મધુર મનોહર અતીવ સુન્દર, યહ સર્વવિદ્યા કી રાજધાની

વારાણસી શહેરનો નકશો જુઓ તો નીચે દક્ષિણ તરફના લંકા વિસ્તારનો એક ખાસ્સો મોટો એવો ચન્ક તમને બનારસ હિન્દુ યુનિવર્સિટી-(બીએચયુ)નો દેખાય. આ યુનિવર્સિટી ફરતે બાઉન્ડરી વૉલ બનાવવાનો ખર્ચ જ ઘણો મોટો થયો હતો. પંડિત મદન મોહન માલવીય આ કાશી હિન્દુ વિશ્ર્વવિદ્યાપીઠના નિર્માણ માટે સૌ કોઈની આગળ ઝોળી ફેલાવતા. હૈદરાબાદના કંજૂસ નિઝામ આગળ પણ ફેલાવી. નિઝામને કોઈએ ફૂંક મારી દીધેલી કે પંડિતજી તો હિંદુ યુનિવર્સિટી બાંધવા માટે ફંડફાળો ઉઘરાવવા આવી રહ્યા છે. નિઝામે પંડિત મદન મોહન માલવીયને કહું કે મારી પાસે તો કંઈ ધન છે નહીં, જોઈએ તો મારી આ મોજડીઓ પણ પગમાંથી ઉતારીને તમને આપી દઉં, બાકી તો હું કંગાળ છું.

પંડિતજી નિઝામની દાનત સમજી ગયા. નિઝામે ધાર્યું હતું કે મારાં પગરખાંને ઊંચકીને લઈ જવાનું અપમાનજનક કામ તો પંડિતજી કરવાના નથી. પણ પંડિતજીએ નિઝામનો આભાર માનીને મોજડીઓ લઈ લીધી. થોડા વખત પછી નિઝામને ખબર પડી કે યુનિવર્સિટી જ્યાં ઊભી થવાની છે તેના ચૌરાહા પર ઓટલો બનાવીને પંડિતજીએ મોજડીઓ મૂકી છે અને જતાઆવતા સૌની પાસે બોલી લગાવીને હરાજી શરૂ કરી છે, એમ કહીને કે, આપણા નિઝામની આર્થિક હાલત અત્યંત કપરી થઈ ગઈ છે, એમણે પોતાની મોજડી પણ વેચવી પડે એમ છે તો આપણે એની સારામાં સારી કિંમત એમને અપાવીએ.

નિઝામે પોતાની આબરૂનું લિલામ થતું અટકાવવા પંડિતજીને પાછા બનારસથી હૈદરાબાદ આવવાનું આમંત્રણ આપ્યું અને દાન માટે રકમ આપવાની તૈયારી દેખાડી. નિઝામના નામની હૉસ્ટેલ બાંધવાનું કહીને દાનની રકમ લઈને પંડિતજી પાછા આવ્યા. થોડા મહિના પછી નિઝામને ખબર પડી કે હૉસ્ટેલનું બાંધકામ તો હજુ શરૂ થયું નથી અને પંડિતજીએ બધા પૈસા વાપરી કાઢ્યા છે. પૂછતાછ કરતાં ખબર પડી કે બધી જ રકમ બાઉન્ડરી વૉલ બાંધવામાં વપરાઈ ગઈ છે અને હજુય એ અધૂરી છે. નિઝામે પૂછ્યું તો માલવીયજીએ કહ્યું કે હૉસ્ટેલના જે વિદ્યાર્થીઓ રહેશે તેમને આસપાસના જંગલ વિસ્તારમાંથી આવી શકનારા પ્રાણીઓથી બચાવવા પહેલાં બાઉન્ડરી વૉલ તો બાંધવી જ પડે ને. તમે હજુ થોડા પૈસા આપો તો પહેલાં બાઉન્ડરી વૉલનું બાંધકામ પૂરું કરી લઈએ પછી હૉસ્ટેલનું મકાન ચણીએ. આમ કરતાં કરતાં માલવીયજી નિઝામ પાસેથી પૈસા લેતા ગયા, લેતા ગયા અને કહે છે કે નિઝામનો સાઠ ટકા ખજાનો એમણે બાઉન્ડરી વૉલ બનાવવામાં જ વાપરી નાખ્યો. બાકીના પૈસામાં ભવ્ય હૉસ્ટેલો બનાવી અને નિઝામ ખરેખર કંગાળ થઈ ગયો!

આવી તો અનેક કથાઓ પંડિત મદનમોહન માલવીય અને બનારસ હિન્દુ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. યુનિવર્સિટીનો કૅમ્પસ પગે ચાલીને તો એક દિવસમાં જોવો અશક્ય એટલો લાંબો-પહોળો વિસ્તાર. બીએચયુમાં આઈ.આઈ.ટી. છે અને આયુર્વેદિક ફેકલ્ટી પણ છે. એગ્રીકલ્ચરથી માંડીને બિઝનેસ મૅનેજમેન્ટ સુધીની વિદ્યાઓનું આ મોટું ધામ છે. આયુર્વેદ ફેકલ્ટીના પેથોલોજિ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા યુવાન અનુભવી ડૉ. અનુરાગ પાન્ડેય એમની કારમાં અમને આખી યુનિવર્સિટી ફેરવી રહ્યા છે. આંતરિક રસ્તાઓ એટલા પથરાયેલા છે કે એક વખત તો એ પોતે ભૂલા પડી ગયા અને યુટર્ન મારીને પાછા સીધા રસ્તે ગાડી લીધી. સંસ્કૃત, સાહિત્ય, કૉમર્સ, વિજ્ઞાન, લૉ, પરફોર્મિંગ આર્ટ્સ ઉપરાંત અહીંની વિઝયુઅલ આર્ટ્સની ફેકલ્ટી પણ ઘણી જાણીતી છે. ‘બાહુબલી’ ફિલ્મના એનિમેશન માટે આ ફેકલ્ટીના બસોથી વધુ વિદ્યાર્થીઓએ રાતદિવસ મહેનત કરી હતી. ફિલ્મમાં એ સૌની ક્રેડિટ છે.

ડૉકટર અનુરાગ સાથે વાત કરતાં મેં કહ્યું કે અહીં આવીને મને તો ખબર પડી કે કાશી માત્ર સંસ્કૃતની વિદ્યા પ્રાપ્ત કરવાનું જ કેન્દ્ર નથી, સંગીત અને આયુર્વેદ જેવી ઘણી વિદ્યાઓનું આ ધામ છે. ડૉ. અનુરાગે તરત જ ઉત્સાહમાં આવીને અમને કહ્યું: ‘સૌરભજી, આપને હમારી યુનિવર્સિટી કા કુલગાન સુના હૈ? યુ ટ્યુબ પર હૈ: મધુર મનોહર અતીવ સુન્દર, યહ સર્વવિદ્યા કી રાજધાની…’

બીએચયુનું આ જોશીલું કુલગાન ડૉ. અનુરાગનું ત્રણ ચાર વરસનું પોયરું ઘરમાં રોજ સાંભળે અને સાથે સાથે ગાય પણ. ડૉ. શાન્તિસ્વરૂપ ભટનાગર રચિત આ અતિ પ્રસિદ્ધ કુલગાનથી અમે અત્યાર સુધી સાવ બેખબર હતા. (ડૉ. ભટનાગર સાહિત્યના નહીં કેમિસ્ટ્રીના પ્રોફેસર હતા. ૧૯૩૦ પહેલાં અહીં ભણાવતા. અંગ્રેજોએ એમને નાઈટહૂડ બક્ષીને ‘સર’ની પદવી આપી હતી).

અમારે આજે અહીં એક સંસ્કૃતના વિદ્વાન અને એક હિન્દી સાહિત્યના વિદ્વાનને મળવાનું છે. મુલાકાતોનો સમય ગોઠવાઈ ગયો છે. પણ પ્રથમ અમારે અહીંની દસ લાખ પુસ્તકો ધરાવતી સેન્ટ્રલ લાઈબ્રેરીની મુલાકાત લેવી છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દાનથી બનેલી આ લાઈબ્રેરી એમના જ નામે ઓળખાય છે. લાઈબ્રેરીનું વિશાળ મકાન બહારથી મહેલ જેવી ભવ્યતા ધરાવે છે. બીએચયુની આ એકમાત્ર લાઈબ્રેરી નથી. કેમ્પસમાં દરેક ફેકલ્ટીની પોતાની અલાયદી લાઈબ્રેરી પણ ખરી. એ તમામ પુસ્તકોની સંખ્યા ગણો તો બીજા છ લાખ જેટલા પુસ્તકો થાય. કુલ સોળ લાખ પુસ્તકો. અહીંના એક ઈન્ચાર્જ ડેપ્યુટી લાઈબ્રેરિયન ડૉ. વિવેકાનંદ જૈન અમારી જ રાહ જોઈ રહ્યા છે. ઔપચારિક પરિચયવિધિ પૂરી કરીને તેઓ અમને પુસ્તકાલયની ટૂર કરાવે છે. અમારું તો મગજ ચકરાવે ચઢી જાય છે. આટલાં પુસ્તકોની ખરીદી, જાળવણી, વિદ્યાર્થીઓને વાંચવા માટે આપવાની અને પાછા લેવાની પદ્ધતિ – આ બધું કેટલી મહેનત અને વ્યવસ્થા માગી લેતું કામ હશે. પુસ્તકાલયની વચ્ચોવચ્ચ ગોળાકારમાં ફેલાયેલો રીડિંગ રૂમ છે જેની અત્યારે પંચોતેર ટકા જગ્યાઓ વિદ્યાર્થીઓથી ભરાયેલી છે. આ ઉપરાંત બીજા અનેક નાનામોટા રીડિંગ રૂમ્સ છે પણ આ ખંડની વિશિષ્ટતા એ છે કે પંડિત મદન મોહન માલવીયજીએ બ્રિટનની પાર્લમેન્ટનો એક ખંડ જોઈને આવી ગુંબજવાળી ડિઝાઈન બનાવડાવી. અહીં જે પ્રાચીન પંખા છે તે ઉપરથી લટકતા નથી પણ જમીનમાં ખોડેલી થાંભલી પર ઉપરના છેવાડે પાંખિયાં હોય એવાં છે. જૂની ડૉક્યુમેન્ટરી ફિલ્મોમાં તમે ભારતના સંસદ ગૃહમાં આવા પંખા જોયા હશે. જોકે, અહીંના પંખા બંધ છે પણ પરંપરાના પ્રતીકરૂપે મૂકી રાખ્યા છે.

એક આખો વિભાગ જૂની હસ્તપ્રતો અને દુર્લભ પુસ્તકોનો છે જ્યાંનું એસી ચોવીસે કલાક ચાલુ રાખવું પડે છે. ફાયરપ્રૂફ કેબિનેટમાં સચવાયેલો આ અમૂલ્ય વારસો જોવા માટે જેવા અમે એ ખંડમાં પ્રવેશ્યા કે અમારી ઓળખાણ એક વયોવૃદ્ધ દક્ષિણ ભારતીય વિદ્વાન સાથે કરાવવામાં આવી: ‘આ છે મિસ્ટર કે. ચન્દ્રમૌલી…’ હું ધારીને એમનો ચહેરો જોતો રહ્યો. તરત જ બત્તી થઈ. ગઈ કાલે મોડી સાંજે મારા ઉતારે મેં મગાવેલાં કેટલાંક પુસ્તકો આવ્યાં હતાં તેમાંનું એક દળદાર પુસ્તક જે મેં પસંદ કરેલું એના લેખક છે આ તો! મેં કહ્યું: ‘તમે ‘આનંદ કાનન કાશી’ના લેખક તો નહીં?’ એમને આશ્ર્ચર્ય થયું: ‘તમે કેવી રીતે ઓળખો મને?’ ‘મેં કાલે જ એ પુસ્તકના ફલેપમાં તમારો ફોટો જોયો.’ ‘બહુ વર્ષ જૂનો ફોટો છે એ.’ ‘પણ તોય તમને ઓળખી ગયા અમે!’

અત્યંત વિદ્વત્તાપૂર્ણ પુસ્તકના લેખકને મળીને ખૂબ હર્ષ થયો. પુસ્તક માત્ર ઉપરથી જ જોયું હતું પણ બીજી ઘણી વાતો થઈ એમની સાથે. અહીં તેઓ જૂનાં દુર્લભ પુસ્તકો રિફર કરીને પંડિત મદનમોહન માલવીયજીનું જીવનચરિત્ર નવેસરથી તૈયાર કરી રહ્યા છે. આ સિરીઝ લખવાનું કાર્ય પૂરું થયા પછી એમનું આ મહામૂલું પુસ્તક વાંચવા લઈશું.

લાઈબ્રેરીમાં ભોજપત્ર અને તાડપત્રની પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી કરવાનો એક અલગ વિભાગ છે જે અમને જોવા મળ્યો. એમાં કામ કરતા નિષ્ણાતોએ બહુ ઉત્સાહથી અમને આખીય પ્રક્રિયા સમજાવી. ખૂબ ઝીણવટભર્યું, થકવી નાખનારું અને ધીરજ માગી લે એવું આ કાર્ય છે. આ વિભાગમાં કામ કરનારાઓ માત્ર ટેક્નિકલ એક્સપર્ટ્સ જ નથી. તેઓ હસ્તપ્રતમાં લખાયેલી ભાષા ઉકેલી શકે છે.

અહીંથી અમારે સંસ્કૃત ફેકલ્ટીના જ્યોતિષ વિભાગના વડા ડૉ. ચંદ્રમૌલિ ઉપાધ્યાયને મળવા જવાનું છે, હિંદીના પ્રાધ્યાપકને પણ મળવાનું છે. પણ એ પહેલાં આજનું બીજું એક અગત્યનું કામ કરવાનું છે. બીજા દિવસ ાટે ‘ગુડ મોર્નિંગ’ મોકલવાની ડેડલાઈન નજીક આવી ગઈ છે. સ્વામી સચ્ચિદાનંદે શીખોના ઈતિહાસ વિશે લખેલા પુસ્તકની શ્રેણીનો અંતિમ હપ્તો અમે આ ભવ્ય લાઈબ્રેરીના ગુંબજાકાર રીડિંગ રૂમમાં વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને લખ્યો અને ઈમેલ પર મોકલી આપ્યો.

હવે અમે છુટ્ટા છીએ બચ્ચનજીના જ્યોતિષાચાર્યની મુલાકાતે જવા.

આજનો વિચાર

સુના હૈ લોગ ઉસે આંખ ભરકે દેખતે હૈં,
સો ઉસકે શહર મેં કુછ દિન ઠહર કે દેખતે હૈં.

– અહમદ ફરાઝ

એક મિનિટ!

પિતા: બેટા, મેં તારા માટે એક ઘણી સરસ છોકરી જોઈ રાખી છે. એ રૂપવતી છે, ભાગ્યવતી છે, ગુણવતી છે, જ્ઞાનવતી છે, સમજને કે સાક્ષાત સરસ્વતી છે.

પુત્ર: પણ મેં તો પહેેલેથી જ એક છોકરી પસંદ કરી લીધી છે જે ગર્ભવતી છે!

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 3 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *