બનારસમાં પાંચ દિવસ

સંકટ મોચન હનુમાનજીનું મંદિર છે. કેવળ બનારસમાં જ નહીં, ભારતભરમાં મશહૂર છે. અમિતાભ બચ્ચનનો ૧૯૯૭ની આસપાસના ગાળામાં ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે ડૉ. ચંદ્રમૌલિ ઉપાધ્યાયે એમના માટે આ મંદિરમાં મહાપૂજાનું આયોજન કર્યું હતું. એ પછી બચ્ચનજી પર તોળાતું આર્થિક સંકટ થોડાં વર્ષમાં જ દૂર થઈ ગયું હતું. એમને બી.પી.એલ.ની એડનો કહેવાતો કોન્ટ્રકટ મળ્યો, કૌન બનેગા કરોડપતિ પણ શરૂ થઈ ગયું. ડૉ. ચંદ્રમૌલિ જ્યોતિષના વિષયમાં પીએચ.ડી.ની પદવી ધરાવે છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ સંસ્કૃતના જ્યોતિષ વિભાગના વડા છે. શ્ર્વેતાનું અને એ પછી અભિષેકનું લગ્ન પણ આ ગુરુજીએ જ કરાવ્યું હતું. એમના વિશે વિશેષ પછી.

રામચરિત માનસ, વિનયપત્રિકા અને હનુમાન ચાલીસાના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીએ વારાણસીમાં જે બાર હનુમાન મંદિરો બનાવડાવ્યાં તેમાંનું આ સૌથી ફેમસ. અમારો ઉતારો આ સંકટ મોચન હનુમાનજીના મંદિરથી માંડ સો-દોઢસો મીટરના અંતરે છે. આ અતિ પ્રાચીન મંદિરનો જિર્ણોદ્ધાર શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્ય સેનાની પંડિત મદનમોહન માલવીયજીએ કર્યો. પં. મદનમોહન માલવીય (૧૮૬૧-૧૯૪૬)એ ૧૯૧૬માં ભારે સંઘર્ષ કરીને બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ)ની સ્થાપના કરી. ભારતની આ સૌથી મોટી યુનિવર્સિટી છે. વિશ્ર્વની સૌથી વિશાળ યુનિવર્સિટીઓમાંની એક. પંડિત માલવીયજી અને બી.એચ.યુ. વિશે પણ હવે પછી.

સંકટ મોચન હનુમાનજી મંદિરનો પરિસર બધી રીતે યુનિક છે. અહીં પૂજારીઓ કે એમના આડતિયાઓ તમારી પાસે પૂજા કરાવવાનો કે દાનધર્માદા આપવાનો આગ્રહ નથી કરતા. વૈષ્ણોદેવીના મંદિર જેવી જ પ્રથા અહીં પણ છે – ભગવાન સામે જે દક્ષિણા મૂકો તે સીધી દાનપેટીમાં જ જાય. પ્રસાદ વેચાતો નથી. હનુમાનજીની મૂર્તિનું સ્વરૂપ પણ એકદમ પ્રાચીન છે, આંખને ઠારે એવું છે, ચિત્તને પ્રસન્નતા આપે એવું છે, મિત્રોને પ્રસાદીરૂપે આપવા હથેળીમાં સમાઈ જાય એવી ગુટકા સાઈઝની હનુમાન ચાલીસાની પાંચ ચોપડીઓ લીધી.

હનુમાનજીએ જગત આખાની રક્ષા કરી. ૭ માર્ચ ૨૦૦૬ના રોજ અહીં આરતી થઈ રહી હતી ત્યારે મુસ્લિમ આતંકવાદીઓએ ત્રણ-ત્રણ બૉમ્બધડાકા કરીને હુમલો કર્યો. એ પછી મંદિરની અંદર સશસ્ત્ર પોલીસોની એક કાયમી ચોકી સ્થાપવી પડી છે. ભારતની એક પણ મસ્જિદને આવી સુરક્ષાની જરૂર પડતી નથી તે હિન્દુઓની સહિષ્ણુતાનો સૌથી મોટો પુરાવો છે અને સેક્યુલરો માળા બેટાઓ, આપણને અસહિષ્ણુ કહેતા ફરે છે. ભઈલા, અમે ખરેખર અસહિષ્ણુતા દાખવતા થઈ જઈશું તો ભારતમાં જ નહીં આ પૃથ્વી પર રહેવાનું તમને લોકોને ભારે પડવાનું.

હનુમાન જયંતીના અવસરે આ મંદિરમાં શાસ્ત્રીય સંગીત-નૃત્યનો મહોત્સવ થાય છે. ૮૮ વર્ષથી ચાલી રહેલા પાંચ થી છ દિવસીય ‘સંકટ મોચન સંગીત સમારોહ’માં ભાગ લેવા દેશભરના નામી-અનામી સંગીતકારો-નૃત્યકારો તલપાપડ હોય છે. ૨૦૦૯ના વર્ષના સમારંભમાં કુલ ૩૫ કલાકારોએ ભાગ લીધો જેમાં પંડિત જસરાજજી અને પંડિત બિર્જુ મહારાજ પણ સામેલ હતા. ઉસ્તાદ ગુલામ અલી પણ અહીં ગઝલગાયન કરી ચૂક્યા છે અને પંડિત રાજન-સાજન મિશ્રથી માંડીને સોનુ નિગમ સુધીના પ્રેક્ટિકલી તમામ ભારતીય કળાકારો અહીં હાજરી પુરાવી ચૂક્યા છે. શાસ્ત્રીયસંગીતના જાણકારોને ખબર છે કે ‘હાજરી પુરાવવી’ એટલે કાર્યક્રમમાં પોતાની કળા પેશ કરવી, ‘યસ, સર’વાળી હાજરી નહીં. અમારા યજમાન કૃષ્ણકુમાર જાલાન મને માહિતી આપે છે કે પંડિત જસરાજ પ્રાય: દર વર્ષે આ સંગીત સમારોહમાં આવે છે. મંદિર તરફથી કોઈનેય પુરસ્કાર આપવામાં નથી આવતો. રહેવાની વ્યવસ્થા પણ દરેક કળાકારે પોતાની જ કરવાની હોય છે. સાથે આવનારા સંગત માટેના સાથી કળાકારો વગેરેનો ખર્ચ પણ એમનો પોતાનો જ. મંદિર માત્ર આવવા-જવાનું ભાડું આપે. આમ છતાં દરેક કળાકાર ક્યારે આમંત્રણ મળે એની રાહ જુએ છે. પંડિત જસરાજજી તો અહીંની તાજ વગેરે ફાઈવસ્ટારોમાં સહેલાઈથી ઉતારો રાખી શકે પણ તેઓ મંદિરમાં જ અતિથિઓ માટેની સાદી ઓરડીમાં રહેતા હોય છે અને મંદિરમાં જ કૉમન ટૉયલેટ-બાથરૂમ વાપરતા હોય છે.

પંડિત જસરાજજીની હનુમાનજી માટેની આ નિષ્ઠાનો રણકો તમારે સાંભળવો હોય તો એમના કંઠે હનુમાન ચાલીસા સાંભળજો. મારી પાસે સિંગલ્સની, નાની સાઈઝની સીડી છે. ના મળે તો યુ ટયુબ છે જ.

સંકટ મોચન હનુમાનજીના મંદિરમાં યોજાતા સંગીત સમારંભની વિશિષ્ટતા એ છે કે અહીં આટલા મોટા મોટા કળાકારો આવતા હોવા છતાં વી.આઈ.પી.ઓ માટે કોઈ વિશિષ્ટ કે અલાયદી વ્યવસ્થા નથી હોતી. અહીં પ્રવેશવા માટે ન તો કોઈ પ્રવેશ ફી આપવી પડે છે ન પાસની જરૂર પડે છે. જેને આવવું હોય, જ્યાં બેસવું હોય તેની છૂટ. કાર્યક્રમ પછી કળાકારો પોતાના ગ્રીનરૂમમાં જતા રહેવાને બદલે સામાન્ય શ્રોતાઓને પણ બેકસ્ટેજમાં પ્રેમથી મળતા હોય છે. મંદિરના ચોકમાં જગ્યા ન હોય તો શ્રોતાઓ મંચ પર કળાકારોની સાથે પણ બેસી શકે.

અધરવાઈઝ એક એક કાર્યક્રમ માટે (વાજબી રીતે જ) લાખો રૂપિયાની ફી લેતા મહાન કળાકારો એક પૈસો લીધા વિના, ગાંઠના ખર્ચીને જ્યાં આવવા માટે પડાપડી કરતા હોય એ જગ્યાનો પ્રભાવ કેવો હશે. રૂબરૂ આવીને સંકટ મોચન હનુમાનજીના સાંન્નિધ્યમાં થોડો સમય ગાળો તો જ એનો ખ્યાલ આવે.

હનુમાનજીનાં દર્શન સાથે અમારી કાશી કહો તો કાશીની અને વારાણસી કહો તો તેની અને બનારસ કહો તો તેની યાત્રાનો આરંભ થાય છે.

ના. યાત્રાનો આરંભ તો સવારના નાસ્તા પછી ઉતારે જતાં રસ્તામાં લંકા ચૌરાહા પરની કેશવ તાંબુલ ભંડારથી થઈ ગયો હતો. પાન તો ઘણાંય ખાધાં પણ બ્રેકફાસ્ટ પછી પહેલી વાર ખાધું. યજમાનનો ખાસ આગ્રહ હતો એટલે અમારી તહેનાતમાં મુકાયેલા સેવકને કડક સૂચના આપવામાં આવેલી. બિચારો દુકાનનું નામ ભૂલી ગયો એટલે ચાલુ ગાડીમાં એણે પોતાના કોઈ પરિચિતને પૂછ્યું, ‘ભાઈજી બોલે હૈં ઈન કો પાન ખિલાને કો, તો કહાં હૈ વો દુકનિયા!’

કેશવની દુકનિયાનાં પગથિયાં ચડતાંવેંત તમને ખ્યાલ આવી જાય કે તમે કોઈ લેજન્ડરી પાનવાળાઓને મળી રહ્યા છો. આધેડ ઉંમરના બેઉ ભાઈઓ પાન લગાવવામાં એટલા તલ્લીન થઈ જાય કે આપોઆપ પ્રથમ એમનું માથું અને ક્રમશ: સમગ્ર શરીર મંદ મંદ ઝુલવા માંડે. અને પાન મોઢામાં મૂકતાં જ તમે પોતે ઝૂમવા માંડો. બનારસી પાન ખાઈને અક્કલનું તાળું ખુલી જતું હોય છે એવું મહાન બચ્ચનજીએ શીખવાડ્યું છે. અમારી અક્કલના બંધ તાળાને વરસોથી કાટ લાગી ગયો છે એટલે હવે અહીં જેટલા દિવસ છીએ એટલા દિવસ સુધી રોજ વધુમાં વધુ પાન ખાવાનો સંકલ્પ કરીને અને કેશવની પાનની દુકનિયાનાં પગથિયાં ઊતરી જઈએ છીએ.

આ લેખ તમે વાંચશો સોમવાર, ૨૭મી ફેબ્રુઆરીએ. પણ એ અત્યારે લખાઈ રહ્યો છે બનારસમાં, મહાશિવરાત્રિએ. સામે જ ગંગાનો વિશાળ પટ દેખાઈ રહ્યો છે. જમણી બાજુએ અસ્સી ઘાટ છે, ડાબે તુલસી ઘાટ છે. સાંજ પડવાની તૈયારી છે. અસ્સી ઘાટથી નૌકાયન કરી તે મુંબઈ પાછા આવતાં પહેલાં ફરી એક વાર બધા જ ઘાટની યાત્રા કરી લેવી છે. મણિકર્ણિકા ઘાટ, દશઅશ્ર્વમેધ ઘાટ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ઘાટ જ્યાંની ગંગા આરતીનું દૃશ્ય પરમ દિવસે જોયું ત્યારે લાગ્યું કે આપણી ભાષામાં ‘મનોહર’ ‘હૃદયંગમ’ અને ‘ભાવવિભોર’ જેવાં વિશેષણો આવા દૃશ્યનું વર્ણન કરવા માટે જ સર્જાયા છે.

કાશી વિશેની બે ગલત ધારણાઓ અહીં આવ્યાના ચોવીસ કલાકમાં જ દૂર થઈ ગઈ. કાશી અર્થાત્ વારાણસી કે બનારસનું મહત્ત્વ સંસ્કૃત ભાષાની રાજધાની તરીકે જ હતું. અહીં આવ્યા પછી ખબર પડી કે સંસ્કૃત જ નહીં, આયુર્વેદ અને શાસ્ત્રીયસંગીત સહિતની અનેક વિદ્યાઓની રાજધાની આ શહેર છે.

સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત નાનપણથી સાંભળેલી. આ વર્ષના આરંભે થર્ટી ફર્સ્ટની નાઈટે સુરત જઈને સવારે લોચો, ખમણ અને બપોરે ઊંધિયું, કંદ પુરી વગેરે જમીને સુરતના જમણનો પરચો તો મળી જ ગયો હતો. કાશી આવીને સમજાય છે કે આ કંઈ માત્ર મૃત્યુ કે મોક્ષનું જ નગર નથી, આ શહેર જીવતે જીવ આપણને વધુ સારું જીવવાની પ્રેરણા આપે એવું ધાર્મિક-અધ્યાત્મિક શહેર છે. ભગવાન શંકર સાથે અતૂટ નાતો ધરાવતી આ પવિત્ર કાશી નગરી વિશે વિશેષ કાલે.

આજનો વિચાર

મજબૂર યે હાલાત
ઈધર ભી હૈ, ઉધર ભી…
કુછ સીટેં કમ હૈ
ઈધર ભી, ઔર ઉધર ભી…
દિલ કહતા હૈ
રાજનીતિ કી હર રસ્મ મિટા દે…
દીવાર જો હમ દોનોં
કે બીચ હૈ, વો ગિરા દેં…
કયોં વિરોધી બનકર
સુલગતેં રહેં હમ,
લોગોં કો બતા દેં
હાં,
હમારી યુતિ હૈ,
યુતિ હૈ, યુતિ હૈ…
દિલ મેં યે બાત
ઈધર ભી હૈ, ઔર ઉધર ભી.

એક મિનિટ!

પત્ની: તમે મને છોડી તો નહીં દો ને!

પતિ: નહીં રે, નહીં!

પત્ની: હું જાડી થઈ જઈશ પછી પણ નહીં?

પતિ: બિલકુલ નહીં…

પત્ની: અને ગાંડી થઈ ગઈ તો?

પતિ: મેં છોડી તને?

( મુંબઇ સમાચાર : સોમવાર, 27 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *