અભિવ્યક્તિ સ્વાતંત્ર્યતાના નામે સેક્યુલર મીડિયાની બદમાશી

અત્યારે મારી આંખ સામે આજનાં છાપાં પથરાયેલાં છે અને મારો ગુસ્સો સાતમા આસમાને છે. સેક્યુલર મીડિયાની બદમાશીઓ વિશે છેક બાબરી તૂટી ત્યારથી, ૧૯૯૨થી, અલમોસ્ટ અઢી દાયકાથી લખતો આવ્યો છું. વારંવાર લખ્યું છે, પેન્સિલની અણી છોલી છોલીને લખ્યું છે, ફાઉન્ટન પેનમાં શાહીના ખડિયા ભરી ભરીને લખ્યું છે. લખી લખી હું થાકી ગયો, પણ આ માળા બેટા હજુય સુધર્યા નથી.

આ લખાય છે શુક્રવાર, ૨૪મી માર્ચે. ગઈ કાલે સૌથી મોટા સમાચાર કયા હતા? એ જ જે ‘મુંબઈ સમાચાર’ સહિતનો ગુજરાતી તેમ જ અનેક પ્રાદેશિક ભાષાનાં અખબારોએ ફ્રન્ટ પેજ પર લીડની આઈટમ તરીકે છાપ્યાં તે: ‘સંસદની મંજૂરી વિના અનામત નહીં મળે.’ જૂના ‘ઓબીસી’ (અધર બૅકવર્ડ ક્લાસીસ) પંચને બદલે સરકાર હવે આર્થિક પછાતપણાના આધારે ક્વોટા-અનામત – રિઝર્વેશન આપશે. મોદી સરકારનો આ ખૂબ મોટો નિર્ણય છે અને સ્વાભાવિક રીતે આ ન્યૂઝને ફ્રન્ટ પેજ પર લીડની આઈટમ જ બનાવવાની હોય. આ સરકારી સમાચાર કંઈ મોડી રાત્રે નથી આવ્યા કે છાપું છપાવવાનું શરૂ થઈ ગયું હોય. આ કંઈ એવા કોઈ એક્સિડેન્ટના કે મહાનુભાવના અવસાનના પણ સમાચાર નથી કે અડધી રાતે તમને મળે ને તમે દોડાદોડ કરીને સ્ટૉપ પ્રેસ કરાવી નવી એડિશન તૈયાર કરો. આ એવા ન્યૂઝ છે જે એ રીતના કમ્ફર્ટેબલ સમયે આવ્યા છે જેના પર નિરાંતે ટિપ્પણી કરીને એક આખો લેખ લખી શકાય જે ઈન્ફેક્ટ રાજીવ પંડિતે એમની ખૂબ પૉપ્યુલર કૉલમ ‘એક્સ્ટ્રા અફેર’માં લખ્યો જ છે: ‘મોદીનો માસ્ટર સ્ટ્રોક: જ્ઞાતિવાદી નહીં પણ ઈબીસી અનામત’. ઈબીસી મતલબ ઈક્નોમિકલી બૅકવર્ડ ક્લાસ.

દેશ આખા માટે આ ઘણા મહત્ત્વના સમાચાર કહેવાય. લાખો નહીં કરોડો પ્રજાજનોને સ્પર્શતા આ ન્યૂઝ સેક્યુલર મીડિયાએ અર્થાત્ મેજર નેશનલ પેપર્સ ગણાતાં અંગ્રેજી છાપાઓએ કેવી રીતે આપ્યાં છે?

આ લો, તથાકથિત નેશનલ પેપર નંબર વનનું ફ્રન્ટ પેજ. લીડની આઈટમ શું છે? શિવસેનાના કોઈ માથાફરેલ સાંસદે ઍર ઈન્ડિયાના કોઈ બદતમીજ કર્મચારીને જૂતે જૂતે ફટાકાર્યો તે. ઘણું ખરાબ કહેવાય આવું વર્તન. કોઈ પણ પાર્લમેન્ટેરિયન જાહેરમાં કે ઈવન ખાનગીમાં આવી બીહેવિયર કરે તે ખરાબ જ કહેવાય. પાર્લમેન્ટેરિયન જ શું કામ? આવા ન્યૂઝને ફ્રન્ટ પેજ પર લીડમાં છાપનારા છાપાનો તંત્રી હોય કે આપણા જેવા મામૂલી વાચકો હોય – કોઈનું પણ આવું વર્તન એક્સેપ્ટેબલ ન જ હોય, પણ પેલા નવા અનામતના પંચવાળા ન્યૂઝના ભોગે આ ન્યૂઝ લીડમાં હોઈ શકે? ઓકે, તો સેક્ધડ લીડમાં છે મોદી સરકારના આ ક્રાંતિકારી પગલાંના સમાચાર? ના. સેક્ધડ લીડ છે: લંડનની સંસદ પરના હુમલાની જવાબદારી આઈ.એસ.એ લીધી અને આવો જ હુમલો બેલ્જિયમમાં થવાનો હતો તે ટાળી શકાયો. એ પછીના સૌથી મહત્ત્વના ફ્રન્ટ પેજ પર સમાચાર આ નેશનલ પેપર નંબર વન માટે છે ઉત્તર પ્રદેશના. મથુરાની ડેટલાઈનથી છપાયેલા આ એક્સક્લુઝિવ સમાચાર જાણે દુનિયા ધ્રુજાવી નાખશે એ રીતે છપાયા છે કે અમારા રિપોર્ટરે જાતે પોતે, સગી આંખે જોયું કે… શું જોયું? ત્યાંના કોઈ નાના શહેરમાં લેવાઈ રહેલી બોર્ડની પરીક્ષામાં ખુલ્લેઆમ, છડેચોક, બારીમાંથી દસમાની વિજ્ઞાનની પરીક્ષાના પેપર્સના જવાબ કોઈ લખાવતું હતું! બિગ ન્યૂઝ, એક્સક્લુઝિવ ન્યૂઝ. યોગી આદિત્યનાથ નામના ભગવાધારી બાવાને જે રાજ્યની મુખ્ય મંત્રીની ખુરસી પર મોદી નામના હિન્દુવાદી રાક્ષસે બેસાડી દીધો છે તે રાજ્યમાં કેવું ધુખલ ચાલી રહ્યું છે તે જુઓ, ઓ મારા દેશવાસીઓ (આ છેલ્લું વાક્ય એ લોકોએ નથી છાપ્યું. મારી કમેન્ટ છે, પણ આખા રિપોર્ટનો ટોન અને ટેનોર એવો જ, એના કરતાંય હલકટ છે).

મોદી સરકારે જાટ-પટેલ અનામત આંદોલન વચ્ચે કેબિનેટમાં જે મહત્ત્વનો નિર્ણય લીધો તેને નેશનલ પેપર નંબર ટુએ કેવી રીતે ચમકાવ્યો છે? આ સેક્યુલર પેપરના ફ્રન્ટ પેજ પર લીડ શું છે? ડિસેમ્બર સુધીમાં તમારી પાસે ‘આધાર’ નહીં આવે તો તમારો ‘પાન’ ઈનવેલિડ થઈ જશે. ત્રણ દિવસ જૂની સ્ટોરી છે. ખાલી ડિસેમ્બરની ડેડલાઈનવાળી વાત નવી છે. ફ્રન્ટ પેજની આઈટમ કહેવાય આ? અને લીડની તો ન જ કહેવાય. અહીં સેક્ધડ લીડ પેલા ઍર ઈન્ડિયાવાળાને ચંપલે ચંપલે ફટકારનારા શિવસેનાના સાંસદની છે.

બેમાંથી એકેય લીડિંગ ઈંગ્લિશ ડેઈલીઝની સેક્યુલર મેનેજમેન્ટે એમના સેક્યુલર એડિટોરિયલ સ્ટાફને મોદી સરકારે અનામત અંગે લીધેલા અતિ મહત્ત્વના નિર્ણયના સમાચાર ફ્રન્ટ પેજ પર લેવા દીધા નથી. ફ્રન્ટ પેજ પર જ નહીં, મેં તો અંદરનાં પાનાં ફેરવ્યાં તો એમાં પણ જોવા ન મળ્યા.

મોદી સરકારને ફટકારવાની હોય તો આ છાપાંઓ પહેલા પાના પર સમાચાર છાપીને તાબડતોબ એડિટોરિયલ પણ ઘસડી મારતા હોય છે. અરે હા. ‘મુંબઈ સમાચાર’માં ડેઈલી કોલમ લખતા રાજીવ પંડિતે જેમ આ સમાચાર વધાવી લીધા એવી જ રીતે બીજા છાપામાં ડેઈલી એક (ઘણી વાર તો બબ્બે) કોલમો લખીને સેક્યુલર બદમાસી કર્યા કરતા ગુજરાતની બિનસાંપ્રદાયિક ટોળકીના રિંગલીડરે પણ આ સમાચાર વિશે રાતોરાત ટિપ્પણી કરવાનું મુનાસિબ માન્યું નથી.

સેક્યુલર મીડિયાની આ બેવકૂફી કે બેદરકારી નથી પણ બદમાશી છે. આવા દાખલાઓ વારંવાર બનતા રહ્યા છે, મારી કોલમોમાં નોંધાતા રહ્યા છે, પણ હવે મને લાગે છે કે આ સેક્યુલર મીડિયાએ પોતાની તમામ હદ વટાવી દીધી છે. અગાઉ અનેક વાર એવા એવા લોકોને ઉત્તેજન આપતું આ સેક્યુલર મીડિયા દેશદ્રોહના આરોપોનો સામનો કરતું આવ્યું છે. દેશદ્રોહનો કેસ થયા પછી આ લોકો સરકાર માઈબાપના પગ પકડીને છૂટી જાય અને જેવા છૂટે કે તરત પાછા પોતાની અસલી જાત પર આવી જાય.

ફ્રીડમ ઑફ પ્રેસ સારી વાત છે, હોવી જ જોઈએ. પણ દરેક ફ્રીડમને એક લિમિટ હોય. મારે શું છાપવું ને શું નહીં તે મારી મરજી છે એવું જ્યારે જ્યારે કોઈ પત્રકાર કહે છે ત્યારે નક્કી આપણે કરવાનું કે એ શું શું છાપે છે, કેવું કેવું છાપે છે અને જ્યારે એ કોઈ ન્યૂઝ બ્લેક આઉટ કરે છે ત્યારે એ શું કામ એવું કરે છે. અગાઉ ગોધરા હિન્દુ હત્યાકાંડના ન્યૂઝ બ્લેકઆઉટ કરનાર પત્રકાર અત્યારે પ્રગટપણે જે ભારત વિરુદ્ધ કામ કરી રહી છે એવી સંસ્થા નામે એમ્નેસ્ટી ઈન્ટરનૅશનલમાં તગડા પગારે ગોઠવાઈ ગઈ છે.

વિદેશી પાઉન્ડ, ડૉલરોના ઓડકાર ખાઈને ભારતીય જનતાને ગુમરાહ કરવામાં દેશના દુશ્મનોને સાથ આપી રહેલા પત્રકારો અને મીડિયાને પાઠ ભણાવવાની શું આપણી, સરકારની કે કાયદાની કોઈ જ ફરજ નથી. આવા લોકોને શું હજુય દિલ્હીની સરકારે કરોડો રૂપિયાની જાહેરખબરો આપીને સાપને દૂધ પીવડાવ્યા કરવાનું? શું એ જાહેરખબરોનું બજેટ જેઓ દેશહિતની વાત કરી રહ્યાં હોય એવાં ગુજરાતી કે અન્ય ભાષાકીય અખબારો તરફ વાળવાથી વાચકોનું ભલું ન થઈ શકે?

અખબારી સ્વાતંત્ર્યના નામે સેક્યુલર મીડિયામાં આજકાલ (અને વર્ષોથી) જે થઈ રહ્યું છે તે જોઈને લાગે છે કે કાલ ઊઠીને ગળામાં લાલ રૂમાલ બાંધીને આવેલો કોઈ ગઠિયો ફૂટપાથ પર તમને રોકીને તમારી બોચી પકડીને મા-બહેનની ગાળો આપતો રહેશે અને આ સેક્યુલર મીડિયા પેલા ગાંડુની અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના હક્કનો બચાવ કરીને ફ્રન્ટ પેજ ઍડિટ લખ્યા કરશે.

કાગળ પરના દીવા

તમારા વિચારો અને તમારું વર્તન તમને મર્દ બનાવે છે. બાકી મૂછ તો ઉંદર અને બિલાડીને પણ હોય!

– વૉટ્સઍપ પર વાંચેલું

સન્ડે હ્યુમર

એક ભારતરત્ન એ ગુજરાતી બૈરાઓ માટે પણ હોવું જોઈએ જે ૩૦૦ શબ્દ પ્રતિમિનિટની ઝડપે તમારી સાથે આર્ગ્યુમેન્ટ કર્યા પછી કહેતી હોય છે,

‘જવા દો, મારું મોઢું નહીં ખોલાવો!’

( મુંબઇ સમાચાર : રવિવાર, 26 માર્ચ 2017)

1 comment for “અભિવ્યક્તિ સ્વાતંત્ર્યતાના નામે સેક્યુલર મીડિયાની બદમાશી

  1. Sharad Shah
    April 2, 2017 at 12:05 PM

    જાપાનની એક નામી કંપનીનુ ડેલિગેશન ગુજરાત આવેલું અને તેમને ગુજરાતમાં મોટા પાયે ઈન્વેસ્ટ કરવામાં રસ હતો. મારી કંપની વરસોથી ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે કાર્ય રત છે આ ડેલિગેશનના સભ્યોને તેની જાણકારી મળતાં તેઓ અમારી સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરવા આવેલ. જેમકે ગુજરાતમાં કયા ક્ષેત્રોમાં મૂડી રોકાણની સંભાવના છે? સ્પેશીયાલિટી કેમિકલ્સનુ યુનિટ અહીં સ્થાપવામાં આવે તો કયા સ્કેલ પર કરવું? અને કયા કયા સ્પેશિયાલીટી કેમિકલ્સનુ અહીં મારકેટ મળી શકે તેમ છે? જમીન ફાળવણી અને યુનિટ ઊભું કરવા સરકારી નિતી નિયમો શું છે? અને આવા અનેક પ્રશ્નોના જવાબ તેઓ શોધી રહ્યા હતા અને તે સંધે તેમની સાથે અમારી મિટિંગનુ આયોજન થયેલ. લગભગ બે કલ્લાક આ મિટિંગ ચાલી અને અમારી સાથેની ચર્ચાથી તેઓ ખુબ ખુશ થયા. ચર્ચાને અંતે તેમના એક ડાયરેક્ટરે કોમેન્ટ કરી કે,” તમારા ચીફ મિનિસ્ટર વિદેશી મુડીનુ રોકાણ અહીં ગુજરાતમાં થાય તે માટે ખુબ જ ગંભિરતા પૂર્વક પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે તમારું મિડિયા તેમના પ્રયત્નોમાં સૌથી મોટું અવરોધક લાગે છે અને સતત તેઓ ચિફ મિનિસ્ટર અને તેમની નિતીઓ વિરોધના લેખો અને સમાચારો છાપે છે, જે કોઈપણ વિદેશી મુડી રોકાણ માટે આવતા ઉદ્યોગગૃઉહો માટે ખુબ જ આશ્ચર્યની વાત છે.” તેમણે કહ્યું કે અમારા પ્રોડક્શન યુનિત દુનિયાના ૫૨ દેશોમા છે અને અનેક દેશો સાથે વહેપારિક સંબંધો ધરાવીએ છીએ. આજ સુધી એક પણ દેશનુ મિડિયા આટલી નિમ્ન કક્ષાનુ અમે જોયું નથી.”
    આપની વાતને આ પ્રસંગ સમર્થન કરતો છે તેથી અહીં વાચકોની જાણકારી માટે મુક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *