‘હું બકું છું કેમ કે ફફડી રહ્યો છું, હે મરણ’

સિરિયસ કાર્યક્રમને બદલે તદ્ન હટકે ક્ધસેપ્ટથી પુસ્તકનું લોકાર્પણ કરવાનું છે. ચિનુ મોદી અને વિનોદ ભટ્ટ બેઉ કબરમાં પગ લટકાવીને બેઠા હોય એવો સેટ બનાવીશું અને બેઉ જણ લાઈટ મૂડમાં એમને જે કંઈ વાતો એકબીજા સાથે કરવી હોય તે કરશે. તારે માત્ર આ પ્રોગ્રામનું કોઓર્ડિનેશન કરવાનું છે, સંચાલન કે કોમ્પેરિંગ ટાઈપનું અને આ બંને વાતો કરતા હોય ત્યારે ઘોર ખોદિયા તરીકે વચ્ચે વચ્ચે આવીને ડબકાં મૂક્યાં કરવાનાં.

અમદાવાદથી આવેલા ફોન પર મારા મિત્ર કિરણ ઠાકરે આવી ભૂમિકા બાંધી અને ચિનુભાઈ સાથે વાત કરાવી. કહે: ‘વિનોદને પણ આ ક્ધસેપ્ટ ગમી ગઈ છે. એનો પણ આગ્રહ છે ને તારે આવવાનું જ છે.’

હા પાડ્યા સિવાય કોઈ છૂટકો નહોતો એવું કહું તો અન્ડરસ્ટેટમેન્ટ કહેવાય. આવી જબરજસ્ત ક્ધસેપ્ટના કાર્યક્રમ સાથે ચિનુ મોદીની આત્મકથા ‘જલસા અવતાર’નું લોકાર્પણ થતું હોય તો જલસા જ પડવાના. અમદાવાદની ટિકિટ બુક કરાવીને હું થનગનતો હતો. પણ છેલ્લી ઘડીએ જાણ થઈ કે જે હૉલ બુક કરાવ્યો હતો તે કૉન્ફરન્સ વગેરે માટેનો હતો અને એના સ્ટેજ પર સેટ બેટ ઠોકવાની મનાઈ હતી. છેલ્લી ઘડીએ બીજો કોઈ હૉલ મળે એમ પણ નહોતું. કબરમાં પાંવ લટકાવીને વાતો કરતા બે વડીલોની ક્ધસેપ્ટ પડતી મૂકવી પડી.

બનાવટી કબ્રસ્તાનમાં નહીં પણ રિયલ લાઈફના સ્મશાનમાં બરાબર ત્રણ મહિના પહેલાં ચિનુ મોદી સાથે વાત થઈ. મિત્રનાં પત્નીનું કૅન્સરથી અકાળે મૃત્યુ થયું હતું. અડધી રાત્રે સમાચાર મળ્યા ને તરત અમદાવાદ પહોંચીને અંતિમદર્શન કર્યાં. બી. એસ.ના સ્મશાનમાં ચિનુ મોદી મારા જેવા એમના બીજા જુનિયર મિત્રો અને કવિઓ સાથે એટલા જ જુસ્સાથી વાતો કરતા હતા જેટલા જુસ્સાથી એમને હમેશાં સાંભળ્યા છે – સ્ટેજ પર, રૂબરૂમાં, ફોન પર.

‘ભાષાનો આ સેતુ ખખડી ગયેલો છે. પસાર થતાં ક્યારે ગાબડું પડે તે કંઈ કહેવાય નહીં. એટલે અનિવાર્ય હોય તો જ આ સેતુ પરથી પસાર થવાનું જોખમ ખેડવું.’

ચિનુ મોદીની ‘ભાવ-અભાવ’ નવલકથાનું આ વાક્ય મને એવું ચોંટી ગયેલું કે કૉલેજનાં શરૂઆતનાં વર્ષોમાં ચીમનલાલ્સની સ્ટેશનરીના હેન્ડ મેઈડ પેપરના લાંબા લેટરહેડ પર સ્કેચ પેનથી લખીને મારા સ્ટડી ટેબલના ખાના પર ચિટકાડેલું. વર્ષો સુધી રહ્યું.

આ ચિટકાડ્યું ત્યારે ભાષાના સેતુ પરથી પસાર થવાનું તો દૂર એ સેતુ સુધી પહોંચવાનો કોઈ રસ્તો પણ નહોતો જીવનમાં. છતાં ચોંટી ગયેલું. ચિનુ મોદીના ગદ્યનો પહેલાં પ્રવેશ થયો મારી લાઈફમાં. પછી પદ્યનો. એમના ધોધમાર પદ્યનો.

‘કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો/એ જ ઈચ્છા છે, હવે એ પણ ન હો’ એમનો આ બહુ જાણીતો થયેલો શેર પહેલી વાર વાંચ્યો ત્યારથી મનમાં વસી ગયેલો. વારંવાર ક્વોટ કર્યો હશે.

લખવાનું છેવટ સુધી એમણે છોડ્યું નહોતું. ગદ્ય અને પદ્ય બંને. “નવનીત સમર્પણ’માં એમની ગઝલો નિયમિત પ્રગટ થતી. રૂઆબભેર. ગઝલ એમની રગરગમાં હતી. એમની એક ગઝલનો મત્લા છે:

એકધારું વિસ્તરી શકતો નથી
હું પવન છું, પણ, ફરી શકતો નથી.

એ જ ગઝલનો મકતા છે:

કાફિયા પેઠે જીવન બદલી શકત
પણ, રદીફ નક્કી કરી શકતો નથી

લાભશંકર ઠાકરના અવસાન પછી લાગણીથી છલોછલ, ઉષ્માથી હર્યોભર્યો લેખ ‘ન.સ.’ના લા.ઠા. વિશેષાંક માટે એમણે લખ્યો હતો. ચિનુ મોદીએ લખ્યું હતું: ‘હું અને લાભશંકર ક્રમશ: એકબીજાથી રિઝનેબલ ડિસ્ટન્સ રાખી સાથે ને સાથે રહ્યા. વર્ષો સુધી અમે સાંજે સાથે જ જમ્યા. બહુ બહુ જલસા કર્યા, લાંબા લાંબા પ્રવાસો કર્યા: કલકત્તા, મદ્રાસ, ગોવા, મુંબઈ, ઉદેપુર અને છાસવારે આબુ. ગુજરાતનાં નાનાં-મોટાં શહેરો સાથે ઘૂમ્યા… અમે બંનેએ દોરેલી સંબંધોની લક્ષ્મણરેખાને અડકી ન જવાય એનું સતત ધ્યાન રાખેલું. અમે કોઈને અમારી સીમમાં પ્રવેશવા દઈએ નહીં… હું કાયમ એમની ગેરહાજરીમાં કહું, કે અમે સૌ લોકો માટે લખીએ છીએ. અને અમારા માટે લાભશંકર અને સિતાંશુ કવિતા લખે છે.’

આ અંજલિ લેખના આરંભે ચિનુ મોદીએ નોંધ્યું છે:

‘કેટલીક તારીખો સાથે તમારે અનોખો સંબંધ હોય છે. મારે માટે આવી એક તારીખ ૧૪ જાન્યુઆરી છે. મારી સાથે જોડાયેલી ત્રણ વ્યક્તિઓની આ જન્મતારીખ છે. એમાંના એક તે મારા સમર્થ સમકાલીન સર્જક શ્રી લાભશંકર ઠાકર, બીજા તે સોળમા વર્ષથી આજ સુધીના અણનમ સંગાથી (દલપતરામના અજરામર પાત્ર જીવરામ ભટ્ટના છેલ્લા વંશજ) વિનોદ ભટ્ટ તથા જેને કારણે હું ઈર્શાદ થયો એ નટી. એ ત્રીજું જણ.’

અર્લી સેવન્ટીઝના ગાળામાં ચિનુ મોદી નામના કોઈ ગુજરાતી કવિએ ઈસ્લામ ધર્મમાં ક્ધવર્ટ થઈને ઈર્શાદ નામ ધારણ કર્યું છે એવા લાંબા લાંબા અહેવાલો હું મુંબઈના એક સાંજના છાપાના છેલ્લા પાને વાંચતો. વાંચવું તો હોય ઉપર છપાતી જેમ્સ બૉન્ડ કે રિપ કર્બીની કૌમિક પટ્ટીની નીચે છપાતું એનું ટ્રાન્સલેશન પણ પછી આ બધુંય વંચાતું. તે વખતે હજુ ટીનએજમાં પણ પગ નહીં મૂકયો હોય એટલી ઉંમર. પણ રામન રાઘવન ઉપરાંત તે જમાનાના જો કોઈ ન્યૂઝ મગજ પર છપાઈ ગયા હોય તો તે ચિનુ મોદી નામના એક ગુજરાતીએ ધર્માંતરણ કર્યાના સમાચાર.

ઈર્શાદ એમનું ઉપનામ. ‘ઈર્શાદગઢ’ નામનો એક આખો કાવ્યસંગ્રહ છે એમનો.

લાભશંકર ઠાકરના સ્મૃતિલેખની પ્રસ્તાવના બાંધતાં ચિનુ મોદીએ લખ્યું હતું:

‘ઈ.સ. ૨૦૧૫માં ૧૪મી જાન્યુઆરીએ મેં લાભભાઈને ફોન કરી કહ્યું: “ભારે શરીર સાથે બ.ક. ઠાકોર ૮૨ના થયા ત્યાં સુધી રહ્યા. એ એક સમયે કૌતુકનો વિષય હતો. પણ આજે એ કૌતુકનો વિષય નથી. આપણે દેહદમનમાં કોઈ કસર રાખી નહોતી તોય પંચોતેર વટાવી ગયા. લાભશંકર કહે: “હાર્ટનું ૩૦ ટકા જ પમ્પિંગ છે છતાં ઠૂમકા મારી પતંગ ચગાવું છું, અને અટકીને કહે: ‘ચિનુભાઈ, ૮૦ થયાં. તોય હજી પતંગ ચગાવું છું. આ અધ્ધર આકાશે પહોંચેલો પતંગ ૬ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ આકાશનો એક હિસ્સો થઈ ગયો. ચંદ્રકાંત શેઠે કહ્યું: “લાભશંકર ગયા. ’

અને ૧૯ માર્ચના રવિવારની રાત્રે ભરત ઘેલાણીનો મેસેજ આવે છે: ચિનુ મોદી ગયા.

તમારા જીવનનો કોઈ ને કોઈ ખૂણો અજવાળી ગયેલી વ્યક્તિ જાય છે ત્યારે થઈ જતા અંધકારની તમને બીક લાગતી હોય છે કે પછી કંઈક બીજાની. લાભશંકર ઠાકરની બીજી માસિક તિથિએ ચિનુભાઈએ જે શબ્દો લખ્યા એમાં એમણે આ ‘કંઈક બીજા’ વિશે ફોડ પાડીને કહ્યું:

હું બકું છું કેમ કે ફફડી રહ્યો છું, હે મરણ
ભડ ગણાતા લાભશંકર પણ હવે તારે શરણ.

ચિનુ મોદીને તમારે નિકટથી જાણવા છે? માણવા છે? તો જોડાઈ જાઓ. કાલથી.

‘જલસા અવતાર’નાં પાનાંઓ સાથે મળીને ફેરવીએ.

આજનો વિચાર

રાતીપીળી કેમ લાગે છે હવા?
પાંદડાંએ ‘ના’ કહી સાથે જવા?

તું મને જિવાડવાની જિદ્ ન કર;
મેં જ ઈચ્છ્યું છે સડક ઓળંગવા.

ઝાંઝવાઓ પાણી પાણી થૈ ગયાં
કોક આવ્યું નાવ તરતી મૂકવા.

માત્ર સન્નાટો હતો મારા ઘરે
ખાંસી ખાધી ચુપકીદીને તોડવા.

સોળમા વરસે જણાયાં લક્ષણો
કામ ના આવી પછી એક્કે દવા.

સ્હેજ છેટે રહેજો એ શ્રીમાનથી;
ગજ લૈ સૌને મથે છે માપવા.

હાથમાં ‘ઈર્શાદ’ બે ત્રણ પથ્થરો
ને તમારે તારલા છે પાડવા?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

એક મિનિટ!

બકો: હમારે સિવા તુમ્હારે ઔર કિતને દીવાને હૈં?

બકી: કાલે ૪૦૦ પાનાંની લીટીવાળી ફુલસ્કેપ સાઈઝની નોટબુક લઈને આવી જજે. બધાનાં નામ લખાવી દઈશ, સરનામાં-ફોન નંબર સાથે…

( મુંબઇ સમાચાર : સોમવાર, 27 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *