વિકાસ અને વિશ્વાસ

નાનકડી એક વાત શેર કરવાનું મન થાય છે. ભોપાલમાં ચાલી રહેલી પૂજ્ય મોરારિબાપુની રામકથાનું લાઈવ પ્રસારણ ‘આસ્થા’ ચેનલ પર થઈ રહ્યું હતું અને બાપુના બે શબ્દો કાને પડ્યા. એમણે ક્યા સંદર્ભમાં કહ્યા તેની સરત નથી પણ શબ્દો બહુ ગમી ગયા. આખો દિવસ એ શબ્દો વિશે વિચારવામાં ગયો. મેં મારી રીતે અર્થઘટન કર્યું છે એનું એટલે ખોટો હોઉં તો અપજશ બાપુનો નથી અને મારી વાત સાચી હોય તો આ વાતની ગંગોત્રી એમની વાણીમાં છે.

માણસના જીવનના અલ્ટીમેટલી બે જ હેતુ હોવાના. વિકાસ અને વિશ્રામ. વિકાસ એટલે ઉત્કર્ષ, ઉન્નતિ. વિકાસ એટલે ફેલાવ, પ્રસાર, વિસ્તાર. વિકાસ એટલે હરખ-આનંદ અને તેજ-પ્રકાશ એવા પણ એના અર્થ થાય અને વિકાસનો અર્થ આકાશ તથા આવિષ્કાર તથા ઉઘાડવું અને પ્રફુલ્લિત થવું એમ પણ ભગવદ્ ગોમંડલ કોશ જણાવે છે.

વિશ્રામ એટલે આરામ અને વિસામો તો ખરું જ, વિશ્રામ એટલે ચાલુ કરેલા વ્યાપારનો અંત, નિરાંત, સુખ. અને વિષ્ણુનાં એક હજાર નામોમાંનું એક નામ વિશ્રામ.

જીવનનો એક હેતુ વિકાસ. જીવનનો પૅરેલલ હેતુ વિશ્રામ.

વિશ્રામ વગરનો વિકાસ અધૂરો. વિકાસ વગરનો વિશ્રામ પણ એકાંગી. બેઉ સમાંતરે હોય એમાં જ જીવનની સાર્થકતા. આ બેઉને અનુકૂળ એવાં સ્થળ, એવી પ્રવૃત્તિ અને એવી વ્યક્તિઓ માણસે શોધી લેવાં જોઈએ.

તમે ક્યાં રહીને વિકાસ પામવા ચાહો છો? મુંબઈમાં રહીને? ગુજરાતમાં રહીને? પરદેશમાં રહીને? કે પછી એક પગ મુંબઈમાં રાખીને બીજો પગ ગુજરાત કે બાકીના ભારત કે પરદેશમાં રાખીને વિકાસ કરવા માગો છો. તમારે નક્કી કરવાનું છે. કોઈ એક જગ્યા, તમારું કર્મક્ષેત્ર તો નક્કી કરવું જ પડશે જ્યાં તમને તમારા વિકાસની ભરપૂર તક મળવાની હોય, જ્યાં રહીને તમારું વ્યક્તિત્વ ઉઘડવાનું હોય, જ્યાં તમે પ્રફુલ્લિત રહીને વધુ ને વધુ ઉન્નતિ પામી શકવાના હો.

તમારા વિશ્રામ માટેનું સ્થળ પણ તમારે નક્કી કરવાનું. સ્થિતિપાત્ર લોકો જેને સેક્ધડ હોમ કહે છે એવો લોનાવલાનો બંગલો કે દહાણુનું ફાર્મ હાઉસ તમારી પાસે ન હોય તો કદાચ ઘર કે ઑફિસની નજીકનો કવાર્ટર સિસ્ટમવાળો બાર હશે, પીતા નહીં હો તો કોઈ મંદિર હશે અને નાસ્તિક હશો તો તળાવ-નદી-સમુદ્રનો કિનારો હશે જ્યાં જઈને તમે વિશ્રામ પામી શકો.

વિકાસની જગ્યા અને વિશ્રામની જગ્યા વિશે સ્પષ્ટ થઈ ગયા પછી (કે મે બી એ પહેલાં) તમારે વિકાસ માટે પ્રવૃત્તિ કઈ કરવી છે તે નક્કી કરી લેવું પડે. કઈ કઈ પ્રવૃત્તિથી તમારો સર્વાંગી વિકાસ થાય? કઈ કઈ પ્રવૃત્તિ તમારા આર્થિક વિકાસ માટે કરવી, તમારા આંતરિક વિકાસ માટે કરવી. કઈ કઈ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા હો તો તમે પ્રફુલ્લિત રહો અને કઈ પ્રવૃત્તિ તમારા આંતરિક વિશ્ર્વને ઉઘાડ આપે, તેજ આપે, પ્રકાશ આપે, વિસ્તારે.

વિશ્રામ મેળવવા કઈ કઈ પ્રવૃત્તિ પસંદ કરવી? ગોલ્ફ રમવા જઈ શકો અને સિતાર પણ શીખી શકો. પુસ્તકોમાં તો ડૂબી જ શકો. પર્વતારોહણ કરી શકો, હાઈક પર જઈ શકો, જોગિંગ કરી શકો, ટહેલવા નીકળી પડી શકો. વિશ્રામ મેળવવા માટે અનેક પ્રવૃત્તિઓ છે. વિકાસ અને વિશ્રામની પ્રવૃત્તિઓનું સંતુલન પણ જરૂરી.

છેલ્લે, વિકાસ માટે કઈ વ્યક્તિનો કે કઈ કઈ વ્યક્તિઓનો સાથ લેવો છે તમારે. જીવનમાં કોની સાથે રહીને વિકાસ કરવો છે, આ એક વાત. અને જીવનમાં વિકાસ કરવા માટે કોનો કોનો સાથ લેવો છે એ બીજી વાત. બેઉ વાત વિશે મનમાં સ્પષ્ટતા જરૂરી.

અને વિશ્રામની પળો કોની સાથે ગાળવી છે કે પછી કોને કોને સાથે લઈને ગાળવી તે પણ નક્કી કરી લેવાનું. કોના સાંનિધ્યમાં તમને વિશ્રામ મળે છે. તમારું પોતાનું સાંન્નિધ્ય કોના માટે વિશ્રામ બને છે.

સાચું પૂછો તો વિકાસ અને વિશ્રામ જુદા નથી. બેઉ એકબીજામાં સમાયેલા છે. જે વિકાસની યાત્રા કરતાં કરતાં વિશ્રામ મહેસૂસ ન થાય તે વખત જતાં વેઠ બની જાય. અને જે વિશ્રામ થકી વિકાસનાં નવાં દ્વાર ન ખૂલે, વિકાસના નવા આયામોનો પરિચય ન થાય તે વિશ્રામ વખત જતાં ઐય્યાશીમાં પલટાઈ જાય.

જે પ્રવૃત્તિ થકી વિકાસ થાય તે જ પ્રવૃત્તિમાં વિશ્રામ મળે એવું જીવન ઉત્તમ એ જ રીતે જે સ્થળેથી વિકાસ થાય તે સ્થળે રહીને જ વિશ્રામ મળે એવું જીવન હજુ વધારે ઉત્તમ અને જેની સાથે રહીને તમને વિકાસ પામવાનું મન થાય તેની સાથે જ વિશ્રામ કરવાનું ગમે તેવું જીવન સર્વોત્તમ.

પ્રણામ અને વંદન જેમના બે જ શબ્દોએ ઘણી મોટી દિશા ચીંધી આપી.

આજનો વિચાર

પોતાનો પરિચય જો પોતે જ આપવો પડતો હોય તો સમજવું કે સફળતા હજુ દૂર છે અને સ્ટ્રગલ હજુય ચાલુ રહેવાની છે.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

ગરીબ દેશ ક્યાંથી આપણો?

૩૧ માર્ચના એક જ દિવસમાં બીએસ-થ્રીવાળી ૮ લાખ બાઈક્સ અને બે લાખ કાર વેચાઈ ગઈ.

અંધશ્રદ્ધાવાન દેશ ક્યાંથી આપણો?

૧૫-૨૦ હજારનું ડિસ્કાઉન્ટ મેળવવા માટો લોકો મુહૂર્ત, ચોઘડિયું જોવાનું બાજુએ રાખીને બુકિંગ કરાવવા દોડ્યા.

અને છેલ્લી વાત. એકત્રીસમી માર્ચે ટુ વ્હીલરના શોરૂમની બહાર ૪૨ ડિગ્રી ધૂપમાં લાંબી લાઈન લગાડીને કોઈ મર્યું નહીં.

અને નવેમ્બરમાં ૨૪ ડિગ્રી ગરમીમાં બૅન્કોની બહાર લાગેલી લાઈનમાં ઊભેલ સેંકડો લોકો મરી ગયા!

કમાલનો દેશ છે આ.

( મુંબઇ સમાચાર : સોમવાર, 3 એપ્રિલ 2017)

1 comment for “વિકાસ અને વિશ્વાસ

  1. મનસુખલાલ ગાંધી
    April 3, 2017 at 11:36 PM

    બહુ સુંદર લેખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *