ખોટા નિર્ણયો લેવાની કળા

ગાડરિયો પ્રવાહ અને આઉટ ઑફ બૉક્સ થિન્કિંગ. આ બે વિરોધાભાસી ટર્મ્સ છે.

માણસ નાનપણથી જે વાતાવરણમાં ઊછરે છે તેને કારણે એ પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવા નથી માગતો. કંઈક જુદું વિચારવું હોય, કશુંક નવું કરવું હોય તો એણે પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડે. આઉટ ઑફ બૉક્સ થિન્કિંગ માટે માત્ર કલ્પનાશક્તિની જ નહીં, જોખમ લેવાની તૈયારી પણ રાખવી પડે. કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને ઈન્સિક્યોર્ડ લાઈફ જીવવાની તૈયારી પણ રાખવી પડે. ફૂટપાથ પર ચાલનારા લાખો-કરોડો માણસો છે. તંગ દોરડા પર હાથમાં લાંબો વાંસડો રાખીને બૅલેન્સ જાળવીને ચાલતા ટ્રેપીઝ આર્ટિસ્ટમાં અને ફૂટપાથ પર ચાલનારાઓ વચ્ચે જે ફરક છે તે જ ફરક ગાડરિયા પ્રવાહમાં ભળી જનારા અને આઉટ ઑફ બૉક્સ થિન્કિંગ કરનારાઓ વચ્ચે છે. ટ્રેપીઝ આર્ટિસ્ટ બૅલેન્સ ચૂકી જશે અને નીચે બાંધેલી નેટ પર ગબડી પડશે તોય આપણે એની જોખમ લેવાની હિંમતને દાદ આપીને એને બિરદાવવાના, ફૂટપાથ, ચાલનારો કોઈ પડી જશે તો આપણે એને બિરદાવવાના છીએ?

કેટલીક વાર જે દેખાતો નથી તે જ રસ્તો તમારા માટે સર્જાયેલો હોય છે. રસ્તો નથી દેખાતો કારણ કે તમારું ધ્યાન બીજા અનેક તૈયાર રસ્તાઓ પર છે જેના પર અસંખ્ય લોકો આગળ વધી રહ્યા છે. જે રસ્તે જવાનું હજુ સુધી કોઈએ વિચાર્યું નથી એ માર્ગ ભલે ડરામણો લાગતો હોય પણ આવા માર્ગે ચાલીને જ કોઈ ચાવાળો પ્રધાનમંત્રી બનતો હોય છે અને આવા માર્ગે ચાલીને જ કોઈ બાલ બ્રહ્મચારી ભગવાધારી સાધુ મલ્ટિનૅશનલ કંપનીઓને હંફાવતી દેશી ઉત્પાદનોની શૃંખલાથી ગાંધીજીના સ્વદેશી અભિયાનને સાકાર કરતો હોય છે.

હવે સવાલ એ આવે કે ચીલો ચાતરવો કેવી રીતે?

પૉલ આર્ડન નામનો લેખક વિશ્ર્વની ટૉપમોસ્ટ એડ એજન્સી સાચી ઍન્ડ સાચીનો ક્રિયેટિવ ડિરેક્ટર હતો. બ્રિટિશ ઍરવેઝ, ટોયોટા, ફયુજિ ફિલ્મ્સ વગેરેમાં એડ કેમ્પેન એનું ક્રિયેશન છે. ૨૦૦૮માં ૬૮ વર્ષની વયે ગુજરી ગયા ત્યારે એમનાં ત્રણ યાદગાર પુસ્તકો વડે દુનિયામાં અમર થઈ ગયા. એક તો ‘ઈટ્સ નૉટ હાઉ ગુડ યુ આર, ઈટ્સ હાઉ ગુડ યુ વૉન્ટ ટુ બી’. બીજું, ‘વૉટેવર યુ થિન્ક, થિન્ક ધ ઑપોઝિટ’ અને ત્રીજું, ‘ગૉડ એક્સ્પ્લેન્ડ ઈન અ ટૅક્સી રાઈડ.’

પૉલ આર્ડન ‘વૉટેવર યુ થિન્ક, થિન્ક ધ ઑપોઝિટ’ પુસ્તક માટે દાવો કરે છે કે: આ પુસ્તક તમને ખોટા નિર્ણયો લેતાં શીખવાડશે! આ પુસ્તક વાંચીને તમને ખબર પડશે કે જિંદગીમાં ખરી સિક્યુરિટી રિસ્ક લેવામાં જ છે.

હવે જે કંઈ વિચારો વહેવાના છે તેની ગંગોત્રી પૉલ આર્ડનની આ બુકમાં છે:

આ દુનિયા તમે જેવી વિચારો છો એવી જ છે. તો તમારા વિચારોની દિશા બદલો, દુનિયા બદલાઈ જશે!

થિન્કિંગ પેટર્ન બદલાવાથી દરેક ક્ષેત્રમાં કેવી રીતની પ્રગતિ થાય છે તેનો ઉત્તમ દાખલો ૧૯૬૮ની મેક્સિકો ઑલિમ્પિક્સમાં જોવા મળ્યો. અત્યાર સુધી હાય જમ્પ કરનારાઓ માથું જમીન તરફ રહે એ રીતે શરીરને ફંગોળતા જે ટેક્નિક વેસ્ટર્ન રોલ તરીકે ઓળખાતી અને ૧૯૬૮ પહેલાંનો વર્લ્ડ રેકૉર્ડ હતો પાંચ ફીટ આઠ ઈંચ. ડિક ફોસ્બરી નામના એથ્લીટે નવી ટેક્નિકથી હાય જમ્પ માર્યો. પીઠ જમીન તરફ અને માથું આકાશને જુએ તે રીતે શરીર વાળીને ફંગોળ્યું. પાંચ-આઠને બદલે ૭-સવા ચારનો કૂદકો એ લગાવી શક્યો. ત્યારથી આ ટેક્નિક ફોસ્બરી ફલોપ તરીકે પ્રચલિત થઈ અને પચાસ વર્ષ પછી પણ હાય જમ્પની આ નવી ટેક્નિક જ વપરાય છે.

તમારી થિન્કિંગની ટેક્નિકમાં પણ જો તમે આવો બદલાવ લાવી શકો તો તમે વિશ્ર્વવિક્રમો સર્જી શકો.

ક્લાસિક એક્ઝામ્પ્લ પબ્લિશિંગ ઈન્ડસ્ટ્રીનું છે. ૧૯૩૪ની વાત. પૅન્ગવિન પબ્લિશર્સે પુસ્તકવિક્રેતાઓને કહ્યું કે પ્રકાશન ઉદ્યોગમાં અમે પેપરબૅકની નવી ક્ધસેપ્ટ લાવીએ છીએ અને માત્ર છ પેન્સમાં પુસ્તક વેચાણ માટે મૂકીશું. પુસ્તકવિક્રેતાઓ કહે કે ૭ શિલિંગ અને ૬ ડાઈમની વેચાણ કિંમત ધરાવતી હાર્ડ બાઉન્ડ બુક્સમાં પણ અમે માંડ માંડ નફો મેળવીએ છીએ તો આ છ પેનની ચોપડીમાં અમને શું મળવાનું! લેખકોએ પણ વિરોધ નોંધાવ્યો કે આટલી ઓછી છાપેલી કિંમતમાં અમને રૉયલ્ટી મળી મળીને કેટલી મળવાની? બીજા પબ્લિશરોએ પણ પોતાને ત્યાંનાં પુસ્તકોના પેપરબૅકના રાઈટ્સ આપવાની ના પાડી – આ રીતે તે કંઈ ધંધો થતો હશે?

પણ થયો. જબરજસ્ત થયો. ધ રેસ્ટ ઈઝ હિસ્ટરી.

લજ્જા તમારા શરીરને કોઈ નગ્ન જોઈ જાય એમાં છે કે એ શરીર તમારું છે એની કોઈને ખબર પડી જાય એમાં? નાનકડી વાર્તા છે. ઈંગ્લેન્ડમાં ઑક્સફર્ડ પાસેની નદીમાં નિર્વસ્ત્ર નહાવાનો રિવાજ છે. એક પ્રોફેસર આ રીતે નહાઈને પાણીની બહાર નીકળ્યા. ટોટલ દિગંબર. ત્યાં જ થોડીક સ્ટુડન્ટ્સ નાનકડી હોડીમાં પસાર થઈ. પ્રોફેસરે તરત જ પોતાનો ટુવાલ લઈ પોતાના મોઢા પર ઢાંકી દીધો!

આપણી તકલીફ એ નથી કે આપણે ખોટા નિર્ણયો લઈએ છીએ. આપણી તકલીફ એ છે કે આપણે બીજા બધાની જેમ સાચો નિર્ણય લેવાની કોશિશ કરીએ છીએ. આપણી સામે જેટલી હકીકતો, માહિતી છે એના આધારે આપણે સાચો નિર્ણય લેવાની કોશિશ કરીએ છીએ. બીજા બધા જ એવું કરતા હોય છે, અને એટલે આપણે એમનાથી જુદા પડતા નથી, અને એટલે આપણે ગાડરિયા પ્રવાહમાં તણાયા કરીએ છીએ. આપણે સાચા લીધેલા નિર્ણયો આપણને ક્યાંય લઈ જતા નથી.

તમે જો બીજા લોકો જેવા જ નિર્ણયો લેતા રહેશો તો તમે પણ એમના જેવા જ બનવાના, કંઈ જુદું નહીં કરી શકવાના. જે લોકો અત્યારે તમારા આદર્શ છે એમણે કંઈક જુદા નિર્ણયો લીધા એટલે અત્યારે તેઓ એ જગ્યાએ છે જ્યાં તમે પહોંચવા માગો છો. પણ હવે તમારે એમના જેવા બનવું હશે તો એમણે લીધેલા નિર્ણયોને બદલે હજુ કંઈક જુદા જ નિર્ણયો લેવા પડશે. ત્યારે જઈને તમે એમની હરોળમાં બેસી શકો એવા બનવાના.

સલામતી બક્ષતા નિર્ણયો કરવાથી તમે ડલ, ક્રેડિક્ટેબલ અને તદ્દન ચીલાચાલુ રસ્તે આગળ વધવાના.

જોખમી નિર્ણયો લેશો તો તમે સતત સાવધ રહેવાના, સતત એ નિર્ણય વિશે વિચાર કરતા રહેવાના અને અત્યાર સુધી જે શક્યતાઓ વિશે તમે વિચાર પણ નહોતો કર્યો એવી બધી શક્યતાઓને એક્સ્પ્લોર કરતા થઈ જવાના. આ પ્રોસેસને પરિણામે તમે એવી જગ્યાએ પહોંચવાના જ્યાં જવાનું બીજા લોકોએ માત્ર ડ્રીમ જ જોયું હોય.

એક્સાઈટિંગ લાઈફ દરેકને જોઈએ છે. પણ એવી જિંદગી બનાવવા માટે જે જોખમ ઉઠાવવું પડે તે કોઈને નથી ઉઠાવવું. એટલે લોકો કરે છે શું કે પોતાની લાઈફને જેમની લાઇફ એક્સાઈટિંગ હોય એની સાથે જોડી દે જેથી એ લોકોનું થોડું ઘણું ગ્લૅમર પોતાને પણ માણવા મળે. તમને ખબર નથી કે જેમની રિફ્લેક્ટેડ ગ્લૉરીમાં તમે મહાલવા માગો છો, મને તો આ ઓળખે ને મારે તો આની સાથે ઓળખાણ – એ લોકોએ જ્યારે નિર્ણયો લેવાના હતા ત્યારે હિંમતભેર નિર્ણયો લીધા હતા, ખબર નહોતી કે ભવિષ્યમાં શું પરિણામ આવશે – છતાં એ નિર્ણયો લીધા. એમની ગ્લૅમર જે કામમાં આવે છે તે બધાં કામ તેઓ આ જોખમી નિર્ણયો લઈને કરી શક્યા. તમને જો ખરેખર આવી વ્યક્તિઓ માટે આદર હોય તો એમની ગ્લૅમરની ઈર્ષ્યા કરવાને બદલે એમણે લીધેલા જોખમી નિર્ણયો જેવાં ડિસીઝન્સ તમે પણ તમારી લાઈફ માટે લો.

જોખમી નિર્ણયો લેવાના. બહુ બહુ તો શું થશે? કોઈ તમને મારી તો નહીં નાખે ને? તો પછી બીજી ફિકર શેની? તમારે લાઈફમાં જે કંઈ જોઈએ છે તેનાં સપનાં જોયા કરવાથી કે એ વિશે વાતોનાં વડાં કર્યા કરવાથી કંઈ એ બધું મળવાનું નથી. તમારે ઊભા થઈને એ દિશામાં ડગલું ભરવું પડશે, પછી બીજું, પછી ત્રીજું. ગભરાયા વિના એક પછી એક રિસ્ક લેવા પડશે. દુનિયા જેને ગાંડપણ કહે એવું પાગલપન તમારા કામમાં દેખાડવું પડશે.

જોખીતોળીને, બધી બાજુથી લાઈફને સિક્યોર્ડ કરીને જીવવું હોય તો નાની નાની મઝાઓ અને નાના નાના એક્સાઈટમેન્ટ્સથી સંતોષ માની લેવાનો. લાઈફમાં ખરેખર કંઈક એવું અચીવ કરવું હશે, કંઈક પાથ બ્રેકિંગ કામ કરવું હશે તો રેકલેસ નિર્ણયો લેવા પડશે. જે કંઈ બધું ગોઠવીને, સાચવીને રાખ્યું છે તે બધું જ વિખરાઈ જવાની તૈયારી રાખવી પડશે.

આજનો વિચાર

તમારાથી કોઈ પ્રૉબ્લેમ સોલ્વ ન થતો હોય તો એનું કારણ એ કે તમે સ્થાપિત નિયમોના આધારે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

-પૉલ આર્ડન

એક મિનિટ!

‘તમને ક્યાંક જોયેલા લાગે છે. તમે એફ.બી. કે વૉટ્સઍપ પર છો?’

‘ના, ભાઈ! હું દસ વર્ષથી તારો પાડોશી છું.’

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 27 એપ્રિલ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *