મુસ્લિમોના વસ્તીવધારા માટે, મુસ્લિમ ઘૂસપેઠિયાઓેને રોકવા માટે મુસ્લિમ દેશો સજાગ છે અને ભારત?

કોન્રાડ એલ્સ્ટે નોંધ્યું છે કે રફિક ઝકરિયાએ ‘ધ વાઈડનિંગ ડિવાઈડ’માં નોંધ્યું છે કે વસ્તીમાં હિન્દુઓ કરતાં આગળ નીકળી જવામાં મુસ્લિમોને ૩૬૫ વર્ષથી વધારે નહીં લાગે. કોન્રાડ એલ્સ્ટ કહે છે કે આ જ પુસ્તકમાં રફિક ઝકરિયાએ જે બીજા આંકડા આપ્યા છે એને ધ્યાનમાં લઈને અટપટી ગણતરી કરીએ તો મુસ્લિમોની વસ્તી ૨૦૧૪માં ૧૬.૮૧ ટકા, ૨૦૪૪માં ૨૨ ટકા કરતાં વધારે, ૨૦૭૪માં અલમોસ્ટ ૩૦ ટકા, ૨૧૦૪માં ૪૦ ટકા અને ૨૧૨૫માં ૫૦ ટકાને વટાવી જશે અને બહારના દેશોમાંથી આવીને અહીં વસનારા મુસ્લિમોને તો આ ગણતરીમાં લીધા જ નથી.

કોન્રાડ એલ્સ્ટ આ આંકડાબાજીમાં કહે છે કે વસ્તી ગણતરીની ટકાવારીની આગાહી કરવી સરળ નથી, કારણ કે આ વધારો-ઘટાડો ઘણાં ઘણાં ફેક્ટર્સ પર આધાર રાખે છે. આમ છતાં એક વાત નિશ્ર્ચિત છે, સ્પષ્ટ છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એવી ભવિષ્યમાં રહી તો મુસ્લિમોની વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જ જવાની એમાં કોઈ શંકા નથી.

બાંગ્લાદેશથી આવતા વસાહતીઓનો પ્રૉબ્લેમ માત્ર ભારતને જ નથી સતાવતો. ૧૯૯૭માં પ્રગટ થયેલા એક રિપૉર્ટરને ટાંકીને કોન્રાડ એલ્સ્ટ કહે છે કે ગયા વર્ષના (૧૯૯૬)ના અંતમાં મલયેશિયામાં એક લાખથી વધુ ગેરકાયદે બાંગ્લાદેશી વસાહતીઓ હતા. ફેબ્રુઆરી ૧૯૯૭માં આવા ઘૂસપેઠિયાઓને હાંકી કાઢવાની ઘણી મોટી ઝુંબેશ મલયેશિયન સરકારે ચલાવી હતી. બાંગ્લાદેશના ગેરકાયદે વસાહતીઓના માઠા અનુભવો સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ અમિરાત અને કતારને પણ થયા છે અને એ લોકોએ ૫૦,૦૦૦ જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓને પાછા કાઢ્યા છે. ત્રણ વર્ષ અગાઉ (એટલે કે ૧૯૯૪ની આસપાસ) મલયેશિયન ગવર્ન્મેન્ટે બાંગ્લાદેશ સાથે અગ્રીમેન્ટ કરીને નક્કી કર્યું હતું કે અમે વધુમાં વધુ ૫૦,૦૦૦ બાંગ્લાદેશી મજૂરોને અમારા દેશમાં લઈશું, પણ જ્યારે ખબર પડી કે ખાનગીમાં એના કરતાં ઘણા વધારે બાંગ્લાદેશીઓ ઘૂસી ગયા છે અને વર્ક પરમિટ વગર કામ કરી રહ્યા છે ત્યારે મલયેશિયાએ બાંગ્લાદેશની સહમતી લીધા વિના જ એ એગ્રીમેન્ટ ફાડીને ફેંકી દીધો હતો. બાંગ્લાદેશમાં વસ્તીનો અને ગરીબીનો મોટો પ્રૉબ્લેમ છે. ત્યાંની સરકાર સામેથી એના નાગરિકોને બીજા દેશમાં ગમે તેમ કરીને ઘૂસી જવાનું સક્રિય પ્રોત્સાહન આપે છે. મોટા ભાગના દેશો બાંગ્લાદેશની આ બદમાશનીતિને ઈંટનો જવાબ પથ્થરથી આપીને ખાળી રહ્યા છે.

ભારત આમાં અપવાદ છે. ભારતની કેન્દ્ર સરકાર અને પશ્ર્ચિમ બંગાળ, બિહાર, કેરળ જેવી રાજ્ય સરકારો આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને રૅશનકાર્ડ, મતદારપત્રક વગેરે આપીને ભારતના નાગરિક બનાવતી આવી છે. કૉન્ગ્રેસ તેમ જ કેટલાક પ્રાદેશિક પક્ષોને આ ગેરકાનૂની મુસ્લિમ વસાહતીઓમાં વોટ બૅન્ક દેખાતી હતી. તૃણમૂલ કૉન્ગ્રેસવાળાં મમતાદીદી હજુય આ ઘૂસપેઠિયાઓને થાબડભાણાં કરે છે અને એમની સામે કોઈ પગલાં લેવાનો સુઝાવ કેન્દ્ર તરફથી આવે તો જાણે આ લોકો પોતાનાં પિયરિયાં હોય એ રીતે ઝનૂનપૂર્વક એમને છાવરે છે.

અરુણ શૌરીએ એમના ‘સેક્યુલર એજન્ડા’ પુસ્તકમાં ટાંકેલા આંકડાઓનો સંદર્ભ આપીને કોન્રાડ એલ્સ્ટ લખે છે કે ૧૯૮૭માં એકલા પશ્ર્ચિમ બંગાળમાં ચુમ્માળીસ લાખથી વધુ અને આસામમાં વીસથી ત્રીસ લાખ જેટલા બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓ વસતા હતા. આને કારણે એ સરહદી વિસ્તારોમાં સતત કમ્યુનલ ટેન્શન રહે છે. દિલ્હી અને મુંબઈ જેવાં કૉસ્મોપોલિટન શહેરોમાં પણ ચાર-પાંચ લાખ જેટલા બાંગ્લાદેશીઓ ઘૂસી ગયા છે. ગુજરાત, ખાસ કરીને અમદાવાદમાં, પણ કેટલેક અંશે આ સમસ્યા છે. બાંગ્લાદેશી મુસ્લિમોની ભારત તરફની હિજરત સમયસર રોકવામાં નહીં આવે તો જતે દહાડે કાશ્મીરમાંથી જેમ હિન્દુઓને તગેડી કાઢવામાં આવ્યા એવી જ હાલત ભારતનાં કેટલાંક રાજ્યોમાં સર્જાઈ શકે છે.

મુસ્લિમ બર્થ રેટ વિશે વાત કરતાં કોન્રાડ એલ્સ્ટ જણાવે છે કે ૧૯૮૦માં ફૅમિલી પ્લાનિંગની વિવિધ પદ્ધતિઓને અપનાવવામાં મુસ્લિમ પ્રજા સૌથી પછાત હતી. એક સર્વે અનુસાર માત્ર ૨૩% મુસ્લિમો જ સંતતિ નિયમનનાં સાધનો વાપરતા જ્યારે હિન્દુઓમાં આ પ્રમાણ ૩૬ ટકા જેટલું ઊંચું હતું. આને પરિણામે એ ગાળામાં હિન્દુ વસ્તીમાં ૨૪.૧૫%નો વધારો થયો, જ્યારે મુસ્લિમ વસ્તીમાં ૩૦.૫૯%નો વધારો નોંધાયો.

ભારતનો ટોટલ ફર્ટિલિટી રેટ સ્ત્રીદીઠ ૩.૪ બાળકોનો છે, જ્યારે મુસ્લિમોમાં ટી.એફ.આર. ૪.૪ બાળકનો છે જે હિન્દુ સ્ત્રીઓ કરતાં ૧.૧ બાળક વધુ છે.

કેટલાક માર્ક્સવાદી-સેક્યુલરો આ માટે મુસ્લિમોમાં શિક્ષણના અભાવને તથા ગરીબીને કારણભૂત ગણે છે. (માર્ક્સવાદીઓ તો નક્સલવાદીઓની હિંસાને પણ એમની ગરીબીની દુહાઈ આપીને જસ્ટિફાય કરતા હોય છે અને સેક્યુલરવાદીઓ આતંકવાદીઓને પણ એમની ગરીબી તથા નિરક્ષરતાનાં કારણો આગળ ધરીને નિર્દોષ ઠેરવતા હોય છે).

હકીકત એ છે કે કેરળ જેવા અલમોસ્ટ ૧૦૦ ટકા સાક્ષરતા ધરાવતા રાજ્યમાં પણ મુસ્લિમોની વસ્તીનો વાર્ષિક વધારો ૨.૩ ટકાના દરે થાય છે, જે રાષ્ટ્રીય દર (૨.૧૧) કરતાં વધારે છે અને કેરળમાં વસતા હિન્દુઓ કરતાં તો અલમોસ્ટ બમણો છે. કેરળની લગભગ ૨૫ ટકા જેટલી વસ્તી મુસ્લિમ છે.

હૈદરાબાદમાં, એક સર્વેક્ષણ મુજબ મિડલ ક્લાસી મુસ્લિમ પરિવારમાં સરાસરી આઠ બાળકો જોવા મળે છે, જ્યારે એ જ આર્થિક સ્તરના હિન્દુ પરિવારોમાં ચાર બાળકો હોય છે.

આંકડાઓ પુરવાર કરે છે કે ઈવન ખાધેપીધે સુખી તેમ જ અતિ શ્રીમંત – બેઉ ટાઈપના પરિવારોમાં તથા ભણેલા-ગણેલા કુટુંબોમાં પણ હિન્દુઓ કરતાં મુસ્લિમોને ત્યાં સરાસરી વધુ બાળકો હોય છે. આમ આર્થિક, સામાજિક, શૈક્ષણિક નહીં, પણ ધાર્મિક કારણોસર મુસ્લિમો પરિવાર નિયોજન તરફ ધ્યાન નથી આપતા એવું તારણ નીકળે છે.

ઈરાન જેવા દેશે પરિવારદીઠ વધુમાં વધુ ત્રણ જ બાળકો હોવાં જોઈએ એવી નીતિ ઘડીને ત્યાંનો વસ્તી વધારાનો દર અડધો કરી નાખ્યો છે.

ડૉ. ઝાકિર નાઈકમાં યુ ટ્યુબ પરનાં પ્રવચનો સાંભળશો તો ખ્યાલ આવશે કે કઈ રીતે ઈવન આ પ્રોગ્રેસિવ ગણાતા ઘર્મગુરુઓ પણ સંતતિ નિયમનની નીતિઓની હાંસી ઉડાવે છે. કેટલાક સુખદ અપવાદોને બાદ કરતાં પ્રેક્ટિકલી તમામ મુલ્લાઓ, મૌલવીઓ, ઈસ્લામના સ્કૉલરો, મુસ્લિમ ધર્મગુરુઓ પોતાની પ્રજાને વધુ ને વધુ બાળકો પેદા કરવાની પ્રેરણા આપતા રહ્યા છે.

મુસ્લિમોની વધતી જતી વસ્તીની સામે હિન્દુઓએ પણ બેફામ વસ્તીવધારો કરવો એ જ શું આ સમસ્યાનો ઉકેલ છે?

કાલે વિચારીએ અને પૂરું કરીએ.

આજનો વિચાર

દુનિયામાં માણસોના ગુણાકાર થાય છે, પૃથ્વી પરની જમીનના તો સરવાળા પણ નથી થતા.

– અજ્ઞાત

એક મિનિટ!

બકો છોકરી જોવા ગયો. છોકરીના પિતાએ પૂછ્યું,

‘બકાભાઈ, તમે દારૂ પીઓ છો?’

બકો: ‘એ પછી. પહેલાં ચા અને બટાટાપૌંઆ તો આવવા દો.’

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 23 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *