સિંગલ સફરજન અને સફરજનનો ટોપલો

વિષય સહેજ ભારે છે.

સારા કે ખરાબ, અનુભવો જરૂરી છે. કામમાં સફળતા મળે કે નિષ્ફળતા એનું મહત્ત્વ નથી, કામનો અનુભવ મળે એનું મહત્ત્વ છે. અનુભવો વિના જીવનમાં સચ્ચાઈ આવતી નથી.

વિચારો, સિદ્ધાંતો અને કલ્પનાઓની કસોટી અનુભવની એરણ પર જ થતી હોય છે. દુ:ખના હોય કે સુખના, અનુભવો આખરે અનુભવો છે. એનો કોઈ વિકલ્પ નથી.

માણસ શરૂઆતમાં પોતાના ઉછેરને કારણે અને મોટા થયા પછી પોતાના આગ્રહો, દુરાગ્રહો તથા પૂર્વગ્રહોને કારણે કંઈ કેટલાય અનુભવોથી વંચિત રહી જતા હોય છે. અનુભવની મૂડીથી અનેક ગેરસમજણોની ગાંસડીઓનાં દેવાં ભરપાઈ થઈ જતાં હોય છે. જાત અનુભવ ન થાય ત્યાં સુધી માણસના મનમાં બીજા માણસ માટેની ખાસ્સી એવી ગેરસમજણો ઊછરતી રહે છે. માણસો વિશેની, માણસોના વ્યવહારો વિશેની, પરિસ્થિતિઓ અને ઘટનાઓ વિશેની, ચીજવસ્તુઓ અને ભૌતિક તેમ જ અભૌતિક બાબતો વિશેની. ક્ધસેપ્ટ્સ માત્ર વિચારના સ્તરે હોય ત્યારે એ કંઈક હોય છે અને આ દરેક ક્ધસેપ્ટ વિશેના અનુભવો માત્ર ત્યારે એ કંઈક જુદી હોય છે. પ્રેમ અને લગ્નથી માંડીને બાળકના જન્મથી માંડીને માબાપના મૃત્યુ સુધીની જીવનની અસંખ્ય ઘટનાઓની બાબતમાં પણ જ્યાં સુધી અનુભવ નથી થતા ત્યાં સુધી માણસ કંઈક જુદું જ વિચારતો રહે છે અને અનુભવો થયા પછી કંઈક જુદી જ દિશાએ વિચારવાની શરૂઆત કરે છે.

અનુભવો એટલે માત્ર જાતઅનુભવની જ વાત નથી,. જાતે ન અનુભવ્યું હોય પણ પ્રત્યક્ષ નિહાળ્યું હોય તો એ પણ અનુભવનો જ એક પ્રકાર થયો. મૃત્યુનો રૂબરૂ અનુભવ શક્ય જ નથી, કારણ કે મૃત્યુ થઈ ગયા પછી એ અનુભવ, અનુભવના સ્તર પર ન રહેતાં અભૌતિકતામાં વિલીન થઈ જાય છે. લગ્નનો જાત અનુભવ ન હોવા છતાં નજીકથી નિહાળેલાં બીજાઓનાં દાંપત્યજીવન તમારા માટે અનુભવની ગરજ સારી શકે, પણ ઘણીય બાબતોમાં જાતઅનુભવ, વિના માત્ર વિચારના સ્તરે કશી જ સમજણ ઊઘડતી નથી. દાખલા તરીકે બરફનો સ્પર્શ, અગ્નિથી દાઝવું, બંદૂકની ગોળીનો ઘા ઈત્યાદિ અનેક અનુભવો કર્યા વિના માત્ર વિચારના સ્તરે હોય ત્યારે ઘણા જુદા હોવાના.

કેટલાક અનુભવોની તીવ્રતા વર્ષો સાથે તેજ થાય છે. મૅચ્યોરિટી કહે છે એને. અને કેટલાક અનુભવો વર્ષો પછી એનું મૂળ સંવેદન ગુમાવી બેસે છે. રીઢા થઈ જવું કહે છે એને. મૅચ્યોર્ડ થવામાં અને રીઢા થઈ જવામાં ફરક છે. અનુભવોમાં વર્ષો ઉમેરાતાં જાય અને તેની સાથે એ દરેક અનુભવમાંથી શીખતા રહેવાની ઉત્સુકતા પણ વધતી જાય તો તે મૅચ્યોરિટીમાં પરિણમે છે, પણ અનુભવોમાં માત્ર વર્ષો જ ઉમેરાયા કરે અને એમાંથી પાઠ લેવાની વૃત્તિ ઘટતી જાય તો એ રીઢાપણામાં પરિણમે.

અનુભવોનો અતિરેક ક્યારે વિચારહીનતામાં પરિણમે. ઍક્શન થ્રિલરમાં ઈમોશનલ સીનને સ્થાન ન હોય એ રીતે જીવનમાં ઉપરાછાપરી બનતી ઘટનાઓમાં ડૂબી જતી વ્યક્તિ વિચારોથી દૂર ફંગોળાઈ જાય એ શક્ય છે. જેના પછી વિચાર ન જન્મે એ અનુભવ સાવ નકામો. કોઈ પણ અનુભવનું મહત્ત્વ એ અનુભવ પછી પ્રગટતા વિચારોને કારણે નક્કી થાય. ક્યારેક કોઈકના માથા પર સફરજનનો આખો ટોપલો પડે તોય કોઈ વિચાર ન આવે, પણ ન્યૂટનના માથે એક જ સફરજનનું ટપકવું પૂરતું હતું. એક જ પ્રકારના અનુભવનું અર્થઘટન પણ દરેક વ્યક્તિ જુદું હોવાનું. રોગીને કે નનામીને જોઈને બધાને સંસાર છોડી દેવાની પ્રેરણા મળતી નથી.

આજે બસ આટલું જ.

કાગળ પરના દીવા

‘અમર અકબર એન્થની’ ફિલ્મમાં ધર્મને કારણે નામ ત્રણેયના જુદા હતા, પણ બાપ તો સૌનો કિશનલાલ જ હતો ને. આ દેશની સચ્ચાઈ પણ આ જ છે. – વૉટ્સઍપ પર વાંચેલું.

સન્ડે હ્યુમર

બકો હૉટેલમાં ગયો. બેસવા માટે એકેય ટેબલ ખાલી નહોતું. બધાં પર કપલ્સ.

બકાએ ફોન કાઢ્યો અને મોટેથી બોલ્યો,

‘ભાઈ, આપણી રેગ્યુલર હૉટેલમાં જ છું. તારી આયટમ અહીં બીજા જ કોઈની જોડે બેઠેલી છે.’

એક ઝટકામાં નવ છોકરીઓ ઊઠીને ચાલતી થઈ ગઈ.

( મુંબઇ સમાચાર : રવિવાર, 23 એપ્રિલ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *