ઈન્ટર ફેઈલથી ટપુડા સુધીની યાત્રા

તારક મહેતા અમદાવાદ છોડીને મુંબઈ આવે છે. અમદાવાદમાં કૉલેજની પરીક્ષામાં ચોરી કરતાં પકડાયા હતા એટલે બૉમ્બે યુનિવર્સિટીએ નિયમ મુજબ ત્રણ વર્ષ સુધી એમને પરીક્ષામાં બેસવા નહોતા દીધા. એ ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા. દરમિયાન પિતા જનુભાઈ અમદાવાદથી દર મહિને સો રૂપિયા મોકલતા હતા. મુંબઈમાં મિત્ર ગોવિંદ સરૈયા ‘સરસ્વતીચંદ્ર’ (૧૯૬૮) ફિલ્મના દિગ્દર્શક. મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશ, ચંદન કા બદન અને છોડ દે સારી દુનિયા કિસી કે લિયે જેવાં રેકૉર્ડ બ્રેકિંગ ફેમસ ગીતો જેના માટે કલ્યાણજી-આણંદજીને નૅશનલ અવૉર્ડ મળ્યો. ફિલ્મની સિનેમેટોગ્રાફી માટે નરિમાન ઈરાનીને પણ નૅશનલ અવૉર્ડ મળેલો. (નરિમાન ઈરાનીએ ‘ડૉન’ શરૂ કરેલી પણ પૈસાના ચક્કરમાં ફસાઈ ગઈ અને બંધ કરવી પડી. પછી મનોજકુમારની વિનંતીથી પ્રાણ, બચ્ચનજી, ઝીનત અમાન અને કલ્યાણજીભાઈ વગેરેએ ભેગા થઈને પૈસા લીધા વિના ફિલ્મ પૂરી કરી જેનું દિગ્દર્શક મનોજકુમારના આસિસ્ટન્ટ ડિરેક્ટર ચંદ્રા બારોટે કર્યું.)

તારક મહેતા ‘ઍક્શન રિપ્લે’માં લખે છે:

‘બાપાને પૈસે ત્રણ વર્ષ આંટાફેરામાં જ ગાળ્યાં હતાં. ફિલ્મલાઈનમાં જવાનો સિન્સિયરલી પ્રયત્ન કર્યો નહોતો એમ કહું તો ચાલે. બહાર પણ ક્યાંય નોકરી માટે ખાસ પ્રયત્નો નહોતા કર્યા. હવે મારી ફરજ હતી કે મારે ઈન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં દાખલ થવું. જનુભાઈ પણ સમજી ગયા હતા કે હું હવે અમદાવાદ પાછો તો નહિ જ આવું એટલે એ મને લખતા: ભલે તુું મુંબઈમાં રહે, પણ ગ્રેજ્યુએટ થઈ જા એટલે શાંતિ.’

અમદાવાદ જઈને મહિનો મહેનત કરીને પરીક્ષા આપી. પાસ થઈ ગયા. ગ્રેજ્યુએશન પૂરું કરવા મુંબઈથી ખાલસા કૉલેજમાં ઍડ્મિશન લીધું. એ ગાળામાં ભારતીય વિદ્યાભવન તરફથી આંતર કૉલેજ એકાંકી નાટ્યસ્પર્ધા શરૂ થઈ ગઈ હતી. ખાલસા કૉલેજ તરફથી કાંતિ મડિયાએ નામ જમાવવા માંડેલું. કૉલેજમાં મડિયાનો ડંકો વાગતો. માત્ર નાટ્યપ્રવૃત્તિ માટે જ એ કૉલેજમાં આવતા. કૉલેજ એમને ઘણી સગવડ આપતી. તારક મહેતાને શરૂઆતમાં રસ પડેલો પણ કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી ખબર પડી કે મડિયા બહુ મિજાજી માણસ છે, અચ્છા અચ્છાને તતડાવી નાખે છે, ગાળો બોલે છે. એટલે મડિયાના દિગ્દર્શનમાં એમણે અભિનય કરવાનું સાહસ ન કર્યું. આગળ જતાં મડિયાના પ્રોફેશનલ નાટકોમાં કામ કર્યું ત્યારે ખબર પડી કે આ માણસ જેટલો તીખો છે એટલો જ મીઠો છે.

આ બાજુ ગોવિંદ સરૈયાનાં લગ્ન થયા. વરલીના વાંઢા નિવાસમાં સ્વચ્છતા અને વ્યવસ્થા આવી. ગોવિંદભાઈ – સુશીલાભાભીને ત્યાં પુત્રનો જન્મ થયો.

મુંબઈમાં તારક મહેતા માટે બીજું પણ એક ઠેકાણું હતું. પિતા જનુભાઈના કઝિન યોગેન્દ્રકાકાની ડબલ રૂમ. તળ મુંબઈમાં ચર્નીરોડ સ્ટેશન પાસે તારાબાગ એસ્ટેટના એક બિલ્ડિંગમાં. તારાબાગ એસ્ટેટમાં હારબંધ માળાઓ (ચાલી સિસ્ટમવાળાં મકાનો) છે. તેમાં અસંખ્ય ગુજરાતી કુટુંબો તે વખતે વસતાં (તારાબાગની અગિયારીની સામે આવેલી શર્માની પાણીપૂરી ‘વર્લ્ડ ફેમસ’ છે).

તારક મહેતા વારતહેવારે આ માળામાં અને કૉલેજમાં પણ નાટકો ભજવતા થયા. આત્મકથામાં તેઓ લખે છે: ‘કૉમેડીની બાબતમાં મારા માટે જગતના એક મહાન અંગ્રેજી અભિનેતા જૉન ગીલવુડનું એક વાક્ય મંત્ર છે: ‘કૉમેડી ઈઝ ઍન આર્ટ ઑફ ટાઈમિંગ’. આ વાક્યનું શાબ્દિક ભાષાંતર કરવું મુશ્કેલ છે. સમજાવું. સ્ટેજ પર બોલાતો સંવાદ યોગ્ય રીતે બોલાય તો જ પ્રેક્ષક હસે. સહેજ વહેલો બોલી જાય કે સહેજ મોડો બોલો તો પ્રેક્ષકનું હાસ્ય તમે ગુમાવી બેસો. એ જ રીતે સંવાદની લંબાઈ પણ મહત્ત્વની છે. સંવાદ એની બળકટતા અનુસાર એના યોગ્ય સમયે પૂરો થવો જોઈએ. પ્રેક્ષકને હસવા માટે સમય મળવો જોઈએ. એ હસતો હોય તે વખતે કોઈ સંવાદ પસાર થઈ જાય તો એ ખિજાય છે. સેન્સ ઑફ ટાઈમિંગને આપણે સમયસૂઝ કહી શકીએ. આ સૂઝ લેખક, દિગ્દર્શક, નિર્માતા અને નટનટીમાં હોવી જોઈએ. ફ્રહસનોની ભજવણીનો અનુભવ મને સફળ હાસ્ય કટારલેખક બનવામાં પણ કામ આવ્યો છે. ખાસ કરીને ‘ચિત્રલેખા’ના લેખોમાં મેં નાટકની ટેક્નિક અને સમયસૂઝનો ઉપયોગ કર્યો છે.’

બી.એ. પાસ થઈ ગયા. એમ.એ. શરૂ કર્યું. રૂઈયા કૉલેજમાં ક્લાસ લેવાય. દરમિયાન આઈ.એન.ટી.માં ભજવાતાં નાટકોમાં ભાગ લેતા થઈ ગયેલા. ગુજરાતી નાટકો ભજવતી સંસ્થાઓનું એક ફેડરેશન રચાયું: ‘ગુજરાતી નાટ્યમંડળ’. આઈ.એન.ટી.વાળા દામુભાઈ ઝવેરીએ એમાં તારક મહેતાને મહિને રૂપિયા ૨૫૦ના પગારે ઑફિસ સેક્રેટરીની જોબ આપી. એમ.એ.માં સેક્ધડ ક્લાસ સાથે સફળતા મેળવી.

ગુજરાતી નાટ્યમંડળની આર્થિક અવસ્થા કથળી ને એ નોકરી છૂટી. ચીમનલાલ વાડીલાલ શાહે એ દિવસોમાં ‘જન્મભૂમિ’ની સામે મુંબઈનું સાંજનું બીજું છાપું ‘પ્રજાતંત્ર’ના નામે શરૂ કર્યું હતું. ચીમનલાલ શાહના પુત્ર જગદીશ શાહ નાટ્યકાર. તારક મહેતાને ‘પ્રજાતંત્ર’માં નોકરીની ઓફર થઈ. લઈ લીધી.

થોડા વખત સુધી આ નોકરીની સાથોસાથ ફુલફ્લેજેડ નાટ્યપ્રવૃત્તિ ચાલતી રહી. મુંબઈમાં ગુજરાતી રંગમંચના સફળ નાટ્યલેખક અને દિગ્દર્શક તરીકે નામના વધતી ગઈ. એક્ટર થવાનું માંડી વાળ્યું. આ સમયગાળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના મુંબઈ સ્થિત ‘ફિલ્મ્સ ડિવિઝન’માં કૉમેન્ટ્રી રાઈટરની નોકરી મળી. ‘પ્રજાતંત્ર’ની નોકરી છોડી દીધી. ફિલ્મ્સ ડિવિઝનમાં ગેઝેટેડ ઑફિસર તરીકેની સાત કલાકની નોકરીમાં પાંચ કલાકની ફુરસદ મળતી એટલે ઘણું બધું લેખન થઈ શક્યું. સત્યાવીસ વર્ષ આ નોકરી કરી. આ નોકરી મળી એટલે દેવું કરીને ‘નવયુગ નગર’ (નવજીવન સોસાયટી નહીં, પહેલા લેખમાં ભૂલથી લખાયું હતું)માં ઓનરશિપનો ફલેટ લીધો. નેહરુજી, શાસ્ત્રીજી, ઈન્દિરાજી – ત્રણેય વડા પ્રધાનોના અવસાન સમયે તારક મહેતાએ ‘ફિલ્મ્સ ડિવિઝન’ની જવાબદારીના ભાગરૂપે એ મહાનુભાવોને અંજલિ આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મો માટે કોમેન્ટ્રીઓ લખી છે. રાજીવ ગાંધીના અવસાન પહેલાં તારક મહેતા નિવૃત્ત થઈ ગયેલા.

છેલ્લે, ૧૯૬૩ના ડિસેમ્બરની વાત કરીને ત્રણ હપ્તાની આ લેખમાળા પૂરી કરીએ. ઘાટકોપરની ‘રંગમંચ’ સંસ્થા મહારાષ્ટ્ર રાજ્ય ત્રિઅંકી (ગુજરાતી) નાટ્યસ્પર્ધામાં ભાગ લેવા માગતી હતી. એમના માટે તારક મહેતાએ મૌલિક ત્રિઅંકી પ્રહસન લખ્યું ‘દુનિયાને ઊંધા ચશ્માં’ (જૂની ગુજરાતી રંગભૂમિ પર ગવાતા એક ગીતની પંક્તિમાં આ શબ્દો આવે છે) એવું તારક મહેતાએ ‘ઍક્શન રિપ્લે’માં નોંધ્યું છે. શ્રેષ્ઠ અભિનય અને શ્રેષ્ઠ દિગ્દર્શનમાં ઈનામ આ નાટકને મળ્યાં, પણ શ્રેષ્ઠ નાટકનું ઈનામ આઈ.એન.ટી. પ્રવિણ જોશીના નાટક ‘મીનપિયાસી’ને મળ્યું. ‘દુ.ઊં.ચ.’ને ત્રીજું ઈનામ મળ્યું.

એ અરસામાં ‘ચિત્રલેખા’માં નાટકના રિવ્યૂ પણ છપાતા અને એ રીતે તંત્રી હરકિસન મહેતાની મુલાકાત થઈ. ‘દુ.ઊં.ચ.’ના એક શો પછી હરકિસન મહેતાએ એમને ‘ચિત્રલેખા’ માટે હાસ્યની કટાર લખવાનું આમંત્રણ આપ્યું.

તારક મહેતા લખે છે: ‘મને રસ હોવા છતાં નાટકની ઑફર્સથી હું વીંટળાયેલો હતો અને નાટકનો ચસકો એવો છે કે બીજી કોઈ પ્રવૃત્તિ કરવાનું મન ન થાય. નાટકનો રોકડિયો હિસાબ છે. તમે તખ્તા પરથી ડાયલૉગ બોલો કે તરત ઑડિયન્સનો સારો કે નરસો રિસ્પોન્સ આવે. એને ગમે તો તાળીઓ, ન ગમે તો તમારો હુરિયો. એ મઝા લેખનપ્રવૃત્તિમાં નથી. તમારા લેખનો રોકડો રિસ્પોન્સ ન મળે… હું લેખક હોવા ઉપરાંત અભિનેતા અને દિગ્દર્શક હતો. તેમાં લેખમાળા ચાલુ કરવાનો અવકાશ નહોતો.’

હરકિસન મહેતાને ના પાડે ત્યારે તારક મહેતાને કલ્પના નહોતી કે સાત વર્ષ પછી પોતે એમના ભણી ખેંચાશે અને એ બંનેની આજીવન મૈત્રીનો આરંભ થશે. સાત વર્ષના ગાળામાં જ્યારે જ્યારે હરકિસન મહેતા મળતા અને તારક મહેતાને લેખમાળા માટે આમંત્રણ આપતા એ દરમિયાન એમના આખાબોલા સ્વભાવનો અનુભવ થયેલો. કોઈ નાટક એમને ન ગમે તો મોઢા પર જ કહી દે: આવા બંડલ નાટક પાછળ શું કામ ટાઈમ બગાડો છો!

૧૯૭૧માં તારક મહેતા લેખમાળા શરૂ કરવા તૈયાર થયા ત્યારે એમણે હરકિસનભાઈને કહ્યું, ‘લખવાની ઈચ્છા તો ઘણી છે પણ દર અઠવાડિયે લખવાનો મને કૉન્ફિડન્સ નથી.’

આ સાંભળીને હરકિસનભાઈએ કહ્યું હતું: ‘તમે કેમ માની લીધું કે અમે દર અઠવાડિયે તમારા લેખ છાપીશું! એ તો વાચકો નક્કી કરશે. તમે એક કામ કરો. ચાર-પાંચ લેખ લખીને મને આપો. આપણે એ છાપીએ. વાચકોનો રિસ્પોન્સ જોઈએ પછી નક્કી કરીએ કે શું કરવું.’

તારક મહેતાને એ સૂચન ગમ્યું. શરૂઆતમાં એમણે હળવા નિબંધો જેવા ટુકડા લખ્યા, પણ પોતાને જ મજા નહોતી આવતી. એ સતત પાત્રોની શોધમાં રહેતા. એક દિવસ જેઠાલાલને એમણે એમના બિલ્ડિંગના કંપાઉન્ડની બહાર ઊભેલા જોયા. જેઠાલાલનું અસલી નામ જુદું છે.

‘કેમ અહીં ઊભા છો, જેઠાલાલ’ તારક મહેતાએ પૂછ્યું.

‘સાલાને મોટર મિકેનિકનું કામ શીખવું છું’

‘કોને?’

‘ટપુને. હરામખોર સ્કૂલે પણ જતો નથી અને મારા ધંધામાં પણ મદદ કરાવતો નથી. તો પછી કંઈક તો કામ શીખે, નહિ તો ભૂખે મરશે. છેવટે કંઈ નહિ તો મોટર મિકેનિક. એમાંય ખાસ્સી કમાણી છે.’

‘પણ એ ક્યાં છે?’

‘પેલી ગાડીની નીચે.’

કોઈકની ગાડીની નીચે સૂતો સૂતો ટપુ કંઈક સમારકામ કરી રહ્યો હતો. જોઈને જ તારક મહેતાને હસવું આવ્યું.

ઘેર ગયા પછી લેખકશ્રીના ભેજામાં ટ્યૂબલાઈટ થઈ. કેડમાં છોકરું અને પોતે ગામમાં ફાંફાં મારી રહ્યા હતા. એમના તો બિલ્ડિંગમાં જ કૉમિક પાત્રો હતાં. અને તેમણે ટપુડાનો પહેલો લેખ લખ્યો જેમાં ટપુ રજનીશજીને સાંભળવા જાય છે. રજનીશ કહેતા કે બાળકો નિર્દોષ વયનાં હોય ત્યાં સુધી એમને કપડાંથી ઢાંક ઢાંક ન કરવાં. ભલે ઉઘાડાં ફરતાં. કપડાં પહેરાવીને આપણે બાળકોમાં સેક્સ વિશેના ખોટા ખ્યાલ દાખલ કરીએ છીએ. ટપુ ઘેર આવીને કપડાં કાઢી નાખે છે ને પછી ધમાલ. તારક મહેતા લખે છે, ‘પછી ચાલ્યું ચાલ્યું તે આજની ઘડી. નાટકોને લીધે હું એ લેખો લખવાનું ટાળતો પણ લેખમાળાની લોકપ્રિયતા પછી મેં અભિનય-દિગ્દર્શન છોડી દીધાં જેથી લેખો પર ધ્યાન કેન્દ્રિત કરી શકું.’

અંતમાં તારક મહેતા એક્નોલેજ કરે છે: ‘હરકિસન મહેતાએ મને હાસ્યલેખક બનાવ્યો નથી, પણ એમના થકી હું લોકપ્રિય હાસ્યકાર બન્યો એ ઋણ તો મારે સ્વીકારવું જ રહ્યું.’

તારક મહેતાની આત્મકથા ‘ઍક્શન રિપ્લે’ ગુજરાતી લેખકો – સાહિત્યકારોએ લખેલી આત્મકથાઓમાં જુદી તરી આવે છે અને એની નોંધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દુબેનને લખેલા આશ્વાસનપત્રમાં પણ લીધી છે.

કાગળ પરના દીવા

હું જરા ઊખડેલ શબ્દોમાં જ કિસ્સો કહું (જેથી વાચકને લપસણી રંગભૂમિનો ખ્યાલ આવે). મારા એક ફારસમાં એક તદ્દન નાનું સ્ત્રીપાત્ર કરવા માટે મારો નિર્માતા એક સેક્સી છોકરીને લઈ આવ્યો. હસમુખી, મીઠડી, વધુ પડતી મળતાવડી છોકરી. હું ઊભો ઊભો એક દૃશ્યનું દિગ્દર્શક કરી રહ્યો હતો ત્યાં એણે પાછળથી મને આલિંગન કરીને એની જે કંઈ શારીરિક અસ્કયામતો હતી તેનાથી મને ઉત્તેજવાનો પ્રયત્ન કર્યો. હું ગમે તેવો લંપટ હતો પણ રિહર્સલ વખતે રિહર્સલમાં જ ડૂબી જતો. મેં એ છોકરીને કહ્યું, ‘મારી પીઠ પાછળ તું જે મહેનત કરે છે એ મારી સામે કરશે તો તું આગળ આવશે.’ આજે તો એ ગુજરાતી રંગભૂમિની ધરખમ નિર્માત્રી બની ગઈ છે.

– તારક મહેતા (‘ઍક્શન રિપ્લે’માં)

સન્ડે હ્યુમર

એણે પૂછ્યું,

‘આમાં ખાંડ કેટલી નાખું!’

મેં કહ્યું,

‘વહાલી, તું એટલી બધી મીઠડી છે કે બસ, તારી આંગળી ઝબોળી દે.’

અને પછી…

પછી તો શું ઘર માથે લીધું એણે.

ચા ગરમાગરમ હતી.

( મુંબઇ સમાચાર : રવિવાર, 19 માર્ચ 2017)

1 comment for “ઈન્ટર ફેઈલથી ટપુડા સુધીની યાત્રા

  1. Hemang barot
    March 21, 2017 at 1:13 AM

    ખૂબ સરસ તારક મહેતાની એક્શન રિપ્લે…. વિચારધારા વખતે કમ્પોઝ કરેલી યાદી છે…. ત્યારે તો કદાચ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નહોતી આવતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *