ડાહ્યા લોકો અને અળવીતરા લોકો

ત્રણ પ્રકારના લોકો હોય છે. એક ડાહ્યાડમરા. મીઠું મીઠું બોલીને સૌને વહાલા થનારા. સભ્યતાથી વર્તનારા. નોકરીમાં આવા લોકોને ઝડપભેર પ્રમોશન મળતું જાય. નાની ઉંમરે મોટા પગારો મેળવતા જાય અને નિવૃત્ત થાય ત્યારે બાકીની આખી જિંદગી લક્ઝરીથી રહી શકે એટલું કમાઈ ચૂક્યા હોય. પણ આવા લોકોએ પોતાની જિંદગીમાં કે દુનિયામાં ચીંધ્યા કામ સિવાય બીજું કશું ઉકાળ્યું ન હોય. આવા લોકો જે કામ કરી ગયા તે કામ બીજા હજારો જણા કરી શક્યા હોત. આવા લોકોના હોવાથી દુનિયા આગળ નથી વધતી, માત્ર સિસ્ટમો સચવાઈ જાય છે.

બીજા પ્રકારના લોકોના મનમાં ઘણું ઘણું કરી નાખવાની હોંશ હોય છે પણ તેઓ પ્રથમ પ્રકારના લોકોને જોઈને પોતાને પણ એવાં પ્રમોશનો મળે, પગારો મળે એવી છૂપી ખ્વાહિશ રાખતા હોય છે. આને કારણે એમનું વર્તન, એમનું કામ ન ઘરના ન ઘાટના જેવું થઈ જાય છે. એની કરિયર, એનું જીવન અડધે પહોંચીને જ વેરવિખેર થઈ જાય છે. એ વિચારતો થઈ જાય છે કે પહેલા પ્રકારના લોકો કરતાં હું વધારે ટેલેન્ટેડ છું, મેં કંઈ ખોટું કર્યું પણ નથી તો શું કામ કોઈ મારો ભાવ પૂછતું નથી.

પૉલ આર્ડન ‘વૉટેવર યુ થિન્ક, થિન્ક ધ ઑપોઝિટ’માં કહે છે કે: એ જ તો એનો વાંક છે કે એણે કંઈ ખોટું કર્યું જ નહીં! એ ડરતો રહ્યો. જોખમ લઈશ તો કશુંક ખોટું કરી બેસીશ એવું માનીને પોતાની ક્રિયેટિવિટીનો એણે કશો ઉપયોગ કર્યો નહીં. છેવટે બાવાનાં બેઉ બગડયાં. ન એ આ તરફનો રહ્યો, ન પેલી તરફનો.

ત્રીજા પ્રકારની વ્યક્તિઓ પહેલેથી જ અવ્યવહારુ તરીકે પંકાઈ ગયેલી હોય છે. એમના દસ નવા આઈડિયાઝમાંથી નવ ફ્લૉપ જતા હોય છે. આને લીધે એમણે વારંવાર જૉબ બદલવી પડે છે. પણ કામનાં થોડાંક વર્ષ બાદ લોકોને ધ્યાનમાં આવે છે કે દસમાંથી નવ કામ જેનાં નિષ્ફળ ગયાં તે વ્યક્તિએ જે એક કામ સફળ કર્યું તે એ કક્ષાનું હતું જેને કારણે એના ક્ષેત્રમાં તાજગીની એક નવી લહેરખી આવી. આવાં દર દસ કામે નવ કામ ફ્લૉપ કરતાં જઈને એણે જે એક એક સફળ કામ કર્યાં તેની યાદીનો સરવાળો વધતાં વધતાં ચાળીસ-પચાસની ઉંમરે એટલો મોટો થઈ જતો હોય છે કે લોકોને સમજાય છે કે અત્યાર સુધી અમે આની અવગણના કરતાં રહ્યા તે ખોટું થયું. એની કરિયરમાં જેટલા અપ્સ હતા તેના કરતાં ડાઉન્સ વધારે હતા. એ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં તુંડમિજાજી અને રૅક્લેસ ગણાતી. એની આખી જિંદગી એવી ગણાતી. જયૉર્જ બર્નાર્ડ શૉએ આવી વ્યક્તિઓ વિશે કહેલું: રિઝનેબલ માણસો કે ડાહ્યા માણસો દુનિયાને અનુકૂળ થઈને જીવતા હોય છે. અનરિઝનેબલ કે અળવીતરા માણસો દુનિયાને પોતાની સાથે અનુકૂળ કરી લેતા હોય છે. આ દુનિયાની જે કંઈ પ્રગતિ છે તે આવા અનરિઝનેબલ લોકોને કારણે જ છે.

પૉલ આર્ડન કહે છે કે બધા લોકો નવું કામ શરૂ કરવા પરફેક્ટ ટાઈમિંગ, પરફેક્ટ પરિસ્થિતિની રાહ જોઈને બેસી રહેતા હોય છે. એવી રાહ જોવાને બદલે કામ શરૂ કરી દેવાનું અને ફાઈન ટ્યુન કરતાં જવાનું.

તમારા કામ વિશે કોઈની પાસેથી સાચો ઓપિનિયન મેળવવો હોય તો એવું નહીં પૂછવાનું કે કેવું લાગ્યું? જવાબમાં તમારાં વખાણ જ સાંભળવા મળશે. પૂછવાનું કે: આમાં ખામી કયાં છે? અથવા આમાં હજુ શું સુધારો થઈ શકે? અથવા મેં કયાં ભૂલ કરી હોય એવું તમને લાગે છે? આવું પૂછશો તો સામેવાળી વ્યક્તિ તમને સાચો અભિપ્રાય આપશે જેમાંથી બે વાત તમે શીખી શકશો. આ પૉલ આર્ડનની સલાહ છે. બીજી એક સલાહ છે કે વાતો કરતાં હોઈએ ત્યારે તમારે શું કહેવું છે તે કહ્યા કરવાને બદલે બીજાએ શું કહેવું છે તે સાંભળો. વધારે શીખવા મળશે. કોઈ વાત ન સમજાય એવી હોય ત્યારે પોલાઈટલી પ્રશ્ર્ન પૂછો, કુતૂહલ દેખાડો. તમારી ને તમારી જ વાતો કરીને બીજાને ઈમ્પ્રેસ કરવાની ટેવ છોડી દો તમે. બીજાની વાતોમાં રસ લેશો તો જ એમને તમારી વાતોમાં ઈન્ટરેસ્ટ પડશે.

તમે તમારી જાતને જેટલી સિરિયસલી લેશો એટલા જ સિરિયસલી બીજા લોકો તમને લેશે. તમે જ જો તમારા વિશે લો ઓપિનિયન ધરાવતા હશો, તમને જો તમારા કામ માટે આદર નહીં હોય તો બીજાને કયાંથી તમારા માટે માન થવાનું. હાઉ યુ પ્રેઝન્ટ યૉરસેલ્ફ ઈઝ હાઉ અધર્સ વિલ વેલ્યુ યુ, પૉલ આર્ડનની આ સલાહ જેમની પાસે બદામની પોટલી છે એમના માટે છે, મમરાનો કોથળો ખભે ચઢાવીને લોકોને ઈમ્પ્રેસ કરવા નીકળી પડેલાઓ માટે નથી.

અહમ્ કે ઈગો એટલો વગોવાઈ ગયો છે કે લોકો પોતે મહાન છે એવું જતાવવા મારામાં કોઈ ઈગો નથી, હું અહમ્રહિત છું એવું બોલતા રહે છે. તમારી આ જિંદગી તમે છો એટલે જ છે. તમે નહીં હો તો આ જિંદગી પણ નથી. અને તમે એટલે તમારો અહમ્. ઈગોની નેગેટિવ વાતો પાંચસોવાર લખાઈ ચૂકી. એની ઊજળી બાજુ સમજો, જીવનમાં ઉતારો અને અહમ્ને એટલો પાળોપોષો કે એ તમને અહીંથી કયાંના કયાં લઈ જાય. દરેક ગ્રેટ માણસમાં મસમોટો ઈગો હોવાનો. કદાચ ઈગોને લીધે જ તેઓ ગ્રેટ બની શક્યા હોય છે.

ઑસ્કાર વાઈલ્ડનું એક અવતરણ આ પુસ્તકમાં છે: ‘મોટા ભાગના લોકો બીજાઓ જેવા બનવા માગે છે. એમના વિચારો બીજાના મંતવ્યોથી ઘડાય છે. એમની જિંદગી જાણે મિમિક્રી બની જાય છે.’

તમારી પાસે તમારો પોતાનો પૉઈન્ટ ઑફ વ્યુ છે? કે પછી પેલાએ આમ કહ્યું ને તમે એ અપનાવી લીધું. ત્યાં પેલું વાંચ્યું ને તમે સ્વીકારી લીધું. તમારી લાઈફ આવું કરીને ખીચડી બની જવાની. ટોટલ મેસ. તમારી પાસે જિંદગીને જોવાનો આગવો, તમારો પોતાનો દૃષ્ટિકોણ હશે તો જ તમે બીજા લાખો લોકો જે કામ કરે છે તેના કરતાં કંઈક જુદું કામ કરી શકવાના. દુનિયાને એક કદમ આગળ લઈ જવાના. ગેમ ચૅન્જર બનવું હશે તો લોકો જે દૃષ્ટિએ આ દુનિયાને જુએ છે તેનાથી ટોટલી ડિફરન્ટ એન્ગલથી તમારે એને જોવી પડશે.

ઘણા લોકો કહેતા હોય છે કે મારી પાસે ઘણા આઈડિયાઝ છે. ઘેર ગયા તમારા આઈડિયા. જે આઈડિયા અમલમાં મુકાતા નથી તેની વેલ્યુ ભંગાર જેટલી પણ નથી. અમલમાં નહીં મુકાયેલા સારા આઈડિયા કરતાં અમલમાં મુકાયેલો ખરાબ આઈડિયા લાખ દરજ્જે સારો. મનમાં ને મનમાં આઈડિયાઝ મૅન્યુફેક્ચર કરવાનું છોડી દઈને એમાંના કોઈ એક આઈડિયાને લઈને એનું ઈમ્પ્લીમેન્ટેશન શરૂ કરી દો અને એનું એક્ઝિક્યુશન પૂરું થયા પછી બીજો આઈડિયા હાથમાં લો, પછી ત્રીજો. આઈડિયાઝને માત્ર મનમાં ને મનમાં રાખી મૂકીને ફુલણજી બનવામાં કોઈ ફાયદો નથી.

પૉલ આર્ડનની હજુ કેટલીક વાતો બાકી છે. કાલે પૂરી કરીએ.

આજનો વિચાર

વેકેશનમાં પત્ની પિયર ગઈ હોય ત્યારે ઘર ખાવા ધાય છે. એટલે હું પીવા બેસી જઉં છું.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ રહેતા મિત્રોને પૂછીએ કે,

‘રાત્રે કેટલા વાગે સૂઓ છો?’

તો કહે,

‘બૅટરી લો થાય કે તરત!’

( મુંબઇ સમાચાર : શનિવાર, 29 એપ્રિલ 2017)

2 comments for “ડાહ્યા લોકો અને અળવીતરા લોકો

  1. LalitDMehta
    May 2, 2017 at 10:35 AM

    Really a different…thought..

  2. June 18, 2017 at 9:13 AM

    nice article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *