‘…અહીં સૌ પોતપોતાને સુખી કરવા જીવે છે…’

‘જલસા અવતાર’ આત્મકથામાં કવિ ચિનુ મોદી કહે છે કે, ‘પાછું વળીને જોઉં છું તો લાગે છે કે મને મળેલી પ્રત્યેક ક્ષણને મેં પોંખી છે. મેં એક પણ ક્ષણના આગમન ટાણે મોં બગાડ્યું નથી. મને સતત એવું લાગ્યું છે કે પ્રત્યેક ક્ષણ મારા હસ્તાક્ષર સાથે, સહીસિક્કા સાથે જન્મી છે. મને ક્યારેય એવું નથી લાગ્યું કે આ ક્ષણે મને અન્યાય કર્યો. કારણ વગર મારી હાંસી કરાવી; કારણ વગર મને સજા અપાવી. દરેક ક્ષણને મેં મારું જ સર્જન લેખ્યું છે. અર્થાત્ જે કંઈ મારા જીવનમાં બન્યું છે, એ સહુ ક્રિયાપદોનો એક માત્ર કર્તા હું જ છું. મારે ઈશ્ર્વરની એટલે આવશ્યકતા નથી. હું કોઈ ચમત્કારમાં માનતો નથી. કોઈ માનતું હોય તો એની ટીકા નથી કરતો; એને અટકાવતો પણ નથી.’

આ જ વાતને વધારે ઊંડેથી સમજાવતાં ચિનુ મોદી લખે છે: ‘મને જેટલું મારું ફ્રીડમ વ્હાલું છે, એટલું જ વ્હાલું સૌને પોતપોતાનું ફ્રીડમ હોય એટલે મારાં નિકટતમ સ્વજનોથી માંડીને કોઈનાય ફ્રીડમ પર મેં તરાપ નથી મારી. અને એક વાત સમજાઈ ગઈ છે કે અહીં સહુ પોતપોતાને સુખી કરવા જીવે છે એટલે હું કોઈ પાસે કશા પ્રકારની અપેક્ષા રાખતો નથી. અને ૭૫ ટકા લોકો અપેક્ષા રાખીને દુ:ખી થાય છે. સામેની વ્યક્તિની દાનત બાબતે જ સાશંક રહેતા લોકો અપેક્ષાભંગનું ભારે દુ:ખ ભોગવતા હોય છે. હશે.’

ભગવાન વિષ્ણુના વિવિધ અવતારમાં ક્યાંય ‘જલસા’ અવતાર જેવું સાંભળ્યું નથી! પણ ચિનુ મોદી પોતાના જીવનનો સાર આ એક શબ્દમાં સમાવી લે છે. શું કારણ? એમના જ શબ્દમાં સાંભળો:

‘મારો આ જલસા અવતાર છે એમ જ્યારે કહું છું ત્યારે જાણનારા મને પૂછે છે: ‘શું કામ જૂઠું બોલો છો?’ અને પછી પિતાના મૃત્યુની દારૂણ વેદના, ભાઈના આપઘાતની ઘટના, હંસાના અકાળે મને મૂકીને ચાલ્યા જવાનો ફરજિયાત નિર્ણય, ધર્મ પરિવર્તન કરી ગાડાં ભરી મળેલી બદનામી અને છતાં ઈચ્છિત વ્યક્તિ સાથે રહેવા ન મળ્યું એની વ્યથા. કંઈ કેટકેટલી કરુણ ઘટનાઓ, મને જાણનારા, જાણે છે. એ સહુને હું એક જ જવાબ આપું છું: ‘મારી પાસે દુ:ખને સુખમાં પરિવર્તિત કરવાની જાદુઈ લાકડી છે અને એ છે મારી ભાષાનાં કક્કો – બારાખડી.’ અને પછી ઉમેરું છું – કેટલીક ઘટનાઓ, ખાસ તો સ્વજનોનાં મૃત્યુ-એ મારા હાથની વાત નહોતી. એ આ પૃથ્વી ન છોડે, મળેલોે દેહ ન છોડે એ માટે મેં કશું કરવાનું બાકી નહોતું રાખ્યું. પણ, એ સમજાઈ ગયું છે કે શક્તિશાળી મનુષ્ય જન્મ અને મરણ બાબતે આધારિત છે. બાકીની મૅનમેડ ઘટનાઓનો કારક હું છું. મારી અણસમજ, મારી મનુષ્યોને નહીં ઓળખી શકવાની અણઆવડતે મને દુ:ખી કર્યો. હું ગ્રીક ટ્રેજેડીનો નાયક નથી. ફેટ (કિસ્મત, નસીબ, પ્રારબ્ધ)ને લીધે ટ્રેજેડી નથી સર્જાઈ. મારા જીવનમાં હું શેક્સપિયરનો હ્યુમન એરર્સથી સર્જાતી ટ્રેજેડીનો નાયક છું. મારી ભૂલોને કારણે મેં ચીલે ચીલે ચાલવાનું ટાળ્યું છે. ઉફરા ચાલવાનું સાહસ કર્યું છે. હુંય નર્મદની જેમ શાણી ગુજરાતી પ્રજાને કહી જ શકું એમ છું કે હે, ગુજરાતીઓ, મને જાણજો, હું એક કૅરેક્ટર છું!’

બહુ ભારે વાતોમાં સરી પડીએ તે પહેલાં એક હળવી વાત. આમ જુઓ તો હળવી ના પણ કહેવાય! ‘જલસા અવતાર’માં ચિનુ મોદી નોંધે છે કે દીકરી નિમિષા અમેરિકાથી એનાં સંતાનો સાથે ઈન્ડિયા આવેલી અને ચિનુભાઈએ પોતાના આખા કુટુંબ સાથે રાજસ્થાન – ઉદેપુર જવાનું નક્કી કર્યું. બૅન્કમાંથી એ માટે પૈસા ઉપાડવા ચિનુભાઈ અને એમની વિદ્યાર્થિની મેબલ ગયાં. પૈસા લીધા. નૉટોની થોકડી કવિએ પોતાની કારના સ્ટીયરિંગ સામે મૂકી અને કાર સ્ટાર્ટ કરી.

એવામાં એક જણે આવીને ગાડી અટકાવીને કહ્યું, ‘એક્સિડન્ટ કરીને ક્યાં ભાગો છો? ઊભા રહો.’

કવિએ પાછળ વળીને જોયું તો યુનિવર્સિટીના બૅન્ક પાસેના સર્કલ નજીક એક ભાઈ સ્કૂટર પાડી નાખીને ઊભા રહ્યા હતા અને મને હાથ બતાવતા હતા એટલે કવિએ બૂમ પાડીને કહ્યું, ‘શું થયું? અહીં આવો.’ પેલા ઈન્જર્ડભાઈએ ગુસ્સામાં કહ્યું, ‘તું અહીં આવ.’

કવિ ‘તુંકારા’ને કારણે ગુસ્સે થઈને એના તરફ જવા માંડ્યા પણ ત્યાં જ પેલો ઊભો થઈને સ્કૂટર લઈને ભાગી ગયો. કવિ વિજેતાની જેમ પાછા આવ્યા ત્યારે એમની ગાડીમાંથી બૅન્કમાંથી લાવેલી રકમ ગાયબ થઈ ગયેલી. એમણે મેબલને પૂછ્યું, ‘પૈસા ક્યાં ગયા?’ તો એ કહે, ‘સર, મને ખબર નથી.’ ‘તો કોણ લઈ ગયું?’ અને પછી મેબલે કહ્યું, ‘તમે ગાડીનું બારણું ઉઘાડી બહાર નીકળ્યા ત્યારે એક ભાઈએ આવીને મને પૂછેલું – વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ ક્યાં આવી – અને મેં એમને એડ્રેસ સમજાવેલું.’

આ કિસ્સો લખીને કવિ કહે છે: ‘હું તરત સમજી ગયો. મેબલને વાતે વાળી, મને ગાડી બહાર બોલાવી, કોઈ ટોળી મારા પૈસા લઈ ગયું. મેબલ બહુ દુ:ખી દુ:ખી હતી. મેં એને કહ્યું, ‘બૅન્કમાં બીજા રૂપિયા છે,’ અને સહેજ પણ દુ:ખ પામ્યા વગર મેં મને છેતરનાર લોકોને સલામ મારી હતી. હું સ્માર્ટ ફોન કેમ નથી રાખતો એનું કારણ એ જ છે કે હું જન્મજાત ડફોળ છું!’

‘રે મઠ’ની પ્રવૃત્તિઓ, ‘હૅવમોર’ની બેઠકો, અસંખ્ય વિદ્યાર્થીઓ સાથેનાં સંસ્મરણો, લગભગ દરેક પ્રતિષ્ઠિત ગુજરાતી સાહિત્યકાર સાથેનાં પ્રસંગો અને વિદેશોની યાત્રાઓથી સભર એવી આ આત્મકથામાં ચિનુ મોદીએ હૃદય નીચોવી દીધું છે. આત્મકથાના અંતે તેઓ બેધડક કહી શકે છે કે:

‘મને બદનામીની ક્યારેય પડી નથી, કારણ મેં એવું કશું કર્યું નથી જેના સંદર્ભે હું અપરાધભાવ અનુભવતો હોઉં. હું કાયમ મારા જીવનમાં કન્સિસ્ટન્ટ રહ્યો છું એને કારણે ઘણાને હું અકળ લાગ્યો છું.’

અને છેવટે આ શેર સાથે તેઓ આત્મકથાનું સમાપન કરે છે:

સુખી છું આમ તો હું સર્વ વાતે
છતાં, ઊંડે ઊંડે કોઈ રડે છે

જતાં જતાં ચિનુ મોદીએ પાથરી દીધેલા ખજાનામાંથી બે મોતી વીણતાં જઈએ. એમ.એ. કૉમર્સ કૉલેજમાં ઑનરરી ટ્યૂટર તરીકેની નોકરી શરૂ થઈ. આગલે વરસે કવિ એ જ કૉલેજમાં બી.કોમ. કરતા હતા અને કૉલેજનું મૅગેઝિન સંભાળતા. ૧૯૬૧ની આસપાસના ગાળાની વાત. આ કૉલેજમાં કવિએ બે વર્ષ મફત કામ કર્યું. એક પ્રસંગ યાદ કરતાં કવિ કહે છે કે: ‘હું વર્ગમાં ગયો અને પૂર્વ યોજના અનુસાર મિત્ર આદિલ મન્સૂરીને પણ મેં વિદ્યાર્થી તરીકે વર્ગમાં અગાઉથી બેસી જવાનું કહેલું. મેં વર્ગમાં કોઈ નવા વિદ્યાર્થીને જોઈને અચરજ બતાવ્યું ને પૂછયું, ‘શું નામ?’ તો કહે, ‘આદિલ મન્સૂરી.’ મેં કહ્યું, ‘તમે તો સરસ ગઝલો લખો છો નહીં?’ અને એ વધુ શરમાય એ પહેલાં મેં એને ગઝલો વાંચવાની તક આપેલી.’

બીજો કિસ્સો ઘણાં વર્ષો પછી બન્યો. સ્વામિનારાયણ કૉલેજમાં કવિની નવી નવી નોકરી અને પહેલું જ લેક્ચર. રવિશંકર મહારાજના જીવનના આધારે ઝવેરચંદ મેઘાણીએ લખેલી ‘માણસાઈના દીવા’ ભણાવવાનું શરૂ કર્યું. અચાનક ડાયસ પરથી કવિએ ક્લાસમાં નજર કરી તો શું જોયું? એક વિદ્યાર્થી બાદશાહ અકબરની અદાથી એક બેંચ પર પગ ચડાવીને ગુલાબ સૂંઘતો બેઠો હતો. સૌ વિદ્યાર્થીઓ કવિથી છાનાં છાનાં આ ખેલ જોઈ રહ્યા હતા. કૉલેજમાં પહેલો જ દિવસ. દરેક કૉલેજના કેટલાક રિવાજ હોય છે. પહેલી વાર લેક્ચર કરનાર અધ્યાપકનું પાણી માપવા જૂના અધ્યાપકો પોતાના પ્રિય તોફાની વિદ્યાર્થીઓને ક્લાસમાં મોકલે અને પછી તોફાનનો હોબાળો સંભળાય એટલે નવા અધ્યાપકના હિતેચ્છુ તરીકે વર્ગમાં આવીને તોફાન કરનાર વિદ્યાર્થીને ખખડાવે અને પોતાનો મહિમા કરાવે. આ વાતની તે વખતે કવિને કશી જાણ નહોતી.

એમણે ‘માણસાઈના દીવા’ ભણાવતાં ભણાવતાં એ વિદ્યાર્થીને જોયો અને કહ્યું, ‘આલમપનાહ, આ આપનો દીવાને ખાસ નથી માટે ગુલાબ સૂંઘવાનું માંડી વાળો, મને સાંભળો.’

‘તમતમારે ભણાવો’ એ બોલ્યો.

કવિનો મિજાજ ગયો: ‘ગેટ આઉટ.’

‘નહીં જાઉં. થાય તે કરી લો.

કવિ ડાયસ પરથી ચોપડી મૂકીને પેલા તરફ ધસ્યા. પેલાએ ધારેલું નહીં કે કોઈ અધ્યાપક આવી રીતે વર્તશે. એટલે એ ભાગ્યો ને બોલતો ગયો,

‘આજે કૉલેજ બહાર આવો, પછી ખબર પાડું.’

કવિએ એને પકડ્યો અને કહ્યું, ‘અત્યારે ને અત્યારે જ બહાર જઈએ, ચાલ.’

કવિની હિંમત જોઈને છોકરો ડઘાઈ ગયો અને ત્યાંથી નાસી ગયો. કવિ કંઈ ન બન્યું હોય એમ વર્ગમાં ભણાવવા લાગ્યા. જૂના અધ્યાપકો લૉબીમાંથી અદૃશ્ય થઈ ગયા. ભવિષ્યમાં એ વિદ્યાર્થી ગાંધીનગરના સચિવાલયનો ફેમસ યુનિયન લીડર બન્યો અને કવિ ચિનુ મોદીનો હનુમાન બન્યો!

આજનો વિચાર

ઝેર જાણી ચાખી જોવું જોઈએ,
શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ.

તું નથી એવા સમયના સ્થળ વિશે,
કલ્પી લેવું, ધારી જોવું જોઈએ.

પારકા બે હાથના સંબંધમાં,
લોહી જેવું લાવી જોવું જોઈએ.

ચાડિયાને રણમાં રોપો એ પ્રથમ,
રેતનું છળ ગાળી જોવું જોઈએ.

ઠાઠ ભપકા એ જ છે ‘ઈર્શાદ’ના,
ઘર બળે તો તાપી લેવું જોઈએ.

– ચિનુ મોદી (‘ઈર્શાદગઢ’, પૃ. ૧૫)

એક મિનિટ!

બકો મસ્જિદમાં બૉમ્બ મૂકતાં પકડાઈ ગયો.

બહુ પૂછતાછ કરી તો કંઈ જવાબ ન સૂઝ્યો તો બોલી ગયો,

‘મેં બૉમ્બ ચડાવવાની માનતા રાખી’તી.’

( મુંબઇ સમાચાર : બુધવાર, 29 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *