મૃત્યુ વિશે વિચારવાનું બંધ કરીને માત્ર જીવો તમે

જેનું આગમન અનિશ્ર્ચિત હોય-ક્યારે આવશે ને ક્યારે નહીં તે નક્કી ન હોય અને જે અનિવાર્ય પણ હોય-આવવાનું તો ખરું જ, એના વિશે વિચારવાનું ન હોય, કારણ કે જ્યારે એને લગતી કોઈ પણ બાબત પર તમારો કાબૂ જ નથી તો એના વિશે ચિંતન કરવાનો શું અર્થ?

જીવનના અમુક પડાવો વટાવી દીધા બાદ માણસ અચૂક પોતાના મૃત્યુ વિશે ચિંતા સેવતો થઈ જાય છે. ચાળીસેકની ઉંમર સુધી મોટાભાગના લોકોને મૃત્યુ વિશે સહેજ પણ ચિંતા હોતી નથી. પચાસ પૂરાં કર્યાં પછી ધીમે ધીમે એ ચિંતા પ્રવેશતી જાય છે. સાઠની નજીક પહોંચવાની તૈયારીમાં હો ત્યારે એ ચિંતા ખૂબ વધી જાય છે. પાંસઠ, સિત્તેર કે પંચોતેરનો ગાળો ‘હવે કેટલાં વર્ષ’ એવું વિચારવામાં જાય છે. પંચોતેર પછી થતું હોય છે કે હવે કોઈ પણ વર્ષે, કોઈ પણ મહિને, કોઈ પણ દિવસે કે પછી આજે ને અત્યારે જ મોત આવી શકે છે.

મૃત્યુ વિશે તમે વિચારો છો ત્યારે જીવન સાથેનો તમારો નાતો તૂટી જતો હોય છે. મૃત્યુને ભલે તમે બે હાથ ખુલ્લા રાખીને મનોમન સ્વીકારી લીધું હોય, પણ મૃત્યુનો વિચાર તમને જીવનથી દૂર લઈ જાય છે. મૃત્યુનો ડર તમારા સબકોન્શ્યસ માઈન્ડમાં ઘૂસી ગયા પછી તમે તમારા ભવિષ્ય વિશે બિલકુલ અસલામત થઈ જાઓ છો. મૃત્યુને આઘે ઠેલવાના ઉપાયો શોધ્યા કરો છો. મૃત્યુની જે પળ હજુ સુધી આવી નથી એનો ઓછાયો તમારા વર્તન પર પડતો થઈ જાય છે અને તમે નિરાંતે, મુક્તમને જીવવાનું છોડી દો છો.

માણસે પોતાના મૃત્યુની ચિંતા ન કરવી જોઈએ. ચિંતા કરીને એ કરશે શું? આમ છતાં મોટા ભાગના લોકો પોતાના મર્યા પછી આનું શું થશે ને તેનું શું થશે એવી ચિંતામાં જિંદગીમાં માણવા જેવા વર્ષોને વેડફી નાખે છે. તમારા મૃત્યુ પછી જેનું જે થવાનું હોય તે થાય, તમને શું ફરક પડે છે? તમારા મૃત્યુ પછી તમારાં સંતાનો બીએમડબ્લ્યુમાં ફરે કે ભીખ માગે, તમને શું ફરક પડે છે? તમારા મૃત્યુ પછી લોકો તમારી પ્રતિમાને હારતોરા કરે કે તમારા વિશે એલફેલ બોલે, તમને શું ફરક પડે છે?

તમે લાખ પ્રયત્નો કરીને સંતાનોને સુખી કરવાના આશયે અઢળક સંપત્તિ મૂકી જશો તો પણ જો એમનાં કરમ એવાં હશે તો તેઓ ભીખ જ માગવાના અને ધારો કે એવું ન થયું તો બીએમડબ્લ્યુમાં બેસીનેય તમને ગાળો આપવાના. તમે ધાર્યંુ હોય કે હું કંઈક એવાં કાર્યો કરીને જાઉં કે લોકો મારી વાહ વાહ બોલાવે, પણ શક્ય છે કે તમે જે તમારી ભવ્ય પ્રતિમા બનાવી હતી તેને સદ્દામ હુસૈનની લાર્જર ધૅન લાઈફ પ્રતિમાને લોકોએ દોરડાં બાંધીને હેઠે ઉતારી દીધી હતી તેવું જ તમારી સાથે પણ થાય.

તમારા મૃત્યુ પછી આ દુનિયાની એક પણ બાબત વિશે તમારું કશું જ ચાલવાનું નથી તો પછી જીવતેજીવ આટલા ઉધામા શું કામ કે મર્યા પછી લોકો તમને યાદ રાખે, મર્યા પછી કુટુંબીજનો તમને માનપાન આપે.

પચાસ, સાઠ કે પંચોતેર પછી જ્યારે જ્યારે તમે તમારા મૃત્યુ વિશે વિચારો છો ત્યારે જીવનથી નાતો કપાઈ જાય છે એટલે તમે ઘાંઘા બની જાઓ છો. તમારું ફોકસ ખોરવાઈ જાય છે, તમારી ગાડી ખડી પડે છે. સાઠે બુદ્ધિ નાઠી કદાચ એટલે જ કહેવાતું હશે કે તમે સેનાઈલ થઈ ગયા, તમે જીવનનો રસ પીવાને બદલે એને ઢોળી નાખવા લાગ્યા, એમાંથી વગર ફોગટનાં પોરાં કાઢવા માંડ્યાં. મોતનો વિચાર તમને ભરપૂર જીવન જીવવામાં આડે આવતો થઈ જાય છે. જે લોકો ભરપૂર જીવન જીવે છે તેઓ જીવનની સૌંદર્ય ભરી બાજુઓને તમારી સમક્ષ મૂકે છે. મૌતના નામે ગભરાવી મૂકતા નથી. બાબા રામદેવ કે મોરારિબાપુ અથવા નરેન્દ્ર મોદી કે મૂકેશ અંબાણીને મૌત વિશે બોલતાં કોઈ દિવસ સાંભળ્યા નથી, તેઓ બધા જ જીવન જીવવામાં બિઝી છે એમને મૌત વિશે વિચારવામાં રસ નથી. તમને તમારા મૌત વિશે બીવડાવીને તેઓ તમારી પાસેથી કશું આંચકી લેવા માગતા નથી. ઈન્શ્યોરન્સ કંપનીવાળા કે સ્વર્ગ-મોક્ષની કંડક્ટેડ ટૂરનું પ્રોમિસ આપતા બાબાગુરુઓ તમને ખંખેરી લેવા માગે છે, જેના વિશે એમને કોઈ ગતાગમ નથી એવા તમારા મૃત્યુ વિશે તમને ડરાવીને તમને અને તમારા પૈસાને પોતાના વશમાં કરી લેવા માટે તેઓ પ્રપંચ કરે છે.

કવિઓએ મોત વિશે કવિતાઓ કરવી હોય તો કર્યા કરે. આપણે બનાવટી વાહ વાહ કરીને દાદ આપ્યા કરવાની. ચિંતકો અને વિદ્વાનો છો મૃત્યુ વિશે ખાંડ્યા કરે. બહુ ધ્યાન નહીં આપવાનું. આપણે મૌત વિશે વિચાર કર્યા કરવાની સહેજ પણ જરૂર નથી. એ આવશે તો કાલેય આવશે ને નહીં આવવાનું હોય તો આવતા ૪૩ વર્ષ પછીય નહીં આવે. તમે કશું જ કરી શકવાના નથી એના વિશે.

આજે મેં એક નિર્ણય કર્યો છે. મારા શબ્દકોશમાંથી હું ‘મૃત્યુ’ શબ્દને છેકી નાખું છું. એટલું જ નહીં એના પહેલાં ઓલરેડી જે શબ્દ આવી ગયો છે તેને ફરી એક વાર આ છેલ્લા શબ્દની ઉપર ઘૂંટીને લખી દઉં છું. આ શબ્દ છે ‘જિંદગી’. કોઈ મને ભલે ટોકે કે ‘પફબભમ’ પહેલાં ‘કખગઘચછજ’ આવે તો ભલે આવે. મારા શબ્દકોશમાં ‘જિંદગી’ શબ્દ બે વાર આવતો હશે તો એમાં કોઈના બાપનું શું લૂંટાઈ જવાનું હતું.

મારે મારા મૃત્યુ વિશે હવે વિચારવું નથી. મારે મૃત્યુ વિશે હવે લખવું પણ નથી. મારે મારું ધ્યાન જીવવામાંથી ડિસ્ટ્રેક્ટ થઈ જાય તેવું કંઈ પણ જોઈતું નથી.

મોત ભલે અનિશ્ર્ચિત અને અનિવાર્ય હોય, પણ જિંદગી તો નિશ્ર્ચિત છે. મને ખબર છે કે એ અત્યારે છે મારી પાસે. અને મોત વિશે વિચારીને મારે મારી જિંદગીની અનિવાર્યતાને ઓછી નથી કરી નાખવી, કારણ કે મારા માટે મારી જિંદગી અને મારી જિંદગી માટે હું-અમે બંને એકબીજા માટે અનિવાર્ય છીએ.

કાગળ પરના દીવા

પુસ્તક વાંચ્યું, પરીક્ષા આપી અને ભણતર પૂરું થયું એવું નથી. આખી જિંદગી, જન્મની ક્ષણથી મૃત્યુની ઘડી લગી, જ્ઞાન ગ્રહણની પ્રક્રિયા ચાલતી રહે છે.

– જે. કૃષ્ણમૂર્તિ

સન્ડે હ્યુમર

એક સાથે બધા જ કાંડ યાદ આવી જાય, જ્યારે ઘરવાળી કહે: ‘બેસો, એક વાત પૂછવાની છે તમને…’

( મુંબઇ સમાચાર : રવિવાર, 16 એપ્રિલ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *