અસ્મિતા પર્વ અને આહુતિ

‘હું નાણાંનો અને વ્યવસ્થાનો માણસ નથી’, આવું કહીને પૂજ્ય મોરારિબાપુએ તલગાજરડામાં યોજાયેલી ૬૦૦મી રામકથામાં જાહેર કર્યું હતું કે, ‘…સેવાકીય પ્રવૃત્તિઓનો ફેલાવો એટલો ન કરવો કે જેથી વ્યક્તિ પોતાનો આંતરિક વિકાસ ન કરી શકે.’

આજે તો હવે આ વાત કહ્યે પણ વર્ષો વીતી ગયાં. કથાનો આંક ૭૯૦ના આરે આવીને ઊભો છે. મોરારિબાપુ એટલે રામકથા અને રામકથા એટલે મોરારિબાપુ એ સર્વસ્વીકૃત હકીકત છે. પણ જેમ ‘રામકથા એટલે મોરારિબાપુ’વાળા વિધાનમાં અતિશયોકિત છે એમ ‘મોરારિબાપુ એટલે રામકથા’ એ વિધાનમાં અલ્પોકિત છે. મોરારિબાપુ નવ-નવ દિવસીય રામકથા કહેવા ઉપરાંત બીજી અનેક જાહેર સામાજિક – સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરે છે જેમાંની મોટાભાગનીના પ્રણેતા તેઓ પોતે છે. બાપુ સાચું જ કહે છે કે તેઓ નાણાંના અને વ્યવસ્થાના માણસ નથી. તેઓ આયોજનના નહીં પણ આયોજનની કલ્પનાના માણસ છે. તેઓ પૈસાના વહીવટના નહીં પરંતુ એ અંગેની જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવી શકે એવા લોકોને આકર્ષનારા માણસ છે અને નાણાં તથા વ્યવસ્થાને લગતી શ્રેષ્ઠ વ્યક્તિઓ એમની નિ:સ્વાર્થ તેમ જ પારદર્શક નીતિરીતિને કારણે મળતી જ રહી છે. બાપુ આવી અનેક વ્યક્તિઓમાં પોતાનો વિશ્ર્વાસ રોપીને પોતાની સેવાકીય પ્રવૃત્તિઓનો ઘણો મોટો ફેલાવો કરી શક્યા છે અને આ જ બધી મહદંશે અનામી એવી અગણિત વ્યક્તિઓના પ્રેમાદરને કારણે બાપુની આંતરિક વિકાસની યાત્રા સડસડાટ આગળ તે આગળ વધતી રહી છે.

અત્યારે, આ લખાય છે ત્યારે, મહુવામાં હનુમાન જયંતી નિમિત્તે દર વર્ષે યોજાતું અસ્મિતા-પર્વ રંગેચંગે ચાલી રહ્યું છે જેનું સીધું જીવંત પ્રસારણ ‘આસ્થા’ ચેનલ દ્વારા દુનિયાભરના પોણાબસો જેટલા દેશોમાં થઈ રહ્યું છે.

એક આખી ગુજરાતી સાહિત્ય પરિષદ અને એક આખી ગુજરાતી સાહિત્ય અકાદમી ભેગી થઈનેય જે કામ ન કરી શકે તેના કરતાં સોગણું ઈફેક્ટિવ તેમ જ સ્તરીય કામ એક જ વ્યક્તિના આશ્રયે છેલ્લા વીસ વર્ષથી થઈ રહ્યું છે. માતૃભાષા ગુજરાતી માટેનો નિ:સ્વાર્થ પ્રેમ ‘મુંબઈ સમાચારે’ વારંવાર અનેક યોજનાઓ દ્વારા પ્રગટ કર્યો જ છે. બાપુ અસ્મિતા પર્વ દ્વારા મુંબઈ-ગુજરાત અને સમગ્ર ભારત ઉપરાંત દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તેમના સુધી આપણી ભાષાના આપણા ધુરંધર તેમ જ તેજસ્વી નવોદિતોના સાહિત્યને, એમની કવિતાને અને એમની લેખનકૃતિઓને અસ્મિતા પર્વ દ્વારા પહોંચાડી રહ્યા છે.

રામકથા ઉપરાંત બાપુની જાહેર પ્રવૃત્તિઓનું એક ઔર પાસું એટલે અસ્મિતા પર્વ. પણ અગેઈન, મોરારિબાપુ એટલે રામકથા વત્તા અસ્મિતા પર્વ એટલું માની લઈએ તો પણ તે, ભલે થોડી મોટી પણ, અલ્પોકિત જ ગણાશે એટલો મોટો વ્યાપ એમની પ્રવૃત્તિઓનો છે. બાપુના વિરાટ વ્યક્તિત્વનો અંદાજ મેળવવો હોય તો એમની રામકથા તથા એમના અસ્મિતા પર્વમાં તો ઊંડા ઊતરવું જ પડે, એ ઉપરાંતની એમની નક્કર, નિયમિત અને નિ:સ્વાર્થ પ્રવૃત્તિઓ પર પણ નજર નાખવી પડે.

‘અસ્મિતા પર્વ: ૨૦’નું ૭મી એપ્રિલના શુક્રવારે ઉદ્ઘાટન થયું એક અલભ્ય એવા ગ્રંથના લોકાર્પણ સાથે. જ્ઞાનપીઠ વિજેતા નવકથાકાર અને ગુજરાતી પ્રજાના હૃદય સુધી પહોંચનાર સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ ‘આહુતિ’ નામના એક દળદાર ગ્રંથનું વિમોચન કર્યું. મોટી સાઈઝનો આ ગ્રંથ ૩૦૦ કરતાં વધારે પાનાંનો છે છતાં બાપુની તમામ પ્રવૃત્તિઓની એમાં માત્ર ઝલક જ તમને મળે છે. વિચાર કરો કે આ દરેક પ્રવૃત્તિ વિશે વિગતવાર દસ્તાવેજીકરણ કરવું હોય તો આવા બીજા કેટલા ગ્રંથ તૈયાર કરવા પડે? મોર ધેન અ ડઝન.

કવિબંધુ હરિશ્ર્ચન્દ્ર જોશી અને વિનોદ જોશી બાપુનો ‘નિતાન્ત કરુણાભર્યો સહજ પ્રેમ’ પામવાને સદ્ભાગી બન્યા છે. ‘આહુતિ’ની પરિકલ્પના અને સંપાદન એમની અથાક મહેનત તેમ જ આગવી કલ્પનાશક્તિનું સુંદર પરિણામ છે. પુસ્તકમાં લગભગ ૭૦-૭૫ સારસ્વતો, વિદ્વાનો, લેખકો, કળાકારો, શિક્ષણકારોએ બાપુની એકે-એક પ્રવૃત્તિને વિવિધ દૃષ્ટિકોણથી જોઈ છે અને એને લગતી માહિતી એકઠી કરીને એમાં પોતાનો દૃષ્ટિકોણ ઉમેરીને વાચકો સુધી મોકલી આપી છે. ગુજરાતી લેખન ક્ષેત્રની પ્રેક્ટિકલી તમામ જાણીતી કલમો તમને અહીં જોવા મળશે. રઘુવીર ચૌધરી તો હોય જ અને જોશીબંધુ પણ હોય, આ ઉપરાંત તુષાર શુકલ, મનસુખ સાવલિયા, નીતિન વડગામા, હર્ષ બ્રહ્મભટ્ટ અને ભદ્રાયુ વછરાજાનીથી લઈને ભાગ્યેશ જહા, જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, અંકિત ત્રિવેદી અને હિતેન આનંદપરા ઉપરાંત અનેક નામો તમને પુસ્તકની અનુક્રમણિકામાં જોવા મળશે. આશા પારેખ, પં. શિવકુમાર શર્મા, પં. અજય ચક્રવર્તી અને અવધેશ કુમાર સિંહે પણ આ ગ્રંથ માટે લખ્યું છે.

શું લખ્યું છે?

બાપુની ઘણી પ્રવૃત્તિઓનો પરિચય તેમ જ કેટલીક પ્રવૃત્તિઓના સાક્ષી હોવા છતાં મને આ વાતની ખબર નહોતી કે તેઓ રામચરિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસ વિશેનું એક વિશાળ, સર્વગ્રાહી, સમગ્ર વિશ્ર્વમાં એકમેવ બની રહેશે એવું તુલસી રિસર્ચ સેન્ટર ઊભું કરી રહ્યા છે. ‘તુલસીઘાટ’ નામકરણ પામેલું આ સેન્ટર અત્યારે મહુવાના કૈલાસ ગુરુકુળમાં છે. રામચરિત માનસને સમજવા માટે, એના વિશે વધુ ઊંડાણમાં ઊતરીને સંશોધન કરવા માટે સમગ્ર તુલસી-સાહિત્ય આ સંશોધન કેન્દ્રમાં છે અને વધુ સામગ્રી સતત ઉમેરાઈ રહી છે. તુલસીદાસે ઉપયોગમાં લીધેલા આધારગ્રંથો તેમ જ તુલસીએ જે કંઈ લખ્યું – કહ્યું તેની પ્રમાણભૂત પ્રતો આ રિસર્ચ સેન્ટર માટે એકઠાં કરવાનું ભગીરથ કાર્ય ઘણું બધું આગળ વધી ચૂક્યું છે. ગુરુકુળના સંયોજક જયદેવ માંકડે દિલ્હી, લખનૌ, પટણા વગેરે સ્થળોની મુલાકાત લઈને અલભ્ય ગણાતા ગ્રંથો એકઠા કર્યા છે.

આ માહિતી મને ક્યાંથી મળી? ‘આહુતિ’માં નગીનદાસ સંઘવીએ લખેલા એક નાનકડા લેખમાંથી.

કૌશિક મહેતાના લેખમાં નગીનદાસ સંઘવીના આ શબ્દો ટાંકવામાં આવ્યા છે: ‘મને મોરારિબાપુની રામકથા કરતાંય એમની સામાજિક નિસ્બતમાં વધુ રસ પડે છે… બાપુની કથા તો ગમે છે, પણ એમની સામાજિક નિસ્બત વધુ સ્પર્શી જાય છે… કદાચ આ જ કારણે તેઓ અન્ય કથાકારો કે સંતો કે પછી ધર્મગુરુઓથી અલગ પડે છે. એમના માટે આ કોઈ સ્પર્ધા નથી કે નથી કોઈ દેખાડો. તેઓ બહુ સહજતાથી આ બધું કરે છે…’

સંઘવીસાહેબના આ શબ્દોને ટેકો આપતા હોય એમ સુમન શાહે નોંધ્યું છે: ‘બાપુનું પૉઝિટિવિઝમ સાચકલું છે. કશી લિપસર્વિસ નથી. ખાલી-ખાલી જીભ નથી હલાવી, અમસ્તો ટહુકો નથી કર્યો.’

બાપુની અનેકવિધ પ્રવૃત્તિઓનો ‘આહુતિ’ દ્વારા પરિચય પામતાં પહેલાં આ જ ગ્રંથના આરંભે ટાંકેલો રાજેન્દ્ર શુકલનો આ શેર વાંચવો અત્યંત જરૂરી છે. બાપુ જે કંઈ છે તે શા માટે છે અને તમારા માટે જે દુશ્મનસમા છે તે દુશ્મનને ય શા માટે બાપુ પોતાના લાગે છે એનું રહસ્ય ઋષિકવિ રાજેન્દ્ર શુકલે બે જ પંકિતમાં ઉઘાડું કર્યું છે. જો આ વાતનો સ્વીકાર તમે પણ કરી લો (તમે એટલે તમે નહીં પણ આ લખનાર સહિત સૌ કોઈ) તો જે તમને દુશ્મનસમા લાગે છે એમના માટેની તમારી જોવાની દૃષ્ટિ બદલાઈ જાય, એમના પ્રત્યેની તમારી લાગણી બદલાઈ જાય અને તમે પણ એમને બાપુની જેમ જોવા લાગો. શેર છે:

નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં,
હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું.

આજનો વિચાર

રસ્તા ઉસને બદલા થા
મંઝિલ મેરી બદલ ગઈ

– વૉટ્સઍપ પર વાંચેલું (કમનસીબે રચયિતાનું નામ નથી મળ્યું. જાણકારી હોય તો આપવા વિનંતી)

એક મિનિટ!

એક શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, ‘બી.આર.ટી.એસ.નું પૂરું નામ શું છે?’

‘સાયેબ, બાજરાનો રોટલો ને ટામેટાનું સાક…’

( મુંબઇ સમાચાર : સોમવાર, 10 એપ્રિલ 2017)

1 comment for “અસ્મિતા પર્વ અને આહુતિ

  1. April 14, 2017 at 5:36 AM

    મોરારિબાપુ બાપુ આટલી બધી પ્રવૃતિઓ કરે છે, તેના વિષે આજ સુધી ખબર જ ન હતી. બહુ જ સરસ લેખ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *