ઑરિજિનલ કૃષ્ણ અને ભેળસેળિયા કૃષ્ણ

‘કૃષ્ણમાં દોષારોપણ કરવાની વૃત્તિનું મૂળ ભક્તિની અતિશયતાથી દોરાયેલા કેટલાક ભક્ત કવિઓની અતિશયોક્તિમાં રહેલું છે… પ્રભુમાં પ્રિયતમની ભાવનાનું આરોપણ કરતાં કલ્પના કેવાં સ્વરૂપ ધારણ કરે છે તેનું આજકાલ વગોવાતાં રાધાકૃષ્ણનાં પદકીર્તનો સારું દૃષ્ટાંત પૂરું પાડે છે. કૃષ્ણને દોષ મળ્યો હોય તો તેમાં કવિની કલ્પનાનો અથવા તે કલ્પનાના યથાર્થ સ્વરૂપને ન સમજતા કરવામાં આવતી ટીકાનો દોષ છે.’

‘તેજચિત્રો’માં કૃષ્ણનું ચરિત્રાલેખન કરતાં ર. વ. દેસાઈએ આ વાત લખી છે. પોણી સદી પહેલાંની ગુજરાતી ભાષામાં અભિવ્યક્તિ એ વાતની છે કે ભગવાન શ્રીકૃષ્ણનું મૂળ જીવનચરિત્ર કંઈક જુદું છે અને ભાગવતકાર, ભક્ત કવિઓની કલ્પનાને કારણે એ જીવનચરિત્રમાં ખૂબ બધી અવાસ્તવિક હકીકતો ઉમેરાઈ ગઈ છે.

આ વાત પર અગાઉ પણ એકબે લેખ આ કૉલમમાં લખ્યા છે. વારંવાર આ મુદ્દો ઘૂંટવાનું કારણ એ કે આજે પણ અનેક અધકચરા લોકો દ્વારા મનઘડંત રીતે શ્રીકૃષ્ણના જીવનની ઘટનાઓનું અર્થઘટન થતું રહે છે. કૃષ્ણનું મૂળ સ્વરૂપ મહાભારતમાં જે જોવા મળે છે તે છે. એક રાજપુરુષ, એક વિષ્ટિકાર અને એક એવી હસ્તી જેને શુભમાં શ્રદ્ધા છે. શ્રીમદ્ ભગવદ્ગીતા મહાભારતનો એક અંશ છે. ગીતામાં કૃષ્ણનાં ગુણો સોળે કળાએ ખીલે છે. એક આખી જિંદગી ઓછી પડે. ગીતાના એક-એક શ્ર્લોકનું અર્થઘટન કરીને, એને સમજીને, એના સારને જીવનમાં ઉતારતાં. પણ ગીતાની રચનાના હજારો વર્ષ પછી પુરાણો આવ્યાં. પુરાણોમાં ભાગવત આવ્યું. ભાગવતના શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્રીકૃષ્ણની સરખામણીએ ઘણા જુદા છે. પણ આ ભાગવતના કૃષ્ણની લીલાઓ એવી લોભામણી રીતે રજૂ કરવામાં આવી છે કે લોકોને એ ગમી ગઈ. આ બધી માત્ર કવિ કલ્પના છે. ક્રિયેટિવ લિબર્ટીના નામે કૃષ્ણના મૂળ ચરિત્ર સાથે કરેલી છેડછાડો છે. જેમ સંજય લીલા ભણસાલીનું ‘બાજીરાવ મસ્તાની’ ભલે હિટ ગયું પણ તેમાં બાજીરાવ તેમ જ મસ્તાનીના મૂળ ચરિત્રો સાથે ક્રિયેટિવ લિબર્ટીના નામે મનફાવે તેવી છૂટછાટો લેવામાં આવી હતી એવું ભાગવત પુરાણમાં થયું. સંજયખાનની ટીપુ સુલતાન સિરિયલમાં કે પછી સમ્રાટ અશોક, કર્ણ, મહાદેવ વગેરેની ટીવી સિરિયલોમાં કે ઈવન ભણસાલીની જ સરસ્વતીચન્દ્રની સિરિયલમાં મૂળ ચરિત્ર ગ્રંથ / નવલકથાથી ફંટાઈને જાતજાતનાં મનોરંજક દૃશ્યો ઉમેરવામાં આવતાં હોય છે અને તે ત્યાં સુધી કે મૂળનું હાર્દ જ સાવ ફંટાઈ જાય, એમ મહાભારતના શ્રીકૃષ્ણ તથા ભાગવત પુરાણના શ્રીકૃષ્ણ વચ્ચે જમીન આસમાનનું અંતર છે. મહાભારતના પ્યોર કૃષ્ણને પુરાણકાર – કવિઓ વગેરેએ ભાગવતમાં તેમ જ એ પછીની કૃતિઓમાં / ભક્ત કવિતાઓમાં ભેળસેળિયા કૃષ્ણ બનાવી દીધા છે. લોકમાનસમાં આ ભેળસેળિયા કૃષ્ણની છબિને દૃઢ બનાવવામાં સદીઓથી ચાલતા આવતા ભાગવત કથાના પારાયણોએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. કોઈ જૂઠની ઉંમર દોઢ-બે હજાર વર્ષની થઈ જાય એને કારણે એ જૂઠ સત્ય નથી થઈ જતું. જૂઠ તો જૂઠ જ રહે છે. પ્રતાપી, દીર્ઘદૃષ્ટા અને જીવનદર્શક કૃષ્ણને બાળલીલાઓ તથા રાસલીલાઓનાં વાઘાં પહેરાવીને લોકોનું મનોરંજન કરીને સદીઓથી અનેક ધુતારાઓ પોતાનું તનોરંજન કરતા રહ્યા છે. વૈષ્ણવ સંપ્રદાયમાં પેસી ગયેલી આવી એક બદી વિશે કપોળ પત્રકાર કરસનદાસ મૂળજીએ આજથી દોઢસો વર્ષ પહેલાં બંડ પોકારેલું તેની આ કૉલમમાં વાચકોને ખબર જ છે.

ર. વ. દેસાઈ નોંધે છે:

‘કૃષ્ણનું જીવન અદ્વિતીય રસિકતા, અદ્વિતીય ફિલસૂફી અને અદ્વિતીય ત્યાગના સંમિશ્રણ રૂપ છે. કૃષ્ણના જીવનમાં કડક ત્યાગને જોવો એ દુર્ઘટ નથી. જે ગોપિકાઓ સાથેનો તેમનો વ્યવહાર લોલુપતાભર્યો કહી દૂષિત ઠરાવવામાં આવે છે તે ગોપિકાઓને તો બાર વર્ષની વયે તેમણે છોડી દીધી હતી. સ્નેહીજનોનો ત્યાગ એ કેવો દુ:સહ છે તે સર્વ કોઈ જાણે છે, પરંતુ કૃષ્ણ સ્વધર્મ કાજે આ ભીષણ ત્યાગને સ્વીકારી શકતા હતા. કંસને મારી રાજ્ય પોતે ન લેતાં તે ઉગ્રસેનને આપી દીધું અને પોતે તેના છડીદાર થયા, અનેક રાજ્યક્ધયાઓને તેમણે અત્યંત કષ્ટ વેઠી દૈત્યોના ત્રાસમાંથી ઉગારી હતી. ભીષ્મ, દ્રોણ અને કર્ણ જેવા બુદ્ધિનિપુણ અને રણનિપુણ મહાત્માઓની બુદ્ધિ અને સામર્થ્ય ઝાખાં પાડી પોતાના ભક્તોને વિજય અપાવનાર કૃષ્ણને અર્જુનનું સારથિપણું સ્વીકારતાં શરમ નહોતી આવી. પવિત્ર મનાતા બ્રાહ્મણોની ઉચ્છિષ્ટ પતરાવળીઓ ઉપાડતા કૃષ્ણે પોતાના ઐશ્ર્વર્યને સંભાર્યું ન હતું. પોતાના જ પુત્ર, પૌત્ર અને સંબંધી યાદવોને કપાવી નાખતાં કૃષ્ણને કમકમી નહોતી આવી. ત્યાગનાં આથી વધારે જ્વલંત અને ભીષણ દૃષ્ટાંતો મળશે ખરાં? ગીતાના શ્ર્લોકે શ્ર્લોકમાં જે જ્ઞાન સમૃદ્ધિ ભરેલી છે તે જ્ઞાનસમૃદ્ધિના સ્વામી શ્રીકૃષ્ણચંદ્રને માટે આ ત્યાગ અશક્ય નથી; એટલું જ નહીં, પરંતુ તેમના ભક્તો, યોગીઓ અને જ્ઞાનીઓને માટે પણ આ ત્યાગ અશક્ય નથી એમ દૃઢતાથી કહેવામાં કૃષ્ણના તત્ત્વજ્ઞાનનો વિજય છે.’

ભગવાન શ્રીકૃષ્ણનું મૂળ જીવનચરિત્ર સંશોધકોેએ માંજીને ફરી રજૂ કરવું જોઈએ. એમાંથી પુરાણકથાઓની બાદબાકી કરવી જોઈએ. જેથી આજની તારીખે પણ કોઈ તમને એવું કહી ન જાય કે તમારા ભગવાને તો તળાવમાં નહાતી ગોપીઓનાં વસ્ત્રો હરીને ગોપીઓને પાણીમાંથી બહાર નીકળતી વખતે બેઉ હાથ ઉપર રાખવાનો આદેશ કર્યો હતો જેથી સંપૂર્ણ અંગદર્શન થઈ શકે.

છટ્. મારા ભગવાન કંઈ આવા નહોતા. હજાર-દોઢ હજાર વર્ષ પહેલાં કોઈ વિકૃત માનસે આવું કંઈક તે જમાનાના ગ્રંથોમાં ઘુસાડી પણ દીધું હોય તો શું એ માત્ર સમય વીતી જવાને કારણે હકીકત બની જાય? મહાવીર, બુદ્ધ, મોહમ્મદ પયગંબર કે ઈસુ ખ્રિસ્તના ચરિત્ર ગ્રંથોમાં કોઈ વિકૃત માનસે આ પ્રકારની અભદ્ર વાતો કોઈ એક જમાનામાં ઘુસાડી દીધી હોય તો આજની તારીખે તમે એને દોહરાવવાની હિંમત પણ કરી શકો ખરા!

પણ હિંદુઓ સહનશીલ છે એટલે તમે ગમે ત્યારે, ગમે તે ચોપડીમાંથી ઉદ્ધરણ કરીને અમને ફટકારી શકો છો. વેલ, તમારી દૃષ્ટિએ હજુ પણ તમને અમારા ભગવાન એવા જ લાગતા હોય તો તમારી વિદ્વતા તમને મુબારક. અમને અમારામાં અને અમારા કરતાંય વધારે રમણલાલ વસંતલાલ દેસાઈ જેવા અમારા આદરણીય વિદ્વાન પુરુષોમાં વધારે શ્રદ્ધા છે. અમે અમારા એ મૂળ શ્રીકૃષ્ણને જ પૂજીશું અને ભજીશું. કોઈએ જો પોતાની જાતને ગલગલિયાં કરાવવા જ હોય તો કૃષ્ણનું નામ વચ્ચે લાવ્યા વગર યુ-ટ્યુબ ખોલીને પોર્નોગ્રાફીની ચેનલો જોઈ લેવી જોઈએ. મોકલી આપું લિન્ક?

આજનો વિચાર

સંબંધો સાચવવા એટલે ભીંડાના શાકમાં પાણી નાખવું અને ચીકણું ના થવા દેવું.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

પિતા: બેટા, આજના તારા આ જિંદગીના સૌથી આનંદના દિવસે મારા ખૂબ ખૂબ આશિષ છે તને.

બકો: પણ મારાં લગ્ન તો કાલે છે.

પિતા: મને ખબર છે.

( મુંબઇ સમાચાર : શનિવાર, 22 એપ્રિલ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *