મારો આશય મારી જાત સિવાય કોઈને ભૂંડા ચીતરવાનો નહોતો : તારક મહેતા

‘સફળ માણસો જ આત્મકથા લખતા હોય છે. મને ઘણી લોકપ્રિયતા મળી છે છતાં હું મને સફળ માણસ ગણતો નથી, કારણ કે મારે જે બનવું હતું તે હું બની શક્યો નથી. તો મારે મારી નિષ્ફળતાઓ વિશે શા માટે ન લખવું?’

તારક મહેતાએ ‘ઍક્શન રિપ્લે’માં ‘લગીર’ શીર્ષક હેઠળની ટૂંકી પ્રસ્તાવનામાં આ લખ્યું છે. બે ભાગમાં પ્રગટ થયેલી તારક મહેતાની આ પ્રસ્તાવના અત્યારે બંધ થઈ ગયેલા એક ગુજરાતી પખવાડિક મેગેઝિનની આવૃત્તિમાં ધારાવાહિકરૂપે પ્રગટ કરી ત્યારે વાચકો સમક્ષ તારક મહેતાનું એક નવું જ સ્વરૂપ ઊઘડતું ગયું. જેઠાલાલ, ટપુડો અને રસિક સટોડિયો જેવાં મોર ધૅન અ ડઝન સદાબહાર પાત્રોની કથા કહેતી ‘દુનિયાના ઊંધા ચશ્માં’ની કૉલમના વાચકોને એમના પ્રિય લેખકની પર્સનલ લાઈફ વિશે અત્યાર સુધી કશી ખબર નહોતી. સામાન્ય વાચકો તો એમ જ માનતા કે તળ મુંબઈમાં આવેલી કોઈ ચાલીમાં જેઠાલાલના પાડોશી તરીકે લેખક રહે છે અને બેમાથાળા બૉસની ઑફિસમાં નોકરી કરે છે. ‘દુનિયાને ઊંધા ચશ્માં’માં આવતા તારક મહેતા એ ધારાવાહિક કૉલમના એક પાત્ર છે, રિયલ લેખક તારક મહેતા નહીં, એવું નૉર્મલ વાચક વિચારતો પણ નહીં. શું કામ વિચારે? એના માટે તો જેઠાલાલ જેટલા રિયલ હતા એટલા જ રિયલ ટપુડો, ત્ર્યંબક તાવડો અને તારક મહેતા હતા.

‘ઍક્શન રિપ્લે’નું એક એક પ્રકરણ પેલા ગુજરાતી મેગેઝિનમાં પ્રગટ થતું ગયું. એમ વાચકો સમક્ષ એક નવા જ તારક મહેતા પ્રગટ થતા ગયા. રિયલ તારક મહેતા. આટલા પ્રગટ તેઓ અગાઉ પોતાની જાત આગળ પણ નહીં થયા હોય એવી એવી નિખાલસ વાતો તેઓ લખતા ગયા. આનો અંજામ શું આવ્યો? ‘કહેવાનું બધું જ એમાં કહેવાઈ ગયું છે, બલકે જે નહોતું કહેવું જોઈતું એવું પણ કેટલુંક કહેવાઈ ગયું છે. નિખાલસતાના આવેશમાં કેટલાકનાં દિલ દુભાવ્યાં છે. એમની માફી માગી લઉં છું. ખાતરી આપું છું, મારો આશય મારી જાત સિવાય કોઈને ભૂંડા ચીતરવાનો નહોતો.’

આત્મકથાઓ મોટે ભાગે તો સ્વપ્રશસ્તિગાન હોય છે. સાહિત્યકારોની તો ખાસ. અને એમાંય ગુજરાતી લેખક હોય તો તો ચોક્કસ જ. પોતાની ભૂલોને જસ્ટિફાય કરીને પોતે કેટલા મહાન છે એવું વાચકોના મનમાં ઠસાવવાનો ઉપક્રમ દરેક લેખકનો હોય. પોતાના મર્યા પછી પોતે વાચકોમાં પૂજાવાના છીએ એવા વહેમથી અમે ગુજરાતી લેખકો પીડાતા હોઈએ છીએ. દરેક ગુજરાતી લેખકને નર્મદ, મુનશી અને મેઘાણીની જેમ અમર થઈ જવાની ખેવના હોય છે પણ એ મહાન સાહિત્યકારો જેવું સર્જન કરવાની ત્રેવડ એમનામાં નથી હોતી.

તારક મહેતાએ પોતાની જાતને મહાન સાહિત્યકારની પંગતમાં મુકાવાની ચિંતા રાખ્યા વિના પોતાની જિંદગી વિશે લખ્યું, જે સાચું હતું, જે સાચું લાગ્યું તે લખ્યું અને એટલે જ આ આત્મકથા ગુજરાતી સાહિત્યની સૌથી યાદગાર, સૌથી વાચનક્ષમ અને સૌથી ઑનેસ્ટ આત્મકથાઓની પ્રથમ પંગતમાં મુકાતી આવી છે.

અલમોસ્ટ અઢી દાયકા વીતી ગયા એને ધારાવાહિકરૂપે પ્રગટ થયે. હિન્દુઓની મજાક કરતા રહેલા પેલા ગુજરાતી પખવાડિક મૅગેઝિનનું તો બાળમરણ થઈ ગયું પણ આ સામયિક શરૂ થવાનો એક માત્ર તેમ જ ટ્રેમેન્ડસ લાભ ગુજરાતી વાચકોને થયો તે તારક મહેતાની આ ઑટોબાયોગ્રાફી. ૧૯૯૬માં એ પુસ્તકરૂપે પ્રગટ થઈ.

એ ગાળામાં તારકભાઈ અને ઈન્દુબેન મુંબઈ છોડીને કાયમ માટે અમદાવાદ વસી ગયાં હતાં. મુંબઈમાં ગ્રાન્ટ રોડ પાસેના નાનાચોકથી ભાટિયા હૉસ્પિટલની સામેની ગલીમાં તમે જાઓ એટલે ફોરજેટ હિલ આવે, જ્યાંથી ફોરજેટ સ્ટ્રીટ શરૂ થાય. ત્યાં નવજીવન સોસાયટી નામનું લાંબું પહોળું ઊંચું મકાન. છેક ઉપરના માળે, આઠમા માળે જ્યોતીન્દ્ર દવેનું ઘર. કૉલેજકાળમાં એક દિવસ એમને સિડનહૅમ કૉલેજના સાહિત્યમંડળના કાર્યક્રમ માટે નોતરું આપવા અને ત્યાર બાદ કાર્યક્રમના દિવસે એમને લેવા મૂકવા ગયો હતો. મોટા થયા પછી ‘ચિત્રલેખા’માં લખતો થયો ત્યારે એ જ મકાનમાં બીજા માળે રહેતા તારક મહેતાને ત્યાં પણ અવરજવર થતી. એક મોડી બપોરે કે વહેલી સાંજે એમની સાથે ડ્રિન્ક અને મન્ચિંગમાં ખીચડીની મઝા માણેલી. એ જ બિલ્ડિંગમાં તારક મહેતાની ઉપરના માળે હરીન્દ્ર દવે પણ રહેતા. જોકે, હરીન્દ્ર દવેના એ ઘરે જવાનું ક્યારેય થયું નહીં પણ વર્ષો પછી એક જ મિનિટના અંતરે આવેલા ‘કિસ્મત’ બિલ્ડિંગના એમના બીજા ઘરે ગયો છું.

એક જ મકાનમાં ગુજરાતીના ત્રણ-ત્રણ સાહિત્યકારો રહેતા હોય એવું ગુજરાતની બહાર ભાગ્યે જ જોવા મળે. હા, અમદાવાદમાં નવરંગપુરાની પ્રોફેસર્સ કૉલોનીમાં તમને જથ્થાબંધ ઉત્તમ કોટિના ગુજરાતી સાહિત્યકારો રહેતા જોવા મળે.

તારક મહેતા મુંબઈ છોડી ગયા એ અમારા સૌ માટે બહુ મોટી ખોટ હતી. અમે તો એમની આગળ ઉંમર, અનુભવ, કક્ષા અને બીજી બધી રીતે સાવ જુનિયર કહેવાઈએ, પણ એમના સરખેસરખાંને તારકભાઈના અમદાવાદ ગમનથી ઘણી ખોટ પડી. હરકિસન મહેતા સહિતના એમના લેખકમિત્રો તેમ જ ગુજરાતી નાટ્યજગતના જૂના જોગીઓ એમને બહુ મિસ કરતા.

હ્યુમર રાઈટર તરીકે બેમિસાલ એવા તારક મહેતાએ ગુજરાતી રંગમંચ માટે અનેક મૌલિક નાટકો લખ્યાં, અનેક રૂપાંતરો આપ્યાં. તારકભાઈ ટપુડાની કૉલમના સફળ રાઈટર બન્યા એ પહેલાં ગુજરાતી રંગમંચના અતિ સફળ રાઈટર હતા, મોંઘા પણ ખરા. હ્યુમર ઉપરાંત એમની કલમ ભાષાના દરેક સ્તર પર અધિકારપૂર્વક ચાલે.

બર્નાર્ડ સ્લેડનું એક નવું નાટક ‘સેમ ટાઈમ નેક્સ્ટ યર’ એ અરસામાં બ્રૉડવે પર આવેલું જેના પરથી એ જ નામ હૉલિવુડમાં ફિલ્મ પણ બની – ચાર ઑસ્કાર મળેલા. ૧૯૭૫-૭૮ની આ વાત. આઈ.એન.ટી.એ. તારક મહેતા પાસે આ મૂળ નાટકની વનલાઈનર પરથી એક ગુજરાતી નાટક બનાવ્યું ‘મૌસમ છલકે’. પ્રવીણ જોષીનું ડાયરેક્શન અને હીરો અરવિંદ જોષી, હિરોઈન સરિતા જોષી. (પ્રવીણ જોષીએ શરૂના ૩૫-૪૦ શોઝ કર્યા પણ ૧૯૭૯ના જાન્યુઆરીની ૧૯મીએ એમનું અકાળે અવસાન. એ પછી અરવિંદ જોષીએ બાકીના શોઝ કર્યા). નાટક સુપરહિટ. એક પરિણીત પુરુષ અને એક પરિણીત સ્ત્રી એકમેકના પ્રેમમાં પડે છે પણ સાથે રહી શકે એમ નથી. દર વર્ષે એક વાર મળવું એવું નક્કી કરે છે. યુવાનોથી વૃદ્ધાવસ્થા સુધી દર વર્ષે એ જ દિવસે, એ જ હૉટેલના રૂમમાં તેઓ સાથે રહે. જમાનો બદલાતો જાય, બેઉ વ્યક્તિઓમાં પણ આંતરિક/બાહ્ય ફેરફારો આવે, એમનાં કુટુંબો, એમનું વાતાવરણ – બધામાં ફેરફારો આવે – પણ બેઉ વચ્ચેનો પ્રેમ અકબંધ. સુંદર નાટક.

જોકે, કેટલાક ભદ્ર લોકોને આ નાટક ‘અભદ્ર’ લાગેલું અને એક ગાંધીવાદીએ તો આ નાટકનાં છોતરાં ઉડાડતું ચર્ચાપત્ર પણ છાપામાં છપાવેલું જેનું શીર્ષક આપેલું ‘ગટર છલકે’!

શફી ઈનામદારે ગાલિબના શેરના એક અંશનું શીર્ષક આપીને આ નાટક પૃથ્વી થિયેટરમાં હિંદીમાં સક્સેસફુલી ભજવ્યું ‘બિન આયે ના બને’. અત્યારે અરવિંદ જોષીના પુત્ર શર્મન જોષી પણ આ નાટક ભજવી રહ્યા છે.

પણ તારક મહેતા નાટ્યલેખક નહોતા બનવા માગતા. કૉલમનિસ્ટ તો ક્યારેય નહીં. તારક મહેતા અભિનેતા બનવા માગતા હતા. બને તો હીરો. પોતાનો સાઈડ ફેસ રાજ કપૂર જેવો છે એવો પોતાને વહેમ છે એવું એક જમાનામાં કહેતા. હકીકતમાં એ વહેમ નહોતો. ખરેખર એવા લાગતા. સ્ટેજ અભિનય કર્યો પણ ખરો. પણ અભિનેતા ન બની શક્યા. એટલે જ એમણે આત્મકથાની પ્રસ્તાવનામાં પોતે નિષ્ફળ હોવાની વાત કરી.

અને મઝાની વાત જુઓ. આ નિષ્ફળતા પણ કેવી! ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’માંથી છેલ્લા દાયકા દરમિયાન લેખકને કરોડો રૂપિયાની કમાણી કરાવી આપે એવી!

તારક મહેતાની આત્મકથાની કેટલીક ખૂબ ઈન્ટરેસ્ટિંગ વાતો તારવી છે. આવતા રવિવારે.

કાગળ પરના દીવા

હું મહાન નથી, મામૂલી પણ નથી. હું આસ્તિક નથી, નાસ્તિક નથી. ડાહ્યો નથી, મૂર્ખ નથી. પ્રામાણિક નથી, અપ્રામાણિક નથી. સંવેદનશીલ નથી, જડ પણ નથી. મરવાની મને ઉતાવળ નથી, જીવનનો મોહ નથી.

– તારક મહેતા (‘એક્શન રિપ્લે’માં)

સન્ડે હ્યુમર

કુંવારો મિત્ર: યાર, તારું બલ્ડગ્રુપ કયું છે?

પરણેલો મિત્ર: મારી વાઈફને પૂછ, એ જ પીતી હોય છે.

( મુંબઇ સમાચાર : રવિવાર, 5 માર્ચ 2017)

1 comment for “મારો આશય મારી જાત સિવાય કોઈને ભૂંડા ચીતરવાનો નહોતો : તારક મહેતા

  1. mdgandhi21@hotmail.com
    March 5, 2017 at 11:00 AM

    બહુજ સરસ જાણકારી આપી છે.

    મનસુખલાલ ગાંધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *