‘પાર્થભાઈ પાસે કરાવો તેવી રીતે આ છોકરાઓ પાસે કામ કરાવજો’

મહુવાનું કૈલાસ ગુરુકુળ પૂજ્ય મોરારિબાપુના વ્યક્તિત્વનું એક અભિન્ન પાસું છે. મહુવાની માલણ નદીના કાંઠે બાપુએ ૧૯૮૪માં વસાવેલા આ ગુરુકુળનો સમગ્ર કારભાર જયદેવ માંકડ સંભાળે છે. અલિયાબાડાસ્થિત ગંગાજળા વિદ્યાપીઠમાં શિક્ષણશાસ્ત્રનાં અધ્યાપિકાની ફરજ બજાવતાં રૂપલ માંકડ ‘આહુતિ’માં લખે છે એમ સમગ્ર સૌરાષ્ટ્રના વૈષ્ણવ સાધુસમાજનાં જે બાળકોના વાલીઓ ગામના ચોરામાં આવેલા રામમંદિરમાં પૂજા કરતાં હોય, આર્થિક સધ્ધરતાના અભાવે પોતાનાં તેજસ્વી બાળકોને પણ દૂરની શિક્ષણસંસ્થામાં દાખલ કરીને શિક્ષણની સુવિધા આપવામાં સમર્થ ન હોય, તેવાં વંચિત બાળકોને શિક્ષણની તક મળે તે હેતુથી શ્રી કૈલાસ ગુરુકુળની સંકલ્પના રચાઈ. દર વર્ષે સો વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. રહેવા-જમવાની કે શિક્ષણની કોઈ ફી લેવામાં નથી આવતી.

આ લેખમાંનો એક કિસ્સો રઘુવીર ચૌધરીએ ‘આહુતિ’નું લોકાર્પણ કરતી વખતે ટાંકેલો: ‘અસ્મિતાપર્વ’ વખતે શરૂઆતના સમયમાં બાપુ વ્યવસ્થા જોવા ગુરુકુળની દરેક રૂમમાં આંટો મારતાં. વ્યવસ્થાની ઝીણામાં ઝીણી વિગતો તપાસીને એક દિવસ બાપુએ પૂછયું: ‘આ બધું કોણે કર્યું?’ જવાબ મળ્યો: ‘વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ કર્યું છે.’ આ સાંભળીને બાપુએ એટલું જ કહ્યું: ‘પાર્થભાઈ (બાપુના પુત્ર) પાસે કામ કરાવો તેવી રીતે આ છોકરાઓ પાસે કામ કરાવજો.’

વિદ્યાર્થીઓ પાસે એટલું જ કામ કરાવજો જેટલું તમે મારા દીકરા પાસે કરાવતા હો, એથી વધુ નહીં અને અહીંનો દરેક વિદ્યાર્થી મારા દીકરા સમાન છે એ રીતે એની સાથે વર્તવાનું અને એ રીતે એની કાળજી રાખવાની એ મતલબની વાત બાપુએ મોઘમમાં કહી દીધી. આ કિસ્સો નોંધીને રૂપલબેન લખે છે: ‘કેવું ભેદભાવ વિનાનું વાત્સલ્ય! વિદ્યાર્થીઓને શો નાસ્તો આપો છો, ભોજનમાં શું? ગરમ પાણીની વ્યવસ્થા છે કે કેમ? બહુ વહેલા ન ઉઠાડવા’ વગેરે બાબતો અંગે સતત તેમની પૃચ્છા હોય.’

કૈલાસ ગુરુકુળ અહીં રહેતા સો છાત્રોનો છાત્રાવાસ તો છે જ, સાથોસાથ અહીં આવનાર દરેક વ્યક્તિનો પણ અનોખો છાત્રાવાસ છે. અસ્મિતાપર્વ કે સંસ્કૃતસત્ર જેવા વિધવિધ કાર્યક્રમો દરમ્યાન આમંત્રિત સર્જકો-કળાકારો-વિદ્વાનો વગેરેનો ઉતારો આ જ સંકુલમાં હોય.

અસ્મિતાપર્વના ત્રણ-ચાર દિવસ આ ગુરુકુળમાં રહેવાનો લહાવો લેનારાઓ સદ્ભાગી ગણાય. કુદરતી, શાંત, રમણીય વાતાવરણમાં અસ્મિતાપર્વની બેઠકો યોજાય, નાળિયેરીનાં ઝાડની વચ્ચે. ખુલ્લામાં. માથે મંડપ હોય પણ કોઈ દીવાલ નહીં. આ રીતે આટલા મોટા પાયે અને મોટા મોટા સર્જકોને લઈને આવું આયોજન બીજી કોઈ જગ્યાએ થતું હોય એવું જાણ્યું નથી. હવે તો ખુલ્લી જગ્યાને બદલે જગદ્ગુરુ શંકરાચાર્ય સંવાદગૃહના નામે ઓળખાતા વિશાળ વાતાનુકૂલિત હૉલમાં બેઠકો યોજાય છે. અંગતપણે હું તો એસીની ઠંડી હવા છોડીને ખુલ્લામાં શીતળ-ઉષ્ણ પવન વચ્ચે યોજાતી બેઠકોમાં હાજરી આપવાનું વધુ પસંદ કરું.

ગુરુકુળની વચ્ચોવચ લીલી હરિયાળીનું ચોગાન છે. ત્યાં સરસ્વતી મંદિર છે. મંદિરમાં માત્ર મા સરસ્વતીની સુંદર પ્રતિમા. રોજ પૂજા-આરતી થાય. રૂમની બહાર નીકળો કે તરત આ મંદિરનાં દર્શન થાય. મારી મહેચ્છા હતી કે આ મંદિરના પગથિયે બેસીને કંઈક લખવું. દિવસ દરમ્યાન બધાંનાં દેખતાં સંકોચ થાય, સમય પણ ન હોય. હનુમાન જયંતીની વહેલી સવારે મારે એક લેખ લખીને મહુવાથી તલગાજરડા જવાનું હતું જ્યાં એક કલાક સુંદરકાન્ડનો પાઠ કર્યા પછી બાપુ હનુમાનજીની ભવ્ય પ્રતિમાની આરતી કર્યા બાદ કેટલાક અવૉર્ડ્સનું વિતરણ કરીને પોતાનું વક્તવ્ય આપવાના હતા અને પછી મારે સીધા મુંબઈ આવવા નીકળી જવાનું હતું. બીજા દિવસનો ગુડ મોર્નિંગનો લેખ સવારના પહોરમાં જ લખવો પડે એમ હતો. રૂમમાં બેસીને લખું તો અંધારું દૂર કરવા લાઈટ ચાલુ કરવી પડે પણ એવું કરતાં કવિ અંકિત ત્રિવેદી સહિતના મારા રૂમ પાર્ટનર્સની ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય. બહાર જઈને જોયું તો સરસ્વતી મંદિરના પગથિયે લાઈટના થાંભલામાંથી અજવાળું પહોંચતું હતું. લખતાં લખતાં ક્યારે સૂર્યોદય થયો અને અજવાળું થઈ ગયું એનીય સરત રહી નહીં. એ દિવસે બપોરે કવિ નીતિન વડગામાએ મને વૉટ્સઍપ પર કેટલીક તસવીરો મોકલી. મારી જાણ બહાર, મને સહેજ પણ ખલેલ ન પહોંચે તે રીતે, ચોરીછૂપીથી દૂર રહીને સરસ્વતી મંદિરના પગથિયા પર નાઈટ ડ્રેસમાં બેસીને ગુડ મોર્નિંગ લખી રહ્યો હોઉં એવી આ તસવીરો મારા માટે આ વખતના અસ્મિતાપર્વમાં મને મળેલી સૌથી મૂલ્યવાન ભેટ હતી.

અસ્મિતાપર્વ ખરેખર એક પર્વ છે, ઉત્સવ છે, ઉજવણી છે. અચાનક સર્જકમિત્રો મળી જાય – કવિઓ અને લેખકો – જેમને ઘણા વખતથી મળાયું ન હોય. દરેક પોતપોતાની રીતે બિઝી હોય. મળ્યા હોય તોય અલપઝલપ, નિરાંતે નહીં. અહીં મોકળા મને મળી શકાય. સાંજની એક બેઠક પૂરી કરીને મારી અને અંકિતની રૂમમાં કવિ રઈશ મનીઆર અને સાંઈ રામ ભેગા થઈ ગયા. નાનકડો જલસો ઉજવાઈ ગયો. વહેલી સવારે માલણ નદીને અડીને આવેલી કમ્પાઉન્ડ વૉલ પાસેની નાળિયેરી નીચે ચાના થર્મોસમાંથી ગરમાગરમ ચાની ચુસ્કીઓ લેતાં કવિ હર્ષદ ત્રિવેદી કે મિત્ર ભિખેશ ભટ્ટ સાથે કે જમતાં જમતાં કવિ તુષાર શુક્લ સાથે સમય ક્યાં વીતી જાય, ખ્યાલ પણ ન રહે.

અનેક વાચકો મળે. જેમણે તમને માત્ર વાંચ્યા જ હોય, જોયા ન હોય. હવે તો ઑટોગ્રાફનો જમાનો રહ્યો નથી, સેલ્ફી જ પડાવે. એક સાંજે વારાફરતી બે-ત્રણ વાચકોએ સેલ્ફી પડાવી એ પછી એક વધુ વાચકે પણ વિનંતી કરી. હસતા મોઢે એ વાચકને પોઝ પણ આપ્યો. ક્લિક કર્યા પછી બે ડગલાં દૂર જઈને એમણે મારા તરફ આંગળી ચીંધીને કોઈને પૂછયું: ‘આ ભાઈ કોણ હતા?’ મારા ફુગ્ગાની બધી જ હવા ફુસ્સ થઈ ગઈ!

કેટલા બધા નવા મિત્રો બને. યુવા કવિઓમાંથી બહુ ઓછાનો પરિચય મને. કવિ ભાર્ગવ ઠાકરને ઓળખું. કવિ મિલિન્દ ગઢવીનું નામ ખૂબ જાણીતું એટલે નામથી ઓળખું, પણ વિસ્મય વાળા, વિપુલ માંગરોળિયા અને પ્રશાંત સોમાણી સાથે તો એટલીય જાનપહેચાન નહીં, પણ પંડિત શિવકુમાર શર્માને સાંભળ્યા પછી તલગાજરડાથી મહુવા પાછા આવીને ઉતારે જવાને બદલે અડધી રાતે પૂછતાં પૂછતાં મહુવાની મેઘદૂત ટૉકીઝે પહોંચી ગયા. ખાવાપીવાની લારીઓ આટોપાઈ ગઈ હતી. પણ એક પાઉંભાજીવાળાએ રાત્રે એક વાગ્યે તવો ફરી ગરમ કરીને પાંચેય તેજસ્વી યુવા કવિઓને અને એમની સાથે આવેલા આપના વિશ્ર્વાસુને પેટ ભરીને જમાડ્યા. પછી નીકળ્યા ચા શોધવા. એની લારી પણ ચાર રસ્તે જ મળી ગઈ. અસ્મિતાપર્વની આવી અનેક યાદો વર્ષો સુધી ભૂંસાતી નથી હોતી.

૧૪ વર્ષ પહેલાંના અસ્મિતાપર્વની કોઈ એક બેઠકમાં મારું પ્રવચન હતું. ૨૦૦૨ના ગોધરાકાંડ પછીનું જ વર્ષ. ગરમાગરમીનો માહોલ. ઉશ્કેરાટ. શ્રોતાઓમાંથી અનેકને મારી સાથે અંગત ચર્ચા કરવી હતી. આ વખતે એમાંના કેટલાક શ્રોતા મળ્યા ત્યારે એમણે યાદ કરાવ્યું કે તે વખતે તમે વિવિધ શ્રોતા જૂથોને ક્યારેક સવારે સાત વાગ્યે નાળિયેરી નીચે ચા માટે ભેગા થવાનું કહેતા, ક્યારેક સાંજે સરસ્વતી મંદિર પર અન્ય કોઈ જૂથને બોલાવતા તો ક્યારેક પાર્કિંગની ખુલ્લી જગ્યામાં બધાની સાથે ગોઠડી માંડતા.

સાતમી એપ્રિલે ભાવનગર પહોંચીને લોકમિલાપમાં ગોપાલ મેઘાણીને ત્યાં જમીને હું ટેક્સીમાં મહુવા જવા નીકળ્યો. સામાન મુકાઈ ગયો એટલે ગોપાલભાઈની વિદાય લેતો હતો ત્યાં જ એ કહે: હું આવું છું, તમને મૂકવા. બે કલાક સત્સંગ થશે. મને મહુવાના ગુરુકુળ પર ઉતારીને એ તરત પાછા જતા રહ્યા. ગુરુકુળ પર પહોંચીને સામાન લઈને હું રજિસ્ટ્રેશન ડેસ્ક તરફ જતો જ હતો ત્યાં જ પાછળથી હાક સંભળાઈ: સૌરભભાઈ!

પરિચિત અવાજ હતો. બાપુ હતા! ગાડીમાંથી ઊતરતા જ હતા. હું દોડીને એમને પગે લાગ્યો. પરિચિત જ નહીં, આંખ મીંચીને સાંભળો તો ય પારખી જાઓ એવો બ્રાન્ડેડ અવાજ કહેવાય એમનો તો, પણ સ્વપ્નેય ખ્યાલ ન હોય કે ગુરુકુળ પહોંચતાંવેંત આ રીતે અનાયાસે જ આવકાર મળશે.

બાપુની અસ્મિતાપર્વની પ્રવૃત્તિનો અંદાજ મેળવ્યા પછી એમની રામકથાએ કેટકેટલા વિષયો આવરી લીધા છે અને એ દ્વારા કેવું નક્કર સામાજિક કાર્ય થયું છે તેની ખૂબ જ રસપ્રદ વિગતો હજુ બાકી છે.

આજનો વિચાર

જો તમારે સફળ બનવું હોય તો માત્ર એક જ નિયમ પાળવાનો છે તમારે. ક્યારેય કરતાં ક્યારેય તમારી જાત સાથે જુઠ્ઠું નહીં બોલતા.

– પાઉલો કોએલો

એક મિનિટ!

હનુમાન જયંતીની સાંજે હનુમાનજીએ રામચન્દ્રજીને કહ્યું,

‘પ્રભુ, આટલો થાક તો મને સંજીવની પર્વત ઉઠાવીને લાવ્યો ત્યારે પણ નહોતો લાગ્યો જેટલો આજે આખો દિવસ એક મોબાઈલમાંથી બીજા મોબાઈલ પર છલાંગ લગાવી લગાવીને લાગ્યો છે.’

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 13 એપ્રિલ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *