સ્વભાવનું મૅનેજમેન્ટ: કેટલીક ટિપ્સ

સ્વભાવ એટલે આપણે જેને માણસનો નેચર કહીએ છીએ તે અને સ્વભાવ એટલે માણસની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ. બ્રાહ્ય નહીં, આંતરિક વ્યક્તિત્વ. કોઈ દેખાવડી વ્યક્તિને જોઈને એની પર્સનાલિટી બહુ સરસ છે એવું કહીએ એ અર્થમાં વ્યક્તિત્વ નહીં, પણ કોઈનો સ્વભાવ તમને ન ગમતો હોય ને તમે કહો કે મને એની પર્સનાલિટી નથી ગમતી તે અર્થમાં.

સ્વ-ભાવ એટલે તમે અંદરથી જે છો તે. તમારે જો સમજવું હોય કે અંદરથી તમે કેવા છો તો એ સમજવાની બે રીત છે: ૧. તમારી અંદર ઊતરીને જોવું અને ૨. તમારામાંથી જે બહાર આવે છે એનું નિરીક્ષણ કરવું. તમારી આ બેઉ બાબતોને તમે ફાઈન ટ્યૂન કરી શકો છો. તમને તમારામાં જે ન ગમતું હોય તેનું પ્રમાણ ઘટાડી શકો છો. તમને તમારામાં જે વધારે ગમતું હોય તેનું પ્રમાણ હજુ વધારી શકો એમ છો. તમે તમારા સ્વભાવનું મૅનેજમેન્ટ કરી શકો છો.

કેવી રીતે?

થોડીક બહુ જ સરળ ટિપ્સ છે.

કોઈ તમને વાતવાતમાં ઉતારી પાડવાની કોશિશ કરતું હોય, તમારી સાથે દલીલબાજી કર્યા જ કરતું હોય તો એને રિસ્પોન્સ નહીં આપવાનો.

બીજાઓ તમારા વિશે શું વિચારે છે તેની દરકાર નહીં રાખવાની.

બીજાઓને ખુશ કરવાની જવાબદારી તમારી નથી, તમારી પહેલવહેલી જવાબદારી તમને ખુશ કરવાની છે એવું દૃઢપણે માનવાનું.

જેના ને તેના પર આવેશમાં કે લાગણીથી દોરવાઈને વિશ્ર્વાસ મૂકી દેવાની ટેવ ખોટી.

વગર કારણે (કે ઈવન કારણ હોય તો પણ) કોઈનીય સાથે તોછડાઈથી વર્તવાની જરૂર નથી. એવું કરવાથી તમે વધારે ડિસ્ટર્બ થાઓ છો.

સામેની વ્યક્તિને તમારી માપપટ્ટીથી માપવાનું બંધ કરી દેવાનું. એ ભલી, એની દુનિયા ભલી. તમારે શું કામ એની હર કોઈ વાત વિશે ન્યાય તોળવાનો. તમે તમારું કામ કરો. એને એનું કરવા દો.

ભવિષ્યમાં તમારી જિંદગીમાં આવું જ બનવું જોઈએ ને આવું નહીં એવી આશા ભલે રાખો, આગ્રહ નહીં, જીદ નહીં. જીદ પૂરી કરવા માટેના ધમપછાડામાં સફળતા મળે તોય ઝૂંટવીને લીધેલાં એ પરિણામોનો સ્વાદ ફિક્કો બની જાય છે.

બધાની સાથે એકસરખું વર્તન રાખવાની જરૂર નથી. હા, જરૂર નથી. તમે જેવા છો એવા દેખાવાની જરૂર બધે નથી હોતી. સામેવાળી વ્યક્તિ કોણ છે અને અત્યારે કેવા સંજોગો છે તે પ્રમાણે તમારા વર્તનમાં તમે ફેરફાર કરો તેને કારણે કંઈ તમે દંભી નથી થઈ જતા. દંભ આખી જુદી જ વાત છે.

બીજાઓ પાસેથી ઉષ્માભરી લાગણી કે પોતાનાં વખાણ મેળવવાની સતત ભૂખને કારણે તમારું વ્યક્તિત્વ આળું અને અન્ય પર આધાર રાખનારું થઈ જશે. વખત જતાં તમારું સમગ્ર લાગણીતંત્ર તમે બીજાના હાથમાં સોંપી દેશો અને પસ્તાશો, બધા મારા વિશે સારું સારું જ બોલે એવી મેન્ટાલિટી છોડી દેવાની.

તમે ચિંતામાં હો તે છતાં પ્રસન્નતામાં ગળાડૂબ રહી શકો છો એવું અનુભવે સમજાતું હોય છે. બહારનાં કોઈ પણ પરિબળો તમારી અંદરની મધુરતાને ખલેલ પહોંચાડતાં અટકી જાય એવી અવસ્થાને ખરી મૅચ્યોરિટી કહેવાય જે માત્ર ઉંમર વધવાની સાથે ન આવે.

સતત ભૂતકાળના અને ભવિષ્યના વિચારોમાં હીંચકા ખાધા કરતા માણસ પાસે વર્તમાન જેવું કશું બચતું નથી અને વર્તમાન રહેતો નથી એટલે એના ભૂતકાળમાં કશું ઉમેરાતું નથી, એના ભવિષ્યમાં કશું ઉમેરવું નથી. એની સમૃદ્ધિ ધીમે ધીમે ઘસાવા આવે છે. પોતાના વર્તમાનને જે વ્યક્તિ સમૃદ્ધ નથી કરી શકતી તેની આ જ હાલત થવાની.

લોકો તમને સાચા અને સારા દેખાવા માટે પ્રોત્સાહન આપતા હોય છે, સાચા અને સારા હોવા માટે નહીં. લોકોની મોહજાળમાં ફસાવાનું નહીં.

શરદી દૂર કરવાના ઈલાજો વિશેનો કોઈ વૈદરાજનો લેખ છાપામાં વાંચી લેવાથી તમારી શરદી ગાયબ થઈ જતી નથી. પૉઝિટિવ થિન્કિંગનાં પુસ્તકો, છૂટક લેખો, નિયમિત કૉલમો વાંચીને કે પછી મોટિવેશનલ પ્રવચનો સાંભળીને ‘ખૂબ શીખવા મળ્યું’ એવું કહી દેવાથી માણસનો સ્વભાવ બદલાઈ જતો નથી.

સારા વિચારોનો તૈયાર છોડ ઉછીનો લાવીને મનમાં રોપી દેવાથી કોઈ અર્થ સરતો નથી. એ છોડ એના પોતાનામાં ગમે એટલો ઉત્તમ હોય, ઘટાદાર વૃક્ષ બનવાની ખાતરી આપનારો હોય, છતાં એને તમારી ભૂમિ – એ ગમે એટલી ફળદ્રુપ હોય તો પણ – માફક ન આવે એ શક્ય છે. તૈયાર છોડ લાવીને રોપી દેવાને બદલે સારા વિચારોનાં બીજ શોધી શોધીને વાવવાં જોઈએ અને રોજ એની કાળજી લેવી જોઈએ. આ રીતે ઉગેલા કોઈ પણ છોડનાં મૂળિયાંની જમીન પરની પકડ મજબૂત રહેવાની. મામૂલી ઝંઝાવાતો સામે તો એ સહેલાઈથી ટકી શકશે જ, જબરદસ્ત આંધી વખતે પણ એ ઊખડી નહીં પડે. આપણે પોતે ઉછેરેલા વિચારોનો સૌથી મોટો ફાયદો એ કે એ વિચારો મુજબનું વર્તન કરવાના પ્રયત્નોમાં નિષ્ઠા આપોઆપ આવી જાય. એ વિચારો મુજબનું આચરણ કરવાના પ્રયત્નોમાં દિલચોરી કરવાનું મન ન થાય.

વાત વાતમાં ફરિયાદ કરવાથી પોતે સંપૂર્ણતાનો કરેલો આગ્રહ રાખે છે એવું સ્થપાઈ જશે એ પ્રકારનો વહેમ ઘણા લોકોને હોય છે. વાત વાતમાં વાંકું પાડવું કે સ્વભાવે જ વાંકદેખા હોવું આ બધાં લક્ષણોના મૂળમાં વારંવાર ફરિયાદ કરવાની આદત રહેલી છે. આપણે કૅટેગરીમાં ન મુકાવું.

મન થાય એ બધું જ કરવું કે મેળવી લેવું જરૂરી નથી હોતું જીવનમાં. કઈ ઈચ્છાને કાચના શોકેસમાં ગોઠવાયેલી કોઈ આકર્ષક ચીજની માફક દૂરથી જ નિહાળીને આગળ નીકળી જવું અને કઈ ઈચ્છાને પ્રયત્નપૂર્વક, સમજાવી પટાવીને પાછી વાળવી અને ન માને તો એની ધૂમક્રિયા કરી નાખવી એ સમજી લેવું જરૂરી છે. જે કઈ મેળવવાની ઈચ્છા પ્રગટે એ બધું જ પ્રાપ્ત કરી લેવું જરૂરી નથી. અત્યાર સુધી જન્મેલી અને સંતોષાઈ ચૂકેલી અડધો અડધ ઈચ્છાઓ અત્યારે એના પરિણામ સામે તમારા મનના ભંડકિયામાં ધૂળ ખાતી પડી છે. એને પૂરી કરવામાં તમારો ઘણો અમૂલ્ય સમય ખર્ચાઈ ગયો, શક્તિઓ નીચોવાઈ ગઈ અને બદલામાં મળ્યું શું? ટોટલ વેસ્ટેજ.

તમારા વ્યવસાયના ક્ષેત્રમાં તમારો અસલ સ્વભાવ કે તમારું અસલ વ્યક્તિત્વ પ્રગટ થાય તે જરૂરી નથી. વ્યક્તિનો વ્યવસાય એના અંગત જીવન પર પહેરાયેલો બુરખો હોય છે. અસલ ચહેરાની ખામીઓ છુપાવવા માટેનો નહીં, અસલ ચહેરાની કુમાશને જાળવી રાખવા માટેનો. અંદરનું એકાંત ક્યાંક ઢોળાઈ ન જાય એ માટેનો.

જિંદગીની તેજીમાં સડસડાટ ચાલતો કાફલો કાળની થપાટ સમી મંદીની આંધીમાં વેરવિખેર થઈ જાય ત્યારે શાણો માણસ આગળ વધવાને બદલે બે ડગલાં પાછળ જવામાં ડહાપણ સમજે. ભાવિ વિશેની ગણતરી ખોટી પડી રહી છે તેવું લાગે ત્યારે આખેઆખો દાખલો ખોટો પડે ત્યાં સુધી રાહ જોવાને બદલે પાછા જઈને નવેસરથી દાખલો માંડવાનો હોય. આગળ વધવાના વધુ રસ્તાઓ ખૂલે એ માટે ક્યારેક પીછેહઠ કરવી જરૂરી.

પછડાટો અને પીછેહઠો નામોશીભરી નથી. જેઓ સાહસિક છે, તમન્નાવાળા છે એમના જ જીવનમાં એ આવે.

વધુ કાલે.

આજનો વિચાર

બૂરી નઝરવાલે… આપકા સ્વાગત હૈ!

એક ચશ્માંની દુકાનની બહાર લખેલું.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

‘વૅકેશનનો શું પ્રોગ્રામ છે તમારો?’

‘બસ, ગયા વર્ષે મૅડ્રિડ નહોતા ગયા, આ વર્ષે મનીલા નથી જવાના!’

( મુંબઇ સમાચાર : સોમવાર, 24 એપ્રિલ 2017)

1 comment for “સ્વભાવનું મૅનેજમેન્ટ: કેટલીક ટિપ્સ

  1. Praful patel
    May 9, 2017 at 2:47 PM

    વાંચીને ખૂબ જ આનંદ થયો . આવી બાબતો શાળા- કોલેજોમાં શીખવવામાં આવે તો ખૂબ સારું પડે સર… ધન્યવાદ .😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *