આ પૃથ્વી પરનો છેલ્લો હિન્દુ ક્યાં સુધી જીવવાનો?

‘ધ ડેમોગ્રાફિક સીજ’ નામના કૉન્રાડ એલ્સ્ટના નાનકડા પુસ્તકની અનુક્રમણિકામાં પાંચ પ્રકરણ છે. ૧. વિઝન્સ ઑફ અ ડેમોગ્રાફિક ડુમ્સડે, ૨. ઈમિગ્રેશન ફ્રોમ બાંગ્લાદેશ, ૩. ધ મુસ્લિમ બર્થ રેટ, ૪. ઈસ્લામ ઍન્ડ બર્થ ક્ધટ્રોલ અને ૫. હિન્દુ રિસ્પોન્સ ટુ ધ ડેમોગ્રાફિક ચેલેન્જ.

કૉન્રાડ એલ્સ્ટ વિદ્વાન જર્મન લેખક છે. મહાન હિંદુવાદી છે. મુંબઈમાં એમની પર્સનલ મુલાકાત વિશે તથા એમનાં પુસ્તકો વિશે થોડા મહિના પહેલાં જ આ કૉલમમાં લખ્યું.

કોઈ પણ ધર્મ કે જાતિની વસ્તીમાં થતો વધારો કે ઘટાડો તે પ્રદેશની સાંસ્કૃતિક પરંપરાની સમતુલા બદલાવી શકે છે. ભારતમાં મોગલોએ આક્રમણ કરીને અહીંની પ્રજા ઉપર સદીઓ સુધી રાજ ન કર્યું હોત તો આપણે લોકો લેંઘો-ઝભ્ભો પહેરતા જ ન હોત. ધોતિયું અને ઉપરણું જ આપણો પહેરવેશ રહ્યો હોત. આ તો એક નાનકડું ઉદાહરણ છે. જલેબી ખાતા જ ન હોત. ચૂરમાના લાડવા ને લાપસી જ ખાતા હોત. ગંભીરતાથી જોઈએ તો, આ દેશમાં એક પણ મસ્જિદ ન હોત. જેમ અરબ દેશોમાં મંદિર નથી હોતાં, ચર્ચ નથી હોતાં. (હવેના જમાનામાં ક્યાંક ક્યાંક જોવા મળે). હિન્દુ ધર્મને કે સનાતન પરંપરાને ઉતારી પાડનારાં તત્ત્વોનો જન્મ જ ન થયો હોત આ દેશમાં. હિન્દી આપણી પ્યોર હિન્દી હોત. ડાયરેક્ટ સંસ્કૃતમાંથી ઊતરી આવેલી. એમાં અવધિ-ભોજપુરી વગેરે બોલીઓના શબ્દો હોત પણ ઉર્દૂમાંથી આવેલા રૂહાનિયત અને ખસૂસ અને અફસોસ અને ઈઝહાર જેવા કોઈ શબ્દો ઉમેરાયા જ ન હોત. એને બદલે સંસ્કૃતમાંથી સીધા ઊતરેલા શબ્દો હોત જેમાંના કેટલાય અત્યારે સંસ્કૃતના શબ્દકોશમાં જ પડી રહ્યા છે, બોલચાલમાં આવતા જ નથી.

એક આડ વાત. સંસ્કૃતમાં ક, ખ, ગ, ઘ પછી ‘અંગ’ ઉચ્ચાર ધરાવતો અક્ષર આવે છે જેને ‘ડ’ના ઉપરના વળાંકની બાજુમાં ટપકું મૂકીને દર્શાવવામાં આવે છે. (આ રીતે ઙ). આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં પ્રખર ગુજરાતી ભાષાશાસ્ત્રી ડૉ. ઊર્મિબેન ઘનશ્યામ દેસાઈએ હમણાં જ મને પ્રેમપૂર્વક જણાવ્યું કે ‘ગુડ મોર્નિંગ’માં ભલે છેલ્લે ‘ગ’ લખવાનું ચલણ સ્વીકાર્ય હોય પણ ‘મોર્નિંગ’નો એ ગ નથી ‘ઙ’ (‘અંગ’) છે. માટે ‘ગુડ મોર્નિંઙ’ એમ લખાવું જોઈએ! આડ વાત પૂરી થઈ. સંસ્કૃત ભાષા આપણી પરંપરાનો અનિવાર્ય હિસ્સો છે જેને છેલ્લાં હજારેક વર્ષમાં ક્રમશ: આ દેશમાંથી ભગાડી મૂકવામાં આવી.

કૉન્રાડ એલ્સ્ટ લખે છે કે ૧૮૯૧ની સાલમાં જે અંગ્રેજના નેતૃત્વ હેઠળ ભારતની વસ્તીગણતરી થઈ હતી તે સેન્સસ કમિશનર ઓ ડોનેલે તે જમાનામાં જે રીતે ભારતમાં મુસ્લિમોની વસ્તી વધી રહેલી અને હિન્દુઓની ઘટી રહેલી તેના આંકડા પરથી ભવિષ્યવાણી ભાખી હતી કે ૬૨૦ વર્ષ પછી હિન્દુસ્તાનમાં એક પણ હિન્દુ નહીં હોય. ત્યાર બાદ ૧૮૮૧, ૧૮૯૧ અને ૧૯૦૧ના વસ્તીગણતરીના આંકડાઓ પછી કર્નલ યુ. એન. મુખરર્જીએ જૂની ભવિષ્યવાણીમાં ફેરફાર કરવા પડ્યા અને કહેવું પડયું કે ૬૨૦ નહીં પણ ૪૨૦ વર્ષ પછી હિન્દુ જાતિનો સર્વનાશ થઈ જશે. આ વાતો કૉન્રાડ એલ્સ્ટે સંદર્ભો ટાંકીને લખી છે. કશું અધ્ધરતાલ નથી. જો ૧૯૦૧માં આવી આગાહી કરીને હિંદુઓના સર્વનાશને બસો વર્ષ આગળ ધકેલવામાં આવતો હોય તો લગભગ સો વર્ષ પછી, ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા આવ્યા પછી હજુ એ તારીખ આગળ આવે. મે બી, બસો કે ત્રણસો વર્ષ પછીની કોઈ ઘડી. માની લઈએ ૪૨૦ વર્ષ જ, તો પણ સવાલ એ નથી કે હિન્દુઓ ક્યારે આ જગતમાંથી નેસ્તનાબૂદ થઈ જશે. સવાલ એ પણ નથી કે આપણે ક્યારે આપણા જ દેશની બહુમતી મટીને લઘુમતી થઈ જઈશું. સવાલ એ છે કે આગામી થોડાક જ દાયકામાં મુસ્લિમોની વસ્તીની ટકાવારી ૧૫થી ૨૦ ટકાથી વધીને ત્રીસેક ટકા જેટલી થઈ જશે ત્યારે આ દેશની શું હાલત હશે. કેવી ભયજનક પરિસ્થિતિ સર્જાશે ત્યારે. દસ-પંદર ટકા વસ્તીને ખુશ કરવા રાજકીય પક્ષો કમરેથી બેવડ વળીને ઝૂકી જતા તો જ્યારે એ આંકડો ડબલ થઈ જશે ત્યારે એમને રીઝવવા આળોટવાનું જ બાકી રહેશે. ૮૫ ટકા હિન્દુઓ હોવા છતાં આપણું સેક્યુલર મીડિયા આપણી સાથે, આપણા નેતાઓ અને આપણી સંસ્કૃતિ સાથે આટલી બદતમીજીથી પેશ આવે છે તો જ્યારે ૮૫માંથી ઘટીને ૮૦, ૭૫ કે ૭૦ ટકાનો આંકડો થઈ જશે તો આ મીડિયા આપણા માટે જીવવા જેવું કોઈ વાતાવરણ રાખશે? (કલ્પના કરવી હોય તો કરો ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી સમગ્ર ૨૦૦૨ના વર્ષ દરમ્યાન આ લોકોએ હિન્દુ પ્રજા પર કેવાં કેવાં માછલાં ધોયાં હતાં. મોદીજી પર તો વ્હેલ અને શાર્ક ધોઈ હતી).

કર્નલ યુ. એન. મુખર્જીએ ૧૯૦૯ની સાલમાં આ વિષયના સંદર્ભમાં ઘણા લેખો લખીને ‘હિન્દુઝ, અ ડાઈંગ રેસ’ નામના શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યા હતા. તો અત્યારે સળગતો સવાલ એ નથી કે ભવિષ્યમાં આ પૃથ્વી પર કોઈ હિન્દુ નામનો જીવ રહેતો હશે કે નહીં. પ્રાયોરિટી એ વાતની છે કે થોડાક જ દાયકાઓમાં પેલી બાજુ દસ-પંદર ટકાનો વધારો અને આ બાજુ પ્રપોર્શનેટલી એટલો જ ઘટાડો થશે ત્યારે થનારી હિન્દુસ્તાનના કલ્ચરલ બૅલેન્સની ઐસીતૈસીને આપણે કેવી રીતે કોપ-અપ કરીશું. આપણે એટલે હું કે તમે નહીં, આપણી આવનારી પેઢીઓ. એક લેક્ચરમાં મેં કહેલું: ‘મને ખાતરી છે કે મારા મર્યા પછી મારા અંતિમસંસ્કાર મારા મૃતદેહને અગ્નિને સમર્પિત કરીને જ થવાના છે. મને ખાતરી છે કે મારા દીકરાના પણ અગ્નિસંસ્કાર થવાના. પણ મને શંકા છે કે મારા દીકરાનો દીકરો જન્મશે અને એનું આયુષ્ય પૂરું કરશે ત્યારે એના અગ્નિસંસ્કાર થશે કે એને દફનાવવામાં આવશે.

કૉન્રાડ એલ્સ્ટની પુસ્તિકામાંની કેટલીક દાહક વાતો હજુ બાકી છે. કાલે.

આજનો વિચાર

એક ટેન્શન હજુ ખતમ પણ નહોતું થયું કે કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા અને બીજું શરૂ થઈ ગયું: મુલાયમસિંહે મોદીજીના કાનમાં શું કહ્યું!

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

એક મિત્રને વેલણથી બચવા માટે સલાહ આપી કે રોટીમેકર વસાવી લે.

પાંચ-છ દિવસ પછી એનો ફોન આવ્યો: વૉશિંગ મશીન કઈ કંપનીનું સારું આવે.

( મુંબઇ સમાચાર : બુધવાર, 22 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *