આખો દિવસ ગંગાકિનારે પડ્યાપાથર્યા રહેવાની મઝા

બનારસમાં હજુ ઘણું જોવાનું છે, પણ એમાંથી કેટલુંક અમે બાકી રાખવાના છીએ કારણ કે એટલો સમય અમે બનારસને માણવાના છીએ. સંસ્કૃત વિદ્યાપીઠ તો ન જોઈ, ઉપરાંત બનારસનો ઈતિહાસ કહેતું ભારત કલા ભવનનું મ્યુઝિયમ જોવાનું પણ મુલતવી રાખીએ છીએ. આ સિવાયની પણ પર્યટકો માટે મસ્ટ કહેવાય એવી કેટલીક જગ્યાઓએ અમે જઈ શકવાના નથી, કારણ કે આજે મહાશિવરાત્રિનો આખો દિવસ અમે ગંગાજીના ઘાટ પર પડ્યાપાથર્યા રહેવાના છીએ. ગંગાજી બનારસનું, બનારસની સંસ્કૃતિનું હાર્દ છે. અહીંના અનેક ઘાટ પર પગપાળા રખડવું, પગથિયાંઓ પર બેસી રહેવું, આકાશના બદલાતા રંગો જોવા અને મા ગંગાનું સ્મરણ કરવું એ જ અમારો એજન્ડા છે, અને બાય ધ વે, બમ બમ ભોલેના બહાને ન તો અમને આજે ભાંગ પીવામાં રસ છે, ન ચિલમ. ભગવાનને વચ્ચે લાવ્યા વિના એ બધાં કામ થઈ જ શકે છે અને કર્યાં પણ છે. શિવનગરીમાં મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આ બધું યાદ કરવું પણ સાચા ભક્તને શોભે નહીં.

અમે સવારે નાસ્તો કરી, એક લેખ લખી, બપોરે બારના સુમારે ગંગાકિનારે પહોંચી ગયા. બપોરનો સન્નાટો હતો, પણ તહેવારની ઉજવણીનો માહોલ ક્યાંક ક્યાંક અહીંની નીરવ શાંતિને ખલેલ પહોંચાડતો હતો. વેદોના મંત્રોચ્ચાર કે ભજનો સાંભળવાની જુદી જ મઝા છે, પણ અહીં ઘાટ પર માઈક લગાડીને આવું બધું થાય છે ત્યારે તે ગંગાના પ્રદૂષણમાં ઉમેરો કરે છે. અને એમાંય કોઈ ભોજપુરી ગીત હતું જેમાં શંકર-પાર્વતી એકબીજાને ‘ઓ ગણેસ કે પાપા’ અને ‘ઓ ગણેસ કી મમ્મી’ કહીને સંબોધતા હતાં તે તો ખરેખર ત્રાસ હતું.

પણ અહીં અમે કોણ કેવો ત્રાસ ગુજારે છે એની નોંધ કરવા નહોતા આવ્યા. એકાગ્ર થવાનું નક્કી કરીએ તો થોડીક પ્રેકટિસ બાદ તમારા કાન પાસે જ કોઈ ધડાકો કરે તોય તમે વિચલિત નથી થતાં. કંઈક એવા જ ટ્રાન્સમાં અમે સામેની ગંગાજીનાં દર્શન કરતાં કરતાં, ભરબપોરે ઘાટના પગથિયાં પર બેસીને આ સિરીઝનો પ્રથમ લેખ લખ્યો. પૂરો કર્યો ત્યારે જાણે ટ્રાન્સમાંથી બહાર આવ્યા હોઈએ એવું લાગ્યું. ભવિષ્યમાં આ ઘાટ ‘ગુડ મૉર્નિંગ ઘાટ’ તરીકે ઓળખાવાનો! કેમ નહીં?

બપોર પછી ભૂખ ઉઘડી. બે ઑપ્શન હતા, જો શહેરમાં અંદર ન જવું હોય તો. એક ‘જુકાસો ગેન્જીસ’ કરીને વેલકમ ગ્રુપની ફાઈવ સ્ટાર હૉટેલની રેસ્ટોરાંમાં જઈને ખાવું, અને બીજો વિકલ્પ હતો ‘વાટિકા’ નામના ઓપનએર પિઝેરિયામાં જવું. પેલી અમે જ્યાં બેઠા છીએ ત્યાંથી ઘણી દૂર છે, મણિકર્ણિકા ઘાટથી પણ આગળ. અને ‘વાટિકા’ નજીકમાં જ છે, તુલસી ઘાટ પાસે. બેઉ જગ્યાએથી તમે ગંગાજીના દર્શન કરતાં કરતાં ભાવતાં ભોજન કરી શકો છો. ‘જુકાસો’નું ખાવાનું ઓકીડોકી છે અને ‘વાટિકા’ના પિત્ઝા વખણાય છે એવું અમે સાંભળ્યું હતું. છેવટે અમે નક્કી કર્યું કે દૂર જવાને બદલે નજીકની ‘વાટિકા’માં જ જઈએ. અમારા કન્સિડરેશનમાં એક માત્ર ગણતરી મોંઘી કે સસ્તી જગ્યાની જ હતી! જોકે, ‘વાટિકા’ પણ કંઈ સાવ સસ્તી જગ્યા નથી. અહીં વિદેશીઓ ઘણા આવે છે એટલે પિત્ઝાનો અને એપલ પાઈના સ્વાદમાં એમને ધ્યાનમાં રાખવામાં આવે છે જે સાદું જ છે. ‘વાટિકા’માં બેસીને એક વધુ લેખ લખ્યો. આજે કુલ ત્રણ લેખ લખાયા, પણ જાણે રમતાં રમતાં લખાઈ ગયા હોય એવું લાગ્યું.

આકાશમાં સંધ્યાના રંગો ઉતરી રહ્યા છે. એક વાર તો ગંગાજીમાં નૌકાયન કરીને ઘણા બધા ઘાટ જોઈ લીધા છે. આજે ઘાટ જોવા માટે નહીં, પણ નૌકાવિહારનો આનંદ માણવા માટે ફરી એકવાર હોડીવાળા પાસે જઈએ છીએ. મોટરવાળી નૌકા નથી જોઈતી, હલેસાંવાળી જોઈએ છે જેથી નિરાંતે વહ્યા કરે અને કોઈ અવાજ ન કરે. માત્ર પાણીમાં હલેસાં પડે અને જળ કપાય તે વખતે જે કર્ણમધુર અવાજ આવે તે જ સંભળાય.

સાંજના પાંચ વાગ્યાથી બે કલાક સુધી ભરપૂર નૌકાયન કરીને અમે અસ્સી ઘાટ પાછા ઊતર્યા. કોઈ પૂછે કે આજે તમે બનારસમાં શું શું કર્યું? તો શું જવાબ આપવાનો? કશું જ નહીં, બસ બનારસને માણ્યું.

પ્રવાસો બે રીતના હોય છે. એક વ્હિસલ સ્ટૉન ટૂર્સ. આઠ દિવસ સાત રાત્રિમાં અડધું યુરોપ ફરી વળવાનું. દાયકાઓ પહેલાંની એક અંગ્રેજી ફિલ્મ છે: ‘ઈફ ઈટ્સ ટ્યુઝડે ઈટ મસ્ટ બી બેલ્જિયમ.’ શહેરમાં જોવાં જેવાં સ્થળો પર થપ્પો મારીને તરત બીજા શહેરમાં આ રીતે એક પછી એક દેશ પતાવતાં જવાનું અને પાસપોર્ટ પર થપ્પા લગાવડાવતાં જવાનું. પિક્ચર પોસ્ટકાર્ડ મેમરીઝને લઈને અને બૅગમાં સુવેનિયરો ભરીને ઘરે પાછા આવી જવાનું. આ વર્ષે યુ.એસ.નો ઈસ્ટ કોસ્ટ પતાવી દીધો છે, નેકસ્ટ સમર વેસ્ટ કોસ્ટ પતાવી દઈએ એટલે પછી ખાલી અલાસ્કા બાકી. એક આ રીત છે પ્રવાસની.

બીજી રીત છે કોઈ પણ શહેરમાં જઈને દિવસો, અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી રહીને ત્યાંનું કલ્ચર, ત્યાંની પ્રજાની વિશિષ્ટતાઓ, ત્યાંની હવાને શ્ર્વાસમાં ભરીને સમૃદ્ધ થવાનું. ‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં મારું કે તમારું કોઈ કામ કરવા આવ્યો છું’ એવી કવિતા સર્જનારા નિરંજન ભગત પોતાના પ્રિય ફ્રેન્ચ કવિ બોદલેરની કવિતાને જાતે ઓરિજિનલમાંથી ટ્રાન્સલેટ કરી શકે એ માટે ફ્રેન્ચ શીખેલા એટલું જ નહીં પેરિસ જઈને મહિનાઓ સુધી ત્યાં રહેલા, રખડેલા. મારે હિસાબે રિયલ પ્રવાસી આમને કહેવાય. જીવ્યા કરતાં જોયું ભલું અહીં સાર્થક થાય. બાકી તો ગાઈડબુક્સમાંથી કે ગૂગલ પરથી તમને જે સ્થળની જે માહિતી જોઈએ તે મળી જ રહેવાની છે. ડિસ્કવરી જેવી ચેનલો પર કે યુ ટ્યુબ પર તમને એ સ્થળોનું સૌંદર્ય પણ જોવા મળવાનું છે. દેશના પર્યટન વ્યવસાયને બઢાવો આપવા માટે દરેક જગ્યાએ ટૂરિસ્ટ કલ્ચર હોવાનું અને ઘરે બેસીને પંચાત કરવા કરતાં આ રીતે તો આ રીતે ફરવા નીકળી પડવું સારું જ છે. પણ મારી અંગત ચોઈસ કવિ નિરંજન ભગત ટાઈપના પ્રવાસની છે. જે સ્થળે ગયા હોઈએ તે સ્થળ પોતીકું ન બની જાય ત્યાં સુધી ત્યાં રહેવાનું, એને માણવાનું. કોને ખબર ભવિષ્યમાં એ તમારું બીજું ઘર બની જાય! હું બહુ ફર્યો નથી, ફરતો નથી, ફરી શકતો નથી, પણ માથેરાન મારા માટે આવું સેક્ધડ હોમ છે. બનારસમાં આવ્યા પછી બીજે-ત્રીજે દિવસે રાધેશ્યામજી પોદ્દાર નામના એક વડીલે મને પૂછ્યું કે અહીં આવીને બોર તો નથી થતા ને! મેં કહ્યું: તાઉજી, અહીં તો દિવસો ઓછા પડશે એવું લાગે છે ને ટૂંક સમયમાં ફરી વાર આવવું પડશે.

અને ખરેખર અમે નીકળતા હતા ત્યારે અમારા મિત્ર જાલાનજીએ પણ કહ્યું: બહુ ઓછા દિવસ માટે તમે આવ્યા, હવે નેકસ્ટ ટાઈમ નિરાંત કાઢીને આવો!

ટિપિકલ ટૂરિસ્ટ મેન્ટાલિટી ધરાવનારાઓને એક જ શહેરમાં પાંચ-પાંચ દિવસ સુધી ‘પડી રહ્યા’ પછી ‘નિરાંત કાઢીને’ ફરી પાછા આવવાનો અર્થ જ નહીં સમજાય.

આજે રાત્રે પંડિત રોનુ મજુમદારનું વાંસળીવાદન સાંભળ્યું. એમની સાથે જુગલબંદીમાં એમનાથી ય સિનિયર એવા વાદક હતા. કાદરી ગોપાલનાથ જેઓ સેક્સોફોન વગાડતા હતા, અને તેય કર્ણાટકી શૈલીમાં! હેલનજી સંપૂર્ણ અંગ ઢંકાય એ રીતે મીરાંનું ભજન ગાતા હોય એવી ફીલિંગ થાય. સેક્સોફોનના આ પ્રકારના વાદનને બાંસુરીવાદન સાથે સાંભળવાનો રોમાંચ અનેરો હતો. કાર્યક્રમમાં અમારી ઓળખાણ રામાનન્દજી નામના સજ્જન સાથે થઈ. એમનો ભગવો પહેરવેશ, માળા, સફેદ દાઢી, તિલક વગેરે જોઈને અમે એમને સાધુ માનીને પરંપરા અનુસાર વંદન કરીને આદર આપીએ છીએ ત્યાં જ અમને કહેવામાં આવ્યું કે તેઓ સાધુ જેવા લાગે છે, પણ સાધુ નથી, પણ બાય ધેટ ટાઈમ અને અમે નીચા વળીને એમને વંદન કરી ચૂક્યા હતા. અજાણતાં કોઈનું અપમાન થઈ જાય એના કરતાં અજાણતામાં કોઈને વંદન કરીને આદર અપાઈ જાય તે સારું. જોકે, બીજા દિવસે મોડી સાંજે અમે રામાનન્દજીને નિરાંતે મળ્યા ત્યારે છૂટા પડતી વખતે અમે એમને ફરી ભાવપૂર્વક વંદન કર્યા અને કહ્યું: ગઈ કાલે તમારા વેશને વંદન કર્યાં હતાં, આજે તમારા કાર્યને કરું છું.

એવું તે કયું કાર્ય કરી રહ્યા હતા રામાનન્દજી, કૅન યુ ગેસ?

એક ટિપ: એ જે ક્ષેત્રમાં હતા તે ક્ષેત્ર મારા ભાવવિશ્ર્વની ખૂબ નજીકનું છે. (આયમ, શ્યોર કે તમે ખોટી કલ્પના કરી રહ્યા છો! આ હતી બીજી ટિપ!)

વધુ કાલે.

આજનો વિચાર

લગ્ન પહેલાં દુનિયા ફરી લેવી જોઈએ.
લગ્ન પછી દુનિયા ફરી જાય છે.

– સ્વામી પરણેલાનંદ

(વૉટ્સઍપ પર વાંચેલું)

એક મિનિટ!

અતિશય ગરમીમાં
શેરડીનો રસ
લીંબું શરબત
તરબૂચનો રસ
કે ગમે તેટલાં કોક-પેપ્સી પીઓ
પણ ઠંડક તો ત્યારે જ થાય
જ્યારે ઘરવાળી પિયર હોય
ને ફ્રિજમાં ચિલ્ડ બિયર હોય.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 9 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *