જે લૂંટાઈ ગયું તે પાછું મેળવવાનો હિંદુઓને હક્ક છે

ફલિ નરિમાન આદરણીય માણસ છે. સુપ્રીમ કોર્ટના બહુ મોટા લૉયર અને બીજું ઘણું બધું. ૮૮ વર્ષના બુઝર્ગ છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર બન્યા એ પછી ઘણા લોકોને ચટકું લાગ્યું છે. ફલિ નરિમાને તો ત્યાં સુધી કહી નાખ્યું કે, ‘વી આર મૂવિંગ ટુવર્ડઝ હિન્દુત્વ ઑફ સાવરકર.’

જાણે વીર સાવરકર ઓસામા બિન લાદેન હોય.

ઘણાને આદિત્યનાથનો ચહેરો યોગી જેવો નથી લાગતો એનો વાંધો છે. એમને ઓસામા બિન લાદેનનો શાંત, તપસ્વી જેવો દાઢી ધરાવતો, અર્થગંભીર નયનોવાળો ચહેરો વધારે ગમતો હશે. દાઉદ ઈબ્રાહિમનો હૅન્ડસમ ચહેરો ગમતો હશે. આમ તો કસાબ પણ ક્યાં રૂપાળો નહોતો.

યોગી આદિત્યનાથને સી. એમ. બનાવીને મોદીજીએ આ તમામ સ્યુડો સેક્યુલરવાદીઓના નકાબ ખેંચી કાઢ્યા છે. આ સૌ કોઈ પોતપોતાની અસલી જાત પર આવી ગયા છે. ફલિ નરિમાને તો ત્યાં સુધી કહી નાખ્યું કે નરેન્દ્ર મોદી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની માગણીને સમર્થન આપે છે એ વાત યોગી આદિત્યનાથને સી. એમ. બનાવવાથી સાબિત થઈ ગઈ છે.

હિંદુ નેશન અને હિંદુ સ્ટેટ. બે સરખા દેખાતા શબ્દની જાણી જોઈને ભેળસેળ કરી નાખીને સેક્યુલરો હિન્દુત્વ વિશે ભ્રામક માન્યતાઓ ઊભી કરતા આવ્યા છે. લાલ કૃષ્ણ અડવાણી નાયબ વડા પ્રધાન (અને ગૃહપ્રધાન) હતા ત્યારે એમણે એક વાર લોકસભાને સંબોધતી વખતે કહ્યું હતું કે ‘ઈન્ડિયા કૅન નેવર બી અ હિન્દુ સ્ટેટ.’ તે વખતે અંગ્રેજી સેક્યુલરવાદી મીડિયાએ ઉપરછલ્લી રીતે નિર્દોષ દેખાતી ‘ભૂલ’ કરીને છાપેલું: ‘અડવાણી કહે છે કે ઈન્ડિયા કૅન નેવર બી અ હિન્દુ નેશન.’

ગુજરાતીમાં ‘નેશન’ અને ‘સ્ટેટ’ બેઉનો તરજાુમો ‘રાષ્ટ્ર’ કરવામાં આવે છે જે તદ્દન ગલત છે. અંગ્રેજીમાં તો આ બેઉ શબ્દની જાણીજોઈને સેક્યુલરવાદી પત્રકારો અદલાબદલી કરી નાખે છે.

બેઉ શબ્દોના અર્થ પહેલાં સ્પષ્ટ કરીએ. આ અર્થ કોઈએ જોડી કાઢેલા નથી, અનેક સર્વમાન્ય ડિક્શનરીઓ તથા ભારતના બંધારણે સ્વીકારેલા અર્થ છે. નેશન એટલે કોઈ એક ચોક્કસ રાજકીય સરહદની અંદર એક જ સરકારના શાસન હેઠળ રહેતી પ્રજા. એક શબ્દમાં કહો તો રાષ્ટ્ર.

સ્ટેટ એટલે? મહારાષ્ટ્રને, ગુજરાતને સ્ટેટ કહેતાં રાજ્ય કહીએ છીએ એ અર્થ તો પાછળથી આવતો અર્થ છે. સ્ટેટ એટલે દેશની સરકાર અથવા તો રાજ્યસત્તા. દાખલા તરીકે અંગ્રેજીમાં એમ કહેવાય કે ધ સ્ટેટ મસ્ટ પ્રોવાઈડ સ્કૂલ્સ ઍન્ડ હૉસ્પિટલ્સ ટુ એવરીવન. દેશની સરકારે, રાજ્યસત્તાએ સૌના માટે શિક્ષણ અને આરોગ્યની સુવિધા પૂરી પાડવી જોઈએ.

નેશન એટલે રાષ્ટ્ર અને સ્ટેટ એટલે રાજ્યસત્તા કે સરકાર. ભારતમાં ધર્મસત્તાને આધારે ચાલતી સરકાર નથી અથવા તો ભારત થિયોક્રેટિક સ્ટેટ નથી. આનો મતલબ એ કે ભારતમાં કોઈ એક ધર્મના કાયદાકાનૂન સૌના પર લાદવામાં નહીં આવે. મુસ્લિમ દેશોમાં જેમ બિનમુસ્લિમોને પણ શરિયતના કાયદાની કાળી બાજુઓ લાગુ પડે છે એવી રીતે ભારતમાં બિનહિંદુઓને કોઈ હિંદુ કાયદો લાગુ પડતો નથી. પહેલી વાત તો એ કે હિંદુઓ માટે શરિયત જેવો કોઈ હિંદુ કાયદો છે જ નહીં. માત્ર કેટલાક હિંદુ રિવાજો કે કેટલીક પ્રથાઓને ધ્યાનમાં રાખીને કેટલાક સિવિલ કાયદાઓ બન્યા છે જે માત્ર હિંદુઓને લાગુ પડે છે. દા. ત.: વારસા માટે, દત્તક લેવાની વિધિ માટે વગેરે.

હવે જ્યારે સેક્યુલરવાદીઓ જાણે જ છે કે ભારતમાં શરિયતને સમાંતર એવો કોઈ હિન્દુ કાયદો છે જ નહીં અને કોઈ કાળે ભારતનું સંચાલન કરતી સરકાર હિન્દુ સરકાર અર્થાત્ ‘હિન્દુ કાયદા અનુસાર શાસન કરતી સરકાર’ સંભવિત નથી એટલે તેઓ સરકાર અથવા રાજ્યસત્તા માટે વપરાતા સ્ટેટને ઠેકાણે નેશન મૂકીને લોકોને ગેરમાર્ગે દોરે છે અને છેવટે ભડકાવે છે.

વાજપાયી, અડવાણી, મોદી કે યોગી કહેતા હોય કે ભારત ક્યારેય હિંદુ સ્ટેટ નહીં બને અને ભારત એક સેક્યુલર સ્ટેટ છે અને રહેશે ત્યારે એનો એકમાત્ર અર્થ એવો થાય કે ભારતમાં ક્યારેય હિન્દુ ધર્મને કેન્દ્રમાં રાખીને શાસન કરતી રાજ્યસત્તા નહીં આવે અને ભારતમાં પહેલેથી જ દરેક ધર્મના લોકોને એકસરખા ગણીને ચાલતી સરકારનું, રાજ્યસત્તાનું જે માળખું ગોઠવાયું છે તે જ ચાલુ રહેશે.

પણ સેક્યુલરવાદી મીડિયા બદમાશીપૂર્વક, ઝનૂનપૂર્વક ડૉ. પ્રવીણ તોગડિયા જેવા દૃઢ હિન્દુવાદીઓ પર તૂટી પડે છે કે જુઓ, આ વિશ્ર્વ હિન્દુ પરિષદવાળાઓ તો હિન્દુ નેશનની વાતો કરે છે. ભલા ભાઈ, વી.એચ.પી. પણ હિન્દુ નેશનની જ વાત કરે છે, હિન્દુ સ્ટેટની નહીં. આરબ દેશો જેમ ઈસ્લામિક સ્ટેટ છે એવા હિન્દુ સ્ટેટની કોઈ વાત નથી કરતું. ન વીએચપી, ન આરએસએસ, ન બજરંગદળ, ન શિવસેના, ન મોદી, ન યોગી, ન તમે, ન હું.

હિંદુ સ્ટેટવાળી ગેરસમજ કે ભ્રમણાઓ, આશા રાખીએ કે, દૂર થઈ હશે.

હવે હિન્દુ રાષ્ટ્રવાળી વાત લઈએ. ભારતની સરહદો સેંકડો વર્ષ અગાઉ અફઘાનિસ્તાનથી (ગાંધાર પ્રદેશની ગાંધારી મહાભારતમાં હતી) બ્રહ્મદેશ સુધી વિસ્તરેલી હતી. ૧૯૪૭ પછી નકશામાં જોઈએ છીએ એટલી છે. અગાઉની કે અત્યારની સરહદમાં એક શાસન હેઠળ રહેતી પ્રજા કઈ હતી/છે? હિન્દુ પ્રજા, જેઓ મુસ્લિમ છે તે પણ બે-પાંચ-પંદર પેઢી પહેલાં હિન્દુ જ હતા. વટલાયેલા તમામ ખ્રિસ્તીઓ પણ હિન્દુ હતા. શીખો, બૌદ્ધો અને જૈનો પણ એક જમાનામાં હિન્દુ હતા, કારણ કે આ તમામ ધર્મોનો ઉદય થયો તેના હજારો વર્ષ પહેલાંથી હિન્દુ ધર્મનો સૂર્ય મધ્યાહ્ને ઝળહળતો રહ્યો છે.

હિન્દુ ધર્મનું નામકરણ નવું છે. વૈદિક ધર્મ કે સનાતન ધર્મની તમામ પરંપરાઓ જેનામાં ઊતરી આવી છે તે પ્રજા જે ધર્મ પાળે છે તે હિન્દુ ધર્મ છે. હિન્દુ નામ વિદેશીઓએ આપ્યું, સિંધુ નદીની પેલે પાર વસતા સિંધુઓ જેઓ ભાષામાં અપભ્રંશ સર્જાતાં હિન્દુના નામે ઓળખાયા અને વખત જતાં તેઓ જે ધર્મ પ્રણાલીને અનુસરતા તે હિન્દુ ધર્મ કહેવાયો. ધારો કે મારા બાપદાદાઓ સાત પેઢીથી મુંબઈના ઘોડબંદર રોડ પર રહેતા હોય અને પચાસ વર્ષ પહેલાં બાન્દ્રાથી બોરીવલી (અને બોરીવલીથી ફરીને થાણા સુધી જતા) સુધીના માર્ગને ઘોડબંદર રોડને બદલે સ્વામી વિવેકાનંદ રોડનું નામાભિધાન મળ્યું હોય તેને કારણે આ રોડ પર રહેવાનો મારો વારસો, મારી પરંપરા છીનવાઈ નથી જતાં. બૉમ્બેને બદલે સર્વત્ર મુંબઈ વપરાતું થઈ જવાથી મુંબઈકર બની ગયેલા આપણે સૌ બૉમ્બેઆઈટ મટી નથી જતા.

આપણે થોડો ઘણો અભ્યાસ કરીને ખ્રિસ્તી ધર્મ વિશે કે ઈસ્લામ વિશે કે બૌદ્ધ, જૈન, શીખ ધર્મો વિશે જાણી લઈએ છીએ કે ઈશુ ખ્રિસ્ત કોણ હતા, મોહમ્મદ પયગંબર કોણ હતા, ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી અને ગુરુનાનક કોણ હતા, એમનું જીવન કેવું હતું, એમના ઉપદેશોનો અભ્યાસ કરીને એમણે સ્થાપેલા ધર્મોની વ્યાખ્યા કરી શકીએ છીએ.

હિન્દુ ધર્મ આ તમામ ધર્મો કરતાં પ્રાચીન છે. બસો વર્ષની અંગ્રેજોની ગુલામી અને સાડાપાંચસો વર્ષની મુસ્લિમ રાજાઓની – આ સાડાસાતસો વર્ષનો તાજેતરનો ઈતિહાસ હિન્દુ ધર્મ માટે સૌથી મોટો અંધકાર યુગ હતો. જીવન ટકી રહે તે માટે હિન્દુઓએ પોતાના ધર્મને ભૂગર્ભમાં ધકેલી દેવો પડ્યો, પરંતુ હિન્દુ ધર્મનો ઈતિહાસ માત્ર આ સાડાસાતસો વર્ષ પૂરતો જ મર્યાદિત નથી. હજારો વર્ષ જૂની આપણી સંસ્કૃતિ વચ્ચેના સાડાસાતસો વર્ષ દરમ્યાન જો આથમી ગઈ હોય અને હવે જો એના પુનરુત્થાનની વાત થતી હોય તો એમાં શું કામ કોઈને પેટમાં ચૂંકવું જોઈએ? જે લૂંટાઈ ગયું હતું તે પાછું મેળવવાનો હક્ક દરેકને છે અને જે પાછું જોઈએ છે તેમાં કંઈ ધર્મમાં રહેલી બદીઓ પાછી નથી જોઈતી, કુરિવાજો પાછા નથી જોઈતા, વર્ણાશ્રમ આધારિત સમાજવ્યવસ્થા કે શૂદ્ર પરના અત્યાચારો પાછા નથી જોઈતા. કોઈ હિન્દુ ઘડિયાળના કાંટા પાછા મૂકવા નથી માગતો. પણ સાડાસાતસો વર્ષ સુધી તમે સતત રસ્તા પરનો, માખીઓ બણ બણતો ખોરાક ખાધો હોય – ખાવો પડ્યો હોય અને હવે ડૉક્ટર એમ કહે કે એ બધું બંધ કરો. પહેલાંની જેમ ઘરના રસોડે બનેલો સાત્ત્વિક ખોરાક ખાવાનું શરૂ કરો, તબિયત ફરી પાછી લાલ ટામેટાં જેવી થઈ જશે, તો શું તમે ડૉક્ટરનો કોલર પકડીને એમ કહેશો કે સાલા, તું તો ઘડિયાળના કાંટા પાછા મૂકવાની વાત કરે છે, હું જ્યાં સાડાસાતસો વર્ષ પહેલાં જમતો હતો ત્યાં ફરી વાર જમતો થઈ જાઉં એવી વાત કરે છે. તું પરંપરાવાદી છે, તું રૂઢિવાદી છે, તું આધુનિકતાનો દુશ્મન છે, તું ધર્મઝનૂની છે, તું મોદી છે, યોગી છે…

હિન્દુત્વની પડખે રહેવામાં, હિન્દુ ધર્મ બદલ ગૌરવ અનુભવવામાં અને હિન્દુ રાષ્ટ્ર (હિન્દુ સ્ટેટ કે રાજ્યસત્તા નહીં)નું પુનરુત્થાન કરવામાં કોઈ નાનમ નથી અનુભવવાની, મિત્રો. હિન્દુત્વની વિચારધારા તમને કૉમ્પ્યુટર યુગમાંથી પથ્થરયુગમાં લઈ જશે એવું કહીને ફલિ નરિમાન જેવા સેક્યુલરવાદી ઝનૂની દાદાઓ તમારા ખભા પરના બકરાને કૂતરું કહીને તમારી પાસેથી પડાવી લેવા માગે છે. પડાવી લીધા પછી આ સેક્યુલરવાદીઓ કુરબાની માટે એ બકરાને કોને હવાલે કરી દેવાના એની તમને ખબર છે. કૃપા કરીને આવું પાપ તમારા માથે નહીં લેતા.

આજનો વિચાર

આપણો થાક ઊતરી જતાં તુરત જ, હિન્દુ ધર્મ કદાચ પહેલાં કદી નહીં જોવામાં આવ્યો હોય એવા પ્રખર તેજ સાથે વિશ્ર્વમાં ઝળકી ઊઠશે અને ખરેખર તેથી જ હિન્દુ ધર્મ બધા બધા ધર્મો કરતાં સૌથી વધારે સહિષ્ણુ છે. એના સિદ્ધાંતો સર્વગ્રાહી છે.

– મહાત્મા ગાંધી

એક મિનિટ!

લગ્નના વર્ષ પછી બકા અને એની પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો:

બકો: ફેસબુકમાં ને વૉટ્સઍપમાં સ્ટેટસ મૂકેલું કે ફૅશન ડિઝાઈનર.

પરણ્યા પછી ખબર પડી કે ખાનદાન આખું ગાજબટન ને ફૉલ-છેડા કરે છે.

બકી: તમારા જેવા ગાળિયા અમે નથી કર્યા. ઘરના બે પંપ છે એમ સ્ટેટસ રાખ્યું હતું તમે. તે બે પેટ્રોલ પંપના માલિક હારે પરણવાનો હરખ થ્યો’તો. પછી ખબર પડી કે સાઈકલમાં હવા ભરવાના હૅન્ડ પંપ છે.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 4 એપ્રિલ 2017)

1 comment for “જે લૂંટાઈ ગયું તે પાછું મેળવવાનો હિંદુઓને હક્ક છે

  1. Bina Rajesh
    April 7, 2017 at 3:23 PM

    Tame khoob Saru kam( karm) krocho. Thanks a lot.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *