ટમાટર, ટિકિયા, ગોલગપ્પા, મલાઈ ટોસ્ટ અને જલેબી-કચૌડી

કાશી વિશ્વનાથનાં દર્શન કરીને અમે સીધા ભાગ્યા નજીકના લક્સા વિસ્તારમાં. અહીં દીના ચાટ અને કાશી ચાટ બેઉ અતિપ્રસિદ્ધ જગ્યાઓ છે. આજના માટે અમે દીના ચાટ પસંદ કરી. કાશી ચાટનો સ્વાદ કાલે કે પરમ દિવસે. દીના ચાટમાં સૌથી વધુ વખણાતી વાનગીનું નામ છે ‘ટમાટર’. બસ, ટમાટર. માટીની કુલડીમાં ગરમાગરમ આવે. લાકડાની ચમ્મચથી ખાવાનું. ટમાટરમાં ઉપર એકદમ બારીક સક્કરપારા ભભરાવવામાં આવે. બારીક એટલે સાવ બારીક. સક્કરપારાનો ભુક્કો નહીં પણ રાઈ અને મરીના દાણાની વચ્ચેની સાઈઝના સક્કરપારા. એ તો માત્ર ક્રન્ચ માટે. ઘણી જગ્યાએ રગડા પેટીસની ઉપર પૂરી તોડીને જે કારણોસર ભભરાવવામાં આવે તે જ કારણોસર. ટમાટરનો ભરપૂર સ્વાદ. મીઠાશ અને ખટાશનો પણ. વિવિધ મસાલાનો સ્વાદ. પણ એ બને છે કેવી રીતે? અમે વિશાળ તવા ઉપર ગોઠવાયેલા બે ભાઈઓને વારાફરતી પૂછી જોયું. – બંનેએ કહ્યું: બસ, આ રીતે! અને બનાવતા રહ્યા. કાઉન્ટર સંભાળતા માલિકને પૂછયું કે આમાં શું શું પડે? એણે તવા તરફ આંગળી ચીંધીને કહ્યું: આ બધું જ!

છેવટે અમને સમજાયું કે સિન્સ અમારા ગળા પર ગમછો લટકાવેલો એટલે એમનો પોટેન્શ્યલ રાઈવલ માની લીધો હશે. ક્યાંક અમારી અને કાશી ચાટની વચ્ચે ગુડ મૉર્નિંગ ચાટનો ખૂમચો ના નાખી દે. આમેય આપણા લખ્ખણેય એવાં જ. લખવા કરતાં પાણીપૂરી ને ભેળપૂરી બનાવવાનું વધારે ફાવે.

દીના ચાટમાં ટિકી તો ખાવી જ પડે. પડિયામાં પીરસાતી આપણી રગડા પેટીસની ટિકી પણ ફરક એટલો કે આપણે ત્યાં માત્ર આલુની બને, અહીં વટાણાને કચરીને એમાં બીજો મસાલો – કોથમીર વગેરે ઉમેરીને ટિકી બને. સાથે વટાણાનો રગડો. મીઠી ચટણી અને અહીં બધે જ જોયું કે પ્યાજ કે કાંદાને બદલે ઉપર મૂળાની છીણ ભભરાવે. વધારે સ્વાદિષ્ટ લાગે. પાપડી ચાટ અને ગોલગપ્પા ખાધા પછી પેટમાં ભાગ્યે જ જગ્યા હતી. પણ બીજાઓને પડિયામાં ‘જામુન’ ખાતાં જોઈ અમારું પણ મન લલચાઈ ગયું. એકદમ મોટી સાઈઝના ગુલાબજાંબુ. અંદરથી પણ માવાદાર અને એકદમ સોફટ. ગરમ એટલા કે ઉતાવળ કરી અને જો રાહ ન જુઓ તો જીભ દાઝી જાય. આજના દિવસ માટે આટલું પૂરતું હતું.

રાત્રે છૂટા પડતી વખતે અમારી તહેનાતમાં મૂકવામાં આવેલા સેવક કુંવર પ્રતાપ સિંહે ગાડીના ડ્રાઈવરને સૂચના આપી કે કલ સુબહ ઈન કો ચાય-ટોસ્ટ ઔર કચૌડી-જલેબી કરાના હૈ!

બીજે દિવસે સવારે ચાર વાગ્યે ઊઠી જવાના ટેન્શનમાં રાતે ઊંઘ પણ મોડી આવે છે. બનારસ આવ્યાને હજુ બાર જ કલાક થયા હતા અને કેટકેટલું અનુભવી લીધું, માણી લીધું. આગળ તો પૂરા ૪ દિવસ બાકી છે.

સવારે ચાર વાગ્યે ઊઠીને નહાઈને જવાને બદલે અમે નહાવાનો સમય બચાવીને પાંચ વાગ્યે ઊઠ્યા હોત તો ચાલી જાત પણ તો અમે એક સુંદર ધાર્મિક વિધિથી વંચિત રહી જાત. આ વાતની અમને જાણ કરવામાં આવી હતી એટલે જ અમે આળસ કર્યા વિના નહાઈધોઈને બરાબર સાડાપાંચ ને પાંચે અસ્સી ઘાટ પહોંચી ગયા.

સુબહ-એ-બનારસનો નજારો જોવા માટે ગમે એટલા ઉજાગરા કરવા પડે, વસૂલ છે. હજુ સૂર્યોદય થવાને વાર છે. પૂર્વાકાશમાં લાલિમા પણ નથી ફૂટી. ઘાટ પર થોડી બેઠકો ગોઠવવામાં આવી છે. સંસ્કૃતનો અભ્યાસ કરતી છ કુમારિકાઓ વેદના મંત્રોનું સમૂહગાન શરૂ કરે છે:

ઓમ પ્રાતરગ્નિં પ્રાતરિન્દ્રં હવામહે
પ્રાતર્મિત્રાવરુણા પ્રાતરશ્વિના
પ્રાતર્ભગં પૂષણં બ્રહ્મણસ્પતિં
પ્રાત: સોમમુત રુદ્રં હુવેમ

ભાવાર્થ: પ્રભાત વેળાએ સ્વપ્રકાશ સ્વરૂપ પરમ ઐશ્ર્વર્યના દાતા, પરમ ઐશ્ર્વર્યયુક્ત પ્રાણ, ઉદાન સમાન પ્રિય અને સર્વશક્તિમાન સૂર્ય-ચન્દ્રને જેમણે ઉત્પન્ન કર્યા તે પરમાત્માનું અમે આહ્વાન કરીએ છીએ, એમની સ્તુતિ કરીએ છીએ. ભજનીય, સેવનીય, ઐશ્ર્વર્યયુક્ત પુષ્ટિકર્તા તમારા ઉપાસક, વેદ અને બ્રહ્માંડના પાલનહાર, અન્તર્યામી પ્રેરક અને પાપીઓને રડાવનારા અને સર્વરોગનાશક પ્રભુની અમે સ્તુતિ – પ્રાર્થના કરીએ છીએ.

શાંત વહેતી નદીના ઘાટ પરથી વહેતા આ વેદોચ્ચારો આખા વાતાવરણમાં ગુંજ્યા કરે છે. એક પછી એક શ્ર્લોક બોલાતા જાય છે. આકાશમાં પંખીઓની ચહલપહલ શરૂ થઈ ગઈ છે. ઓમ શાંતિ:, શાંતિ:, શાંતિ: સાથે મંત્રગાન સમાપ્ત થાય છે અને પાંચ કુમારો ચારે દિશાઓનું પૂજન કરવા બેએક ફીટ ઊંચા નાના-નાના પ્લેટફોર્મ પર હાથમાં ધૂપદાની લઈને ચડી જાય છે. પ્રથમ સામે દેખાતી ગંગા સામે એમનું મુખ છે. એ પૂર્વ દિશા છે. ચારે દિશા અને પાંચેય તત્ત્વની પૂજા-આરતી બાદ અમને સૌને અસ્સી ઘાટની યજ્ઞશાળામાં લઈ જવામાં આવે છે. કેટલાક વિદેશીઓ છે જેમાં કેટલાક બૌદ્ધ ભિખ્ખુઓ પણ છે. ભારતની પચરંગી પ્રજા તો છે જ. યજ્ઞશાળા ચારે તરફથી ખુલ્લી છે. માથે વાસ્તુ મુજબનું છાપરું છે. વચ્ચોવચ હવનકુંડ છે. એક વિદુષી મહિલા વિધિ અનુસાર યજ્ઞક્રિયા આરંભે છે. ભારતીય પરંપરાઓમાં યજ્ઞવિધિનું બહુ મોટું પ્રદાન છે. યજ્ઞને કારણે યજ્ઞ કરાવનાર રાજા કે વ્યક્તિ પોતાના શુભ સંકલ્પને પ્રજા સુધી, પોતાના હિતેચ્છુઓ સુધી પહોંચાડતો. આને લીધે એ સૌનો સાથ સાંપડતો અને સંકલ્પસિદ્ધિ થતી. હોમ તથા યજ્ઞમાં હોમવામાં આવતા જવ જેવા અનાજ કે પછી ઘી ઈત્યાદિને કારણે લાખોકરોડો રૂપિયાનો વ્યય થાય છે એવી બુમરાણ ખોટી છે. એવો કંઈ લાંબો પહોળો ખર્ચ નથી થતો. અહીં કંઈ ગાડાં ભરીને કે પછી તપેલાં ભરીને ઘી હોમવામાં નથી આવતું કે અનાજ પણ કંઈ ટનબંધ નથી ઠલવાતું. બધું થોડીક ચમચીઓ કે મુઠ્ઠીઓ જેટલું જ હોય છે. આની સરખામણીએ બીજા ધર્મોના પવિત્ર તહેવારોમાં બકરા જેવા પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે છે તેમાં કરોડો રૂપિયા ખર્ચાય છે. નિર્દોષ જીવોની હત્યા થાય છે અને પારાવાર ગંદકી થાય છે. યજ્ઞમાં અમે પણ સમિધ મૂકીએ છીએ. શુભ સંકલ્પો દ્વારા સમાજનું ભલું થતું જેઓ જોઈ શકતા નથી તે રાક્ષસો આવા હવનમાં હાડકાં નાખતા એવી પ્રાચીન કથાઓ આપણે જાણેલી છે. હવનમાં આ રીતે વિઘ્ન કરનારાઓના ઈરાદાઓને સફળતા ન મળે એ માટે જ તો કિશોર ઉંમરના રામ-લક્ષ્મણની મદદ ઋષિમુનિઓએ માગી હતી.

યજ્ઞની પૂર્ણાહુતિની સાથે જ પૂર્વાકાશમાં કેસરી છાંટની લહેરખી દેખાવા માંડી છે. સૂર્યના પ્રથમ કિરણની સાથે જ સૂર્યપૂજાની ક્ષણ આવી પહોંચે છે. ગંગાના જળમાં ઊતરીને તાંબાની લોટીમાં એને ભરીને સૂર્યદેવતાને એ જળ અર્ધ્યરૂપે આપીને પૂજા કરીએ છીએ. સૂર્ય અગ્નિ દેવ છે. ગંગામાં જળદેવતા છે. ઉપર ખુલ્લું આકાશ છે અને પગ તળે ભીની રેતીવાળી જમીન છે. મંદ મંદ પવન આ બધાયનો સાક્ષી છે. પાંચેય તત્ત્વોનું સ્મરણ કરીને પંચ મહાભૂતોમાંથી બનેલો આ જીવ હવે જમણી તરફના નાનકડા મંચ પર શરૂ થઈ રહેલા ધ્રુપદ ગાનના સૂરોને માણવા તૈયાર છે. પખવાજની સંગતમાં ધ્રુપદ શૈલીનું સંગીત સાંભળતાં સાંભળતાં દૂર ક્ષિતિજ પરથી ઊભરી રહેલા સૂરજનાં કિરણો વહી જતા ગંગાજળ પર પડીને આખાય તટને સોનેરી આભા બક્ષે છે. ધ્રુપદ સાંભળવા માટે જે નિરાંત જોઈએ તે આ વાતાવરણમાં સૌ કોઈની પાસે છે. અત્યાર સુધીની જિંદગીમાં આવી રીતે સવારની શરૂઆત ક્યારેય કરી નથી. સુબહ-એ-બનારસે આવો અમૂલ્ય લ્હાવો આપ્યો. સંગીત પછી યોગનો કાર્યક્રમ છે પણ અમારો જીવ અત્યારે યોગમાં નહીં પણ ભોગમાં છે. યોગાસાન અને પ્રાણાયમ શીખવતા આચાર્યની ક્ષમા માગી, એમની રજા લઈને અમે ચૌક તરફ જઈએ છીએ. અહીંથી જરા દૂર છે. દૂર એટલે? દસ મિનિટ!

લક્ષ્મી ચાયની દુકાન આપણા મૂળજી જેઠા માર્કેટની આજુબાજુ આવેલી કોઈપણ શંકરવિલાસ ચાવાળાની દુકાન કરતાંય સાદીસીધી છે. અહીં બધું કામકાજ ઊંચી ભઠ્ઠી પર જ થાય છે. ચા પણ ભઠ્ઠી પર ઉકળે અને ટોસ્ટ પણ ભઠ્ઠી પર બને. લોખંડના તારમાંથી બનેલા બે મોટી જાળીવાળા ‘ટોસ્ટર’ની વચ્ચે પ્રાઈવેટ બેકરીમાંથી આવેલા બ્રેડના લોફની જાડી જાડી ચાર સ્લાઈસો મૂકીને પાપડ શેકીએ એમ ભઠ્ઠી પર સુલટાવી – ઉલટાવીને ટોસ્ટ તૈયાર. મખ્ખનવાળા ટોસ્ટ જોઈએ કે મલાઈવાળા? મખ્ખનવાળા કહો તો પૂછે કે: સફેદ કે અમૂલ? અને મલાઈવાળા કહો તો પૂછે કે: મિસરી કિતની?

બહોત સારી જ હોય ને, મલાઈ ખાઈને ડાયેટ ક્ધટ્રોલની ઐસીતૈસી જ કરવી હોય તો પૂરેપૂરી વસૂલાત કેમ નહીં કરવાની? ટોસ્ટ ઉપર મલાઈનો જાડો, આટલો જાડો, થર અને ઉપર ઢેરસારી મિસરી. કુલડીમાં ચા. ટોસ્ટનું એક બાઈટ ભરો એટલે કેટલી કેલરી થઈ એની ગણતરી કરવી હોય તેના માટે લક્ષ્મી ચાયના દરવાજા બંધ છે. એક પ્લેટમાં પાછા આવા બે ટોસ્ટ. અમે વ્યક્તિ દીઠ એક-એક આખી પ્લેટ મગાવી હતી. પણ પૂરી કરી નાખી. ચા બેવાર પીવી પડી, એટલું જ.

બ્રેકફાસ્ટ જ નહીં, અલમોસ્ટ બ્રન્ચ થઈ ગયું હતું. પણ હજુ બ્રેકફાસ્ટનો ઉત્તરાર્ધ બાકી હતો. લંકા ચૌરાહા યાદ છે? જ્યાંના કેશવ તામ્બુલ ભંડારમાં પહેલું બનારસી પાન જમાવ્યું હતું? એ ડાબી તરફ. આ છે તે જમણી તરફની ગલીના નાકે જ. નાનકડી છાપરી જેવી અતિ સાધારણ દુકાનમાં વારાણસીની સૌથી ફેમસ જલેબી-કચૌડી મળે છે. કોઈ કૃત્રિમ રંગ નાખ્યા વિના નાની નાની જલેબીઓ તળાઈ રહી છે. પછી ચાસણીમાં ડુબાડાઈ રહી છે. પણ એ પહેલાં કચૌડી ખાવાની છે. અમે ઑર્ડર આપ્યો. એક પર એક ગોઠવાયેલી પાંચ કચૌડી અને એની સાથે બટાટાનું વિવિધ ચાટમસાલા નાખેલું ખાટુંમીઠું શાક. અહીં આ ફૂલેલી સાદી ઘઉંની પૂરીને કચૌડી કહે છે. નિરાશ નહીં થતા. બીજી એક પ્રકારની કચૌડી આવી જ પૂરીમાં વટાણા વગેરેનું આછું મિશ્રણ ભરીને બનાવવામાં આવે છે અને ત્રીજી એક પ્રકારની કચૌડી કડક પડવાળી, પેટીસની સાઈઝની, અંદર ભરપૂર પૂરણ ભર્યું હોય એવી પણ બને છે. આપણે શહેરીઓ આ ત્રીજા પ્રકારની કચોરીની જ કચૌડી તરીકે અપેક્ષા રાખીએ. એ કચૌડીને દહીં – ચટણી વગેરે નાખીને ખાવાની. પણ અત્યારે આ પાંચ કચૌડી અર્થાત્ પુરીને ઝાપટવાની છે. આટલા સમ્પ્ચ્યુઅસ મલાઈ ટોસ્ટ ખાધા પછી આ પણ ખવાઈ જશે એવી કલ્પના નહોતી. અમે તો એ પછી જલેબી પણ ઝાપટી. અહીંથી મેઈન રોડ પર પહલવાનની લસ્સીનું પાટિયું દેખાય છે. એ પણ અમારા ટાર્ગેટમાં છે. પણ ભઈ, અત્યારે નહીં. આજે હવે ખાવા સિવાય બીજું ઘણું કરવાનું છે. જેમાંથી પહેલું ડેસ્ટિનેશન છે – બનારસ હિન્દુ યુનિવર્સિટી. નાલંદા અને તક્ષશિલાની વિશ્ર્વવિદ્યાપીઠો કેવી હશે તેની ઝાંખી કરવી હોય તો મહામના પંડિત મદન મોહન માલવીયાજીએ અકિંચન હોવા છતાં આજથી સો વર્ષ પહેલાં – ૧૯૧૬માં – આટલી વિશાળ અને ભવ્ય યુનિવર્સિટીની મુલાકાત લેવી જોઈએ – કોઈ જ ઉતાવળ વિના, શાંતિથી અહીં ફરવું જોઈએ, વિવિધ વ્યક્તિઓને મળવું જોઈએ. અમે એ જ કરવા જઈ રહ્યા છીએ.

આજનો વિચાર

મૈં તુઝ સે રોઝ મિલના ચાહતા હૂં
મગર ઈસ રાહ મેં ખતરા બહુત હૈ

ઉસે શોહરત ને તન્હા કર દિયા હૈ
સમંદર હૈ મગર પ્યાસા બહુત હૈ

મૈં એક લમ્હે મેં સદિયાં દેખતા હૂં
તુમ્હારે સાથ એક લમ્હા બહુત હૈ

– બશીર બદ્ર

એક મિનિટ!

જે લોકો હોળી પર પાણી બચાવવાનો મેસેજ મોકલે એમને કહેવું કે:

મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવાનું શરૂ કરશો તો કબ્રસ્તાન માટે વપરાતી વિશાળ જગ્યાઓની બચત થશે.

– વૉટ્સએપ પર વાંચેલું

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 2 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *