આઈન્સ્ટાઈન, ટાગોર, મોદી, અંબાણી બનવાને બદલે આ તમે શું બની ગયા?

આપણા પોતાનામાં મૌલિક વિચાર કરવાની સૂઝ ન હોય તો બીજાઓના લૉજિકને ચેલેન્જ ન કરવામાં જ ડહાપણ છે. કાં તો તમે સ્વતંત્રપણે વિચાર કરતાં શીખો, એવી સૂઝ કેળવો; અથવા તો પછી બીજાઓની અક્કલને આદર આપીને એમની સાથે જીભાજોડી કરવાનું રહેવા દો.

નવા વિચારો, મૌલિક વિચારો આપમેળે ટપકી પડતા નથી. કશું જ સ્પષ્ટ ચિત્ર દેખાતું ન હોવા છતાં ધૂંધળા વાતાવરણની આરપાર ‘જોઈ’ શકવાની દૃષ્ટિ માત્ર ઈન્ટ્યુઈશનને કારણે નથી આવતી. નવું વિચારવા માટે દિમાગમાં ભરાયેલો સ્થાપિત વિચારોનો કચરો ઘસી ઘસીને સાફ કરવો પડે. એ વિના નવું વિચારવાની શક્તિ ના આવે. પરંપરાગત વિચારોમાંથી મુક્ત થવા માટે દુનિયાએ સ્વીકારેલાં સત્યોને મનોમન પડકારીને ચીલો ચાતરવો પડે, વ્યવહારમાં એનો અમલ કરીને લોકો જે રસ્તે દોડતા હોય એને છોડીને તમારી પોતાની કેડી તૈયાર કરવી પડે. આવું કરવામાં ભવિષ્ય માટેની અસલામતી સર્જાય તો સર્જાવા દેવી પડે અને વર્તમાનમાં તમને લોકોએ તરછોડી દીધા છે એવી લાગણી થાય તો તે પણ સહન કરવી પડે. નવા વિચારોના સર્જકો સાથે આવું જ થતું આવ્યું છે ને આવું જ થતું રહેવાનું.

નવા કે મૌલિક વિચારો ક્યારેક આસમાનમાંથી ટપકી પડતા હોય એવું લાગે તો એવા સંજોગોમાં પણ એને ઝીલવાની તમારી ભૂમિ ફળદ્રુપ જોઈએ. જડ, કંઠીબદ્ધ અને ગાડરિયા પ્રવાહ જેવા વિચારોમાં બંધાઈ ગયેલાઓની ભૂમિમાં આ વિચારો વાવશો તો તે ઊગી નીકળવાના નથી. ગમે એટલી મહેનત કરશો, ખાતર-પાણી આપશો તોય કશું પરિણામ નહીં આવે. પહેલાં ભૂમિ ફળદ્રુપ બનાવવી પડે અને એ માટે એ ભૂમિ પર ઉપરાછાપરી રોકડિયા પાક લેવાનું બંધ કરવું પડે. આ રોકડિયા પાક લણી લણીને તમારી ભૂમિ કસવિહીન થઈ ગઈ છે. શોર્ટ ટર્મ ગેઈન માટે તમે તમારું જ લાંબા ગાળાનું નુકસાન કરી બેઠા છો. કદાચ કાયમી નુકસાન કરી બેઠા છો.

ધૂંધળા વાતાવરણમાં પણ આરપાર જોઈ શકનારાઓ પાસે કોઈ દૈવી શક્તિ નથી હોતી, ઈન્ટ્યુઈશન તો છેવટે પ્રગટપણે તમે જેને પિનપોઈન્ટ નથી કરી શકતા એવી સબ-કૉન્શ્યસમાં સંઘરાઈ ચૂકેલી ઈન્ફર્મેશન હોય છે. આવી માહિતી તમારી પાસે ક્યારે આવી અને ક્યારે તમારા મનની તિજોરીમાં મુકાઈ ગઈ એની તમને પણ સરત નથી હોતી. આમ છતાં તમે એ માહિતીના આધારે સચોટ આગાહી, પરફેક્ટ વિશ્ર્લેષણ કરી શકો છો.

ક્યારેક તમને ટપકાં જોડતાં સારી રીતે આવડે છે. બીજું કોઈ તમારી જગ્યાએ હોય તો એ એમાંથી કોઈ કઢંગું ચિત્ર બનાવી દે પણ તમે છૂટાછવાયાં ટપકાં જોઈને એમાં છુપાયેલું ચિત્ર જોઈ શકો છો અને તમારી કલ્પનામાં ઊભરતા એ ચિત્ર પ્રમાણે એકેએક ટપકાને એના ક્રમ મુજબ જોડતા જાઓ છો. ટપકાં એમની સામે પણ હતાં, તમારી સામે પણ છે. એ એમાં છુપાયેલું ચિત્ર ન જોઈ શક્યા અને કોઈ કઢંગી ડિઝાઈન એમણે બનાવી લીધી. તમે જોઈ શક્યા. શું કામ?

કારણ કે તમે દિવસ રાત એ માટે મહેનત કરી હોય છે. એને કુદરતી બક્ષિસ કહીને નમ્રતા દેખાડો એ જુદી વાત છે પણ તમારું દિમાગ આ છૂટાછવાયાં ટપકામાં છુપાયેલી આકૃતિને ઓળખી શકે એ માટે તમે વર્ષો સુધી, દિવસરાતની મહેનત કરીને તમારા દિમાગનાં જાળાં સતત સાફ કરતા રહ્યા છો. આ જાળાં તમને જન્મતાંવેંત નથી મળ્યાં. ભગવાને તો જન્મ વખતે સૌ કોઈનામાં આઈન્સ્ટાઈન, ટાગોર અને મોદી કે અંબાણી બનવાનું પોટેન્શ્યલ ભર્યું હતું. પણ જન્મ્યા કે તરત, ફ્રોમ ડે વન, તમારાં માબાપ, પછી તમારાં સગાંઓ, પછી તમારા મિત્રો, તમારા શિક્ષકો, તમારા બોસ, તમારા ક્લીગ્સ, તમારી આસપાસનાઓ, તમારા સંપર્કમાં સીધી-આડકતરી રીતે રહેતા સૌ કોઈએ યશાશક્તિ, યથામતિ તમારા એ પોટેન્શ્યલને ભૂંસવાનો સતત પ્રયત્ન કર્યો છે, કારણ કે એમની સાથે પણ એવું જ થયેલું છે. અત્યારે તમે જો ખુશ હો, સંતોષી હો કે જુઓ હું ક્યાં હતો ને ત્યાંથી ક્યાંનો ક્યાં આવી ગયો તો સારું છે તમારા માટે. ખૂબ ખૂબ અભિનંદન તમને. હકીકતમાં તો તમારે વિચારવું એ જોઈએ કે કુદરતે તમારામાં આઈન્સ્ટાઈન, ટાગોર, મોદી, અંબાણી વગેરે બનવાનો કાચો માલ ભર્યો હતો પણ એને બદલે તમે માત્ર તમે બનીને સંતોષ માની લીધો છે. એટલું જ નહીં તમે યાદ કરી કરીને એ સૌનો આભાર માની રહ્યા છો જે બધાએ તમને અત્યારે તમે જેવા છો એવા બનાવવામાં ફાળો આપ્યો હોય. સાચી વાત એ છે કે તમારા કાચા માલમાંથી તમને આઈન્સ્ટાઈન વગેરે બનવાની પ્રેરણા આપે એવું તમને કોઈ મળ્યું નહીં. શું કામ? કારણ કે તમે પોતે જ એવી કોઈ શોધ ચલાવી નહીં. તમે તમારાં પ્રોટેક્ટેડ વાતાવરણમાંથી, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા નહીં. શું કામ? કારણ કે તમારી આસપાસ પણ બધા તમારા જેવા જ હતા. તમારા જેવા એટલે કેવા? જેમનામાં આઈન્સ્ટાઈન વગેરે બનવાનું પોટેન્શ્યલ હતું પણ જેઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાને બદલે હતા ત્યાંનાં ત્યાં પડી રહ્યા.

જે લોકો નવું વિચારતા થયા છે, મૌલિક વિચારો આ દુનિયાને આપતા થયા છે, ગાડરિયા પ્રવાહમાંથી હટી જઈને ચીલો ચાતરતા થયા છે એ બધાએ જ ક્યારેક ને ક્યારેક પોતપોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી જવાની હિંમત દેખાડી છે માટે એવા થયા છે. આ માટે તેઓ સતત અસલામતીમાં જીવ્યા છે. સલામત ભવિષ્યની ચિંતા કરીને કોઈ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી શકતું નથી. એમણે જોખમ લીધું છે, રિસ્ક લીધું છે, સાહસ કર્યું છે અને જોખમ એને કહેવાય જેમાં પરિણામની ખાતરી ન હોય, રિસ્ક એને કહેવાય જેમાં સફળતાના ચાન્સીસ ફિફ્ટી-ફિફ્ટી પણ હોય ને ક્યારેક વન ટુ નાઈન્ટી નાઈન પણ હોય, સાહસ એને કહેવાય જેમાં જીતો તો તાજ મળે ને રાજપાટ મળે અને હારો તો તારાજ થઈ જાઓ, નામોનિશાન મટી જાય તમારું. આ સૌમાં રહેલી અનિશ્ર્ચિતતાને કારણે જે રોમાંચ મળે છે તે એમની જિંદગીને જીવવા જેવી બનાવે છે. આ થ્રિલ નવા સૂર્યાસ્તનાં કિરણો ઝીલતી વખતે એમનામાં નવું જોશ, નવી હામ, નવા પ્રાણનું સિંચન કરે છે.

મૌલિક વિચારોની પરંપરા આપણે ત્યાં ઘણી મોટી છે. વેદોના રચયિતા ઋષિમુનિઓથી માંડીને કૃષ્ણમૂર્તિ – રજનીશ સુધીનાં હજારો વર્ષોથી ચાલતી આવી છે. રોજેરોજ તમારા આંખ-કાન દ્વારા તમે હજારો ટન કચરો તમારા મનમાં પધરાવો છો. ટીવી, સોશ્યલ મીડિયા, છાપાં, તથાકથિત ધાર્મિક પ્રવચનો – પુસ્તકો, આ ટનબંધ કચરામાં દટાઈ ગયેલી તમારી મૌલિકતાને વીણવા નવા વિચારોના પ્રહરીઓ તમારી પાસે આવે છે. તેઓ ધૂળ ધોયાનું કામ કરવા તૈયાર છે. તમારામાં દટાઈ પડેલી મૌલિકતાને શોધી કાઢવા તેઓ તમારા કચરાને ખૂંદીને પોતે ગંદકીમાં રગદોળાવા તૈયાર છે. તમારામાં છુપાઈને પડેલા મૌલિકતાના મોતીને તમારા હાથમાં મૂકવામાં એમને આનંદ આવે છે. એવું કરવામાં એક રીતે જુઓ તો એમનો પોતાનો જ સ્વાર્થ રહેલો છે. પોતાની જેમ બીજાઓ પણ નવા, મૌલિક વિચારો ધરાવતા થાય તો એમને સાવ એકલું એકલું ન લાગે, કંપની મળી રહે.

હવેથી ક્યારેક ક્યાંક નવો મૌલિક વિચાર વાંચો કે સાંભળો ત્યારે તમારી પરંપરાગત અક્કલને આગળ ધરીને સામી દલીલ કરવાને બદલે ક્ષણભર રોકાઈને વિચારજો કે આ ધૂળધોયાનું કામ કરનારો શું કામ મારા ઉકરડાને ઉલેચી રહ્યો છે.

આજનો વિચાર

મારે જ્યાં જવું હતું ત્યાં કદાચ હું જઈ શક્યો નથી પણ મને લાગે છે કે મારે જ્યાં પહોંચવું જોઈતું હતું ત્યાં તો હું પહોંચી જ ગયો છું.

– ડગ્લાસ ઍડમ્સ (બ્રિટિશ રાઈટર, ૧૯૫૨-૨૦૦૧)

એક મિનિટ!

એક બાજુ લોકો ગોવા જવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રીની પોસ્ટ છોડી દેતા હોય છે.

અને આ બાજુ અમારો ફ્રેન્ડ કહે છે: ‘વાઈફ ના પાડે છે…’

( મુંબઇ સમાચાર : બુધવાર, 15 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *