કવિ કાગથી કિશોરી આમોનકર સુધી

‘હું તો દર નવ દિવસે મારું ઘર બદલી નાખું છું.’ એવું જ્યારે પૂજ્ય મોરારિબાપુએ ભોપાલની લેટેસ્ટ કથામાં કહ્યું ત્યારે તમને સ્ટ્રાઈક થાય કે આ સિલસિલો તો છેક પચાસ કરતાં વધુ વર્ષથી નિયમિત ચાલતો આવ્યો છે. સતત બહારગામ રહેવું, સતત ઘરથી દૂર રહેવું અને બે કથા વચ્ચે ઘરે આવ્યા પછી પણ પગ વાળીને બેસી ન રહેવું-આ બધું કરવું શારીરિક રીતે, માનસિક રીતે અને ભાવનાત્મક રીતે અલમોસ્ટ અશક્ય છે. રામકથાને જીવનના કેન્દ્રમાં રાખીને બાપુ બે રામકથાઓ વચ્ચેના અવકાશના દિવસોને પોતાની મનગમતી પ્રવૃત્તિઓથી છલોછલ કરી નાખે છે.

આવી પ્રવૃત્તિઓમાં એક તો અસ્મિતા પર્વ જેના વિશે છેલ્લે વાત કરીશું. રામકથા અને અસ્મિતા પર્વ જેટલી જ મહત્ત્વની એમની ત્રીજી પ્રવૃત્તિ તે સંસ્કૃતસત્ર. સંસ્કૃત ભાષાના વિદ્વાનોને મહુવાના કૈલાસ ગુરુકુળમાં આમંત્રણ આપીને અસ્મિતા પર્વ જેટલા જ ઠાઠમાઠથી દર વર્ષે આ સંસ્કૃતસત્ર યોજાય છે. વલ્લભવિદ્યાનગર સ્થિત જાણીતા વાર્તાકાર, વિવેચક અને સંસ્કૃતના પૂર્વ અધ્યાપક અજિત ઠાકોર ‘આહુતિ’માં લખે છે: ‘સંસ્કૃતસત્રની સંકલ્પના મુખ્ય ત્રણ પ્રયોજનોથી થઈ: ૧. શ્ર્લોકને લોક સુધી પહોંચાડવો અને લોકને શ્ર્લોકને વંદન કરતાં શિખવાડવું. ર. આવા સત્સંગથી આંતરમનને શુદ્ધ કરવું અને ૩. વિવિધ મત ધરાવતા વિદ્યાપુરુષો સાથે બેસી કશાય વિવાદ વિના સંવાદ રચે.

વેદ, ઉપનિષદ, ગીતા, પુરાણ, સંસ્કૃત સાહિત્યની ચર્ચા કરતાં પ્રવચનોને સુજ્ઞ શ્રોતાઓ મન ભરીને માણે. ‘સંસ્કૃતસત્ર’માં થયેલાં આવાં પ્રવચનોને ‘બહુશ્રુત’ નામે દસ ગ્રંથોમાં પ્રગટ કરવામાં આવ્યાં છે.

ચોથી પ્રવૃત્તિ પણ બહુ ઈન્ટરેસ્ટિંગ છે. બાપુને બીજા કથાકારો સાથે કેવો સંબંધ હશે? બાપુ અને પૂ. ભાઈશ્રી (રમેશભાઈ ઓઝા) વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો જાણીતા છે. આ વખતના અસ્મિતા પર્વમાં પણ ભાઈશ્રી રાજુલાની કથાને વિરામ આપીને પોરબંદર જતાં પહેલાં બાપુને મળવાના આશયથી અસ્મિતા પર્વના એક સત્રમાં હાજરી આપવા આવ્યા હતા. સાહિત્યકારો તો જાહેરમાંય અંદરોઅંદર એકબીજાના માથાના વાળ (જેટલા રહ્યા હોય એટલા) ખેંચીને જાહેરમાં લડતાઝઘડતા હોય છે. ચિનુ મોદીની શોકસભાના આયોજન વખતે જે વિવાદ થયો તે તો આ ઝઘડાની પરાકાષ્ઠા હતી પણ એ પહેલાં ગુજરાતી સાહિત્ય પરિષદના સેનાપતિ ચંદ્રકાંત ટોપીવાળા અને ગુજરાત સાહિત્ય અકાદમીના સેનાપતિ ભાગ્યેશ ઝા પોતપોતાની સેનાઓ લઈને આપસમાં એટલું ઝઘડ્યા છે કે આમાંથી કૌરવસેના કઈ અને પાંડવસેના કઈ એવી મૂંઝવણ ખુદ શ્રીકૃષ્ણને થાય.

આસો મહિનાની એકાદશીથી શરદ પૂર્ણિમા સુધીના પાંચ દિવસ માટે તમામ કથાકારો દર વર્ષે મળે છે. આવું આયોજન કરવાનું બાપુને કેવી રીતે સૂઝ્યું? જામનગરસ્થિત જાણીતા વિવેચક અને ગુજરાતીના પૂર્વ પ્રાધ્યાપક લાભશંકર પુરોહિતના લેખમાંથી તમને જાણવા મળે છે કે દાયકાઓ પહેલાં પૂજ્ય ડોંગરે મહારાજની કથા મુંબઈમાં થઈ રહી હતી એ દિવસોમાં બાપુ પણ મુંબઈમાં રામકથા કરતા હતા. બાપુ સદ્ભાવના વંદન માટે ડોંગરે મહારાજને મળવા ગયા ત્યારે એ જ સમયે પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રી પણ ડોંગરે મહારાજનાં ખબરઅંતર પૂછવા આવ્યા હતા. આમ ત્રણ કથાકારોનું મિલન થયું. બાપુને વિચાર આવ્યો કે આ જ રીતે અન્ય કથાકારો પણ મળતા રહે તો? અત્યારે ‘કથાકાર મિલન’ની જે પ્રવૃત્તિ ચાલે છે તે ‘ત્રિવેણી’ના નામે ઓળખાય છે. બાપુની પ્રેરણા અને એમના માર્ગદર્શન હેઠળ આ ઉપક્રમની આચારસંહિતા ઘડાઈ. ‘ત્રિવેણી’ના મંચ પર રાજકીય-માન્યતા પ્રાપ્ત લોકો ન બેસે. શુદ્ધ ધર્મવિચાર થાય, શાસ્ત્રવિચાર થાય. વ્યક્તિગત અભિપ્રાયો આવકાર્ય પણ એ ટીકાત્મક સ્વરૂપે ન હોય. પ્રારંભની અને સમાપનની બેઠક જાહેરમાં થાય, પરંતુ બે સત્રો માત્ર કથાકારો માટે. બપોર પછીની બેઠકનો લાભ લોકો લઈ શકે. રામચરિતમાનસ, વાલ્મીકિ રામાયણ, શ્રીમદ્ ભાગવત કે અન્ય ગ્રંથોને કેન્દ્રમાં રાખી કથા કરતા કથાકારો આ સહિયારા મંચ પર શું શું ચર્ચા કરતા હશે એવો પ્રશ્ર્ન આપણા જેવા કથાના શ્રોતાઓને થાય. જવાબ છે: ‘કથાનો દૃષ્ટિકોણ, કથામાં પૂરક બાબતો, સમસામયિક ઘટનાઓ અને પ્રશ્ર્નો, કથા દ્વારા ધર્મસંદેશ, રાષ્ટ્રસંદેશ આ અને આવા અનેક પ્રશ્ર્નો વિશે કથાકારોના મત પ્રગટ થાય.’

ત્રિવેણી કથાકાર મિલનનાં સ્થાનો બદલાતાં રહે છે. સૌથી પહેલાં જામનગર જિલ્લામાં જોડિયા ધામમાં આવું આયોજન થયું પછી બાપુની વતન ચિત્રકૂટ ધામ, તલગાજરડા (મહુવા)માં. ત્યાર બાદ સોલાની ભાગવત વિદ્યાપીઠથી લઈને અંજાર, ધરમપુર, દ્વારકા, સંતરામ મંદિર (નડિયાદ), નાથદ્વારા, નારેશ્ર્વર, માલસર, સાંદીપનિ આશ્રમ (પોરબંદર), ગિરનારતળેટી-જૂનાગઢ, સોમનાથ, અશોકનગર અને છેલ્લા ત્રણ વખતથી અગાઉ એક વખત જ્યાં એનું આયોજન થઈ ચૂક્યું છે તે જોડિયા ધામના ગીતા વિદ્યાલયમાં સૌ કથાકારો ભેગા થાય છે. ‘ત્રિવેણી’માં આવતા તમામ કથાકારોને બાપુ પોતાની જોડે ચ્યાંગમાઈ, (થાઈલેન્ડ)ની રામકથામાં લઈ ગયા હતા.

પાંચમી પ્રવૃત્તિ લોક સાહિત્યને લગતી કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિએ ૧૬ વર્ષથી ભગતબાપુની ભૂમિ પર એકધારું આયોજન થાય છે. ગાંધીનગર નિવાસી લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના અભ્યાસી તેમ જ નિવૃત્ત ઉચ્ચ સરકારી અધિકારી વસંત ગઢવી ‘કાગને ફળિયે’ લેખમાં જણાવે છે. ‘આ વિશિષ્ટ ઘટના બાપુના આશીર્વાદ વિના આજે છે એવું સંસ્થાગત સ્વરૂપ ધારણ ન કરી શકી હોત.’ ‘દર વર્ષે આ કાર્યક્રમ અંતર્ગત કાગ-સાહિત્યના અનેક મર્મીઓ કવિ કાગના સાહિત્ય તથા ભગતબાપુના જીવનને ઉજાગર કરતાં વિવિધ પાસાંઓ પર વિચારણીય વક્તવ્યો રજૂ કરે છે. તેની સાથોસાથ લોકસાહિત્યના અનેક સુવિખ્યાત કલાકારો પોતાની કળા મજાદરના આંગણે અંતરના ઉમળકાથી પ્રદર્શિત કરે છે.’

છઠ્ઠી પ્રવૃત્તિ ગુજરાતી ભજન સાહિત્યને લગતી. ‘સંતવાણી’ના વાર્ષિક કાર્યક્રમોમાં ભજનનો ઉદ્ભવ, વિકાસ, તેનું બદલાતું સ્વરૂપ અને એના વિવિધ પ્રકારો, તેનાં લક્ષણો, ગાયકીના પ્રકારો તેમ જ ભજનરચના સાથે સંકળાયેલી સંતપરંપરાનો અભ્યાસ વગેરે પાસાંઓ પર વિચાર કરવામાં આવે છે. કેશોદ નિવાસી નિવૃત્ત પ્રાધ્યાપક તથા સંતવાણીના અભ્યાસી નાથાલાલ ગોહિલ જણાવે છે ‘સંતવાણી’ કાર્યક્રમમાં ભજનના પરંપરિત ગાયકનું તો એવૉર્ડ આપીને સન્માન થાય છે જ, તેની સાથે તબલાંવાદક, મંજીરાવાદક અને અન્ય વાદ્યવાદકનું પણ સન્માન થતું હોય છે.

સાતમી પ્રવૃત્તિ શિક્ષણને લગતી. ‘શિક્ષણપર્વ’ યોજવા ઉપરાંત ગુજરાતભરની શાળાઓમાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન થાય છે અને આ પ્રસંગે શિક્ષણ પ્રણાલિ વિશે ચર્ચા થાય છે. જાણીતા શિક્ષણકાર, બાળ સાહિત્યના લેખક તથા ભૂતપૂર્વ પ્રાધ્યાપક ઈશ્ર્વર પરમારના જણાવ્યા પ્રમાણે ર૦૦૦થી આરંભાયેલા આ ‘ચિત્રકૂટ એવૉર્ડ’ દ્વારા ર૦૧૭ સુધીમાં ૧૩૮ જેટલા શિક્ષકોનું સન્માન થયું છે. શિક્ષકોને વંદનારૂપે રૂ. ૨૧,૦૦૦નું પારિતોષિક આપવામાં આવે છે.

આઠમી પ્રવૃત્તિ હનુમંત સંગીત મહોત્સવ છે જેનું આયોજન અસ્મિતા પર્વના દિવસો દરમિયાન પ્રત્યેક રાત્રિએ તલગાજરડામાં થાય છે. સંગીત અને નૃત્યકળાને ઉત્તેજન આપવાના હેતુથી ૪૦ વર્ષ પહેલાં હનુમંત સંગીત મહોત્સવ શરૂ થયો. ભીમસેન જોષી, જસરાજજી, કિશોરી આમોનકર, છન્નુલાલ મિશ્ર અને ગુલામ અલીથી લઈને પરવીન સુલતાના, કૌશિકી ચક્રવર્તી, અશ્ર્વિની ભીડે તથા વીણા સહસ્રબુદ્ધે સુધીના કંઠ્ય સંગીતના મહારથીઓ તલગાજરડા આવીને દર વર્ષે હજારો શ્રોતાઓને રિઝવી ગયાં છે.

વાદ્યકારોમાં બિસ્મિલ્લાખાં, રવિશંકર, વિલાયતખાં, અમજદઅલીખાં, શિવકુમાર શર્મા, હરિપ્રસાદ ચૌરસિયા, બુધાદિત્ય મુખર્જી, રોનું મજુમદાર, ઝાકિર હુસૈન તથા ભવાનીશંકર સહિતના ટોચના કળાકારોએ પોતાની કળા તલગાજરડામાં પ્રગટ કરી છે. લોકોને આજે પણ હનુમાનજીની વિરાટ મૂર્તિના ચરણે બેસીને બાલમુરલીકૃષ્ણન્ અને અજય ચક્રવર્તીની જુગલબંદી યાદ છે. નૃત્યકારોમાં બિરજુ મહારાજ અને ગોપીકૃષ્ણથી શરૂ કરીને સોનલ માનસિંહ, હેમા માલિની, જયાપ્રદા, મીનાક્ષી શેષાદ્રિ અને ગ્રેસી સિંગ સહિતની વિખ્યાત નૃત્યાંગનાઓએ તલગાજરડા આવીને શાસ્ત્રીય નૃત્ય પેશ કર્યું છે.

નવમી પ્રવૃત્તિ ગઈ કાલે જે ગણાવી તે-ગોસ્વામી તુલસીદાસ રિસર્ચ સેન્ટરની સ્થાપના.

મને થાય કે માત્ર આ બધી પ્રવૃત્તિઓના માત્ર ઉલ્લેખો કરતાં જ હાંફ ચડે છે અને તે પણ એક જ વાર ઉલ્લેખ કરવાનો છે, તો બાપુ વર્ષોથી આ બધી પ્રવૃત્તિઓનું આયોજન કરતાં, શ્રોતા બનીને દિવસો સુધી બીજાઓને સાંભળતાં અને ઉદ્ઘાટન કે સમાપન પ્રવચનો કરતાં થાકતા નહીં હોય.

અને આ નવનો આંકડો શુભ છે એટલે વિસામો લીધો છેે. હજુ તો બાપુની બીજી ઘણી પ્રવૃત્તિઓ અને બીજી ઘણી બાબતોની ઝલક મેળવવાની છે.

આજનો વિચાર

માણસ ગમે તેટલું માઉન્ટન ડ્યુ પીએ, ડર લાગે ત્યારે તો હનુમાન ચાલીસા જ યાદ આવે.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

સાહિત્યના બે ચર્ચાસત્ર વચ્ચે પતિપત્ની ચા પીતાં પીતાં વાતો કરી રહ્યા હતા.

પતિ: મને તો કવિતા બહુ ગમે.

પત્ની: મને વિનોદ બહુ ગમે.

( મુંબઇ સમાચાર : બુધવાર, 12 એપ્રિલ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *