ફુલકા રોટલી અને બ્રેડ, ધર્મ અને રિલિજિયન, મંદિર અને મસ્જિદ

ઘણા વખતથી મનમાં એક વિચાર ઘૂમરાયા કરતો હતો. આપણી ફુલકા રોટલી, પુરી, આપણા પરાઠા, તંદુરી રોટી, નાન, કુલચા વગેરે માટે ફિરંગી પ્રજા બ્રેડ શબ્દ વાપરે છે. કારણ કે એમના કલ્ચરમાં ફુલકા રોટલી, પડવાળી રોટલી, સતપડી વગેરે જેવું કંઈ જ નહીં. એમનું કલ્ચર બ્રેડનું કલ્ચર છે અને બ્રેડની અનેક વિવિધતા એમની પાસે છે: ક્રુઆઝાં, બેગલ, ડોનટ અને એવી બીજી ડઝનબંધ જેમાંની કેટલીક તમે ફાઈવ સ્ટારના બુફે બ્રેકફાસ્ટ ટેબલ પર જોઈ છે, ખાધી હશે.

આપણી રોટી વગેરેને સમજાવવા માટે એમની પાસે નિયરેસ્ટ એક્સ્પ્રેશન છે બ્રેડ. કામચલાઉ સમજણ માટે બ્રેડ શબ્દ ખોટો નથી. કારણ કે બ્રેડની જેમ રોટી વગેરે આપણું સ્ટેપલ ફૂડ છે એવી ખબર પડી જાય એટલે ઘણું. પણ કોઈ ફિરંગી જો એવું સમજી બેસે કે આ લોકો તો બ્રેડની બે સ્ટાઈલને ઘીમાં, ક્લેરિફાઈડ બટરમાં ડુબાડીને પછી કેરીના રસ જોડે ખાય તો એ ઉલ્લુના પઠ્ઠાને સમજાવવું પડે કે એને અમે પડવાળી રોટલી કહીએ અને એ કેવી રીતે બને તે જાણવું હોય તો એકવાર ઘરે માના હાથની રસરોટલી જમવા આવ.

ધર્મ અને રિલિજિયન વચ્ચે પણ આવો જ, આના કરતાંય મોટો તફાવત છે. એ લોકો પાસે ધર્મને સમજવા માટે કે ધર્મને એક્સ્પ્રેસ કરવા માટે કોઈ શબ્દ જ નથી. માટે એના નિયરેસ્ટ શબ્દ રિલિજિયનથી એમણે ચલાવી લેવું પડે છે. બ્રેડ એટલે રોટલી કે બ્રેડ એટલે પુરી એવું આપણે માની લીધું નથી, સ્વીકારતા પણ નથી, કારણ કે બ્રેડ શું છે એની આપણને ખબર છે. રોટલી અને પુરી એટલે શું એની પણ નાનપણથી જાણ છે. અનુભવસિદ્ધ માહિતી છે આપણી પાસે એ બેઉં વિશેની.

પણ ધર્મને અંગ્રેજીમાં રિલિજિયન કહેવાય એવું નાનપણથી, અંગ્રેજી ભણતા થયા ત્યારથી, આપણા મગજમાં ઘુસાડી દેવામાં આવ્યું. વસ્તી ગણતરીપત્રકમાં પણ રિલિજિયનનું ખાનું હોય જેમાં દેવનાગરીમાં ધર્મ લખ્યું હોય. અનેક ઠેકાણે આપણને આપણો રિલિજિયન પૂછવામાં આવતો હોય અને આપણે લખતા હોઈએ કે હિન્દુ કે જૈન કે…

ઑથેન્ટિક ડિક્શનરીઓ પણ રિલિજિયન એટલે ધર્મ અને ધર્મ એટલે રિલિજિયન કહેતી થઈ છે અને સરકારી સ્તરે પણ આ અર્થ સ્વીકારાયેલો છે એટલે સેન્સસવાળા ઘરે આવે ત્યારે એમની આગળ કંઈ લેક્ચરબાજી કરવા બેસાય નહીં કે ધર્મ એટલે રિલિજિયન નહીં અને રિલિજિયન એટલે ધર્મ નહીં એવું અમે ‘ગુડ મોર્નિંગ’માં વાંચ્યું છે, જાઓ, જઈને તમારા સાહેબને કહો અને બદલીને આવો.

પણ પહેલાં તો આપણે પોતે સમજવું જોઈએ, પછી સ્વીકારવું જોઈએ અને પછી જ્યારે જ્યારે કોઈ સેક્યુલરવાદી કે સ્યુડો હિન્દુવાદી તમને તમારા ધર્મ વિશે પટ્ટી પઢાવે ત્યારે અને સીધો કરી નાખવા માટે જે મસાલો જોઈએ તે તમને આપવાનો ઈરાદો છે.

રિલિજિયન એટલે ઉપાસના પદ્ધતિ. એટલું ટૂંકમાં સમજી શકાય. લેટિનના રેલિગેર શબ્દ પરથી અપભ્રંશ થતાં ઓલ્ડ ફ્રેન્ચમાં રિલિજિયો બન્યો અને છેવટે રિલિજિયન શબ્દ ઘડાયો. રેલિગેટ શબ્દ વપરાતો એકમેક માટેનું જોડાણ દર્શાવવા, રિલિજિયો આદર-ભક્તિ માટે પણ વપરાતો, ફરજ માટે પણ વપરાતો. મિડલ ઇંગ્લિશમાં રિલિજિયન શબ્દ કોઈ મઠમાં રહીને, કેટલાંક નીતિનિયમો પાળીને રહેવાના અર્થમાં વપરાતો. આધુનિક ઑક્સફર્ડ ડિક્શનરી કહે છે કે કોઈ સર્વશક્તિમાનમાં કે ભગવાનમાં આસ્થા રાખવી અને એની વર્શિપ કરવી એનું નામ રિલિજિયન.

રિલિજિયનના આટલા સંકુચિત, આટલા સંકીર્ણ અર્થને ધર્મ સાથે જોડી દેવાની ગુસ્તાખી બેદરકારીથી થઈ હશે, બદમાશીથી થઈ હશે કે બેવકૂફોથી થઈ હશે તે જાણવાનું ડિફિકલ્ટ છે. પણ આ ત્રણમાંના કોઈને કોઈ કારણસર એ લોકોનો રિલિજિયન એટલે આપણો ધર્મ અને આપણો ધર્મ એટલે એ લોકોનામાં જેને રિલિજિયન કહે છે તે એવું માની લેવામાં આવ્યું છે.

આપણા માટે ધર્મ એટલે માત્ર ‘ઉપાસના પદ્ધતિ’ એવું નથી. ઘણો વિશાળ અર્થ છે ધર્મનો. દુનિયા માટેનું કર્તવ્ય કે ફરજ, સ્વભાવ, આચાર અને જીવનશૈલીની સાથે સંકળાયેલો આ શબ્દ છે. ભગવદ્ ગીતામાં સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: કહે છે ત્યારે પોતાની જે ફરજ છે, પોતાનો જે સ્વ-ભાવ છે તેને વળગી રહેવાની વાત છે. પરધર્મમાં ક્યાંય આડકતરી રીતે પણ ક્રિશ્ર્ચેનિટી કે ઈસ્લામ તરફ ઈશારો નથી. ક્યાંય એવું અર્થઘટન ન કરાય કે હિન્દુ ધર્મ પાળતાં પાળતાં મરવું જ શ્રેષ્ઠ છે કારણ કે ઈસાઈયસ-ઈસ્લામ વગેરે તો ભયજનક છે. (ગીતાની રચના વખતે તો આ બે ‘પરધર્મો’નાં જન્મ થવાને હજારો વર્ષની વાર હતી.)

સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ધર્મ તેમ જ ધર્મને લગતા શબ્દો (ધર્મિષ્ઠ, ધર્મચર્ચા વગેરે)ના અર્થ સમજાવવા એક આખું પાનું આપવામાં આવ્યું છે. ભગવદ્ ગોમંડલમાં તો માત્ર ધર્મ શબ્દ વિશે ચાર પાનાં અને ધર્મ સાથે સંકળાયેલા શબ્દો (ધર્મચર્યા, ધર્મચક્ર, ધર્મયુદ્ધ (એ લોકોની જેહાદ એ આપણું ધર્મયુદ્ધ નથી), ધર્માંધ, ધર્મોપદેશ) વિશે બીજાં વધારાનાં ૧૭ (એકડે સાતડે સત્તર) પાનાં છે.

એ જ રીતે આપણી પૂજામાં અને એ લોકોની પ્રાર્થનામાં કે પેલા લોકોની ઈબાદતમાં પણ જમીન આસમાનનો ફરક છે.

આટલી મૌલિક લપ્પનછપ્પન કરવાનો આશય તમને રોટલી-પુરી તથા બ્રેડ-બેગલ વચ્ચેનો તફાવત સમજાવવાનો ન જ હોય એ સ્વાભાવિક છે. આજે રામનવમીના દિવસે પડવાળી રોટલી અને કેરીના રસને યાદ કરીને ભગવાન રામનો જન્મદિવસ ઉજવવાના આશયથી પણ આ બધા ઉલ્લેખો નથી કર્યા. આટલી લાંબી પ્રસ્તાવના બાંધવાનો ઈરાદો એ કે હવે પછી તમે જે વાંચવાના છો તે વાંચીને છળી ના મરો. હું તો ચોંકી જ ગયો હતો જ્યારે મેં વાંચ્યું કે:

‘આપણી સમક્ષ પાયાનો પ્રશ્ર્ન એ છે કે શું મંદિર અને મસ્જિદને ધાર્મિક બાબતે પવિત્રતાની દૃષ્ટિએ એકબીજાં સાથે સરખાવી શકાય? બે મહત્ત્વના કોર્ટ ચુકાદા કહે છે કે, ‘ના.’ આગમ શાસ્ત્ર મુજબ પ્રાણપ્રતિષ્ઠા પૂજા કર્યા બાદ બનેલું હિંદુ મંદિર જેમની મૂર્તિ સ્થાપવામાં આવી હોય તે ભગવાનનો આવાસ બની જાય છે અને એ મંદિરનો માલિક બીજું કોઈ નહીં, પરંતુ ભગવાન છે એવું માની લેવાય છે. જ્યારે મસ્જિદ એટલે મહદ્ંશે નમાજ પઢવા માટેનો પ્રાર્થનાખંડ. નમાજ ગમે ત્યાં પઢી શકાય. અલ્લાનો મસ્જિદમાં વાસ છે એવું શરિયતના કાયદા મુજબ મનાતું નથી અને એટલે જ ઈસ્લામિક દેશોમાં જાહેર રસ્તાઓ બનાવવા કે નવાં મકાનો બનાવવાના પ્લાનિંગમાં મસ્જિદની ઈમારતો વચ્ચે આવતી હોય તો તેને ખસેડીને બીજે લઈ જવામાં આવે છે, સાદી ભાષામાં કહીએ તો તોડી નાખીને વિકાસનો માર્ગ મોકળો કરવામાં આવે છે. ભારતની સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ (કૉન્સ્ટિટ્યુશનલ બેન્ચ)ના બહુમતી જજમેન્ટ મુજબ મસ્જિદ એ કંઈ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી. ૧૯૯૪માં ફેમસ થયેલા ઈસ્માઈલ ફારુકી વર્સસ યુનિયન ઑફ ઈન્ડિયા કેસ (જુઓ ૬ એસ.સી.સી. ૩૬૦, પાનું ૪૧૬, પેરા ૮૦થી ૮૬)માં સુપ્રીમ કોર્ટે મસ્જિદની પવિત્રતા તથા એના ઈશ્ર્વરીય આવાસપણા વિશે આ મુજબ નોંધ કરી હતી: ‘(અમારી સામે) દલીલ મૂકવામાં આવી છે કે મુસ્લિમ કાયદામાં મસ્જિદનું આગવું સ્થાન છે અને એક વખત મસ્જિદ બાંધીને એમાં નમાજ પઢવામાં આવે એ પછી તે અનંતકાળ સુધી અલ્લાની પ્રોપર્ટી બની જાય છે… અને ઈસ્લામમાં શ્રદ્ધા ધરાવનારી કોઈ પણ વ્યક્તિ આવી મસ્જિદમાં નમાજ પઢી શકે છે અને આ (મસ્જિદવાળી) ઈમારતને તોડી નાખવામાં આવે તો પણ તે જગ્યા નમાજને લાયક રહે છે…’ આ દલીલને ફગાવી દેતાં ભારતની સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કહ્યું: ‘ભારતમાં જે મોમેડન લૉ લાગુ પડે છે તે અનુસાર મસ્જિદની જગ્યાનું હસ્તાંતરણ થઈ ગયા પછી એ જગ્યા મસ્જિદ મટી જાય છે… ઈસ્લામ પાળવા માટે મસ્જિદની અનિવાર્યતા હોતી નથી અને નમાજ ગમે ત્યાં પઢી શકાય છે, ખુલ્લામાં પણ. આમ, એ (મસ્જિદના કે એની જગ્યાના) હસ્તાંતરણ પર ભારતીય બંધારણ મુજબ કોઈ પ્રતિબંધ નથી’ (પેરા ૮૨).’

‘ઈસ્લામિક કાયદામાં તો આથીય વધારે ક્લિયરકટ પોઝિશન લેવાયેલી છે. સાઉદી અરેબિયામાં રસ્તા બાંધવા માટે, તેમ જ મકાનો બાંધવા માટે મસ્જિદો તૂટતી હોય છે. ઈવન મોહમ્મદ પયગંબર પોતે જ્યાં નમાઝ પઢતા તે બિલાલ મસ્જિદ પણ તોડવામાં આવી છે.’

અવતરણોમાં ક્વોટ કરેલી માહિતી મને એક અમૂલ્ય પુસ્તકમાંથી મળી જેનું નામ છે: ‘બિલ્ડિંગ ધ શ્રી રામ ટેમ્પલ ઈન અયોધ્યા.’ પુસ્તકના રચયિતા છે હાવર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પામેલા ભારતના ભૂતપૂર્વ કૉમર્સ તેમ જ કાયદા તથા ન્યાય ખાતાના કેન્દ્રીય મંત્રી જેમનું નામ સાંભળીને સેક્યુલરો તથા બનાવટી હિન્દુવાદીઓ તથા તથાકથિત તટસ્થતાવાદીઓ નાકનું ટીચકું ચડાવે છે. સુબ્રમનિયન સ્વામી. હા, એ જ જે ૧૯૭૫ વાળી ઈમરજન્સીના ગાળામાં છદ્મ વેશે પાર્લામેન્ટમાં ઘૂસીને, ધરપકડ ટાળીને, હેમખેમ બહાર આવી ભારતની બહાર નીકળી ગયા હતા-ઈમર્જન્સી વિરુદ્ધ વિશ્ર્વની લોકશાહી પ્રજાનો જનમત મેળવવા.

યુપીમાં યોગીનું શાસન આવ્યા પછી કોઈ ભાંગફોડિયાએ એરપોર્ટ પર કોઈ બ્રાહ્મણ ઉઘાડા ડિલે ઊભાં ઊભાં પૂજા-અર્ચના કરતો હોય એવો ફોટોશોપ સર્જિત ફોટો સોશ્યલ મીડિયાએ વહેતો મૂક્યો હતો અનેક અણસમજુઓએ એને વખાણી વખાણીને ફૉરવર્ડ પર ફૉરવર્ડ કર્યો હતો. પણ આપણા હિન્દુ ધર્મમાં તમે ગમે ત્યાં ગમે ત્યાં પૂજા અર્ચના કરવા બેસી જતા નથી. બાન્દ્રા સ્ટેશનની બહાર શુક્રવારે નમાજ માટે સેંકડો મુસ્લિમો ભેગા થઈને કલાકો સુધી ટ્રાફિક ખોરવી નાખી શકે છે. આપણે રસ્તા પર આ રીતે ભીડ જમા કરીને આપણા આરાધ્ય દેવને યાદ કરતા નથી, કરી શકતા નથી. એમનામાં આ બધું એલાઉડ છે.

રામ જન્મભૂમિનો વિવાદ આમ તો હવે સોલ્વ્ડ થઈ ગયેલો જાણવો. ર૦૦૩-૪ના ચુકાદામાં કોર્ટે સ્વીકારી લીધું છે કે આ જગ્યા પર પહેલાં મંદિર હતું. હવે વિવાદ માત્ર જમીનની માલિકીનો છે. અને માલિકીનો વિવાદ ઉકેલવાને બદલે કોર્ટે હાથ ઊંચા કરી દીધા છે. તમતમારે આપસમાં નક્કી કરી લો.

કોર્ટના આ અભિગમમાં ચૂક છે. બાબરી ઢાંચો જ્યાં તૂટ્યો તેની નીચેના ખોદકામમાંથી પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા તેનો મતલબ એ કે એ જગ્યાએ મંદિર હતું અને કોર્ટે પણ આ આર્કિયોલોજિકલ પુરાવા માન્ય રાખ્યા. હવે આ મંદિરને બાબર કે તેના કોઈ માણસે ખરીદીને તો તોડી પાડ્યું નહોતું. મંદિર વેચાયું છે એવા કોઈ દસ્તાવેજો પણ નથી. વિચ મીન્સ કે મંદિર ઝૂંટવીને તેને તોડીને મસ્જિદ બની.

તમે કોઈની ચોરાયેલી માલમતાને પૈસા આપીને ખરીદી હોય તો પણ એના પર તમારો માલિકી હક્ક બનતો નથી. તમે કોઈની ચોરાયેલી ગાડી, ઘડિયાળ કે સોનાની ચેન ખરીદેલી હોય તો પોલીસ, તમારાં ખર્ચેલા નાણાં ડૂબી જાય તો પણ, એ મિલકત તમારી પાસેથી ઝૂંટવીને એના મૂળ માલિકને પરત કરી દે છે. એટલું જ નહીં કોર્ટ ચોરનાર વ્યક્તિને તો સજા કરશે જ, ચોરીનો માલ ખરીદવા બદલ તમને પણ સજા કરશે, કમ સે કમ પોલીસ તો બે દંડૂકા તમને મારશે જ.

બાબરી જ્યાં ઊભી હતી તે જગ્યા આ દૃષ્ટિએ ‘ચોરીનો માલ’ કહેવાય એવું જજમેન્ટ કોર્ટે આપ્યું હોત તો આજે આપણે અયોધ્યા જઈને રંગેચંગે ભગવાન રામનો જન્મદિવસ ઉજવતા હોત.

આજનો વિચાર

મારે જેટલું સત્ય બોલવું જોઈએ એટલું હું બોલી શકતો નથી. મારી હિંમત ચાલે એટલું જ બોલું છું. રોજ થોડીક હિંમત વધારતો જાઉં છું અને પુખ્ત થતો જાઉં છું.

એક મિનિટ!

પતિ-પત્નીએ જમી લીધું એટલે પતિએ બંનેની પ્લેટો ઊઠાવી અને રસોડામાં જઈને એ ધોવા લાગ્યો.

પત્ની અવાક થઈ ગઈ. પછી ગુસ્સે થઈને બોલી, ‘ઘરે ચાલો, પછી ખબર પાડું છું. બધાની આગળ મારી ઈજ્જતનો ફાલુદો કરતાં શરમ નથી આવતી?… આ આપણું ઘર નથી.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 7 એપ્રિલ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *