લાઈફનું મૅનેજમેન્ટ કરતાં પહેલાં

લાઈફ મૅનેજ કરતાં શીખવું હોય તો સૌપ્રથમ સ્વભાવને મૅનેજ કરતાં શીખવું પડે. થોડીક વધુ ટિપ્સ.

જે ક્ષેત્રમાં હજુ સુધી કોઈએ પગ નથી મૂક્યો અથવા તો બહુ ઓછાએ એમાં પ્રવેશવાની હિંમત કરી હોય એવા ક્ષેત્રમાં કદમ માંડવાનું જોખમ લેનારાઓની નિષ્ફળતા પણ આદરથી જોવાય છે. નિષ્ફળતાનો ડર માણસને સફળતાથી દૂર લઈ જાય છે.

કોઈ એક કામમાં સતત નિષ્ફળ જતી વ્યક્તિએ થોડું આત્મપરીક્ષણ કરી લેવું જોઈએ. નસીબનો, વાતાવરણનો, સંજોગોનો કે બીજી વ્યક્તિઓનો દોષ કાઢવાને બદલે દર્પણમાં જોઈ લેવું જોઈએ. પોતાનો દોષ જોઈ ન શકતી વ્યક્તિ સતત નિષ્ફળ થતી રહે એવી શક્યતા વધારે.

કાયમી નિષ્ફળતામાં અને કામચલાઉ હારમાં ઘણો ફરક છે. જિંદગીનાં વીતેલાં વર્ષોને અને એ વર્ષો દરમિયાન અનુભવેલી નિષ્ફળતાઓને યાદ કરીએ તો લાગશે કે કામચલાઉ હાર વખતે ઝૂકી ગયા અને હાથ જોડીને બેસી રહ્યા એટલે જ એ હાર નિષ્ફળતામાં પલટાઈ ગઈ.

ટોચનો ક્રિકેટર પણ દરેક બૉલમાં સિક્સર ન ફટકારી શકે અને દરેક ઈનિંગમાં સેન્ચ્યુરી ન કરી શકે. એક વખત સફળતા મળ્યા પછી લોકોની તમારા માટેની અપેક્ષા ગેરવાજબી રીતે અનેકગણી વધી જતી હોય છે. તમારે તમારા કામને એ અપેક્ષાના બોજ તળે કચડી નાખવાની જરૂર નથી. સાતત્ય પરિણામનું હોય કે ન હોય, સાતત્ય કામનું હોવું જોઈએ. પરિણામનું સાતત્ય હોવું જોઈએ એવો આગ્રહ રાખવામાં જોખમ છે. કામનું સાતત્ય હશે તો જ ખબર પડશે કે સફળતા મળે છે કે નહીં. કામના સાતત્ય પછી પણ નિષ્ફળતા મળે તો સફળતાનો આનંદ મળે કે ન મળે, કામ કરવાનો, સફળતા પ્રાપ્ત કરવા માટે તમામ પ્રયત્નો કરી છૂટી છૂટવાનો સંતોષ તો મળવાનો જ છે.

આત્માના અવાજમાં અત્યાર સુધીના આપણા સંચિત અનુભવોનો સૂર ભળેલો હોય છે. કોઠાસૂઝથી લેવાતો નિર્ણય વધુ સાચો ઠરે છે. રોજિંદા જીવનમાં મનમાં આશંકા જાગે કે કશુંક અમંગળ બનવાનું છે એવી ભાવના થાય ત્યારે તર્ક કે બુદ્ધિ ગમે તે કહે, આપણે આપણું ધાર્યું જ કરવાનું હોય. વિનોબા ભાવેએ ‘ગીતા પ્રવચનો’ના આરંભે જ કહ્યું હતું: ‘તર્કને છોડી શ્રદ્ધા અને પ્રયોગની બે પાંખોથી ગીતાના આકાશમાં મારાથી જવાય તેટલું ઊંચે હું ઊડું છું.’

ગમે એટલી જિનિયસ વ્યક્તિ પણ એક સમયે એક કરતાં વધારે કામ શ્રેષ્ઠ રીતે કરી શકતી નથી. ‘શ્રેષ્ઠ રીતે’ શબ્દ અગત્યના છે. એક જ કામ હાથમાં લઈને બધું ધ્યાન એને પૂરું કરવામાં વાપરવામાં આવે ત્યારે એ કામનું શ્રેષ્ઠ પરિણામ આવે એવી શક્યતા ઊભી થાય. એ કામ પૂરું થયા પછી બીજું કામ હાથમાં લેવાય તે વખતે ફરી એવી શક્યતા ઊભી થાય. એવું જ એ પછીનાં બધાં જ કામની બાબતમાં બને, પણ એકસાથે બધાં કામ હાથમાં લઈ જલતરંગ વગાડતા હોઈએ એ રીતે દરેક કામના પાણી ભરેલા વાટકા પર થોડી થોડી વારે લાકડી ફટકારતા જઈએ તો એમાંથી સંગીત સર્જાવાને બદલે બેસૂરા બનતા જતા જીવનનો રાગ ધમાલ પ્રગટે.

દરેક વ્યક્તિએ પોતાના માટે જિંદગીનો હેતુ શું છે એ પોતાની રીતે જ નક્કી કરી લેવું પડે. બીજાની મદદ એમાં ન લેવાય. કેવી રીતે નક્કી થાય! ત્રણ સવાલ પૂછીને:

૧. આ જ રીતે મારી જિંદગી ચાલ્યા કરશે તો દસ વરસ પછી હું ક્યાં હોઈશ? જીવનમાં આગામી દસ વર્ષ પણ વીતેલા દાયકા જેવાં જ જોઈએ છે? ૨. અત્યારે જે કંઈ મેળવ્યું છે અથવા તો જે કંઈ મળ્યું છે તેના આધારે હવે પછીની જિંદગી જીવવી છે કે પછી જૂનું તોડીને, નવું બાંધીને આગળ વધવું છે? ૩. જિંદગી પાસેથી મારે જે કંઈ જોઈએ છે તે મેળવવા હું જિંદગીને શું કિંમત આપવા તૈયાર છું? મારી પાસે એવું શું છે જેના બદલામાં હું જિંદગી પાસેથી નિશ્ર્ચિત અપેક્ષા રાખું છું?

પાત્રતા વિના કશુંય પામી શકાતું નથી, ભૂલેચૂકેય મળી જાય તો એ લાંબું ટકતું નથી.

જીવનમાં કશુંક જોઈતું મળી જતું હોય ત્યારે મનમાં પ્રશ્ર્ન નહીં કરવાનો કે મેં આ માટે કેટલી મોટી કિંમત ચૂકવી. જિંદગીમાં જોઈતું મેળવવા માટે ચૂકવવી પડતી કોઈ પણ કિંમત વાજબી હોવાની.

જિંદગીમાં જીતી જનારા અનેક લોકો પોતાની લાયકાતને કારણે નહીં, બીજાઓની ગેરલાયકાતને લીધે જીતી ગયેલા હોય છે. કોઈ પણ ભોગે જીતી જનારા લોકોની જીત કરતાં, કોઈનોય ભોગ ન લેવામાં માનતા લોકોની હાર વધુ આદરપાત્ર છે.

કેટલીક લાગણીઓ માણસમાં એવી છે જેની અભિવ્યક્તિ એ ધારે તોય પ્રગટપણે ન કરી શકે. ગુસ્સો, દુ:ખ, કાળજી, સંતોષ વગેરે પ્રગટ કરી શકો, પણ ઈર્ષ્યાને તમે ધારો તોય પ્રગટ ન કરી શકો. ઈર્ષ્યાની સીધી અભિવ્યક્તિ શક્ય નથી એટલે જ એ અવારનવાર કૂથલીરૂપે બહાર આવ્યા કરતી હોય છે.

જેને પડકારવા માટે આપણે ખૂબ વામણા હોઈએ એની જ નિંદા આપણે કરતાં હોઈએ છીએ.

બીજાઓએ તમારા માટે સર્જેલી તકલીફો દૂર કરવા બીજું કોઈ આવવાનું નથી. એ કામ તમારે જ કરવું પડશે. વાંક બીજાનો હોય કે પોતાનો, જિંદગી તો બીજાની નથી. એને આગળ વધારવાની, સમૃદ્ધ કરવાની કે તકલીફમાંથી બહાર લાવવાની જવાબદારી પણ એની જ છે જેના નામે આ જિંદગી લખાયેલી છે.

કોઈનું વર્તન તમને અયોગ્ય લાગે ત્યારે ગુસ્સે થવાનો તમને હક્ક છે, પણ આવું વર્તન કરવા પાછળનાં એનાં કારણો વિશેની પૂરતી માહિતી કે હકીકતો તમારી પાસે તે ક્ષણે ન હોય એ શક્ય છે. તમે ગુસ્સે થઈને, ઘાંટા પાડીને, દલીલો કરીને એ કારણો જાણવાની કોશિશ કરો છો ત્યારે એ વ્યક્તિ તમને પૂરતી માહિતી આપવા માટે કે યોગ્ય સંદર્ભો સમજાવવા માટે અસમર્થ બની જાય.

ધાર્યું કરવામાં જેટલી મક્કમતાની જરૂર પડે છે એટલી જ મક્કમતા જતું કરવામાં વપરાય છે. જતું કરવું એ કોઈ નિર્બળતાની નિશાની નથી. છેવટ સુધીના પ્રયત્નો કરી છૂટ્યા પછી જતું કરી દેવાથી કઈ દિશા બંધ છે એની ખાતરી થઈ જાય છે અને એવી ખાતરી મળ્યા પછી નવી દિશાઓ તરફ જોવાની દૃષ્ટિ મળે છે.

કોઈક કશું કહે છે કે તમે કશુંક વાંચો છો, જુઓ છો કે સાંભળો છો ત્યારે મન એનો તાત્કાલિક પ્રતિભાવ આપે છે. તત્કાળ પ્રતિભાવ હંમેશાં સાચો જ હોય એ જરૂરી નથી. ‘હું તો મનમાં આવ્યું તે ફટાક દઈને કહી દઉં’ એવું કહેનારા લોકો બીજાને દૂભવીને પસ્તાતા હોય છે. એમને સમજાય છે કે મનમાં જે ઊગ્યું તે તરત જ કહી દીધું ન હોત તો ફેરવિચારની તક મળી હોત, સેક્ધડ રિએક્શનની તક મળી હોત. મેડિસિન ક્ષેત્રે સેક્ધડ ઓપિનિયનનું મહત્ત્વ સ્વીકારાયું છે. એ જ રીતે લોકો સાથેના વ્યવહારમાં સેક્ધડ રિએક્શનનું મહત્ત્વ સમજાવું જોઈએ. સેક્ધડ રિઍક્શન એટલે તીર છૂટી ગયા પછી એને અડધે રસ્તેથી પાછું વાળી લેવાની કળા.

આવતી કાલે પૂરું.

આજનો વિચાર

ક્યારેક વિચાર આવે છે કે અનુ મલિક જ્યારે કોઈને ફોન કરે ત્યારે આવું સાંભળતો હશે ત્યારે એને કેવું લાગતું હશે:

ગાના કૉપી કરને કે લિયે, સ્ટાર ઔર નૌ દબાયે…

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

બકો કાલે શાકમાર્કેટ ગયો ત્યાં એને એની એક્સ મળી ગઈ. પેલી હસી. પછી એના નાનકડા પપ્પુને કહ્યું,

‘બેટા, મામાને કેમ છો કહો!’

દીકરો બોલ્યો, ‘મમ્મા, આજે તેં જેટલા મામાઓની ઓળખાણ કરાવી એટલા તો તેં બટાકા પણ નથી લીધા.’

બચ્ચે મન કે સચ્ચે!

( મુંબઇ સમાચાર : મંગળવાર, 25 એપ્રિલ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *