીસેક વર્ષ પહેલાં, અઢાર વર્ષની ઉંમરે આ ફિલ્ડમાં ફુલ ટાઈમ નોકરી લઈને કામ શીખતાં જવાનો નિર્ણય કેટલો સાચો હતો એવું તો વર્ષોથી મને લાગી રહ્યું છે. આ બુક વાંચ્યા પછી જાણે એ લાગણી પર, એ નિર્ણય પર જાણે કોઈને સત્તાવાર સિક્કો મારી આપ્યો હોય એવું લાગે છે.

ડિગ્રી અને કામની બાબતમાં પૉલ આર્ડન જે કહે છે એવું જ લગ્નની બાબતમાં છે. આ વાત એમની બુકમાં નથી. ટીનએજ તમારી ફિઝિકલ અને ઈમોશનલ જાતને એક્સ્પ્લોર કરવાની ઉંમર છે. આ ઉંમર કોની સાથે આખી જિંદગી ગાળવી એ નક્કી કરવા માટેની નથી. કેવી રીતે હોય? દાંપત્યજીવન એટલે શું એની આ ઉંમરે ક્યાંથી કોઈને ખબર હોવાની? પેરન્ટ્સનું દાંપત્યજીવન જોઈને એમાંથી પોતાની ભાવિ મેરિડ લાઈફ માટે સંતાન એટલું જ શીખી શકે જેટલું એ પિતાને કાર ચલાવતાં જોઈને ડ્રાઈવિંગ શીખી શકે. ડ્રાઈવિંગની જેમ મેરિડ લાઈફ વિશે પણ માત્ર ઑબ્ઝર્વેશન્સથી શીખી શકાય નહીં. એના માટે સ્ટીયરિંગ હાથમાં પકડવું પડે. બ્રેક, એક્સલરેટર અને ગિયરનો જાતઅનુભવ લેવો પડે. ટ્રાફિકમાં ચલાવતાં શીખવું પડે. રિવર્સ પાર્કિંગ આવડવું જોઈએ. તદ્ન સાંકડી જગ્યામાં કાર ગોઠવતાં આવડવું જોઈએ. સિગ્નલો, ટ્રાફિક સાઈન્સ અને ડ્રાઈવિંગની તહેઝીબ વિશે ખ્યાલ આવવો જોઈએ. પછી લાઈસન્સ લઈને ગાડી ચલાવાય. મેરેજ માટેનું લાઈસન્સ ભલે સરકારે ૧૮ કે ૨૧ વર્ષની ઉંમરે આપવાનું નક્કી કર્યું છે પણ જેવું યુનિવર્સિટીના ભણતર તથા કામના અનુભવની બાબતમાં એવું જ લગ્નની બાબતમાં. પચ્ચીસથી ત્રીસની ઉંમર વચ્ચે જ નક્કી કરવાનું હોય કે મારે કોની સાથે આખી જિંદગી ગાળવાની છે. આ વિષય પર અત્યારે બહુ ડીટેલમાં નથી જવું. પૉલ આર્ડનની વાત પૂરી કરીએ.

પૉલ આર્ડન કહે છે કે માહિતી તથા જ્ઞાન કરતાં અજ્ઞાનનું મૂલ્ય વધારે છે. તમે કોઈ પણ પઝલ સોલ્વ કરવા બેસો છો ત્યારે સોલ્વ કરતી વખતે જેટલી મઝા આવે છે એટલી મઝા એ સોલ્વ થઈ ગયા પછી નથી આવતી. એક વખત સોલ્વ થઈ ગયેલી પઝલને નવેસરથી ગોઠવીને સોલ્વ કરવાની કોશિશ કરી જોજો. મઝા આવશે? ના. નહીં આવે. તમને ખબર છે કે પરિણામ શું આવશે? જિંદગી-મઝાઓ પરિણામની ખબર કે ખાતરી નથી હોતી ત્યારે જ આવવાની. ક્રિકેટ મૅચનું એક્સાઈટમેન્ટ એના પરિણામની અનિશ્ર્ચિતતામાં છે. જે બુકી કે ક્રિકેટરો મૅચ ફિક્સ કરીને રમાડે છે કે રમે છે એમને પરિણામની ખબર છે, એમને રમવામાં એક્સાઈટમેન્ટ નહીં આવે જે લોકો પોતાની ભૂતકાળની સફળતાના આધારે ચરી ખાવા માગે છે એ લોકોની લાઈફમાં એક્સાઈટમેન્ટ ન હોય. જે લોકો સતત નવું નવું કામ હાથમાં લઈને પરિણામની અનિશ્ર્ચિતતા માણી શકે છે એમના જીવનમાં જ રિયલ એક્સાઈટમેન્ટ હોવાનું. નૉલેજેબલ હોવા કરતાં ઈગ્નોરન્સમાં મહાલવું.

પૉલ આર્ડનની આ બધી ક્ધસેપ્ટ્સ રાઈટ પર્સપેક્ટિવમાં સમજવાની. એને ખોટા સંદર્ભોમાં અપનાવીશું તો નુકસાન આપણું જ છે.

તમારું સંતાન સ્કૂલની એકઝામમાં દસમાંથી એક માર્ક લઈ આવે તો તમારે કહેવાનું કે વેલડન! ગુડ વર્ક!

આવા રિઝલ્ટનો મતલબ એ કે લાખો વિદ્યાર્થીઓ ગાડરિયા પ્રવાહમાં તણાઈને જે ભણતર મેળવે છે એમાં એને રસ નથી. એનું ધ્યાન કોઈક જુદી જ જગ્યાએ છે જ્યાં એને એક્સાઈટમેન્ટ ફીલ થાય છે. ભણતી વખતે એનું દિમાગ કોઈક જુદી જગ્યાએ કલ્પનાવિહાર કરતું હોવું જોઈએ. સંતાનના આ ફૅન્ટસી વિશ્ર્વને ઓળખો, સ્વીકારો. પરીક્ષામાં સારા માર્ક્સ આવી જવાથી લાઈફ ઈન્ટરેસ્ટિંગ બની જશે એવી કોઈ ખાતરી છે? તમે જ તમારી સાથે ભણીને ટૉપર્સ બનેલા લોકોની લાઈફ જોઈ લો. ખબર પડી જશે.

વુડી એલનને એક વખત પૂછવામાં આવ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું ત્યારે એમણે કહ્યું, હું કામ કરતો રહું છું – બસ, આ જ મારા સક્સેસનું સીક્રેટ છે.

કામ કરતાં રહેવું, સતત કામ કરતાં રહેવું, કામ કરવાનું છોડવાનું નહીં – ચાહે ગમે તેવી પરિસ્થિતિ સર્જાય. જોઈતું બધું જ મળી જાય એ પછી સંતોષનો ઓડકાર આવે ત્યારે પણ કામમાંથી નિવૃત્તિ લઈ લેવી નહીં. અને આની સામે અનેક વિષમ પરિસ્થિતિઓ સર્જાતી રહે, પછડાટ પર પછડાટ આવતી રહે તોય કામ કરવાનું છોડી દેવું નહીં.

કામ કરતાં રહેવું. ગમે એટલી ક્રિટિસિઝમ થતી હોય તોય કરતાં રહેવું. ચારે બાજુથી પ્રશંસાનાં પુષ્પો વરસતાં હોય ત્યારે તમારે તમારાથી ધરાઈ જઈને કામમાં આળસ કરવી નહીં.

બચ્ચનજીને જુઓ. આ ઉંમરેય નવરત્ન તેલની નવી નવી જાહેરખબરો કરતા રહે છે. પૈસા માટે? ના. સાત પેઢી ખાય એટલા છે. કીર્તિ માટે? સિત્તેર પેઢી પછી પણ એમનું નામ યાદ રહેવાનું છે. જેમ શેક્સપિયરને લોકો ૪૦૦ વર્ષ પછી પણ યાદ કરે છે. તો શું કામ તેઓ જ્હોની વૉકરવેડા કરીને સર જો તેરા ચકરાયે ગાઈને ઠંડા ઠંડા કૂલકૂલ તેલની માલિશ માટે પોતાની શક્તિ પોતાનો સમય ખર્ચે છે.

એમને ખબર છે કે આ ઉંમરે હવે મારા માટે એક એક દિવસની કિંમત છે. એક પણ મિનિટ વેડફવાની નથી. તેલની જાહેરખબર નહીં કરું ને ઘરે બેસી રહીશ કે સંજય લીલા ભણસાલીની ‘બ્લૅક’ જેવી સ્ક્રિપ્ટ આવશે તો જ કામ કરવું છે, નહીં તો નહીં, આવું વિચારીને બચ્ચનજી જો ઘરે બેસી રહેશે તો બેસી જ રહેશે. એમના પાંચ મૂલ્યવાન દિવસ વેડફાઈ જશે. પૉલ આર્ડને આ સલાહ આપી એના દાયકાઓ પહેલાં બચ્ચનજીએ પોતાના જીવનમાં આ વાત ઉતારી દીધી હતી. કામ કરતાં રહેવું – સફળતા એની મેળે આવશે. અને આ ઉંમરેય કામ કરતા રહે છે, પછી ભલે ને એ નવરત્ન તેલની ઍડ હોય, એટલે જ બચ્ચનજી, બચ્ચનજી છે.

આજનો વિચાર

વખાણની નહીં, ટીકાની ઉઘરાણી કરો.

– પૉલ આર્ડન

એક મિનિટ!

આ કેજરીવાલ રોજ નવી નોટોમાં જાતજાતની ભૂલો શોધ્યા જ કરે છે.

હવે કહે છે કે ગાંધીજીનાં ચશ્માંના નંબર ખોટા છે!

( મુંબઇ સમાચાર : સોમવાર, 1 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *