બહુ આશા નહોતી એટલે બહુ નિરાશા પણ ન થઈ : તારક મહેતા

એક લેખક કેવી રીતે લેખક બને છે? તારક મહેતા લેખક બનવા નહોતા માગતા. ફિલ્મલાઈનમાં જવા માગતા હતા. ‘ઍક્શન રિપ્લે’ નામની આત્મકથામાં તેઓ લખે છે:

‘મનોમન મેં નક્કી તો કરી લીધું, ફિલ્મલાઈનમાં જ જવું છે. બીકૉમ થયા પછી મુંબઈમાં નોકરી લઈ લઈશ. પછી દેખા જાયેગા, પણ તે માટે તૈયારી તો કરવી જ. સ્ટેજ પર તો જવું જ પડશે. ઑડિયન્સ સામે અભિનય કરવો પડશે.’

તે વખતે અમદાવાદમાં એલિસબ્રિજમાં ‘રંગમંડળ’ અને શહેરમાં જશવંત ઠાકરનું ‘પીપલ્સ થિયેટર’ એમ બે સંસ્થાઓ ચાલતી. ‘રંગમંડળ’માં ચીનુભાઈ પટવા, નીરુ દેસાઈ, જયંતી દલાલથી માંડીને જયંતી પટેલ, ભાનુ ત્રિવેદી, નરોત્તમ શાહ, અનસૂયા ચોકસી, દામિની મહેતા જેવા જામેલા કલાકારો હતા. પ્રબોધ જોશી અને બકુલ ત્રિપાઠી પણ ખરા. જશવંત ઠાકર ‘પીપલ્સ થિયેટર’માં વિશ્ર્વ નાટ્યસાહિત્યમાં પંકાયેલાં ક્લાસિક્સ ભજવતા.

તારક મહેતાએ માની લીધેલું કે, ‘હું જો લેખક-ડિરેક્ટર થઈશ તો જ ઍક્ટર બની શકીશ…’ વળી વાંચવામાં આવેલું કે નાટક સૌથી શ્રેષ્ઠ કળાસ્વરૂપ ગણાય છે, કારણ કે તેની ભજવણીમાં બધી જ લલિતકળાઓનો સમન્વય થાય છે. લેખન, અભિનય, ચિત્રકળા, સંગીત, સન્નિવેશ, વેશભૂષા વગેરે વગેરે. અને હવે તો ધ્વનિ અને પ્રકાશની કેટકેટલી ટેક્નિકો કોઈ પણ કળા નાટકના ખપમાં આવે જ. એટલે વિવિધ કળામાં છબછબિયાં કરનારાથી માંડીને જિનિયસો નાટક અને ચલચિત્રના માધ્યમ ભણી ખેંચાય.

૧૯૬૦ના દાયકામાં જેમણે હિંદીમાં ‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મ બનાવી તે ગોવિંદ સરૈયા સાથે તારક મહેતાને ૧૯૪૦ના દાયકાથી દોસ્તી. ગોવિંદ સરૈયાને અભિનયનો શોખ ખરો પણ પોતાના દેખાવ વિશે ભ્રમ નહોતો એવો ઉલ્લેખ કરીને તારક મહેતા લખે છે: ‘…મારી પાસે રાજ કપૂરનો નાકનકશો હતો? જોકે, અભિનેતાઓમાં એમને દિલીપકુમાર ગમતા, રાજ કપૂર નહીં.’

પોતાના ફિલ્મલાઈનમાં જવાના ધખારા વિશે નિખાલસતાપૂર્વક વાત કરતાં તારક મહેતા કહે છે: ‘…અમારામાંથી કોઈ એવું ક્રેઝી નહોતું જે સ્કૂલ-કૉલેજ, ઘર છોડીને મુંબઈ ભાગી જાય અને પછી ફિલ્મ સ્ટુડિયોની બહાર ચોકીદારોના દંડા ખાતાં ઊભું રહે. હું અમારી પેઢીની વાત નથી કરતો, મારા વર્તુળની વાત કરું છું. મારી જ નાતનો એક પંજાબી પર્સનાલિટી ધરાવતો યુવાન સ્કૂલ છોડીને મુંબઈ ભાગી ગયેલો. એને એક ગુજરાતી ધાર્મિક ફિલ્મમાં ભગવાન કૃષ્ણનો રોલ મળેલો. પણ પછી મારા એ જ્ઞાતિબંધુએ કૃષ્ણ ભગવાન જેવી લીલાઓ શરૂ કરી હતી. સ્ટાર થવાને બદલે એ ફિલ્મલાઈનમાંથી સિફિલિસ કમાઈને પાછા આવેલા. એમનો સિફિલિસ તો મટાડી શકાયો હતો પણ મને એ રોગ વધારે નડેલો. કારણ કે જેટલી વાર મેં ફિલ્મલાઈનમાં જવાની મારી મહત્ત્વાકાંક્ષા મારા બાપુ પાસે વ્યક્ત કરેલી એટલી વાર એ અમારા સગાનો સિફિલિસ આગળ ધરીને કહેતા, ‘ફિલ્મલાઈન નર્ક છે નર્ક’. મારા પિતા જનુભાઈને શો બિઝનેસની ભયંકર એલર્જી હોય તે સ્વાભાવિક હતું કારણ કે એમણે તો નાટકના ધખારે ચઢેલા એમના પિતાને બાલ્યાવસ્થામાં ગુમાવ્યા હતા. વર્ષો પછી મારામાં એ જ ઘેલછા એ જુએ તો એમને અલ્સર થઈ જાય તે સ્વાભાવિક છે…’

સ્કૂલના દિવસોથી જ તારક મહેતા હિન્દી ફિલ્મો કરતાં અંગ્રેજી ફિલ્મો વધારે જોતા, તેઓ લખે છે: ‘રાજ કપૂરે શરૂઆતની ફિલ્મોમાં મૂછો રાખી નહોતી, જ્યારે મેં તો રોનાલ્ડ કૉલમૅન

સાથે મારા ચહેરાનું સામ્ય જોઈને શરૂઆતથી જ મૂછો રાખી હતી, જે જતે દિવસે રાજ કપૂરની નકલમાં ખપી ગઈ. પછી તો મેં પરિસ્થિતિનો લાભ ઉઠાવીને મારા સાઈડ ફેસના ફોટા પણ પડાવેલા (એક સ્ત્રીએ બહુ મોટી ઉંમરે મને કહેલું કે હું તમારા સાઈડ ફેસના પ્રેમમાં હતી). જતે દિવસે મેં મુંબઈમાં મારો સાઈડ ફેસ વટાવવાનો પ્રયત્ન કરેલો પણ કંઈ ઊપજ્યું નહોતું. સદ્ભાગ્યે મને પોતાને જ બહુ આશા નહોતી એટલે બહુ નિરાશા પણ થઈ નહોતી.’

પિતા જનુભાઈ મહેતા અમદાવાદની જાણીતી માણેક જેઠા (એમ. જે.) લાઈબ્રેરીના મેમ્બર હતા. મિલની નોકરીને લીધે એ નિયમિત પુસ્તકો બદલાવા જઈ શકતા નહીં. તારક મહેતાનો તો એ કૉલેજનો રસ્તો એટલે એ કામ પિતાએ એમને સોંપેલું. પિતાને અંગ્રેજી પુસ્તકો વાંચવાનો શોખ. સાહિત્યની ક્લાસિક કૃતિઓથી માંડીને ફ્રોઈડના સાયકોલૉજી વિષયક અને હેવલોક એલિસના સેક્સવિજ્ઞાન વિષયક પુસ્તકો મગાવી તારક મહેતા પણ ડિક્શનરીની મદદથી એ બધામાં ઊંડે ઊતરવાની કોશિશ કરે. પરિણામે એમનું વાચન પણ વિસ્તૃત થઈ ગયું.

વાચનના શોખને કારણે એમને વિશ્ર્વાસ બેસી ગયેલો કે કૉલેજમાં પણ પુસ્તકો વાંચીને પાસ થઈ જવાશે. પણ એકાઉન્ટસીના પેપરને લીધે ઈન્ટર કૉમર્સમાં નાપાસ થયા. બીજા વિષયોમાં ઠીક ઠીક દેખાવ કર્યો હતો.

ફેલ થયા પછી ચાર આનામાં સેક્ધડ હૅન્ડ પૉકેટ બુકો ખરીદી ડિક્શનરીઓની મદદથી અંગ્રેજી સાહિત્ય વાંચવાનું શરૂ કરી દીધું. એ વખતે તેઓ એકસાથે જુદી જુદી દિશાઓમાં ખેંચાતા હતા. કવિતાનું પણ ઘેલું લાગેલું. ‘કુમાર’ કાર્યાલયમાં દર બુધવારે રાત્રે નવોદિતો અને જામેલા કવિઓ એકઠા થતા. તંત્રી બચુભાઈ રાવત એમની ઝૂલણખુરશીમાં બેઠા હોય. નિરંજન ભગત, પિનાકિન ઠાકોર, અશોક હર્ષ અને કાલિદાસ જાધવ જેવા સિનિયરોની સાથે તારક મહેતા અને પ્રિયકાન્ત મણિયાર જેવા નવોદિતો પણ હોય. બાલા હનુમાનને નાકે પ્રિયકાન્ત મણિયારની નાનકડી ચૂડીઓની દુકાન. પ્રિયકાન્ત પોતાની કૃતિ સંભળાવે અને અભિપ્રાય પૂછે. આ યાદ કરીને તારક મહેતા લખે છે: ‘આજે હસવું આવે છે.’ પ્રિયકાન્ત મણિયાર જોતજોતામાં આગળ વધી ગયા. તારકભાઈ ખીસામાં જોડકણાં લઈને બુધવારિયામાં જતા પણ કદી એ બહાર કાઢીને વાંચી સંભળાવવાની હિંમત ન ચાલી તે ન જ ચાલી. ખાતરી થઈ ગઈ કે પોતે કવિ થવા સર્જાયા નથી.

તેની પ્રતિક્રિયારૂપે એમણે ગદ્ય પર હાથ અજમાવવાનું શરૂ કર્યું. ફાવટ આવતી ગઈ. એ જ વખતે પ્રોફેસર એસ. આર. ભટ્ટનું માર્ગદર્શન મળ્યું. ‘ભટ્ટસાહેબ ન મળ્યા હોત તો કદાચ હું લેખક જ ન થઈ શક્યો હોત’ એવું તારક મહેતાએ આત્મકથામાં નોંધ્યું છે. અમદાવાદથી મુંબઈ આવ્યા પછી કઈ રીતે તારક મહેતા નાટ્યક્ષેત્ર અને ત્યાર બાદ ‘દુનિયાને ઊંધા ચશ્મા’ના લેખનમાં આગળ વધે છે એની વાત કરીને આવતા અઠવાડિયે પૂરું કરીએ.

કાગળ પરના દીવા

હાસ્યલેખક (બનતાં) પહેલાં મારે ઘણી ટ્રેજેડી ભોગવવાની નિર્માઈ હતી. ટ્રેજેડી ખરી પણ મારી દૃષ્ટિએ. છેવટે તો કૉમેડી-ટ્રેજેડી બધું આપણા દિમાગની ઊપજ હોય છે.

– તારક મહેતા (‘ઍક્શન રિપ્લે’માં)

સન્ડે હ્યુમર

પત્ની: કાલે રાત્રે તમે બહુ પીધું હતું?

પતિ: ના, રોજના જેટલું જ…

પત્ની: તો પછી કેમ તમે બાથરૂમમાં નળ ખોલીને કહ્યા કરતા હતા કે: આટલું રડ નહીં… બધું ઠીક થઈ જશે…

( મુંબઇ સમાચાર : રવિવાર, 12 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *