‘સતત એણે દુભાવું પડે એવું હું જિંદગી આખી વર્ત્યો હતો’

૧૯૫૮ના મે મહિનાની ૨૬મી તારીખને યાદ કરતાં કવિ ચિનુ મોદી આત્મકથા ‘જલસા અવતાર’માં લખે છે કે પિતાએ ધાર્મિક સામયિક ‘વિશ્ર્વમંગલ’માં પ્રગટ થયેલું એક ગીત વાંચી લીધેલું. ગીત છપાયું ત્યારે કવિ હજુ ટીન એજમાં હતા (જન્મ: ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯). ગીતની એક પંક્તિ હતી: ‘અંતર મારું એકલવાયું, કોને ઝંખે આજ?/કામણ કોનાં થઈ ગયાં કે ના સૂઝે રે રાજ!’ પિતા સમજી ગયેલા કે દીકરાનું આ પ્રથમ પ્રેમગીત છે. દીકરો પાડોશમાં રહેતી ખ્રિસ્તી છોકરી સાથે પ્રેમલગ્ન ન કરી બેસે એ માટે એ ૨૧ વર્ષનો થઈ જાય તે પહેલાં જ પિતાએ તાબડતોબ એનું લગ્ન કરી નાખવાનું નક્કી કરેલું.

કડી ગામ. નાનો કોઠારવાડો. સીડી ચડીને ઉપર જાઓ એટલે એક મોટો રૂમ જેમાં રસોડું સામેલ. પછી અંદર નાનો બેઠક ખંડ. ખુરશી-મેજ વગરનો. ગાદીઓ પાથરેલી હતી. બાપુજી, મા, કાકા અને કવિ પોતે ક્ધયા જોવા આવેલાં. કવિને કહી રાખેલું કે: ‘જો તને છોકરી પસંદ આવે તો ઉપરનું બટન બંધ કરજે – તો વાત આગળ ચલાવીશું.’

ચિનુ મોદી લખે છે: ‘બે છોકરીઓમાંથી કઈ છોકરી મારે માટે બેસાડવામાં આવેલી એની મને ખબર પડતી નહોતી. બે લગભગ સરખી ઉંમરની ક્ધયાઓ બેઠેલી. મારા બાપુજી પણ એ જ અવઢવ અનુભવતા હતા એટલે એમણે પૂછયું: ‘આમાં કઈ છોકરી તમે પરણાવવા માગો છો…’ મારા સસરાએ હંસા તરફ ઈશારો કર્યો અને મેં ફટ બટન વાસ્યું.’

કવિ ચિનુ મોદી અઢારના અને હંસાબેન સત્તરનાં. કવિને કહેવામાં આવ્યું: ‘તારે આને કંઈ પૂછવું છે?’ મેટ્રિકમાં ત્રણ-ત્રણ વિષયમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થનાર હંસાબેનને ૩૯ ટકા સાથે માંડ એસ.એસ.સી. પાસ કરનાર કવિ ચિનુ મોદીએ પૂછયું: ‘એસ.એસ.સી.માં સંસ્કૃત હતું?’

કવિ બી.એ. પાસ થયા એ પછી પિતાએ તાબડતોબ કંકોત્રી છપાવીને લગ્ન આટોપી લીધાં. લગ્નની પહેલી જ રાત્રિએ કવિએ નિખાલસતાથી પોતાના પહેલા પ્રેમની વાત કરી ત્યારે પત્નીએ કહેલું, ‘હવે એનું શું છે?’

શરૂમાં કવિએ પત્નીને પણ કવિતા લખતી કરવાના ખાસ્સા પ્રયત્નો કરેલા. હંસાબેને લખેલાં એકાદાબે ગરબા જેવાં કાવ્ય ‘સ્ત્રીજીવન’માં છપાવેલાં પણ ખરાં. પણ કવિપત્નીને કવિતા લખવા કરતાં સાંભળવાનો વધારે શોખ. કવિ પોતે અને રાવજી પટેલ, રાજેન્દ્ર શુક્લ અને અનિલ જોષીથી લઈને દિલીપ ઝવેરી સુધીના કવિના કવિમિત્રો હંસાબેનને કવિતા સંભળાવતા.

ચિનુ મોદી યાદ કરે છે કે કવિ રાજેન્દ્ર શુક્લની ફરમાઈશથી હંસાબેન અડધી રાત્રે શીરો શેકવા બેસે ત્યારે રાજેન્દ્ર શુક્લ કહે, ‘હવે થોડું ઘી નાખો – સાવ વાણિયા ન થાઓ’ ત્યારે હંસાબેન હસીને કહે: ‘મારે પાંચ નણંદ તો છે, તું છઠ્ઠી નણંદ છે!’

કવિ રાવજી પટેલ હંસાબેન પાસેથી પોતાની નવી લીધેલી ભાડાની ઓરડીમાં વસાવવા હક્કપૂર્વક ગાદલું, ચાદર, ઓઢવાનું અને ‘ચિનુને ગમે છે તે ઓશીકું’ હંસાબેન પાસેથી લઈ જાય.

કવિ મણિલાલ દેસાઈ (‘ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના’) પોતાની બહેનપણીને લઈને ઘરે આવીને હંસાબેનને કહે: ‘જો ભાભી, હું બોલાવું ત્યારે જ ત્રીજે માળે કોઈને મોકલજે, સમજી?’

કવિ મનહર મોદી ઘરમાં પેસતાંની સાથે જ કહે: ‘હંસા, તારો જેઠ આવ્યો છે. શું ખવડાવવા-પિવડાવવાની છે?’

અને કવિ લાભશંકર ઠાકર ટાઉનહોલની ‘હેવમોર’માં બેઠા હોય અને કવિ સપત્નીક ત્યાં જાય તો હંસાબેનને તેઓ આઈસક્રીમ પર આઈસક્રીમ ખવડાવે. બેય આઈસક્રીમનાં શોખીન અને લાભશંકર પાસે હંસાબેન પ્રત્યેક મુસીબતે પહોંચી જ જાય. (ચિનુભાઈ પોતે આઈસક્રીમના દુશ્મન તો ન કહેવાય પણ દોસ્ત તો નહીં જ).

એક જમાનામાં ખાસ હંસાબેનના હાથની દાળ ખાવા ચન્દ્રવદન ચી. મહેતા આવતા, હીરાબેન પાઠક આવતાં. ચિનુભાઈના ગુરુ મોહનભાઈ માટે ખાસ કંકોડાનું શાક બનાવે. કવિ નોંધે છે: ‘મારા પ્રત્યેનું બિનશરતી વહાલ એ આ સૌ પર નિયમિત વરસાવતી…’ આજે હંસાબેન જેવી જ દાળ કવિના પુત્ર ઈંગિતનાં પત્ની શિલ્પા બનાવે છે. ક્યારેક પણ સમ ખાવાની સ્થિતિ આવે ત્યારે હંસાબેન તરત કહે: ‘ઈંગિતના સોગંદ.’ કવિએ એકવાર એમને કહેલું: ‘તું મારા સોગંદ નથી ખાતી એનો અર્થ તને મારાથી વધારે વહાલો ઈંગિત છે?’ ત્યારે એમણે કહેલું: ‘શરમાવ, શરમાવ. દીકરા સાથે હોડમાં ઊતરો છો?’

કવિ ચિનુ મોદી સાવ પારદર્શક કલમે પોતાના વાચકો/ભાવકો સમક્ષ કબૂલ કરે છે:

“સતત એણે દુભાવું પડે એવું હું જિંદગી આખી વર્ત્યો હતો. કોણ જાણે જેને પ્રેમ કહે છે એવો ભાવ એની સાથે જાતીય જીવન જીવ્યો તો પણ જાગ્યો નહોતો. એ મારી દોસ્ત જ વધારે લાગેલી. મારી પ્રેમની વ્યાખ્યા આજે સમજાય છે એમ કાચી, ખોટી અને હંસા માટે ભારે અવમાનકારી હતી. એના છતાં મારી જિંદગીમાં દર વખત કોઈ ને કોઈ સ્ત્રીપાત્ર રહેલું જ. એ આ સૌને જાણે. ક્યારેક કોક સાથે ઘરોબો પણ બાંધે. પણ, હું એનું સતત અપમાન કરતો જ રહેતો. એ એકવાર ૧૯૬૯માં મારાથી રિસાઈ પિયર ચાલી ગયેલી પણ ત્યારેય મને એમ જ લાગતું હતું કે અન્યને પ્રેમ કરવાનો મારો અધિકાર છે. હંસા આ સમજતી નથી એટલું જ; એવું હું માનતો. એટલે ચાર મહિને એ પાછી આવી ત્યારે મેં જાણે કંઈ જ ન બન્યું હોય એમ બહારથી ઘરે આવી હંસાને જોઈ કહેલું: પાણી આપજે ને…’

આ આત્મકથા લખતી વખતે કવિને આ બધું યાદ આવે છે ત્યારે પોતાની પ્રેમની ખોટી ફિલસૂફી પર એમને રડવાનું મન થાય છે. ‘પ્રેમલગ્ન એ જ ઉત્તમ, એમ મેં માની લીધેલું,’ કવિ ‘જલસા અવતાર’માં નોંધે છે: ‘અને મારા જન્માક્ષરમાં બીજાં લગ્ન છે જ, એવું જાણી ગયેલો એટલે મેં બીજી વાર લગ્ન પણ કર્યા, પરંતુ જે દિવસે, અર્થાત્ ૧૬મી મે ૧૯૭૭ના રોજ સવારે રસોડામાં બેસી ચાનાસ્તો પીરસતી હતી ત્યારે મારા હવે પછી બનનાર એ દિવસની ઘટનાને કારણે ડૂમો ભરાઈ આવેલો.’

(કવિએ ૧૯૭૭ની સાલ નોંધી છે. ગઈ કાલના લેખમાં મેં એ ઘટનાને ૧૯૭૨ની આસપાસની ઘટના ગણાવી તે મારો સ્મૃતિદોષ હતો).

કવિ લખે છે: ‘એણે મારો એ અપરાધ, ઘોર અપરાધ, પણ કેવો માફ કરેલો? ૧૯૭૭થી ૧૯૮૯ સુધી એણે ક્યારેય આ અંગેનો ટોણો તો નહોતો જ માર્યો, મને એનો સંદર્ભ સુધ્ધાં નહીં આપેલો. આવું અનર્ગળ વહાલ કરનારને હું આદર આપી શક્યો, ચાહી શક્યો નહીં.’

૧૯૮૬માં હંસાબેનને કૅન્સર છે એવું જાણ્યું ત્યારે ડૉક્ટર પાસે ચિનુભાઈ ભાંગી પડેલા. ૧૯૮૯ના જાન્યુઆરીમાં ફરી કૅન્સરે જોર માર્યું. પત્નીના મૃત્યુના સંદર્ભે ચિનુ મોદી પોતાનો એક શેર ટાંકે છે:

એકલા ઈર્શાદ કેવો એકલો?
શબ્દથી અક્ષર થયે વરસો થયાં.

આજનો વિચાર

યાદોના વણઝારા ભેજે
ક્ષણ ક્ષણના હત્યારા ભેજે
ચોમાસે વરસાદ જોઈએ
ને અશ્રુની ધારા ભેજે?
ખેતરમાં ના ઊગ્યો દાણો
શું કામ ચણ ચૂગનારા ભેજે?
આપત્તિ મોકલતાં પ્હેલાં
સારું છે, અણસારા ભેજે
ચંદ્ર રાખશે નિજની પાસે
આપણને એ તારા ભેજે
નિશ્ર્ચેતન થઈ સૂવું છે
ત્યારે તું ધબકારા ભેજે?
હું ઈચ્છું ત્યારે મરવાનો
તું નાહકના મારા ભેજે.
તારી માને સંદેશો દે
શબ્દોના સથવારા ભેજે
મેં માગ્યું જે તારી પાસે
તું પયગંબર દ્વારા ભેજે?

– ચિનુ મોદી ઈર્શાદ

એક મિનિટ!

બકો: સાહેબ, મારી નાખવાની ધમકીઓ આવે છે.

પોલીસ: ક્યાંથી?

બકો: જી.ઈ.બી.માંથી. કહે છે કે બિલ નહીં ભરો તો કાપી નાખીશું.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 28 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *