પંડિત રવિશંકર અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંનું બનારસ

પંડિત શિવકુમાર શર્મા પર્સનલી અમારા માટે શાસ્ત્રીય સંગીતનો કક્કો ઘૂંટાવનાર સંગીતકાર છે. હાલાં કિ હજુય અમે આ ક્ષેત્રે કક્કાથી સહેજ પણ આગળ નથી વધ્યા પણ એમના સંતુરવાદનથી શાસ્ત્રીય સંગીત સાંભળવાની અમે શરૂઆત કરી ત્યારે જઈને હવે અમે કાનસેન બની શક્યા છીએ અને છેલ્લે છેલ્લે ધ્રુપદ શૈલીમાં ગવાતા રાગોને પણ માણી શકીએ છીએ. કાનસેન છીએ એ જ પૂરતું છે. તાનસેન તો આવતી સાત નહીં, આગામી ૭૦૦ પેઢીમાંય નહીં થઈ શકીએ.

પંડિત શિવકુમાર શર્મા (ઉં. વ. ૭૯)એ ૧૯૬૭માં બાંસૂરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા (અને બ્રિજભુષણ કાબરા-ગિટાર) સાથે મળીને ‘કૉલ ઑફ ધ વેલી’ નામની એક એલ.પી. બનાવેલી જેની કૅસેટ વર્ષો પછી સાંભળી અને ત્યારથી શાસ્ત્રીય સંગીતમાં રસ પડવા માંડેલો. ઈન્સિડેન્ટલી દસેક વર્ષ અગાઉના કોઈ ઈન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કહેલું કે સંગીતમાં આ એમનું સૌથી પ્રિય આલબમ છે. આર. ડી. બર્મન વિશેની આ કૉલમમાં લખાયેલી સિરીઝના એક લેખમાં તમે વાંચ્યું હશે કે પંડિત શિવકુમાર શર્મા તબલાં અને સંતુર-બેઉ સરસ વગાડતા. પણ ૬૦ના દાયકામાં એમણે નક્કી કર્યું કે હવે માત્ર સંતુર પર જ કૉન્સન્ટ્રેટ કરવું છે. તબલાં વગાડવાનું છોડી દીધે વરસો વીતી ગયા બાદ એક દિવસ આર. ડી.એ એમને કહ્યું કે પિતાજીની ફિલ્મ આવી રહી છે ‘ગાઈડ’, એના એક ગીત માટે તમારે તબલાં વગાડવાનાં છે. મિત્રને પંડિતજી ના ન પાડી શક્યા. મૌસે છલ કિયે જાય ગીતમાં આરંભમાં તમે પંડિત શિવકુમાર શર્માએ તબલાં પર જમાવેલી રમઝટ સાંભળી શકો છો. એ પછી શિવજીએ ફિલ્મોમાં ક્યારેય તબલાં વગાડ્યાં નથી. સંતુર ઘણી ફિલ્મોમાં વગાડ્યું અને અફકોર્સ પં. હરિપ્રસાદ ચૌરસિયા સાથે ‘સિલસિલા’ (૧૯૮૦), ‘ચાંદની’ (૧૯૮૯), ‘લમ્હે’ (૧૯૯૧) અને ‘ડર’ જેવી ફિલ્મોમાં (બધી યશ ચોપરાની) યાદગાર સંગીત પણ આપ્યું.

પદ્મવિભુષણ પંડિત શિવકુમાર શર્માને અત્યારે બનારસમાં જે રીતે સાંભળવાનો લહાવો મળ્યો તે જ રીતે ગયા વર્ષે મુંબઈમાં એક મિત્રના જુહુના બાર માળના બંગલાની અગાસી પર સાંભળવાનો મોકો મળ્યો હતો. હૉલ કે ઑડિટોરિયમમાં પહેલી હરોળમાં બેઠા હો તેનાથી પણ સાવ નજીક બેસીને આત્મીયતાથી આવા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા કળાકારને સાંભળવાનું સદ્ભાગ્ય એક નહીં પણ બે વાર મળે ત્યારે ગંગામાં નહાયા વગર જ તમારાં બધાં પાપ ધોવાઈ જાય.

પંડિતજીના સંતુરવાદનને બૅકગ્રાઉન્ડમાં સાંભળતાં સાંભળતાં બનારસના સંગીત વારસાની થોડીક વાતો ટૂંકમાં ફરી લઈને પ્રવાસડાયરી આગળ લંબાવીએ.

બનારસ ભારતની જ નહીં, વિશ્ર્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાની નગરી છે. ભગવાન શિવજીએ આ શહેર વસાવ્યું એટલે સ્થાપનાથી જ અહીં સંગીત અને નૃત્યની પરંપરા વિકસી છે. અપ્સરાઓ, ગાંધર્વો અને ક્ધિનરોએ અહીં સંગીત-નૃત્યની આરાધના કરી.

સુરદાસ, કબીર, રવિદાસ, તુલસીદાસ અને વલ્લભાચાર્યે ભક્તિસંગીતમાં પોતપોતાની રીતે અનોખું યોગદાન આપ્યું. આ પરંપરા આધુનિક સમયના સંગીતકારોએ પોતાની રીતે આગળ ધપાવી જેમાં સિતારવાદક પંડિત રવિશંકર, શરણાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં અને કંઠ્ય સંગીતમાં ગિરિજા દેવીએ આગળ વધારી. યુનેસ્કોેએ વિશ્ર્વના ‘સંગીત શહેરો’ (સિટીઝ ઑફ મ્યુઝિક)ની યાદીમાં વારાણસીને મોખરાનું સ્થાન આપેલું છે.

પં. કિસન મહારાજ, પં. સામતા પ્રસાદ, પં. કુમાર બોસ અને પં. સમર સાહાના ઉલ્લેખ વિના વારાણસીનો સંગીત ઈતિહાસ અધૂરો રહે. મિયાં તાનસેનનો જન્મ પણ વારાણસીમાં થયો હતો એવું મનાય છે.

ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંસાહેબનું નામ પંડિત શિવકુમાર શર્મા કરતાં ઘણું સિનિયર પણ એ અમારા જીવનમાં બીજા આવ્યા. પછી તો અનેક મહારથીઓ આવ્યા. ઉસ્તાદ અલ્લારખા, પંડિત રવિશંકર, ઉસ્તાદ વિલાયત ખાં, પંડિત પન્નાલાલ ઘોષ વગેરે શાસ્ત્રીય સંગીતના મહારથીઓનાં નામ સાવ નાનપણમાં અમને મોઢે થઈ ગયેલાં, તેઓ કયું વાદ્ય વગાડવામાં પારંગત છે અને સદેહે કેવા દેખાય છે એની છાપ નાનપણમાં જ ચિત્ત પર અંકિત થઈ ગયેલી. અમારા વાણિયા કુટુંબમાં સંગીત તો માત્ર રેડિયો સિલોન પર વાગતા બિનાકા ગીતમાલા અને આકાશવાણી મુંબઈ ‘એ’ કેન્દ્ર પર સવારે પોણા નવ વાગ્યે આવતા ગુજરાતી સુગમ સંગીતના પંદર મિનિટના કાર્યક્રમ ‘ગીતગુંજન’ પૂરતું જ સીમિત હતું, પણ ઘરમાં દર વર્ષ એર-ઈન્ડિયાનું મોટું ભીંતકૅલેન્ડર કોઈકના તરફથી આવતું જેમાં દરેક વખતે અલગ અલગ થીમ રહેતી. આવા જ એક કૅલેન્ડરમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની થીમ. એક આખો મહિનો પંડિત રવિ શંકરને જોયા કરીએ અને ક્યારે મહિનો પૂરો થાય અને ક્યારે એ પાનું ફાડીને સ્કૂલની ચોપડીનું પૂઠું બનાવીને મિત્રોમાં વટ પાડીએ એટલું જ આકર્ષણ આ મહાનુભાવો માટે. પણ કેવું છે ને નંઈ? મોટા થયા પછી આ જ બધા મહારથીઓ જે સબકૉન્શિયસમાં વસી ગયા હશે તે વખત જતાં કાયમી ધોરણે ચિત્તમાં વસી ગયા.

બનારસ અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં એકબીજાથી અભિન્ન એવાં નામ. વર્ષો પહેલાં નામી ફોટોગ્રાફ્ર રઘુ રાયે એક મેગેઝિન માટે બિસ્મિલ્લા ખાંની એમના બનારસના ઘરમાં તેમ જ બનારસના વિવિધ સ્થળોએ ખેંચેલી તસવીરોનું ફોટો આલબમ જોયું હતું. થોડાક વર્ષ પહેલાં બિસ્મિલ્લા ખાં સાહેબ પર ફિલ્માવેલી એક ડૉક્યુમેન્ટરી પણ ડીવીડી પર જોઈ હતી. હમણાં ગયા એક-બે મહિના પહેલાં જ યતીન્દ્ર મિશ્ર લિખિત ‘સુર કી બારાદરી’ નામનું પેન્ગવિને પ્રગટ કરેલું ઉ. બિસ્મિલ્લા ખાં વિશેનું નાનકડું (૯૦ પાનાં) હિંદી પુસ્તક વાંચ્યું અને એ જ ગાળામાં એમના ઘરમાંથી કેટલીક દુર્લભ શરણાઈઓની ચોરી થઈ જવાના સમાચાર પણ જાણ્યા.

ઉસ્તાદજી તો ર૦૦૬માં ૯૦ વર્ષની ઉંમરે જન્નતનશીન થઈ ગયા પણ, શરણાઈને એમણે આપેલો દરજ્જો કાયમ રહેવાનો. શરણાઈ એક જમાનામાં લોકસંગીતનું વાદ્ય ગણાતું. ઉસ્તાદજીએ એને શાસ્ત્રીય સંગીતની મહેફિલમાં લઈ આવ્યા. છ વર્ષની ઉંમરે એ કાશી આવ્યા. કાકા અલી બક્ષ ‘વિલાયતુ’ના શાગીર્દ તરીકે તાલીમ લીધી. આ કાકા કાશી વિશ્ર્વનાથના મંદિરમાં શરણાઈ વાદન કરતા. અમારું સદ્ભાગ્ય જુઓ આજે પંડિત શિવકુમાર શર્માના સંતુરવાદન પહેલાંનો કંઠ્ય સંગીતનો કાર્યક્રમ બીજા દિવસ પર મુલતવી રહ્યો એટલે અમને એની અવેજીમાં ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંના શિષ્યનું શહેનાઈ વાદન સાંભળવા મળ્યું. કાશીમાં આવી ધન્ય ઘડીઓ આવતી જ રહેવાની.

આજનો વિચાર

હવે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે કે હોળીના દિવસે દિલ્હીવાળાઓ પ્રહલાદને બદલે કેજરીવાલને બેસાડવાના છે. પ્રામાણિક હશે તો ઊની આંચ નહીં આવે.

-વૉટ્સ એપ પર વાંચેલું

એક મિનિટ!

આજકાલ લોકોના ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં વાંચવા મળે છે: મમ્મી ન્યુ, પાપા ટુ, વાઈફ ઑલ્ડ, વાઈફ ટુ, સાસુ જિયો…

( મુંબઇ સમાચાર : મંગળવાર, 7 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *