કૅવિયાર અને ચનાદાલ

કૅવિયાર માટે એમ કહેવાય કે એનો સ્વાદ એકદમ સટલ હોય, બહુ નાજુક ટેસ્ટ હોય. એને ઊંચી ઔલાદના શેમ્પેન સાથે જ સર્વ થાય. તો જ એનો ટેસ્ટ નીખરી આવે.

‘ડબલ ઘોડા’ બ્રાન્ડના દેશી દારૂ કે ઠર્રા સાથે તમે કૅવિયાર સર્વ કરો તો એ નકામું. ઠર્રા સાથે તો ચખના તરીકે ચણાની દાળ જ જોઈએ – ખૂબ બધા કાંદા, ખૂબ બધું મરચું અને લીંબુ-મીઠું છિડકેલી. અહીં જો તમે કૅવિયાર સર્વ કરવા ગયા તો કૅવિયાર પાછળ ખર્ચેલા તમારા પૈસા પાણીમાં પડી ગયા. દેશી દારૂના શોખીનો તમારા કૅવિયારના ટેસ્ટને એપ્રિશ્યેટ નહીં કરી શકે. પીતાં પીતાં કહેશે કે આ શું લઈ આવ્યા તમે? ચનાદાલ ક્યાં છે?

આમાં વાંક તમારો છે. તમારામાં અક્કલ હોવી જોઈએ કે કોને કૅવિયાર પીરસાય અને કોને ચનાદાલ. બેવડાઓની જમાત ભેગી થઈ હોય અને ‘તુઉઉઉ મુંગડા, મૈં ગુડ કી ડલી’નો માહોલ જામ્યો હોય ત્યાં કૅવિયાર ના ફેરવાય.

ગોવિંદા-કરિશ્માને ભેગાં કરીને ગીત ગવડાવવું હોય તો તેરી નાની મરી તો મૈં ક્યા કરું જ ગવડાવાય. મૈં તો રસ્તે સે જા રહી થી, ભેલપુરી ખા રહી થી જ ગવડાવાય. એ લોકોના ઉપર મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ ના ફિલ્માવાય. ફિલ્માવો તો બાવાનાં બેઉ બગડે.

દરેક વાતાવરણને એનાં આગવાં પરમ્યુટેશન્સ-કૉમ્બિનેશન્સ હોય છે. મનમાં ગમે એટલી ભક્તિભાવના હોય પણ જીન્સની ટૂંકી ફાટેલી ચડ્ડી પહેરેલી યંગ ગર્લ સિદ્ધિવિનાયકના મંદિરમાં ના શોભે અને તાજના એપોલો બારમાં હેમંત ચૌહાણને બોલાવીને હો જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની સાંભળવાના ધખારા પણ નકામા.

સંગીત હોય, ફિલ્મો હોય, જાહેર કાર્યક્રમો હોય, ભોજન સમારંભ હોય કે પછી લેખન અને જીવન હોય. ક્યાં, ક્યારે કૅવિયાર પીરસાય અને ક્યાં ચનાદાલ એનો વિવેક આપણામાં નથી હોતો. ફ્યુઝનના નામે આપણે આ દરેક ઉત્તમ વસ્તુઓની વાટ લગાડી દેતા હોઈએ છીએ. શુદ્ધ વસ્તુને અભડાવ્યા વિના આપણને ચેન પડતું નથી. ભેળપૂરીમાં મન્ચુરિયન સૉસ અને ઉપરથી ચીઝ ભભરાવીને પીરસવામાં આવે એવા દિવસો હવે દૂર નથી રહ્યા. સટાક. (આ શેનો અવાજ આવ્યો? એ તો મેં આવી વાનગીઓ બનાવનારાઓને, આવું મ્યુઝિક બનાવનારાઓને સણસણતો તમાચો માર્યો એનો અવાજ હતો.)

ધ્રુપદ ગાયકી સંગીતનો અતિ વિશુદ્ધ પ્રકાર છે અને ધ્રુપદ સંગીતમાં મહારત હાંસિલ કરી રહેલા ભાવનગરના ગુજરાતી ગાયક (હવે મુંબઈમાં વસે છે) ચિંતન ઉપાધ્યાય વિશે આ જ કૉલમમાં થોડા સમય પહેલાં લખ્યું હતું. ગયા મહિને એમનો એક જાહેર કાર્યક્રમ અમદાવાદમાં હતો ત્યારે યોગાનુયોગ અમે પણ ત્યાં જ હતા. ખાસ એક દિવસ વધારે રોકાઈને ચિંતન ઉપાધ્યાયને સાંભળ્યા. એક અલગ જ દુનિયામાં તમને લઈ જાય. નવા ગુજરાતી ગાયકો એક બાજુ અવિનાશ વ્યાસને ગાવામાંથી ઊંચા નથી આવતા અને તારી આંખનો અફીણી હજુય ગુજરાતી પરિવારોમાં રાષ્ટ્રગીતની જેમ ગવાય છે ત્યારે અતિ દુર્લભ અને દુસાધ્ય એવા ધ્રુપદ સંગીતના વિશ્ર્વમાં રહીને તપશ્ર્ચર્યા કરનારાઓ પણ છે આપણી ગુજરાતી પ્રજામાં. જાન્યુઆરીમાં ‘આઠ પ્રહર’ના કાર્યક્રમમાં ચિંતન ઉપાધ્યાય પોતાના ગુરુ ઉદય ભવાલકર સાથે સંગત કરી રહ્યા હતા. ત્રણ હજાર શ્રોતાઓએ પિન ડ્રોન સાયલન્સમાં ઉદય ભવાલકરજીના ધ્રુપદ ગાનને પૂરા સવા કલાક સુધી માણેલું. રિફાઈન્ડ ટેસ્ટવાળા શ્રોતાઓ તો છે જ આપણે ત્યાં. અને રિફાઈન્ડ ટેસ્ટવાળા કળાકારો પણ છે. આયોજકો ઓછા છે.

તમે કંઈ પણ વસ્તુ રિફાઈન્ડ ટેસ્ટવાળી લઈ આવો ત્યારે ‘અનુભવી આયોજકો’ એમાં પોતાનો તૈયાર ગરમ મસાલો નાખવા તૈયાર જ હશે. દાખલા તરીકે નાટકની વાત લઈ લો. ગમે એટલી નવી, ફ્રેશ અને લોકો સુધી પહોંચે એવી થીમ હશે તો પણ એમાં સ્ટાન્ડર્ડ વૉટ્સઍપ જોક્સથી માંડીને ટિપિકલ સોશ્યલ પ્રોબ્લેમ્સ, સ્યુડો સામાજિક ક્ધસર્ન્સ કે પછી અટપટી બીમારીઓ નાખવાની એટલે નાખવાની જ. પછી દરેક ગુજરાતી નાટકનો સ્તર એકસરખો ન આવે તો શું થાય. પંજાબી રેસ્ટોરાંવાળા બે ગ્રેવી તૈયાર રાખે- વ્હાઈટ અને રેડ. જે કંઈ સબજી મગાવો તે આ બેમાંથી એકમાં વઘારીને સર્વ કરે. રેસ્ટોરાંઝમાં આવી ગ્રેવીઝ સપ્લાય કરનારાઓ રોજની સેંકડો કિલો ગ્રેવી કારખાનામાં બનાવીને વેચતા હોય છે. ઘણા ગુજરાતી રસોડાઓમાં પણ આવું જ હોય. કોઈ પણ શાક, ફરસાણ બનાવે તો એમાં સ્ટાન્ડર્ડ ગરમ મસાલો ઠપકારવાનો એટલે ઠપકારવાનો જ. ફાવી ગયું છે આપણને.

હિંદી ફિલ્મો જોશો તો પણ એ જ ઈન્સિક્યુરિટીને લીધે વિચિત્ર સૂફી અવાજવાળા સ્ત્રૈણ પુરુષ ગાયકો અને જાડા અવાજવાળી સ્ત્રી ગાયકો પાસે ઉર્દૂ શબ્દોની ભરમાર ધરાવતાં બનાવટી ફિલસૂફીવાળાં ગીતો ગવડાવી લો એટલે પ્રોમો મટીરિયલ તૈયાર. વાર્તાનું પછી જોયું જશે, પહેલાં ફાયનાન્સરને ખંખેરી લો.

લાઈફ આખી ફ્યુઝન બની ગઈ છે. પ્યોરિટી કે શુદ્ધતાની વાત કરવી હવે જાુનવાણી ગણાય. દેખાદેખીની રૅટરેસમાં જો તમે ના પડ્યા તો પાછળ રહી ગયા. પેલીએ ફાટેલું જીન્સ પહેર્યું તો હું ડબલ ફાટેલું પહેરીશ. આ ઉંમરે ચરસ-ગાંજો-મારુઆનાની મઝા ના માણી તો કઈ ઉંમરે માણીશું?

હમણાં અમેરિકાની એક ન્યૂઝ ચેનલ પર રિપોર્ટ જોયો કે અમેરિકાને રેફ્યુજીઝની, ઈમિગ્રન્ટ્સની જરૂર છે, કારણ કે ત્યાંના સ્થાનિક ધોળિયા-કાળિયાઓમાં ડ્રગ્સનો વપરાશ એટલો વધી ગયો છે કે એમને ફેક્ટરીમાં લેબર તરીકે રાખ્યા હોય તો નિયમિત કામે આવતા નથી. એક સિરિયન રેફ્યુજીનો ઇન્ટરવ્યુ હતો. પિસ્તાળીસ વર્ષનો, ઊંચો, સુદૃઢ બાંધો અને રસ્ટિક હૅન્ડસમ ચહેરો. ફેક્ટરીમાં મોટાં પીપડાં પર ગેસની જ્યોત વડે ઢાંકણાં સીલ કરવાની આકરી મજૂરીનું કામ કરી રહ્યો હતો. દોઢ વર્ષ પહેલાં સિરિયાથી ભાગીને અમેરિકા આવ્યો. એ કહે કે મેં જિંદગીમાં ક્યારેય ડ્રગ્સ લીધી તો શું જોઈ પણ નથી. મને ખબર નથી કે એ કેવી હોય. દારૂ એક પણ વાર ચાખ્યો નથી. અમારી લાઈફસ્ટાઈલમાં ડ્રગ્સ-દારૂને સ્થાન જ નથી.

ટીવી પર ચાર બોટલ વોડકાનું (હવે ‘ભૂલે બિસરે ગીત’માં પ્રસારિત થતું) ગીત જોઈને કે એવાં બધાં ગીતો જોઈને એક આખી જનરેશન કરપ્ટ થઈ ગઈ. જિંદગીમાં ડિસ્કો, ડ્રગ્સ, દારૂ, સિગરેટ ન હોય તો એ કંઈ જિંદગી છે? એવું માનતી થઈ ગઈ એક આખી પેઢી.

સમજતાં નથી કે આ કંઈ લાઈફ નથી. લાઈફનો આ એક નાનકડો હિસ્સો છે. એના સિવાય પણ જિંદગી હોઈ શકે છે, હોય છે જ અને ઘણી મોટી હોય છે. જેણે આવી જિંદગીનો એક અંશ પણ ‘માણ્યો’ તો શું જોયો પણ નથી એવા લોકો આજે વડા પ્રધાન છે, દેશના સૌથી મોટા રાજ્યના મુખ્ય પ્રધાન છે. આ દેશ ઊંચો આવશે, આ દેશની સંસ્કૃતિ સચવાશે કે આપણે પોતે વધુ ઉન્નત જીવન જીવતાં થઈશું તો તે આપણી પ્યોરિટીને કારણે, ફ્યુઝનના નામે ભેળસેળિયા મેન્ટાલિટી રાખીને નહીં.

જિંદગીમાં અમુક મુકામ સુધી પહોંચ્યા પછી એક ઠહરાવ આવે છે. જ્યારે તમને ખબર હોય છે કે હવે ચાર રસ્તા પર ઊભા રહીને ડુગડુગી વગાડીને લોકોને ભેગા કરવાની જરૂર નથી. ભેગા થયેલા લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચાયેલું રહે એ માટે દર પાંચ મિનિટે ‘બચ્ચે લોગ તાલી બજાવ’ બરાડવાની જરૂર નથી. આ ઠહરાવની પ્રાપ્તિ પછી તમને ખ્યાલ આવે છે કે લાઈફમાં નક્કર શું છે, પોલું શું છે. શાશ્ર્વત મૂલ્યો ક્યાં છે અને જે આજે છે ને આવતી કાલે નહીં હોય એ ફૅડ ક્યાં છે. આ મુકામ પર પહોંચ્યા પછી નીરક્ષીરનો વિવેક પ્રાપ્ત થાય છે અને આ વિવેક આવ્યા પછી સમજાય છે કે ક્યારે કૅવિયાર સર્વ થાય, ક્યારે ચનાદાલ.

આજનો વિચાર

એકલતાને જો ભેટ સમજીને સ્વીકારી લો તો જીવનનો ઉદ્દેશ શું છે તે શોધી શકશો. એટલે ગભરાતા નહીં.

– પાઉલો કોએલો

એક મિનિટ!

મૅકડોનાલ્ડની દરેક નવી ખૂલતી દુકાન ૭૦ જણને રોજીરોટી આપે છે.

૧૦ ડેન્ટિસ્ટ.

૧૦ હાર્ટ સર્જન.

૧૦ વેઈટલૉસ ક્લિનિક.

૧૦ ડાયબિટોલોજિસ્ટ.

૧૦ પેથોલોજિસ્ટ.

૧૦ હાઈપર ટેન્શન સ્પેશ્યલિસ્ટ.

૧૦ કૅમિસ્ટ.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 31 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *