કશુંક ન મળવાથી જિંદગીમાં કયારેય પૂર્ણવિરામ આવી જતું નથી

સ્પર્ધા અને સફળતા માણસજાતના સૌથી જૂના અને જાણીતા રોગનાં નામ છે. જીવનમાં કશુંક મેળવવું એનો અર્થ એવો કરી લેવામાં આવ્યો કે ‘કોઈકના જેટલું’ કે ‘એના કરતાંય વધારે’ મેળવવું. સ્પર્ધાનો જન્મ અહીંથી થયો. ધન, પ્રસિદ્ધિ અને સત્તા જેવાં બાહરી તથા ભૌતિક લક્ષણો દ્વારા જ વ્યક્તિની સફળતા પારખવા ટેવાઈ ગયેલા સમાજમાં સ્પર્ધા એક અનિવાર્ય અંગ બની ગઈ. કોઈનીય સાથે દોડ્યા વિના, એકલા દોડીને જ લક્ષ્ય સુધી પહોંચવામાં સંતોષ નથી મળતો હવે. કોઈકના કરતાં વહેલા પહોંચી જવામાં, કોઈકના કરતાં આગળ નીકળી જવામાં જ સંતોષ મળે છે. પછી ભલે ને એ ગંતવ્યસ્થાન તમારું નિર્ધારિત લક્ષ્ય ન હોય.

એક સરસ વાત બી. આર. ચોપરાએ વર્ષો પહેલાં કોઈ ઈન્ટરવ્યુમાં કરી હતી. નવી પેઢીના વાચકો માટે બી. આર. ચોપરા એટલે ડીડીએલજેના ડિરેક્ટર આદિત્યના કાકા અને જબ તક હૈ જાનવાળા યશજીના મોટા ભાઈ. આગલી પેઢી માટે બી.આર. ચોપરાની ઓળખાણ જરૂરી નથી. ચોપરાસાહેબે પોતાના દિગ્દર્શન હેઠળની પ્રથમ ફિલ્મ ‘અફસાના’ બનાવવાનું નક્કી કર્યું ત્યારની આ વાત છે. લગભગ ૬૫-૭૦ વર્ષ પહેલાંની, ૧૯૫૦-૫૧ની સાલની વાત છે.

સ્ટોરી એકદમ મજબૂત હતી અને ડબલ રોલ ભજવવા માટે હીરો તરીકે એટલા જ મજબૂત અભિનેતાની જરૂર હતી. ચોપરાસા’બે પોતાના દિગ્દર્શનની આ પ્રથમ ફિલ્મ માટે દિલીપકુમારનો સંપર્ક સાધ્યો. દિલીપકુમાર તે વખતે મહેબૂબ ખાનની ‘અંદાઝ’ (૧૯૪૯)માં કામ

કરીને સ્ટાર બની ચૂક્યા હતા. ‘અફસાના’ની સ્ટોરી એમને પસંદ પડી ગઈ. પણ આ રોલ માટે પોતાની પસંદગી ખોટી છે એવું એમણે કહ્યું. ન્યાયાધીશનું પાત્ર ભજવવા માટે હું બહુ નાનો દેખાઈશ, તમે એક કામ કરો અશોકકુમાર આ રોલ માટે એકદમ ફિટ છે, એમનો કૉન્ટેક્ટ કરો – દિલીપકુમારનું કહેવું હતું. અશોકકુમારે એ રોલ ભજવ્યો. ‘અફસાના’ હિટ થઈ. એ પછી બી. આર. ચોપરાએ પોતાની પ્રોડક્શન કંપની સ્થાપી.

થોડાં વર્ષ પછી અને થોડીક વધુ સફળતાઓ બાદ ચોપરાસાહેબના હાથમાં એક નવો સબ્જેક્ટ આવ્યો. ફરી દિલીપકુમાર યાદ આવ્યા. એમને મળ્યા. એ સબ્જેક્ટ ઈન્ડસ્ટ્રીમાં ઘણા બધા પાસે ફરી ચૂક્યો હતો. વાસન, રાજ કપૂર, મહેબૂબ ખાન, એસ. મુખર્જી બધા જ એ સ્ટોરી આઈડિયાને રિજેક્ટ કરી ચૂક્યા હતા. પણ બી. આર. ચોપરાને શ્રદ્ધા હતી કે એના પરથી સુપર હિટ ફિલ્મ બનાવી શકાય, જો સારો હીરો મળે તો. દિલીપકુમારના કાને પણ એ સ્ટોરી પડી ચૂકી હતી. ચોપરાજી એમને મળ્યા અને વાત શરૂ કરી કે તરત એમણે કહ્યું, ‘પેલી ટાંગાવાળાની સ્ટોરી ને? ના, ભાઈ ના, જવા દો એ વાત’. નાસીપાસ થઈને ચોપરા ફરી અશોકકુમાર પાસે આવ્યા. દાદામુનિએ સ્ટોરી સાંભળીને કહ્યું કે વાર્તા બહુ જ સરસ છે. તમારામાં ગજબની સ્ટોરી સેન્સ છે. પણ આમાં હીરો તરીકે હું ના ચાલું. ગામડાના માણસ તરીકે હું વધારે પડતો સોફિસ્ટિકેટેડ લાગીશ. મારે હિસાબે આ રોલ માત્ર યુસૂફ જ કરી શકે.

પણ યુસૂફસા’બ તો ના પાડી ચૂક્યા છે. હું સમજાવીશ એને, અશોકકુમારે હૈયાધારણ આપી અને ફરી એક વાર દિલીપકુમારનો સંપર્ક કરવાનું કહ્યું. દિલીપકુમારે છેવટે એ ફિલ્મ સ્વીકારી, સ્વીકારી એટલું જ નહીં જીવ રેડીને એમાં કામ કર્યું, એટલું ઓછું હોય એમ ફિલ્મની શરૂઆતમાં જે હીરોઈન હતી તે મધુબાલાના પોતે પ્રેમમાં હોવા છતાં જ્યારે મધુબાલાના પિતા અને ચોપરાસા’બ કોર્ટમાં લડ્યા ત્યારે દિલીપકુમારે અંગત લાગણીઓને બાજુએ રાખીને ચોપરાજીને પ્રોફેશનલી કોઈ નુકસાન ન થાય એ માટે એમની પડખે રહ્યા. આ ફિલ્મ ‘નયા દૌર’ના નામે રિલીઝ થઈ, બૉક્સ ઑફિસ પર ઈતિહાસ સર્જી ગઈ.

આજની તારીખે એક નિર્માતા એક હીરોનો સંપર્ક કરે ત્યારે શું એ હીરો કહેવાનો છે કે આ રોલને હું નહીં પણ મારો પ્રતિસ્પર્ધી વધારે ન્યાય આપી શકશે. શક્યતા તો એવી કે કોઈને જેવી ખબર પડે કે આ રોલ માટે એક અભિનેતાને લેવાની વાટાઘાટ ચાલે છે તો એમાં લંગસિયું નાખવા એ તરત પહોંચી જશે.

સ્પર્ધા વિના પણ સફળતા મેળવી શકાય એમાં આ બે જ્વલંત ઉદાહરણ. અશોકકુમાર અને દિલીપકુમાર. આજે આવું વાતાવરણ છે? ના, નથી. તો કેવું છે? એક જમાનામાં ટીવી પર કપડાં ધોવાના સાબુની ઍડ આવતી: ભલા ઉસ કી કમીઝ મેરી કમીઝ સે ઝયાદા સફેદ કયો? અને આજની તારીખે પણ રિયલ લાઈફમાં જુઓ તો પોતાનું ખમીસ હજુ વધારે સફેદ બનાવવાની લાહ્યમાં કાપડનું પોત આખેઆખું ઘસાઈ જાય એનીય પરવા રહેતી નથી. ક્લાઈમેક્સ તો ત્યારે આવે છે જ્યારે સફેદી લાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા પછી બીજાના ખમીસને કાળા રંગે રંગવાના પ્રયત્નો શરૂ થાય. ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં, દરેકે દરેક ક્ષેત્રમાં આ જ હાલત છે. કોઈનેય કશી શિખામણ આપવા જેવું નથી. જશો તો બેઉ પક્ષો તમારું ખમીસેય ખેંચીને એના લીરેલીરા કરી નાખશે.

સ્પર્ધા એટલે માત્ર પોતે આગળ વધવાનો પ્રયત્ન કરવો, ગઈ કાલ કરતાં આજે વધુ સારું કામ કરવું, બીજાની સરખામણીએ પોતે ક્યાં છે એવી દૃષ્ટિ ન રાખવી.

પરીક્ષાની સીઝન છે અને પરિણામોની શરૂ થશે. અનેક સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા પછી વર્ગમાં પહેલો નંબર કોનો આવ્યો, અને બીજું કોણ, ત્રીજું કોણ એવી રૅન્કિંગ સિસ્ટમ ત્યજી દેવામાં આવી છે. કમ સે કમ પ્રાથમિક ધોરણોમાં તો ખરી જ. મેડિસિન જેવાં ક્ષેત્રોમાં એક-એક માર્કથી પ્રવેશ માટેનો નિર્ણય થતો હોય ત્યારે સ્વાભાવિક છે કે મા બાપ બારમા ધોરણમાં ભણી રહેલાં સંતાનોને કોચિંગ ક્લાસીસ અને પ્રાઈવેટ ટ્યુશનોના ચાબૂક ફટકારી ફટકારીને રેસમાં જીતાડવાનો પ્રયત્ન કરે. બિલકુલ સ્વાભાવિક છે અને કદાચ જરૂરી પણ હશે. પરંતુ આમ કરતી વખતે જ્યારે એક સાવધાની રાખવામાં આવતી નથી ત્યારે એ સંતાન મોટું થઈને બીજાની બીએમડબલ્યુ જોઈને પોતાની હૉન્ડા સિટી પ્રત્યે તિરસ્કારથી જોતું થઈ જાય છે. સાવધાની માત્ર એટલી જ કે મેડિસિનમાં પછી જોઈતા ક્ષેત્રમાં પ્રવેશ ન મળવાથી આસમાન તૂટી પડતું નથી અને એ જ ક્ષેત્રનો આગ્રહ હોય અને થોડાક માર્ક્સ ઓછા પડ્યા હોય તો પ્રથમ પસંદગી જે કૉલેજની હતી તે સિવાયની ડઝનબંધ શિક્ષણ સંસ્થાઓ ભારતભરમાં છે. ત્યાં જવાની તૈયારી રાખવાની. અને બીજી વાત. કશુંક ન મળવાથી જિંદગીમાં પૂર્ણવિરામ આવી જતું નથી. જે ઈચ્છયું હતું તે ન પણ મળે તો માની લેવાનું કે પ્રારબ્ધમાં એના કરતાં કંઈક બહેતર મળવાનું લખાયું હશે. પણ આ વાત બારમા ધોરણના બચ્ચાંઓના માબાપે પોતાનાં સંતાનોને સમજાવવી જોઈએ એવું આ માબાપોને કોણ સમજાવે?

આજનો વિચાર

મનુષ્ય માત્રની દ્વિધા એ છે કે પરિવર્ત એને ગમતું હોવા છતાં એને એ ધિક્કારે છે. માણસને વાસ્તવમાં બધું એનું એ જ જોઈએ છે, પણ દરેક ચીજ છે એના કરતાં બહેતર બને એટલી જ એની ઝંખના છે.

– સિડની જે. હૅરિસ (અમેરિકન પત્રકાર અને લેખક જેમની ‘સ્ટ્રિક્લી પર્સનલ’ નામની વીકલી કૉલમ અમેરિકા-કેનેડાનાં બસો જેટલાં અખબારોમાં એકસામટી પ્રસિદ્ધ થતી. જન્મ: ૧૯૧૭ – અવસાન: ૧૯૮૬).

એક મિનિટ!

હમેરે શહેર કા હૈ ને એ આલમ હૈ ગાલિબ
કે લૂગડાં ધોતે હી સુકાઈ જાતા હૈ
ઓર પહનતે હી પલળ જાતા હૈ…

( મુંબઇ સમાચાર : શનિવાર, 1 એપ્રિલ 2017)

1 comment for “કશુંક ન મળવાથી જિંદગીમાં કયારેય પૂર્ણવિરામ આવી જતું નથી

  1. જયેન્દ્ર પંડ્યા
    April 1, 2017 at 4:29 PM

    બહુજ સરસ . આજના જમાના ના રસાકસ્સી અને સ્પર્ધાત્મક જીવન ને અનુલક્ષી લેખ ખુબજ ગમ્યો . લેખક શ્રી વિનયભાઈ ખાતરી અને મુરબ્બી સૌરભ ભાઈ નો અભાર….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *