અસીથી મણિકર્ણિકા વાયા દશઅશ્વમેધ

મુઝે કિસીને ભેજા હૈ, ન મૈં (ખુદ ચલ કે) યહાં આયા હૂં, મુઝે તો માં ગંગાને બુલાયા હૈ – નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા ક્ષેત્ર પરથી પોતાનું નામાંકન પત્ર ભર્યા બાદ આ મશહૂર થઈ ચૂકેલા શબ્દો ઉચ્ચાર્યા હતા.

આપણું પણ કંઈક આવું જ હતું. ફરક માત્ર એટલો હતો કે ગંગામૈયાને બદલે મને મિત્રે બોલાવ્યો હતો. નૅચરલી. મા ગંગાનું આમંત્રણ મળે તો મોદીજી જેવી હસ્તીને મળે, આપણા જેવાને મા શું કામ યાદ કરે. કારણ કે યાદ તો આપણે કરવાની હોય માને. જે નહાતી વખતે માથા પર લોટો ભરીને પાણી રેડતી વખતે રોજ કરતા હોઈએ છીએ. મા ગંગાને, મા યમુનાને, મા નર્મદાને, મા ગોદાવરીને, મા તાપીને.

ગંગામૈયાની આરતીની પ્રથા હરદ્વારે શરૂ કરી અને ઈ.સ. ૨૦૦૦ની સાલમાં બનારસે એને અપનાવી. અમારે આગમનના પહેલા જ દિવસે આ ભવ્ય આરતી નિહાળવાની હતી. પ્રથા પ્રાચીન હોય કે નવી શરૂ થયેલી હોય, જો એમાં આમ લોકોનો સાથ ભળે તો તે પરંપરા બની જતી હોય છે, સંસ્કૃતિનો એક ભાગ બની જતી હોય છે. વારાણસીમાં ગંગામૈયાની સંધ્યાઆરતી આવી જ એક પરંપરા બની ગઈ છે જેનો વિશ્ર્વવ્યાપી પ્રચાર નરેન્દ્ર મોદીએ (પીએમ બનતાં પહેલાં પણ લોકસભાની ચૂંટણી જીત્યા પછી) વારાણસી આવીને કર્યો. ચૂંટણીપ્રચાર વખતે મોદીને જીલ્લા શાસને અહીં આરતી કરવાની મનાઈ ફરમાવી હતી. રિઝલ્ટ આવ્યા પછી, સોગંદવિધિ પહેલાં મોદીએ વારાણસીના ફેમસ દશઅશ્ર્વમેધ ઘાટ પર ગંગામાની આરતી કરતાં પહેલાં પ્રવચનમાં કહ્યું હતું: ‘આ દેશમાં ગઠબંધનથી સરકારો તો બનતી આવી છે પણ આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે ગઠબંધનથી વિપક્ષ બનાવવો પડશે.’

યુપીમાં આઠમી માર્ચે વિધાનસભાની ચૂંટણીનો છેલ્લો દૌર છે. વારાણસી અને અન્ય મતવિસ્તારોમાં આઠમીએ ચૂંટણી છે. ૧૧મી માર્ચે રિઝલ્ટ આવશે. પીએમની કન્સ્ટિટ્યુઅન્સી છે એટલે સ્વાભાવિક રીતે અહીં ભાજપતરફી વાતાવરણ છે. અમે વારાણસી પહોંચ્યા ત્યારે સટ્ટાબજાર યુપીમાં ભાજપને ૧૫૫ સીટ્સ આપતું હતું. પાંચ દિવસ પછી અમે નીકળ્યા ત્યારે ૧૯૫ સીટ્સ આપતું હતું. (આ ૪૦ સીટ્સની બઢૌતરીમાં અમારી મુલાકાતનો કોઈ ફાળો નથી).

બનારસ જઈને અમારે ન તો ત્યાંના રાજકારણની આંટીઘૂંટી સમજવી હતી, ન ત્યાંના ચૂંટણી માહૌલનો અનુભવ લેવો હતો. અમારે તો માત્ર ભારતની આ સૌથી પ્રાચીન નગરીની હવામાં રહેલો પ્રાણવાયુ બને એટલો વધારે શ્ર્વાસમાં ભરી લેવો હતો.

સાંજે નૌકાયન માટે અસ્સી ઘાટ જતાં પહેલાં સંકટ મોચન હનુમાનજીનાં દર્શન કર્યાં. હવે નદીમાં અમારી નૌકા તરે કે ડૂબે એ બધી જવાબદારી હનુમાનજીને સોંપીને અમે નિશ્ર્ચિંત થઈ ગયા. બાકી, પાણીની અમને બહુ બીક લાગે.

સાંજે અસ્સી ઘાટ પર પહોંચીને અમારા મિત્રે સવારે કહ્યું હતું એમ સૌથી પહેલાં ચા પીધી. દૂધ વગરની. બ્લેક ટી. થોડાં ટીપાં લીંબુનાં. અને થોડો મરીમસાલો. મુંબઈમાં પૃથ્વી થિયેટરમાં એને ‘સુલેમાની ચાય’ કહે છે અને માટુંગાના કિંગ્સ સર્કલ પર આવેલી ઈરાનીમાં એને ‘અફઘાની ચા’ કહે છે. ફરક એટલો કે અસ્સી ઘાટની આ ચા વધારે સ્વાદિષ્ટ હતી. ચા પીધા પછી મુડી ખાવાની હતી. કલકત્તાના મુડી મસાલામાં સરસવનું તેલ પડે. અહીં જરા જુદા જુદા ઈન્ગ્રેડિયન્ટ્સ નાખવામાં આવે. બમ્બૈયા સુખા ભેલ અને કલકત્તી મુડીમસાલાનાં લગ્ન પછી જે બાળક પેદા થઈ શકે એવું મિશ્રણ પુડીમાં લઈને અમે નૌકામાં બેઠા. સીધી સાદી નૌકા. પણ હલેસાંને બદલે એન્જિન લગાડેલું એટલે મોટર બોટ બની ગઈ.

સ્વચ્છ ગંગાનું મોદીજીએ શરૂ કરેલું મિશન આ નૌકાવાળા માઝીએ પણ અપનાવ્યું છે. નૌકામાં વેસ્ટ પેપર બાસ્કેટ રાખી છે જેથી અમારા જેવા પર્યટકો મુડી ખાઈ લીધા પછીની ખાલી પુડીને ગંગામાં પધરાવવાની ધૃષ્ટતા ના કરે.

વારાણસીમાં દક્ષિણ તરફનો અંતિમ ઘાટ અસીઘાટ છે. ઘાટ એટલે ગંગાના પશ્ર્ચિમ કિનારે બનાવેલાં પગથિયાં, ઓટલો અને એની પાછળ ઊભી કરેલી ઈમારત. અસીઘાટથી અમે નૌકા કરી. ગંગા અને નાની મોટી અસ્સી (એંશી) નદીઓનો સંગમ થાય છે એવી માન્યતા છે. બીજી એક માન્યતા છે કે આ એંશીમો ઘાટ છે. સૌથી પહેલો ઘાટ ઉત્તરમાં રાજઘાટ છે. જોકે, ગણવા જઈએ તો કુલ ૮૪ જેટલા ઘાટ થાય છે. આ તમામ ઘાટનાં નાના-મોટાં, લાંબા – પહોળા પગથિયાં પરથી ઉપરનીચે ચાલતાં ચાલતાં જવું હોય તો પણ તમે જઈ શકો. દરેક ઘાટ પર નહાઈ શકો એવી સુવિધા (ચેન્જિંગ રૂમ્સ વગેરે) ન પણ હોય. આમાંના બે ઘાટ પર સ્મશાન છે – હરિશ્ર્ચંદ્ર ઘાટ અને મણિકર્ણિકા ઘાટ. બંને ખૂબ જાણીતા છે. (‘મસાણ’ ફિલ્મ આખી આ ઘાટની પ્રથાની ઈર્દગિર્દ વણાયેલી છે).

વરુણા અને અસી નદીઓની વચ્ચે વસેલું નગર વારાણસી. છેક સવા ત્રણ હજાર વર્ષ પહેલાં રચાયેલા અથર્વવેદમાં વારાણસીનો ઉલ્લેખ છે. એટલા જ પ્રાચીન આર્કિયોલોજિકલ પુરાવાઓ પણ અવશેષોરૂપે અહીંથી મળી આવ્યા છે.

સાંજ પડી રહી છે. ઢળતો સૂરજ અહીંથી દેખાતો નથી. પશ્ર્ચિમમાં આખું નગર વસેલું છે એટલે ઢંકાઈ જાય છે. પણ ગંગાનો પૂર્વનો કિનારો આખો ખાલી છે. સવારે ત્યાંથી સૂરજ ઊગશે ત્યારે એ દૃશ્ય જોવા જેવું હશે. આમેય કહેવત છે ને કે સુબહ – એ – બનારસ ઔર શામ – એ – અવધ. લખનૌની – અવધની સાંજ/રાત રંગીન હોય, નવાબી રંગીન. ઈન્હીં લોગોંને લે લીના દુપટ્ટા મેરાવાળી રાત્રિઓ માટે અવધની ગલીઓ જાણીતી. એ ભૌતિક સુખોની સામે બનારસની સવારનું અધ્યાત્મિક સુખ જક્સ્ટાપોઝ થાય.

અસી ઘાટનું લંગર છોડીને અમારી નૌકા ગંગાના પ્રવાહમાં ઉત્તર તરફ પ્રયાણ કરી રહી છે. બાજુમાં જ તુલસી ઘાટ છે. એનું જૂનું નામ લોલાર્ક ઘાટ હતું. પાછળથી ગોસ્વામી તુલસીદાસની સ્મૃતિમાં આ નવું નામ પ્રચલિત થયું. રામચરિત માનસ, વિનયપત્રિકા, હનુમાન ચાલીસા અને બીજી અનેક કૃતિઓના સર્જક તુલસીદાસનું મોટાભાગનું જીવન વારાણસીમાં વીત્યું. તુલસીદાસે રામલીલાની ભજવણી કરવાની શરૂઆત કરી. સંસ્કૃત તેમ જ અવધિ – બેઉના તેઓ પ્રકાંડ પંડિત. વારાણસીમાં વ્યાયામશાળા (અખાડા)ની પ્રથાનો પણ એમણે આરંભ કર્યો. આજે પણ કોઈ પણ શહેરના અખાડામાં વ્યાયામ માટે જતા યુવાનો ત્યાં રાખેલી હનુમાનજીની છબિની વંદના કરીને શારીરિક કસરતોનો આરંભ કરે છે.

તુલસી ઘાટ અને હરિશ્ર્ચન્દ્ર ઘાટની વચ્ચે જાનકી ઘાટ છે જે ૧૮૭૦ની સાલમાં સુરસંદ (બિહાર)ની મહારાણી કુંવરે બનાવડાવ્યો હતો, આ ઉપરાંત વચ્છરાજ ઘાટ અને જૈન ઘાટ પણ છે. ૭મા જૈન તીર્થંકર ભગવાન શ્રી સુપાર્શ્ર્વનાથનો અહીંથી નજીકના જ સ્થળે જન્મ થયો હતો. ૧૮મી સદીમાં અહીંના એક જૈન વ્યાપારીએ આ ઘાટ બનાવડાવ્યો. જૈન ઘાટ અગાઉ વચ્છરાજ ઘાટનો જ એક હિસ્સો હતો. ૧૯૩૧માં જૈન સમુદાયે એના એક ભાગમાં પાકું બાંધકામ કરીને નવું નામ આપ્યું. આ બેઉ ઘાટ નજીક જૈન પરિવારની વસતિ રહે છે. હરિશ્ર્ચન્દ્ર ઘાટ આવે એ પહેલાં શિવાલા ઘાટ છે. નેપાળના મહારાજા સંજય વિક્રમ શાહે ૧૯મી સદીમાં અહીં ભવન બનાવ્યું. એક શિવ મંદિર પણ બનાવ્યું. એની બાજુમાં જ પ્રાચીન હનુમાન ઘાટ છે જેના માટે માન્યતા એવી છે કે ૧૫મી સદીના વૈષ્ણવ સંત વલ્લભાચાર્યજીનું અહીં જન્મ સ્થળ છે. પુષ્ટિ સમ્પ્રદાયના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજીને કારણે ઉત્તર ભારતમાં કૃષ્ણ ભક્તિનું પુન: જાગરણ થયું ને હવે દેખાય છે તે હરિશ્ર્ચન્દ્ર ઘાટ. સત્યવાદી રાજા હરિશ્ર્ચન્દ્રે પોતાના સત્ય અને દાનધર્મના વ્રતની રક્ષા કરવા માટે આ ભૂમિ પર ચાંડાળની ભૂમિકા ભજવીને મૃતદેહને દાહકર્મ આપવાનું કાર્ય કર્યું હતું. એ કથા ખૂબ જાણીતી છે. આ સ્મશાન ઘાટ છે. અહીં કોઈપણ સમયે તમે પ્રજવલિત ચિતા જોઈ શકો છો.

હરિશ્ર્ચન્દ્ર ઘાટ ને મણિકર્ણિકા ઘાટ વચ્ચે બીજા ઘણા ઘાટ છે. દરેક ઘાટના ઈતિહાસમાં ઊંડા ઊતરીશું તો વાત ખૂબ લંબાઈ જશે. મણિકર્ણિકા ઘાટ વિશેની પૌરાણિક કથામાં ભારોભાર સર્જકતા છે. સૃષ્ટિની રચના સમયે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્ર દ્વારા અહીં પવિત્ર કુંડની રચના કરીને અહીં કઠોર તપસ્યા કરી ત્યારે એમના પ્રસ્વેદથી આખો કુંડ છલકાઈ ગયો. શિવજીએ વિષ્ણુજીની પ્રશંસા કરતાં માથું હલાવ્યું ત્યારે શિવજીના કાનમાંનું એક મણિ આ કુંડમાં, ખાડામાં અર્થાત્ મણિકમાં પડ્યું. એટલે આ જગ્યાનું નામ મણિકર્ણિકા ઘાટ પડ્યું. અહીં મણિકર્ણિકેશ્ર્વર, મહેશ્ર્વર (ખુલ્લામાં રાખેલું શિવ લિંગ) મંદિર પણ છે.

અમે જોઈએ છીએ કે સંધ્યાના આછા પ્રકાશમાં અહીં એક સાથે નવ-નવ ચિતા ભડ ભડ બળી રહી છે. હજુ બીજા એકાદ ડઝન મૃતદેહો આવે તો પણ વેઈટિંગમાં રહેવું ના પડે એવી વ્યવસ્થા છે. ઘાટની નજીકની ત્રણ ચાર જગ્યાઓએ વીસ-ત્રીસ ફીટ ઊંચી એવી લાકડાની થપ્પીઓ છે. દિવસરાત આ સ્મશાન ધમધમતું રહે છે. ‘ધમધમતું’ એટલા માટે કહ્યું કે આ સ્મશાન પર એક આખી પ્રજાનાં સેંકડો કુટુંબોનો જીવનનિર્વાહ ચાલે છે. આપણે જેમને મસાણિયા કહીએ છીએ તે ડોમ પ્રજા આ કાર્યને લીધે જ પોષાય છે. નજીકમાં જ ડોમરાજાનું ઘર છે. કહેવાય છે કે એમના ઘરમાં દેશી દારૂની ટાંકી હતી અને સીધા પાઈપવાટે જ તેઓ પીતા. હવે તેઓ જીવિત નથી. સ્મશાનમાં ચિતા બાળવાનું આજીવન કામ કરનારાઓએ સતત આ વાતાવરણમાં રહેવાનું હોવાથી દારૂ એમના જીવનનું અગત્યનું અંગ બની જતું હોય છે.

મણિકર્ણિકા ઘાટ માટે કહેવાય છે કે અહીં ક્યારેય તમને એક પણ ચિતા પ્રગટેલી ન હોય એવું જોવા નહીં મળે કારણ કે એક મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી જો બીજો મૃતદેહ લાઈનમાં ન હોય તો લોટનું બાવલું બનાવીને એને ચિતામાં પધરાવી દેવાનું, પણ ચિતા ટાઢી ન થવી જોઈએ, ચોવીસે કલાક પ્રજ્વલિત રહેવી જોઈએ.

આપણે તો સ્મશાનમાં જઈએ ત્યારે આપણા સ્વર્ગસ્થ સ્વજનની ચિતા જોઈ હોય અને મન વિષાદભર્યું થઈ જાય. પણ અહીં તો અજાણ્યાઓના અંતિમસંસ્કાર થતાં જોઈને તમે ગમગીન થઈ જાઓ. કદાચ આટલી મોટી સંખ્યામાં થતી આ વિધિ ન જોઈ હોય એટલે. મણિકર્ણિકા ઘાટ તો આમેય સર્જન – વિસર્જનના પ્રતીક તરીકે વિશ્ર્વભરમાં ખૂબ જાણીતો છે. અહીં તસવીર લેવાની સત્તાવાર મનાઈ છે. અમારા માઝીએ કહ્યું: ફોટુ ખીંચ લો. અમે ના પાડી. સત્તાવાર આદેશની આમન્યા રાખવા માટે નહીં, અમારી સ્મૃતિમાં અમારે આવી કોઈ યાદ નથી રાખી મૂકવી. મરવાનું તો છે જ. ઈચ્છા નહીં હોય તો પણ મરણ આવવાનું જ છે. આપણા હાથની ક્યાં વાત છે? તો પછી એને ભૂલીને જીવવું જોઈએ, ભરપૂર જીવવું જોઈએ. ઉલ્લાસ અને પ્રકાશ સાથે જીવવું જોઈએ.

નૌકાના અને મનોવ્યાપારના યુ ટર્ન પછી અમે દશઅશ્ર્વમેધ ઘાટ પર આવી જઈએ છીએ. એને અડીને જ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ઘાટ છે. અહીં ગંગા આરતીનો માહોલ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. ઘાટનાં પગથિયાં પર હકડેઠઠ ભીડ છે. આ બાજુ ગંગાના તટ પરની તમામ નાની મોટી નૌકાઓ ઘાટની આસપાસ સાંકડેમાંકડે ગોઠવાઈ ગઈ છે. હજારોની મેદનીને ઈંતેજાર છે શંખનાદનો. સાતના શંખ ગગનભેદી નાદ સાથે ગંગા આરતીનાં હૃદયંગમ દર્શન શરૂ થવાને હવે થોડીક જ પળોની વાર છે.

આજનો વિચાર

તમામ ઉમ્ર મૈં ઈક અજનબી કે ઘર મેં રહા,
સફર ન કરતે હુએ ભી કિસી સફર મેં રહા.
હજારોં રત્ન થે ઉસ જૌહરી કી ઝોલી મેં
ઉસે કુછ ભી ન મિલા જો અગર-મગર મેં રહા.

– ગોપાલદાસ ‘નીરજ’

( મુંબઇ સમાચાર : મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *