મનને સંપૂર્ણપણે ક્યારેય મારી શકાયું છે?

મહાભારતમાં સૌથી ફૅસિનેટિંગ કૅરેક્ટર કયું? કોઈ પણ એક જ પાત્રનું નામ આપવાનું હોય તો તમે કોનું નામ આપો? દ્રૌપદી.

તમામ પ્રકારનાં સુખો મળ્યાં હોવા છતાં એનું જીવન ભારોભર કરુણાભર્યું. કોઈ પણ સ્ત્રી ઈચ્છા રાખે એવા ઉત્તમોત્તમ ગુણો ધરાવતા પુરુષોની પત્ની હોવા છતાં એ સાવ એકલી. ઈરાવતી કર્વે મહર્ષિ કર્વેના પુત્રવધૂ. વિધવા શિક્ષણના ક્ષેત્રે મહર્ષિ કર્વેએ ઘણું મોટું કામ કર્યું. ઈરાવતી કર્વે (૧૯૦૫-૧૯૭૦) બહુ મોટાં વિદુષી. મહાભારત વિશે લખેલા એમના ‘યુગાન્ત’ પુસ્તકને ૧૯૬૮માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ઈરાવતી કર્વેએ નોંધ્યું છે કે, ‘દ્રૌપદી પરનાં સંકટો લૌકિક… આ જગતના માણસોએ આણેલાં અને પતિઓએ પોતે જ પોતાની નિષ્ક્રિયતાને લઈને ઊભાં કરેલાં. વનવાસ દરમિયાન ધૃષ્ટદ્યુમ્ન અને કૃષ્ણ તેને મળવા આવ્યા ત્યારે અવિરત વહેતાં આંસુ લૂછતી ક્રોધિત સ્વરે એ બોલી હતી: ‘મારે પતિ, પુત્રો, ભાઈ, બાપ છે જ નહીં. હોત તો મારું આવું અપમાન એમણે સહન કર્યું હોત?’ મહાભારતમાં એક કરતાં વધારે વાર દ્રૌપદીની વ્યથા વર્ણવતાં બે શબ્દો આવે છે: ‘નાથવતી અનાથવત્’. પાંચ પતિ હોવા છતાં નાથ વિનાની.

ઈરાવતી કર્વેએ ૧૯૩૦ની સાલમાં જર્મની જઈને એન્થ્રોપૉલૉજિમાં પીએચડી.ની પદવી મેળવી હતી. દ્રૌપદી વિશે તેઓ જ્યારે લખે છે ત્યારે એમનામાં રહેલી વિદુષી ઉપરાંત એક ભાવનાશીલ નારી પણ પૂરેપૂરી ઠલવાઈ જાય છે. દ્રૌપદીની મનોદશાનું વર્ણન કરતા કેટલાક સુંદર ગદ્યખંડ એમણે લખ્યા છે, જેમાંનું થોડુંક મોટું સૅમ્પલ: ‘અર્જુન પોતાને જીત્યો પછી એક પછી એક એમ પાંચ જણ સાથે પોતાનાં લગ્ન થતાં પોતાને કેવી વેદના થઈ હશે? પોતે મન માર્યું. આચારમાં કોઈ દિવસ એકેયમાં ભેદભાવ કર્યો નહીં, પણ મનને કદી સંપૂર્ણ રીતે મારી શકાતું નથી. આચાર સમતોલ રાખી શકાય, પણ મનથી પાંચે ઉપર બરોબર માપીને પ્રેમ કરવો શક્ય હતો કે? અર્જુન પર વધુ પ્રેમ કર્યો, તો એમાં નવાઈ શી?’

ઈરાવતીજી લખે છે: ‘મન થોડી વાર થોભ્યું… પ્રેમ કર્યો એટલે શું? તેના માટે ઝૂરી, એ જ ને? પણ મારા પ્રેમનો કદી પ્રતિસાદ મળ્યો હતો કે? ઉલૂપી, ચિત્રાંગદા, સુભદ્રા-અર્જુને કેટલી સ્ત્રીઓ પર પ્રેમ કર્યો! એ પણ ખરું ને? અર્જુને એકેય સ્ત્રીને પોતાનું હૃદય દીધું હતું? સ્ત્રીઓએ અર્જુન પર પ્રેમ કર્યો પણ અર્જુને તો પોતાનું હૃદય કૃષ્ણને આપી દીધું હતું. છેક પહેલેથી. ઈન્દ્રપ્રસ્થ વસાવ્યું તેની પહેલાં દ્રૌપદીને ખબર હતી કે અર્જુન અને કૃષ્ણ કલાકોના કલાકો બેસીને વાર્તા કર્યા કરતા. તેમની વાતચીતમાં કોઈ વાર એકાદ નવી કલ્પના-શહેર વસાવવાની-પણ હશે, પણ તે વાતો કરતા તે મિત્ર તરીકે એકમેકનું હૃદ્ગત એકબીજાને જણાવવા. એકબીજાની વાણી સાંભળવા. અર્જુનનું હૃદય કોઈ પણ સ્ત્રી જીતી શકી નહીં. પ્રેમ શું આવો જ હોય? પ્રેમ હંમેશાં એકાંગી જ હશે કે? પ્રતિસાદ ન મળે છતાં હું કોઈને માટે ઝૂરું! કોઈ મારા માટે જીવન ન્યોચ્છાવર કરે…’

ઈરાવતી કર્વે અહીં દ્રૌપદીના દિમાગમાં એક વીજળી ઝબૂકતી હોય એ રીતનો વિચાર લાવે છે. દ્રૌપદી માટે જીવ ન્યોચ્છાવર કરી દેવાની તૈયારી કોની હતી? સ્વયંવર મંડપની બહાર અર્જુનની પડખે રહીને શત્રુઓ સાથે લડનારો ભીમ, (દ્યુત) સભામાં દ્રૌપદીને લાવવામાં આવી ત્યારે મોટા ભાઈના હાથ બાળવા તૈયાર થયેલો ભીમ, દ્રૌપદી માટેનો સંતાપ રોકી ન શકનાર ભીમ જેને અર્જુને બાવડેથી પકડી રાખવો પડ્યો, દ્રૌપદી થાકે ત્યારે વ્યથિત થઈ જનારો ભીમ, દ્રૌપદી માટે સુર્વાસન કમળ લેવા દોડેલો ભીમ, દુ:શાસનનું રક્ત પીનારો ભીમ અને એ રક્ત પી ખરડાયેલા હાથે દ્રૌપદીના કેશ બાંધનારો ભીમ, કીચકનો વધ કરવાનું અર્જુનથી પણ શક્ય હતું છતાં તે કામ કરનાર ભીમ, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ગાળો ચોપડાવનારો ભીમ, એની કેટકેટલી વાતો યાદ કરવી.

મહાભારતના અંતે મૃત્યુ પામી રહેલી દ્રૌપદી પાસે તરફડતો, લાંબા પગલાં ભરતો, કષ્ટપૂર્વક દસ-પંદર પગલાં પાર કરીને ભીમ આવે છે અને થોથવાતી જીભે પૂછે છે: ‘તારા માટે શું કરું?’ દ્રૌપદીને લાગે છે કે ભીમ નો આ હંમેશનો પૂછાયેલો પ્રશ્ર્ન છે, પણ આ પરિસ્થિતિમાં તદ્દન નિરર્થક અને અયોગ્ય છે. એ પ્રસન્નતાથી હસી અને ભીમનું મુખ પોતાના મુખ આગળ લાવી છેવટના શ્ર્વાસ લેતાં બોલી, ‘આવતા જન્મે પાંચેયમાં મોટો ભાઈ થજે, ભીમ! તારા આશરા નીચે અમે બધાં નિર્ભયપણે આનંદથી રહીશું.’

ઈરાવતી કર્વેની જેમ દુર્ગા ભાગવત્ (૧૯૧૦-૨૦૦૨)એ પણ દ્રૌપદીને બહુ નજીકથી જોઈ છે. સંસ્કૃત અને બૌદ્ધ સાહિત્યનાં જ્ઞાતા દુર્ગાતાઈને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. દુર્ગા ભાગવત્ કહે છે: ‘પ્રીતિ અને રતિ, ભક્તિ અને મૈત્રી, સંયમ અને આસક્તિ-આ ભાવનાઓનાં દ્વંદ્વો વચ્ચેની સૂક્ષ્મ સમતુલા દ્રૌપદીના વ્યક્તિત્વમાં જેવી દેખાય છે તેવી અન્ય કોઈ પૌરાણિક સ્ત્રીપાત્રમાં મને દેખાતી નથી અને એટલે જ દ્રૌપદીનું મન એક અતિશય સ્ફુરનારું મન છે. તેમાં વિલક્ષણ પાશવી ચૈતન્ય છે, અનાકલીનય બુદ્ધિમતા છે અને અતિશય શુદ્ધ વાસનાની ઉત્કટતા છે. એટલી કે, તે ઘણી વાર પ્રચંડ પ્રક્ષોભનું રૂપ પણ લે છે અને એટલે જ દ્રૌપદીના મનનું તરફડવું એ ભારતની વિલક્ષણ સુંદર અશાંતતાનો મૂળ સ્ત્રોત છે.’

દુર્ગા ભાગવતે દ્રૌપદીને પ્રિયા, સુંદરી, પતિવ્રતા અને પંડિતા-આ ચારેય ભૂમિકામાં તપાસી છે. દ્રૌપદી અને કૃષ્ણ વિશે દુર્ગાતાઈ લખે છે: ભક્તિ, પ્રણય અને સખ્ય એ ત્રણે ભાવોનું મિલન આ આકર્ષણમાં જોવા મળે છે. દ્રૌપદી પરિણીત અને તેમાંય આર્યધર્મને અનુસરનારી પતિવ્રતા. આને લીધે આ સંબંધને એક જુદો જ સ્તર મળે છે. અત્યંત નાજુક આ સંબંધ તો છે જ પણ અતિ દૃઢ અને એટલો જ વિલક્ષણ કોમલ. આ સંબંધ પર વ્યાસે સુખનો નાજુક છંટકાવ કર્યો છે. કૃષ્ણના સાંનિધ્યમાં દ્રૌપદી આપોઆપ ખીલે છે. મીંઢા મનની આ સ્ત્રી મુક્ત મને વર્તે છે. તેની તરફ ઝુકે છે, તેની પર વિસામે છે, પાંડવાની જેમ જ, પણ તેમની પત્ની તરીકે નહીં, કૃષ્ણની સખી તરીકે.

દુર્ગાતાઈએ નોંધ્યું છે એમ દ્રૌપદી અને કૃષ્ણના સંબંધના ઉગમસ્થાન વિશે વ્યાસે મુગ્ધતા રાખી છે. શાથી આ સંબંધ નિર્માણ થયો તેનો ઉત્તર કુશળ વ્યાસે આપ્યો નથી. જોકે, દુર્ગાતાઈનું માનવું છે કે, ‘વ્યાસે મુગ્ધતા રાખી ન હોત તો તેમની મૈત્રી વધુ કલાપૂર્ણ, કોઈ પણ સંબંધથી ન જકડાયેલી, શરીરના કે સમાજના સંબંધથી ન જકડાયેલી, એવી મૈત્રી હોવાનો સંભવ હતો. ગ્રીક ફિલસૂફ પ્લેટોએ વર્ણવેલી પ્રીતિ (પ્લેટોનિક લવ) કરતાં પણ જરા ભિન્ન, વધુ ભવ્ય. પણ આરંભના ઈતિહાસ વિશે વ્યાસે મૌન પાળ્યું.’

આ એક બાબતમાં વિદુષી દુર્ગાતાઈ સામે નાનકડી અસહમતી દર્શાવવાનું મન થાય. સંબંધની શરૂઆત ક્યાં કેવી રીતે, શા માટે થઈ એ અંગેનું વ્યાસનું મૌન કે વ્યાસની મુગ્ધતા જ આ સંબંધ વિશે મહાભારતના વાચકોમાં જે ભાવ જાગે છે તે પ્રગટાવી શકે છે. મુખર રીતે, પ્રગટપણે કહેવાયું હોત તો જે મઝા મોઘમમાં છે તે ઊડી ગઈ હોત. જીવનમાં કેટલાક ન બોલાયેલા શબ્દો, કેટલીક અવ્યક્ત રહેતી લાગણીઓ અને કેટલાક અસ્પષ્ટ રહેતા મનોભાવ કેટલા સત્ય છે તે કોણ નથી જાણતું!

કાગળ પરના દીવા

જિંદગીમાં એક જ વાત મહત્ત્વની છે-તમે પોતે તમારા માટે શું માનો છો, તમને તમારા માટે માન છે કે નહીં.

-ઓશો

સન્ડે હ્યુમર

યમરાજ: તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે… હા…હા…

કવિ: હા, તો વાંધો નહીં. નળ બંધ કરી દો. નાની નાની વાતોમાં કે’વા નહીં આવવાનું.

( મુંબઇ સમાચાર : રવિવાર, 2 એપ્રિલ 2017)

1 comment for “મનને સંપૂર્ણપણે ક્યારેય મારી શકાયું છે?

  1. મનસુખલાલ ગાંધી
    April 3, 2017 at 11:33 PM

    બહુ સુંદર લેખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *