કોઈને મળવામાં ‘સમયનો અભાવ’ નડે છે ત્યારે

વાસ્તવિકતા* બહુ ક્રૂર હોય છે. ગઈ કાલે, રવિવારે, મારો એક લેખ મારા વૉટ્સએપ ગ્રુપના બધા વાચકો માટે પોસ્ટ કર્યો જેનું શીર્ષક હતું ‘એમને તમે છેલ્લે ક્યારે મળ્યા’. એફ. બી. પર સવારે નવ સવા નવ વાગ્યે પોસ્ટ થયો. અને દસને પાંચ મિનિટે સુરતથી પત્રકારમિત્ર વિક્રમ વકીલનો સંદેશો મળ્યો: ‘આપણા સહુના મિત્ર અને જાણીતા સાહિત્યકાર – પ્રકાશક શ્રી જનક નાયકનું આજરોજ સવારે ૯.૦૦ કલાકે અવસાન થયું છે…’

જનકભાઈને મળવાનું બહુ મન થયા કરતું. ઑગસ્ટ અને ડિસેમ્બરમાં – બે વાર – સુરત ગયો, નક્કી પણ કર્યું હતું છતાં સમયના અભાવે મળી શકાયું નહીં.

‘સમયના અભાવ’ જેવું કશું કંઈ હોતું જ નથી, તમારી આળસ અને બેદરકારી હોય છે એવું સમજાય છે ત્યારે તમને ભીંત પર માથું પછાડવાનું મન થાય છે.

‘એમને તમે છેલ્લે ક્યારે મળ્યા’ લેખમાં મેં લખ્યું છે: ‘થાય છે, આજે નહીં કાલે ને કાલે નહીં પરમ દિવસે એ આપણો સ્વભાવ છે… (પણ) મિત્રો – સ્વજનોમાંથી કોઈક ભગવાનને ઘેર જતું રહે ત્યારે… અફસોસ થતો હોય છે કે તમે એમને એમની હયાતિ દરમ્યાન પૂરેપૂરા માણ્યા નહીં, પણ હવે તમે લાચાર છો. તમારી તમામ છટપટાહટ બાદ તેઓ પાછા આવવાના નથી.’

જનક નાયકને ન મળવાનો વસવસો હવે કાયમ રહી જવાનો. ઉંમરમાં મારા કરતાં છએક વર્ષ સિનિયર. પિતા નાનુભાઈ સાથે પ્રકાશન સંસ્થા ચલાવવામાં ગળાડૂબ. ૧૯૮૦ના દાયકા દરમ્યાન થોડાં વર્ષ હું સુરત રહેતો એ ગાળામાં અમારી દોસ્તી આગળ વધી. એ પહેલાં ક્યારેક કોઈ નાનામોટા કવિ સંમેલનોમાં મળવાનું થતું. (મારો ભૂતકાળ જે ખરડાયેલો છે તેમાંની આ એક માહિતી પણ ઉવેખી શકાય એમ નથી કે અઢાર વર્ષની ઉંમર સુધી મેં કવિતા પણ લખેલી. સમજણા થયા પછી છોડી દીધી).

જનકભાઈ અને નાનુકાકા – બેઉ પિતાપુત્રને ગુજરાતી સાહિત્યના વિશ્ર્વમાં સૌ કોઈની સાથે સારું બને. કોઈનેય એમના માટે કે એમને કોઈનાય માટે જરા સરખી દુશ્મનાવટ નહીં. ભગવતીકુમાર શર્મા જેવા ઋજુદિલ સારસ્વત એમના માટે કૌટુંબિક વડીલ સમાન તો ચંદ્રકાન્ત બક્ષી જેવા તેજાબની પિચકારીથી હોળી ખેલતા ઝિંદાદિલ સાહિત્યકાર પણ એમના માટે કુટુંબીજન સમાન. નાનુભાઈ નાયકે સિક્સ્ટીઝમાં પ્રકાશન ક્ષેત્રે એક સાહસ કરેલું. તે જમાનામાં ગુજરાતીમાં સાહિત્યિક મૂલ્ય ધરાવતાં પુસ્તકો પેપર બૅકમાં છપાતાં નહીં. ડાકુઓની વાર્તા છપાય, જેમ્સ હેડલી ચૅઝના અનુવાદો છપાય અથવા તો એ પ્રકારની ઓરિજિનલ વાર્તાઓ પેપર બૅકમાં છપાય. અંગ્રેજીમાં દરેકે દરેક નીવડેલું પુસ્તક પેપર બૅકમાં છપાય તો ગુજરાતીમાં કેમ નહીં. પેપર બૅકનો ફાયદો એ કે પેપર-બાઈન્ડિંગનો ખર્ચ હાર્ડ-બાઉન્ડની સરખામણીએ ઘણો ઓછો આવે એટલે વધુ લોકો એ સસ્તી કિંમતની આવૃત્તિ ખરીદી શકે.

ચંદ્રકાન્ત બક્ષી નાનુભાઈના મિત્ર. બક્ષીની ‘પેરેલિસિસ’ નવલકથા નાનુભાઈએ પોતાની ‘સાહિત્ય સંગમ’ પ્રકાશન સંસ્થામાં પેપર બૅકમાં છાપેલી. ૧૯૭૧માં બક્ષી પર ‘કુત્તી’ વાર્તા માટે અશ્ર્લીલતા અંગે કેસ થયેલો તે સુરતની કોર્ટમાં. નાનુભાઈ બક્ષીની પડખે. અડીખમ.

મારા સુરતનિવાસ દરમ્યાન એક વખત મારા આમંત્રણને માન આપીને બક્ષી અને બકુલાબેન બે-ત્રણ દિવસ મારે ત્યાં રોકાયેલા. શિયાળો હતો. પોંકની સીઝન. નાનુભાઈ અને જનકે બક્ષી અને બીજા કેટલાક મહેમાનોને આમંત્રીને તાપીના નદીના ભાઠા પર ભરાતા પોંકનગરમાં ઉજાણી કરી એ વખતે પહેલીવાર પોંકનગરની જાહોજલાલી જોયેલી. તાજો પોંક તમારી સામે જ પાડે. પોંકનાં ભજિયાં, લસણની ચટણી, લીંબુ-મરીની સેવ.

૨૦૦૨માં મારો પ્રથમ લેખસંગ્રહ મેં અને હેમન્ત ઠક્કરે પ્રગટ કર્યો ત્યારે અમારી ઈચ્છા હતી કે મુંબઈના અને ગુજરાતના તમામ પ્રકાશકો સ્ટેજ પર હાજર હોય. સૌ કોઈ આવ્યા. નાનુભાઈ અને જનક પણ સુરત આવ્યા. એ બંનેનો ઉતારો મારા ઘરે જ હતો.

૨૦૦૯માં અમદાવાદ કાયમ માટે છોડીને મુંબઈ પાછો આવતો હતો તેના થોડાક જ દિવસ પહેલાં સુરતમાં એક જાહેર કાર્યક્રમ માટે જવાનું હતું. જનકભાઈએ બહુ પ્રેમથી ઊભી કરેલી એમની પ્રકાશન સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની સફર કરાવી હતી. સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે કોઈ પ્રકાશન સંસ્થા પોતે હૉલ બનાવે એવું ગુજરાત તો શું બીજે ક્યાંય પણ બન્યું હોય એવું સાંભળ્યું નથી. ઉદારતા એવી કે જેમને જોઈએ એમને આ હૉલ સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે મળે.

જનકભાઈ વિશે ગયા વર્ષે મેં કોઈના લેખમાં સહેજ ઉલ્લેખ વાંચીને એમને ફોન કર્યો હતો. ઉલ્લેખ કોઈક પ્રકારની આપત્તિ અંગેનો હતો. મને ચિંતા થઈ. ફોન પર જનકભાઈ હસતાં હસતાં કહે: કંઈ નહીં એ તો, કેન્સર છે.

ખૂબ સારું જીવ્યા. ખૂબ બધું લખીને જીવ્યા. લગભગ દોઢસો પુસ્તકો એમના નામે છે. ૧૯૯૫માં ‘ગુડ મૉર્નિંગ’ની ફર્સ્ટ સિઝન શરૂ થઈ ત્યારે નિયમિત વાંચતા. તે વખતે સુરત જવાઆવવાનું ઘણું રહેતું. જ્યારે જાઉં ત્યારે ગોપીપુરાની કે પછી બીજી ચૌટાપુલ નીચે શરૂ કરેલી દુકાને અચૂક જઉં અને ભરપેટ સુરતી નાસ્તા કરીએ. એ ગાળામાં મને કહે કે તમારી ‘ગુડ મૉર્નિંગ’થી ઈન્સ્પાયર થઈને મેં પણ એવું લખવાનું શરૂ કર્યું છે. ‘ગુજરાત મિત્ર’માં કોલમો લખતા. મારાથી ઈન્સ્પાયર થવાની વાત તો દોસ્ત તરીકેની એમની નમ્રતા હતી. અનેક વિષયો પર લખે. દરેક પુસ્તક અચૂક મને મોકલે. ૨૦૧૪માં એમની ષષ્ઠિપૂર્તિ નિમિત્તે ૬૦ શાળાઓમાં વાર્તાકથનના ૬૦ કાર્યક્રમો કર્યા. મહેન્દ્રભાઈ મેઘાણી અને હરીશ નાયકે ઊભી કરેલી પરંપરાને જનક નાયક આ રીતે આગળ વધારતા રહ્યા.

હરકિસન મહેતા માટે દિવાળી અંકમાં છાપવા ‘ધાર્મિક સાહિત્યનો ધરમ ધંધો’ વિષય પર એક લેખ લખવાનો હતો. નાનુભાઈ અને જનકે પ્રચૂર માત્રામાં ધાર્મિક સાહિત્ય પણ છાપ્યું. ‘વૈભવ લક્ષ્મી’ અને ‘સંતોષી મા’ સૌથી વધુ એમને ફળી હતી! પણ મૂળ જીવ શુદ્ધ સાહિત્યનો. સંકલ્પ કર્યો કે ગુજરાતીના દરેક શિષ્ઠ સાહિત્યકાર પાસે એમની એક મૌલિક તેમ જ હજુ સુધી બીજા કોઈ પ્રકાશકે ન છાપી હોય એવી કૃતિ છાપવી. બકુલ ત્રિપાઠી, રઘુવીર ચૌધરી, વીનેેશ અંતાણી જેવાઓએ સહકાર આપ્યો. બીજા પણ ઘણા સાહિત્યકારોએ પોતાનાં પુસ્તકો એમને પ્રકાશન માટે આપ્યાં. સુરતના રહેવાસી એવા ભગવતીકુમાર શર્મા, રવીન્દ્ર પારેખ અને મુકુલ ચોકસી સહિતનાં લગભગ દરેકે દરેક શીર્ષસ્થ તેમ જ નવોદિત સાહિત્યકાર, લેખક, કવિના પુસ્તકો એમણે પ્રગટ કર્યાં. મારું પણ કોઈ એક પુસ્તક પ્રગટ કરવાની એમની ઘણી હોંશ હતી. હું પ્રોમિસ આપતો રહેતો એક નહીં ત્રણ-ચાર પુસ્તકો સાથે કરીશું. અને રહી જતું. આળસ અને બેદરકારીનાં પરિણામો કેવાં આવે છે તે જોઈ લીધું. મરીઝે કઈ મનોદશામાં ઓછી મદિરા અને ગળતા જામની વાત કરી હશે તે હવે સમજાય છે.

આજનો વિચાર

કુછ લોગ એક રોઝ જો બિછડ જાતે હૈં, વો હઝારોં કે આને સે મિલતે નહીં, ઉમ્રભર ચાહે કોઈ પુકાર કરે ઉનકા નામ, વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે…

– આનંદ બક્ષી

( મુંબઇ સમાચાર : સોમવાર, 17 એપ્રિલ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *