કાળ ભૈરવનાં દર્શને

બનારસી પાન જેટલું જ જગમશહૂર છે બનારસી સંગીત. બીએચયુની મુલાકાત પછી રાત્રે સંગીતના જલસામાં જવાનું છે. આજે સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્મા પધારવાના છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટી (બી.એચ.યુ.)માં હિંદીના પ્રૉફેસરની મુલાકાત નક્કી હતી પણ હવે સમય રહ્યો નહોતો. આવતી કાલે મહાશિવરાત્રિ નિમિત્તે અહીં રજા હતી અને આમેય આવતી કાલથી તેઓ થોડાક દિવસ રજા પર બહારગામ જવાના છે એટલે એમને મળવાનું થશે કાશીની આવતી મુલાકાતે. આમેય ફરી અહીં આવવા માટે કશુંક નિમિત્ત તો જોઈશે જ. જેમ કે, આ પ્રથમ મુલાકાતનું નિમિત્ત બન્યું હતું મિત્ર કૃષ્ણકુમાર જાલાનનું ત્રિદિવસીય સંગીત મહોત્સવ માટેનું નિમંત્રણ. જાલાનજીના પિતા તેમ જ એમના પિતાની સ્મૃતિમાં આ પરિવાર ૨૬ વર્ષથી નિયમિત ત્રણ દિવસનો સંગીતનૃત્યનો કાર્યક્રમ કરે છે. સૌને આમંત્રણ સૌનું સ્વાગત. આ વર્ષે આજના પહેલા દિવસે પં. શિવકુમાર શર્મા છે અને આવતી કાલે પં. રોનુ મઝૂમદારનું વાંસળીવાદન છે.

સંગીતના કાર્યક્રમમાં જતાં પહેલાં થોડી પેટપૂજા કરી લેવાની છે. કાર્યક્રમ સ્થળ પર તો બનારસની વિશિષ્ટ વાનગીઓના ભોજનનો સ્વરુચિ થાળ (આય મીન બુફે) છે જ પણ તે લાભ નવ વાગ્યે મળવાનો. અત્યારે સાંજે છ વાગ્યા છે. ત્રણ કલાક ચાલે એટલું પેટ્રોલ પુરાવી લેવું છે. જાલાનજીએ અમને કહી રાખેલું કે બીએચયુ જાઓ તો ત્યાંના પનીર પરાઠા અને કોલ્ડ કૉફી માણવાનું ભૂલતા નહીં. કૅમ્પસમાં ખાવાપીવાની ઘણી જગ્યાઓ છે. કાશી વિશ્ર્વનાથના મંદિરની બહાર તમે કોઈને પણ પૂછશો તો બતાવશે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના કૅમ્પસમાં આવેલું કાશી વિશ્ર્વનાથનું મંદિર ભલે મૂળ મંદિર જેટલું પ્રાચીન નથી પણ એનો મહિમા ઘણો છે. અનેક લોકો એ મૂળ મંદિરમાં દર્શન કરીને આ મંદિરે આવતા હોય છે. અહીં ફાયદો એટલો કે ભીડ ઓછી એટલે નિરાંતે દર્શન કરવા મળે. ઉપરાંત મંદિરના પરિસરની આજુબાજુમાં કોઈ ઔરંગઝેબે મસ્જિદ બાંધી દીધી નથી એટલે સિકયુરિટી ઓછી જેને લીધે દૂરથી, નજીકથી મંદિરના પરિસરમાં ફરીને એનું સ્થાપત્ય માણવા મળે.

યુનિવર્સિટી કૅમ્પસમાં તોતિંગ મંદિર ઊભું કરવાનો ક્ધસેપ્ટ પણ યુનિવર્સિટીના જન્મદાતા પં. મદનમોહન માલવીયજીનો જ. અમને આર્કિટેક્ટની મૂળ બ્લ્યુપ્રિન્ટ બતાડીને કહેવામાં આવ્યું કે મંદિરના પરિસરમાં જે ગાર્ડન છે એમાં પહેલાં બેઉ બાજુથી અર્ધ ગોળાકારમાં પાણીની નહેર કાઢવાની હતી. ગંગાજીનું પાણી અહીં સુધી લાવવાની યોજના હતી. એટલું જ નહીં, મંદિરના ગુંબજની હાઈટ અત્યારે છે એના કરતાં પણ સો ફીટ વધારે હતી પણ માલવીયજીના જીવતે જીવ એમને અંગ્રેજોની સરકાર નડી અને એમના મૃત્યુ બાદ, જ્યારે આઝાદી મળી તે પછી સ્વતંત્ર ભારત દેશની પહેલી સરકાર નડી. ન ગંગાજળની નહેર અપ્રુવ થઈ, ન ગુંબજની મૂળ ઊંચાઈને મંજૂરી મળી. મધ્ય ગુંબજની બેઉ બાજુના ગુંબજ. પણ નીચા જ રહી ગયા. આઝાદી મળ્યા પછી ભારતના અનેક સપૂતોને મરણોત્તર ભારતરત્નથી નવાજવામાં આવ્યા. પંડિત મદનમોહન માલવીયજીને આ સન્માન મોદીજી સત્તા પર આવ્યા તે પછી જ પ્રાપ્ત થયું.

પનીર પરાઠા માટે ફેમસ જે દુકાન હતી ત્યાં આજે પનીર નહોતું. તેઓ પનીર બહારથી નથી લાવતા. પોતાનું તાજું જ બનાવે છે. પણ કાલે મહાશિવરાત્રિનો ઉપવાસ હશે એટલે પનીર કોઈ નહીં ખાય એટલે આજે ઓછું બનાવ્યું હતું જે બપોર સુધીમાં પૂરું થઈ ગયું. હશે, જેવી ભોળાનાથની ઈચ્છા. અમે છોલે ભટૂરે મગાવી લીધા. એ પણ લાજવાબ. એકદમ ઑથેન્ટિક ટેસ્ટ. ગળું સાચવવા કોલ્ડ કૉફીને બદલે આઈસ વિનાનો ગંગાજમના જ્યુસ પીધો.

અહીંથી હવે દુર્ગા મંદિર જવાનું છે. મંદિરની પાછળના દુર્ગાકુંડની સામે જ અંધજન શાળા છે જ્યાંના નાનકડા એકદમ સાદાસીધા બેઠકખંડમાં ગાદલાં – પાથરણાં પાથરીને શ્રોતાઓને આવકારવામાં આવે છે. સામેના બહુ ઊંચા નહીં એવા આરસના સ્ટેજ પર પં. શિવકુમાર શર્મા ક્યારે પધારે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. બેઠક નાનકડી છે પણ આયોજન ભવ્ય છે. બનારસ દૂરદર્શનના ત્રણ મોટા કૅમેરા ટ્રોલી પર ગોઠવાયેલા છે. એ સિવાય બીજા બે નાના વીડિયો કેમેરા પણ ફરી રહ્યા છે. હૉલની બહાર દૂરદર્શનની આઉટડોર બ્રોડકાસ્ટિંગ (ઓ.બી.) વાન છે.

દુર્ગા મંદિર બાજુમાં જ છે છતાં દર્શન કરવા જવાયું નથી. આજે સવારે બનારસના બીજા એક વિખ્યાત મંદિરનાં દર્શને ગયા હતા. કાળ ભૈરવના આ મંદિરે રવિવારે મોદીજી પણ એમના ચૂંટણી પ્રચારના એક ભાગરૂપે ગયા હતા. તે જ કાળ ભૈરવના મંદિરે અમે સવારે દર્શનાર્થે ગયા ત્યારે વિચાર આવ્યો કે આપણી સંસ્કૃતિમાં કાળનું કેટલું મોટું મહત્ત્વ છે. કાળને આપણે દેવતા ગણીએ છીએ. એને નમન કરીને કહીએ છીએ કે કાલાય તસ્મેં નમ:. સમયને હંમેશાં પગે જ લાગવાનું હોય. એની શરણાગતિ સ્વીકારી લેવાની હોય. તમે ગમે એટલો પુરુષાર્થ કરીને તૂટી જાઓ, ગમે એટલાં ભવ્ય આયોજનોનાં મનોરથ કરો, તમારું નસીબ ગમે એટલું જોરદાર હશે, તમારી પાસે ઓળખાણોનો, ધનનો, કામ કરનારા માણસોનો અખૂટ જથ્થો હશે તો પણ સમય પોતાનું કામ કરવાનો જ. આ કાળ તમારા પર મહેરબાન હશે તો તમને એક ફૂંકે અહીંથી એવરેસ્ટ પર ચડાવી દેશે અને જો રૂઠશે તો માત્ર એક લાત મારશે ને તમને પાતાળમાં પણ જગ્યા નહીં મળે.

મંદિરોમાં મૂર્તિઓની સ્થાપના કરીને એનું પૂજન કરતા થયા એ પહેલાંની આપણી સંસ્કૃતિમાં, વેદ કાળથી આપણે પંચ મહાભૂતોની પૂજા કરતા આવ્યા છીએ. કાળની પૂજા કદાચ ત્યારથી શરૂ થઈ હશે. પછી એને મૂર્તિ સ્વરૂપે, કાળ ભૈરવ તરીકે પૂજતા થયા હોઈશું. વિદ્યા અને ધર્મ આપણે ત્યાં પરાપર્વથી એકબીજા સાથે સંકળાયેલાં છે. મદરેસાઓ તો દોઢેક હજાર વર્ષ પહેલાં આવી. ખ્રિસ્તી શાળા-કૉલેજોમાં અચૂક ચર્ચ હોવાનાં. આપણી શાળાઓમાં મંદિર હશે તો આપણા પર આક્ષેપ આવવાનો કે ‘તમે સેક્યુલર નથી’! ભારતની સૌથી મોટી યુનિવર્સિટી નામે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કાશી વિશ્ર્વનાથનું ભવ્ય મંદિર જોઈને હૃદયને અતિ સંતોષ થયો.

બનારસ આવીને તમે બીજાં ત્રણ કામ ન કરો તો અહીંની તમારી મુલાકાત અધૂરી ગણાય. કાશીનું જ્યારે રાજ્ય હતું ત્યારે કાશી નરેશ બનારસમાં રહીને નહીં પણ ગંગાજીના સામેના કિનારે રામનગરમાં કિલ્લો બાંધીને રહેતા અને ત્યાંથી જ શાસન ચલાવતા. કાશીમાં એક રાજા તો ઓલરેડી છે જ જે જગત આખાનું રાજ્ય ચલાવે છે – મહાદેવ – તો અહીં બીજા રાજાને સ્થાન નથી એવું કહીને એમણે સામે પાર રહેવાનું પસંદ કર્યું હતું. એ રામનગરમાં ભજવાતી વિશ્ર્વ પ્રસિદ્ધ રામલીલાનો ઈતિહાસ ઘણો જૂનો છે. બનારસમાં એક વિશિષ્ટ પ્રકારની પુસ્તકોની દુકાન છે. પુસ્તકોનું ભવ્ય મંદિર છે એમ કહેવું વધુ યોગ્ય ગણાશે. અને ભગવાન બુદ્ધે જ્યાં સૌપ્રથમ ઉપદેશ આપ્યો તે પવિત્ર ભૂમિ પણ બનારસથી બાર-તેર કિલોમીટરના અંતરે જ છે. સારનાથની આ ભૂમિએ આપેલો ચાર સિંહવાળો અશોક સ્તંભ ભારતે રાજમુદ્રા તરીકે સ્વીકાર્યો છે અને અશોક ચક્રને રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપેલું છે. હવે પછીના દિવસોની રૂપરેખા તમને આપી દીધી.

સંગીતના જલસામાં પાછળ એક ખૂણે ચાનું મોટું થર્મોસ છે. બાજુમાં માટીની કુલડીઓનો ઢગલો છે. ચા જમાવીને અમે ગાદીતકિયે ગોઠવાઈ જઈએ છીએ. જાલાનજીનો સેવક પાન લઈને આવે છે. બનારસમાં હોઈએ અને સંગીતની બેઠકમાં હોઈએ ને બનારસી પાનનું બીડું મોઢામાં ન હોય એવું કેવી રીતે ચાલે. પંડિત શિવકુમાર જોશી રાગ હંસધ્વનિથી મહેફિલનો આરંભ કરે છે. કર્ણાટકી સંગીતના આ રાગને હવે હિન્દુસ્તાની સંગીત શૈલીમાં ખૂબસૂરતીથી આપનાવી લેવામાં આવ્યો છે. રાત્રિના બીજા પ્રહરનો આ રાગ છે. સ્થળ, સમય અને શ્રોતા – સઘળુંય અનુરૂપ છે. પંડિત શિવકુમાર શર્માની સંતૂરના સૂરમાં ડૂબકી મારવી એ અમારા માટે ગંગાજીમાં માથાબોળ ડૂબકી લગાવવા જેટલું જ પવિત્ર કાર્ય છે.

આજનો વિચાર

આમ હરા હોતા હૈ લેકિન ઉસે એક દિન ભગવા હોના હી પડતા હૈ.

ઔર જો આમ ભગવા નહીં હોતા હમ ઉસકી ચટની બના દેતે હૈ.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

એન.ડી.ટી.વી.: આપ કો કૈસે પતા થા કી વો એબીવીપી કે ગુંડે થે?

ગુરમહેર કૌર: વો ભારત માતા કી જય કે નારે લગાતે રહે થે…

( મુંબઇ સમાચાર : સોમવાર, 6 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *