માનવજાતની સર્વસામાન્ય ખામીઓમાં વધારે ઊંડા ઊતરવાની જરૂર છે ખરી?

રમણલાલ વસંતલાલ દેસાઈનું નામ ગુજરાતી મીડિયમમાં ભણેલા દરેક ગુજરાતી માટે પરિચિત છે. આ વર્ષ એમની સવાસોમી જન્મ શતાબ્દિનું વર્ષ છે. જન્મ: ૧૨ મે ૧૮૯૨ અને અવસાન: ૨૦ સપ્ટેમ્બર ૧૯૫૪.

‘દિવ્ય ચક્ષુ’ અને ‘ભારેલો અગ્નિ’ જેવી યાદગાર નવલકથાઓના લેખક સ્વ. દેસાઈએ ફિક્શન ઉપરાંત પણ ઘણું સાહિત્ય લખ્યું. ‘તેજચિત્રો’ નામનું એમનું પુસ્તક ૧૯૪૨માં પ્રગટ થયું. વખણાયું પણ પછી ખોવાઈ ગયું તે છેક એમની જન્મ શતાબ્દિએ ૧૯૯૨માં એમનાં અનેક પુસ્તકો ફરીથી છપાયાં ત્યારે એની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. એમની જાણીતી નવલકથાઓ હજુય રિપ્રિન્ટ થતી રહે છે. દસ-પંદર આવૃત્તિઓ થઈ ગઈ છે. (આવૃત્તિ અને પુનર્મુદ્રણમાં ફરક છે પણ અહીં એવી બારીકાઈ રાખવાની જરૂર નથી.)

‘તેજચિત્રો’માં પેન પોટ્રેઈટ્સ છે. રેખાચિત્રો. ર. વ. દેસાઈએ શ્રીકૃષ્ણથી લઈને મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને મહાત્મા ગાંધી સુધીનાં તેર વ્યક્તિત્વો વિશે ઊંડાણપૂર્વક વિચારો પ્રગટ કર્યા છે.

પ્રસ્તાવનામાં એમણે એક સરસ વાત મૂકી છે: ‘તેજચિત્રોમાં છાયાનો કદાચ ભારે અભાવ વાચકોને લાગશે.’ આય થિન્ક આમ કહીને લેખક જણાવવા માગે છે કે આમાં કોઈ પણ વ્યક્તિની માઈનસ સાઈડનું એમણે વર્ણન નથી કર્યું. આવું ન કરવા પાછળનો એમનો હેતુ સ્પષ્ટ કરતાં તેઓ લખે છે:

‘કોઈની પણ ખામીઓ જોવાનું કાર્ય દુર્ઘટ અને ભારે જવાબદારીવાળું છે અને ખામીરહિત માનસ હોય તો જ એ કાર્ય સાચી રીતે થઈ શકે. હું તેવો નથી એટલે કોઈ પણ પાત્રની ખામી નિહાળવા માટે હું મારા તરફ જ નજર કરું! માનવજાતની સર્વસામાન્ય ખામીઓમાં વધારે ઊંડા ઊતરવાની જરૂર છે ખરી? મારામાં ન હોય એવી ખામી બીજે દેખાય તો એની વિશિષ્ટતા હું રાજી થઈને આગળ કરી શકું, પરંતુ તેવી મને ખાતરી થતી ન હોય તો કાળી બાજુ જોવાનું મુખ્યત્વે હું બંધ જ કરું.’

ર. વ. દેસાઈની રેખાચિત્રો લખવા પાછળની આ દૃષ્ટિ મને ગમી ગઈ કારણ કે ‘તેજચિત્રો’નું પુસ્તક મારા હાથમાં આવ્યું તે પહેલાં મેં લખેલા રેખાચિત્રોના પુસ્તકને પ્રકાશકને મોકલતી વખતે આ શીર્ષક આપી દીધું હતું: ‘ગમતા માણસોની ગમતી વાતો.’

માણસ જ્યારે તમને ગમી જાય ત્યારે એની ગમતી વાતો તરફ જ તમારે ધ્યાન આપવાનું હોય. દુનિયા આખીના કાજીની જવાબદારી નિભાવતા હો એમ તમારા ત્રાજવામાં એને જોખવા બેસવાનું ના હોય. કેટલાક લોકો પોતે કેવડા મોટા તટસ્થ અને નિરપેક્ષ છે એ જતાવવા પોતાને ગમતાં વ્યક્તિત્વોની ઉધાર બાજુને તોલવા બેસી જાય છે. આવી તટસ્થ કે નિરપેક્ષ વ્યક્તિઓની પોતાની ઉધાર બાજુ બીજા લોકો તોલવા બેસે તો જાજમ તળે સંતાડેલો ઉકરડો બહાર આવે.

પોતાની જાતને બુદ્ધિજીવી માનનારા સ્યુડો ઈન્ટલેક્ચ્યુઅલ્સને પોતે બીજાઓથી પ્રભાવિત થયા છે, ઈમ્પ્રેસ થયા છે એવું કબૂલ કરવામાં શરમ આવતી હોય છે. સામેની વ્યક્તિની પ્રશંસા કરવામાં પોતે બે બાપના ગણાઈ જશે એવું એમને લાગતું હોય છે. આને લીધે એમના ઉમળકા કે એમની હોંશની અભિવ્યક્તિ એકદમ મોળી મોળી રહેવાની. કોઈનું કશુંક ગમતું હોય તો એના મોંફાટ વખાણ કરવામાં શરમ શેની? પ્રસ્તાવનાના અંતે ર. વ. દેસાઈ આ જ વાત લખે છે:

‘બહુ ઝડપથી અંજાઈ જવાની ટેવ બુદ્ધિજન્ય અભિમાનના આ યુગમાં આછી થતી જાય છે. છતાં ‘વિભૂતિયોગ’માં શ્રીકૃષ્ણે ઉચ્ચારેલા આ સત્ય તરફ પણ જોતા રહેવું યોગ્ય છે એમ શું નથી લાગતું?’

આટલું કહીને ગીતાના દસમા અધ્યાયનો આ ૪૧મો શ્ર્લોક ટાંકીને લેખક પોતાની વાત પૂરી કરે છે:

જે જે ઐશ્ર્વર્યવંતુ હો, શ્રીવંતું વા પરાક્રમી,
તે તે સૌ જાણજે મારા, થયેલું તેજઅંશથી.

અર્થાત કોઈનાં ગુણનાં વખાણ કરવાનું મન થાય તો પેટ ભરીને તેમ કરવાનું કારણ કે મનુષ્યનાં ગુણો ભગવાનના તેજનો અંશ છે.

‘તેજચિત્રો’ વિશે આવતી કાલે લખવાનું ધાર્યું છે પણ આજે મારે લેખકની આ દૃષ્ટિ વિશે વાત કરવી છે. કોઈના દોષ જોયા કરવાનો કોઈ મતલબ નથી. આપણે કંઈ ત્રાજવું લઈને તોલવા બેઠેલા ન્યાયાધીશ નથી. કોઈ વ્યક્તિ ગમી ગઈ તો ગમી ગઈ. એની ઉધાર બાજુઓને ધ્યાનમાં લીધા વિના એને ચાહ્યા કરવાની. દુનિયા તમને પાગલ કહે તો હા, પાગલ. પણ જ્યારે જ્યારે આપણે કોઈ વ્યક્તિને એના પ્લસ તથા માઈનસની યાદી માંડીને મૂલવવા બેસીએ છીએ ત્યારે સરવાળે નુકસાન આપણું જ થતું હોય છે. વ્યક્તિના ગુણ ગમે એટલા મોટા હોય છતાં એના દોષ તરફથી આપણી દૃષ્ટિ હટતી નથી. એ વ્યક્તિનો આદર કરવામાં, એને પ્રેમ કરવામાં, એની કાળજી લેવામાં પછી એ દોષ વારંવાર આપણને ખૂંચ્યા કરતા હોય છે. પછી આપણે ભૂલી જઈએ છીએ કે સંપૂર્ણ દોષરહિત તો કોઈ હોવાનું જ નથી આ દુનિયામાં પછી આપણે તુલસીદાસને પણ ભૂલી જઈએ છીએ જેણે ગાયું હતું મો સમ કૌન કુટિલ ખલ કામી. મારા જેવો કુટિલ-કપટી, ખલ-ધૂર્ત અને કામી-વિષયાસક્ત બીજો કોણ છે આ જગતમાં? બીજાને આપણી દૃષ્ટિએ જોવાને બદલે આપણને બીજાની દૃષ્ટિથી જોતા થઈએ તો જ આ વાત સમજાય.

અને ગુણદર્શન કર્યા પછી એ ગુણોને એ વ્યક્તિની પોતાની સમક્ષ તેમ જ બીજાઓ સમક્ષ મુક્ત કંઠે રજૂ કરવા. ભાટાઈ કે ચમચાગીરી આખી વાત જુદી છે. અહીં એનો સહેજ પણ સંદર્ભ નથી. પણ જેનું જે ગમ્યું તે સૌની આગળ રજૂ કરવાની વાત છે.

કોઈની પ્રશંસા કરવા માટે એમની શોકસભામાં બોલવાનું આમંત્રણ મળે એની રાહ જોવાની ન હોય.

વધુ કાલે.

આજનો વિચાર

આવશે, એ આવશે, એ આવશે, એ આવશે;
તું પ્રતીક્ષામાં અગર શબરીપણું જો વાવશે.

– કૃષ્ણ દવે

એક મિનિટ!

બકાએ એક જામફળ લીધું. એમાંથી કીડો નીકળ્યો.

બકો: આમાં તો કીડો છે.

જામફળવાળો: એ તો નસીબની વાત છે. શું ખબર ક્યારે મોટરસાયકલ નીકળે!

બકો: એમ? તો દસ કિલો જોખી આપો.

( મુંબઇ સમાચાર : બુધવાર, 19 એપ્રિલ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *