વાચકો, લેખકો અને પ્રકાશકોનો ત્રિવેણી સંગમ

‘ગુડરીડ્સ’ આમ તો અમેઝોનની માલિકીની છે પણ એમાં કમાણીનો કોઈ હેતુ નથી. વિશ્ર્વની કોઈ પણ ભાષાનાં પુસ્તકોના ચાહકોને એક છત્ર નીચે લાવતી આ વેબસાઈટમાં પુસ્તકરસિયાઓ માટે અખૂટ ખજાનો છે. ર૦૦૭માં શરૂ થઈ, બરાબર દસ વરસ થયાં એને.

ક્યારેક ‘ટેડ ટૉક્સ’ વિશે વિગતે લખ્યું હતું, તમને યાદ હોય તો. ગુજરાતી વાચકોમાં (અને લેખકોમાં) તે વખતે બહુ ઓછા લોકો એનાથી પરિચિત હતા. આજે હવે ‘ટેડ ટૉક્સ’ આપણા માટે અજાણ્યું નથી રહ્યું. હવે ‘ગુડરીડ્સ’ પણ નહીં રહે. આ બધી એવી સાઈટ્સ છે જેમાં પાઈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં એવું બેઉ પક્ષે લાગે. પણ હકીકતમાં એવું નથી. આપણને અને એ લોકોને બેઉને એમાં આડકતરી રીતે જબરજસ્ત ફાયદો થતો હોય છે. આપણે આપણા ફાયદાનું જોઈએ.

માત્ર ૩૦ના જ સ્ટાફ વડે ચાલતી ‘ગુડરીડ્સ’ને અમેઝોને ર૦૧૩માં ખરીદી લીધી. બેઝિકલી આ સાઈટ પુસ્તકો અને વાચકોને જોડતું પ્લેટફોર્મ છે, તમે કોઈ પુસ્તક વાંચ્યું. તમને ગમ્યું. તમારે એના વિશેના વિચારો બીજા બુક લવર્સ સાથે શેર કરવા છે. તમારા ફેવરિટ ઑથર વિશે બીજા પુસ્તકપ્રેમીઓ શું કહે છે. પુસ્તકને તમે રેટિંગ આપો. બીજા લોકોને વાંચવું, ન વાચવું એની ખબર પડે. આમાં કોઈ બંધન નહીં, કોઈ મર્યાદા નહીં. કોઈ પણ પુસ્તક વિશે તમે કંઈ પણ અભિપ્રાય મૂકો. કેટલાંક સારાં ગુજરાતી પુસ્તકો અને સારા લેખકોના ઉલ્લેખ પણ મેં એમાં જોયા (ના, મારી આમાં કોઈ વાત નથી. સારાં પુસ્તકો અને સારા લેખકોની વાત છે.) કોઈ પણ પ્રકાશકની ચોપડી હોય. કોઈ વાંધો નહીં. આ સાઈટ પરથી ડાયરેક્ટ કોઈ પુસ્તક ખરીદવું હોય તો એની લિન્ક પણ મળે. બીજે ફાંફાં મારવાનાં નહીં. તમને વગર મહેનતે, પુસ્તક ક્યાંથી મેળવવું એનો સોર્સ મળી જાય અને સાઈટવાળાને સુયાણીનું કામ કરવા બદલ નાનુંમોટું દાપું મળી જાય.

પુસ્તકો ઉપરાંત તમે વાચનને લગતા કોઈ પણ વિષય વિશે ફોરમ ઊભી કરીને ડિસ્કસ કરી શકો. અને ગામ હોય ત્યાં અમુકવાડો તો હોવાનો જ (ગરોળીની આગળ જો એ બે અક્ષરનું પ્રીફિક્સ લગાડો તોય રમખાણ થઈ જતું હોય છે ત્યાં અહીં ક્યાં એવું રિસ્ક લેવું. ભલેને સેંકડો વર્ષથી આ કહેવત આપણી લોકબોલીમાં હોય. નહીં બોલવાની). ઘણા વાચકો અહીં એવા ઘૂસી જાય જે વગરફોગટે કોઈ ઑથરને પ્રમોટ કર્યા કરે, તદ્દન કચરા જેવા લેખકોના આટલા બધા પ્રશંસકો હોય? એવું તમને લાગે. અને ક્યારેક અચ્છા અચ્છા લેખકોને તદ્દન હલકી રીતે ઉતારી પાડતા વાચકો પણ અહીં મળવાના.

પણ સોશ્યલ મીડિયા છે એટલે એમાં આવું બધું તો રહેવાનું. ફેસબુક પર તમારા વિશે સારું સારું લખાય ત્યારે જેમ તમે માર્ક ઝકરબર્ગને પેંડાનું પેકેટ નથી મોકલતા એમ તમે ટ્રોલ થાઓ તો એમાં બિચારા એનો શું વાંક?

‘ગુડરીડ્સ’ની એક ઔર વિશિષ્ટતા એ કે તમે એમાં રજિસ્ટર થઈને ઓપ્શન ક્લિક કર્યું હોય તો તમને રોજ એક ઈ-મેઈલ આવે. ઈ-મેઈલમાં કોઈ રાઈટર, પોએટ વગેરેનું ક્વોટ હોય, પણ એ રેન્ડમલી સિલેક્ટ ના કર્યું હોય. એ પર્ટિક્યુલર દિવસ એ રાઈટરની જિંદગીમાં મહત્ત્વનો હોય. એની બર્થડે હોય, એની પુણ્યતિથિ હોય, ભૂતકાળમાંના એ દિવસે એની ફલાણી જાણીતી નવલકથા છપાઈ હોય અથવા એના નાટકનો પહેલો શો થયો હોય. રાઈટરની જિંદગીમાં તો ઊજવવા જેવા કેટલા બધા દિવસો હોય. (આમ તો દરેકની જિંદગીમાં હોય). પછી દર મહિનાની પહેલી તારીખે કેટેગરી વાઈઝ નવાં પ્રગટ થયેલાં પુસ્તકો વિશે સંક્ષિપ્ત માહિતી આપતો ઈ-મેઈલ આવે. રોમેન્સ, હું ડન ઈટ, યંગ એડલ્ટ્સ, સાયન્સ ફિક્શન, બાયોગ્રાફી. તમે તમારી ચોઈસનાં નવાં પુસ્તકો વિશે અપડેટ રહ્યા કરો.

‘ગુડરીડ્સ’ની બીજી એક મઝા છે. એમાં એક સેક્શન ક્વૉટેબલ ક્વૉટ્સનો છે. અવતરણોની મહાગંગા તમને મળે. કેટલાય લેખકોના ક્વૉટ્સ વિષયવાર તમે સર્ચ કરી શકો. કોઈ વખત એવું થાય કે તમને ટેન્ટેટિવલી યાદ હોય પણ એક્ઝેટ્ શબ્દો ખબર ન હોય તો જેટલું યાદ હોય એટલા શબ્દો નાખો તો તૈયાર માલ તમને મળી જાય. ક્યારેક એમાં તમારે તમારો નીરક્ષીર વિવેક વાપરવો પડે. માર્ક ટ્વેઈન કે બર્નાર્ડ શૉના નામે કે રાલ્ફ વાલ્ડો એમર્સનના નામે ક્વોટ થયેલા શબ્દો એ લોકોએ લખ્યા જ ન હોય કે એમના દ્વારા બોલાયેલા જ ન હોય એવું બને. પૂરતી સાવધાની વર્ત્યા પછી અને થોડું આર એન્ડ ડી કર્યા પછી ‘ગુડરીડ્સ’ના આ ફીચરનો લાભ ઉઠાવીને હું ઘણી વાર મારી કૉલમોના પૂંછડે આવતા લટકણિયાઓને શણગારતો હોઉં છું.

આ બધું અહીં શેર કરવાના બે હેતુ છે. એક તો તમે જો પુસ્તકરસિયા હો અને હજુ સુધી આ સાઈટથી બેખબર હો તો મને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે. અને બીજું, વધારે મહત્ત્વનું કારણ એ કે ગુજરાતીમાં આવી કોઈ સાઈટની તાતી જરૂર છે. દર વરસે હજારો પુસ્તકો ગુજરાતીમાં પ્રગટ થાય છે. પ્રકાશકો કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. પણ વાચક-પ્રકાશકને એક પ્લેટફોર્મ પર લાવતું કોઈ મુક્ત માધ્યમ આપણી પાસે નથી એ આપણો પ્રોબ્લેમ છે. વાચક ફરિયાદ કરે છે કે અમે પૈસા ખરચવા તૈયાર છીએ પણ કયાં પુસ્તકો ખરીદવાં, ક્યાંથી ખરીદવાં એની અમારી પાસે કોઈ નિષ્પક્ષ, તટસ્થ માહિતી નથી હોતી. પ્રકાશક ફરિયાદ કરે છે કે અમે ભલે અમારા સર્વાઈવલ માટે બજારુ માલ પણ છાપતા હોઈએ, પરંતુ કેટલાય સારા સારા લાખકોના સારાં સારાં પુસ્તકોય અઢળક છાપીએ છીએ પણ હજાર-બે હજાર નકલો સિવાય એની ખપત નથી હોતી, જેની સામે બીજાં કેટલાંય સી ગ્રેડનાં પુસ્તકો ઓળખાણપીછાણને કારણે, ભેટલહાણીમાં પધરાવવા માટે, બલ્કમાં ખરીદાઈ જાય છે. વિચ મીન્સ કે સારાં પુસ્તકો પણ પાંચ-પંદર હજાર વેચાઈ શકે એવું માર્કેટ તો છે જ આપણે ત્યાં.

સારાં પુસ્તકોને સારા વાચકો સુધી પહોંચાડવાનું સશક્ત માધ્યમ ગુજરાતીમાં જો ઊભું થાય તો સારા લેખકોએ લખવા સિવાયના બીજા કોઈ ધંધા કરવા ન પડે.

કાગળ પરના દીવા

જે લોકો કહેતા હોય કે પુસ્તકો વાંચવાનો ટાઈમ જ નથી મળતો એ લોકો વાસ્તવમાં તો પુસ્તક વાંચવા માગતા જ નથી.

– જુલી રગ (પુસ્તકો વિશે પુસ્તકો લખનારી બ્રિટિશ લેખિકા).

સન્ડે હ્યુમર

પ્રશ્ર્ન: સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ વિશે સમજાવો.

ઉત્તર: કારમાં તમારી પત્ની તમારી બાજુમાં બેઠી હોય અને તમારી પાછળ તમારી સાસુ અને એની બાજુમાં તમારી સાળી બેઠાં હોય ત્યારે જે ક્રિયેટ થાય એને વૈજ્ઞાનિક ભાષામાં સરાઉન્ડ સાઉન્ડ કહે છે.

( મુંબઇ સમાચાર : રવિવાર, 9 એપ્રિલ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *