સારા વિચારોનું શૉપિંગ

કેટલાકને શૉપિંગ કરવાનો શોખ હોય છે, ખરીદેલી વસ્તુઓને વાપરવાનો નહીં. મૂકી રાખે. નવી ને નવી મૂકી રાખે. બહુ બહુ તો બેચાર વાપરી હોય. પછી વર્ષો સુધી પડી રહે. વખત જતાં નકામી થઈ જાય એટલે નવી ખરીદેલી ચીજો માટે જગ્યા કરવા એને કાઢી નાખે. રિયલ થ્રિલ માત્ર શૉપિંગ વખતે જ આવતી હોય છે, પછી ઘટતાં ઘટતાં એ થ્રિલ જાણે વસ્તુને સાચવવાની જવાબદારીમાં પલટાઈ જતી હોય છે અને ક્યારેક ગિલ્ટમાં પરિણમતી હોય છે.

સારા વિચારોનું પણ આવું જ છે. આપણને સારા વિચારોનું શૉપિંગ કરવાની બહુ હોંશ હોય છે. જ્યાંથી મળે, જેની પાસેથી મળે, આપણે સારા વિચારો મેળવીને સંઘરતા રહીએ છીએ. એ વિચારો પ્રથમ વાર કોઈના શ્રીમુખે સાંભળીએ કે કોઈની પાવન કલમે વાંચીએ ત્યારે બે ઘડી આપણે એ વિચારોમય થઈ જઈએ છીએ, પણ ઘરે આવીને નવી ખરીદેલી પરફ્યુમની બૉટલોની જેમ એ વિચારોનું પેકિંગ ખોલ્યા વિના, એના ખોખામાં જ વૉર્ડ રોબના ખાનામાં મૂકી દઈએ છીએ. (પરફ્યુમ તો જરા સારું લાગે એટલે લખ્યું, બાકી નવાં ખરીદેલા અને ભાગ્યે જ પહેરાતાં પગરખાં સાથે મૂકી દઈએ છીએ એ વિચારોને).

સારા વિચારોને અમલમાં ન મૂકીએ ત્યાં સુધી એ વિચારોનું કોઈ મૂલ્ય નથી. મનમાં એ વિચારો રાખ્યા હશે તો ક્યારેક ને ક્યારેક કામ લાગશે એવું માનીને તમે એ વિચારો રાખવા બદલ ફીલ ગુડ કરો કે તમારી જાતને બીજાઓ કરતાં મનોમન ઊંચી માનો તો એ તમારો હક્ક છે, પણ એવા વિચારો સંઘરી રાખવાનો કોઈ મતલબ નથી. એક જમાનામાં મધ્યમ વર્ગીય ગુજરાતી કુટુંબના ઘરમાં દીવાનખાનાના કાચના શોકેસમાં ક્રોકરીનો સેટ પડ્યો રહેતો, મહેમાન આવે ત્યારે વાપરવા માટે. બાકી, બારે માસ ધૂળ ખાતો. તમારી પાસે જે સારું હોય તે દેખાડા માટે નથી હોતું, તમારા પોતાના ઉપયોગ માટે હોય છે એવું આપણાં માબાપને કોણ સમજાવવા જાય?

આ બધા વિચારો આવવાનું કારણ ગયા અઠવાડિયે સ્વામી સચ્ચિદાનંદના દર્શન કરીને નડિયાદ નજીકના હેરંજ ગામે સ્વામી અસંગાનંદજી સરસ્વતીના આશ્રમની મુલાકાત. પ્રથમ વાર જ એમનો પરિચય થયો. સૌમ્ય અને પ્રભાવશાળી વ્યક્તિત્વ. વાણી પણ એટલી જ પ્રસન્ન. સ્વામી અસેગાનંદજી સાથેના સત્સંગમાં એમણે અમને ચાર મિત્રોને જે વાત કહી તે ખરેખર જીવનમાં ઉતારવા જેવી હતી. કદાચ આવી જ વાતો અલગ અંદાજમાં, અલગ સંદર્ભમાં અગાઉ કેટલાક આદરણીય સંતો પાસેથી સાંભળી છે, પણ વિચાર આવ્યો કે તો પછી એને જીવનમાં અમલમાં કેમ નથી મૂકી મેં? સ્વામી અસંગાનંદજીની એ ત્રણ વાતો સાંભળીને ખૂબ સંતોષ થયો અને વિચાર આવ્યો કે શું આ વાતોને પણ ઘરે જઈને પડીકું ખોલ્યા વિનાના બીજા સામાન સાથે મૂકી દેવાશે. તો પછી મુંબઈથી સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરીને ત્યાં સુધી જવાનો મતલબ શું? માત્ર બસ, મનને ઘડી બે ઘડી પ્રસન્નતા મળે એટલા માટે? થોડુંક આઉટિંગ થઈ જાય એ માટે? પ્રસન્નતા તો મને મિત્રો સાથે બારમાં બેસીને પણ મળતી હોય છે. આઉટિંગ માટે સિનેમા ગૃહો, નાટ્યગૃહો અને સભાગૃહોથી માંડીને માથેરાન-મહાબળેશ્ર્વર ક્યાં નથી. તો પછી આશ્રમોમાં જઈને સંતો, મહાપુરુષોનો મૂલ્યવાન સમય શું કામ વેડફવો જોઈએ મારે?

સ્વામી અસંગાનંદજીએ કહેલી આ ત્રણ વાત જ્યાં સુધી જીવનમાં ઉતારીએ નહીં ત્યાં સુધી બીજા નવાં સારા વિચારોનું ‘શૉપિંગ’ નહીં કરીએ એવા સંકલ્પ સાથે એમણે કહેલી આ ત્રણ વાતો તમારી સાથે શેર કરું છું. તમે પણ જો એને જીવનમાં ઉતારવાના ન હો તો ‘શૉપિંગ’ કરવાનું માંડી વાળજો.

પહેલી વાત સ્વામી અસંગાનંદજીએ એ કહી કે રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરીને એનો આભાર માનો. આભાર એટલા માટે કે તમને ખ્યાલ આવે કે તમારી પાસે એણે આપેલું કેટકેટલું છે અને એટલે તમે એની પાસે હવે વધારે માગ માગ ન કરો. માગ્યા કરવાથી અસંતોષ વધતો જાય છે. આભારની લાગણી વ્યક્ત કરવાથી તૃપ્તિનો અનુભવ થાય છે.

ભગવાને મને શું શું આપ્યું છે એની યાદી બનાવવા જઈશ તો મારે શું શું હજુ જોઈએ છે એની કરવાની મારી હિંમત જ નહીં થાય. જીવનમાં ઓછપનો, અધૂરપનો કે કશુક ખૂટતું હોવાનો અનુભવ થતો હોય ત્યારે જે છે તેની યાદી બનાવી લેવી.

રોજ સવારે હવે ઉપરવાળાને યાદ કરીને, સ્વામી અસંગાનંદજીનો દૃષ્ટિકોણ સ્મૃતિમાં રાખીને, ઈશ્ર્વરનો આભાર માનવાનું નક્કી.

બીજી વાત. સ્વામીજી કહે છે કે રોજ એક સદ્કાર્ય કરવું. નાનું તો નાનું, પણ કોઈનું ભલું થાય એવું એક કાર્ય રોજે રોજ કરવું. આ કામ કયું હોઈ શકે તે તમારે નક્કી કરવાનું.

મારે હિસાબે આ ટાસ્ક આપવા પાછળ સ્વામીજીનું એક ગર્ભિત કારણ એ હોઈ શકે કે આજે કયું સદ્કાર્ય કરવું છે તે વિશે આપણે જ્યારે વિચારતા હોઈએ ત્યારે આપણા મનમાં વિવિધ વિકલ્પો સૂઝે-આ સદ્કાર્ય કરવું કે પેલું? કોઈ સદ્કાર્ય કરવાની આપણી ત્રેવડ ન હોય તો તે ઊભી કરીએ, કોઈ સદ્કાર્ય કરવાનો હજુ સમય ન થયો હોય તો એવો સમય આવે એની રાહ જોઈએ. સદ્કાર્ય કરવું પૂરતું નથી. સદ્કાર્ય કરીને છૂટી જવાને બદલે એ માહોલમાં તમારું મન રહે તો નકારાત્મક વિચારોથી બને એટલા દૂર જઈ શકાય.

ત્રીજી વાત. આત્મનિવેદન. જરા સમજીએ. રોજ રાત્રે સૂતાં પહેલાં દિવસ દરમિયાન કરેલી તમામ પ્રવૃત્તિઓ, તમામ વ્યક્તિઓ સાથેની મુલાકાતો અને જે જે વિચારો કર્યા તે વિશે સંક્ષિપ્તમાં એક અવલોકન કરી જવું. ક્રમબદ્ધ રીતે. પહેલાં આ થયું, પછી આ, પછી આ, પછી આ વિચાર આવ્યો વગેરે. આને કારણે બે ફાયદા થશે. એક તો સેલ્ફ અસેસમેન્ટ થશે ને બીજું જે કંઈ વિચારો કે પ્રવૃત્તિઓ કરીએ છીએ તેના પ્રત્યે સભાનતા કેળવાશે. ધીરે ધીરે એ પ્રવૃત્તિઓ કે એ વિચારો કરતાં હોઈશું ત્યારે જ સભાન થઈ જઈશું કે મારે આ કામ કરવું જોઈએ કે નહીં, આ જ રીતે કરવું જોઈએ કે પછી કોઈ બીજી રીતે. આવું જ વિચારોનું.

સ્વામી અસંગાનંદજી પાસેથી સાંભળેલી આ ત્રણ વાતો જેવી બીજી ઘણી સારી સારી વાતો તમે બીજા ઘણા ઘણા સંતો-મહાપુરુષો પાસેથી સાંભળી હશે. એ સારા વિચારોનો અમલ તમારા જીવનમાં કેટલો થયો એનું આકલન તમારે આ થર્ટી ફર્સ્ટ માર્ચે ફાઈનાન્શ્યલ યર પૂરું થાય ત્યારે કરી લેવાનું. પ્રામાણિકપણે તમે સરવૈયું કાઢ્યું હશે તો નવા વર્ષે હિસાબનો ચોપડો ચોખ્ખો, કોઈ ગોલમાલ વગરનો રાખવામાં મદદ થશે.

કાગળ પરના દીવા

તમારા કામને, તમારી પ્રવૃત્તિઓને, તમારી જિંદગીને કોણ આગળ ધકેલી રહ્યું છે? તમારામાં રહેલો ડર? કે તમે સેવેલાં સપનાં?

– અજ્ઞાત

સન્ડે હ્યુમર

‘સદા સુખી રહો’ આ આશીર્વાદને કારણે જ ઘણા પુરુષો કુંવારા રહી જાય છે!

( મુંબઇ સમાચાર : રવિવાર, 26 ફેબ્રુઆરી 2017)

1 comment for “સારા વિચારોનું શૉપિંગ

  1. જયેન્દ્ર
    February 27, 2017 at 12:48 PM

    મુરબ્બી સૌરભભાઈ ખુબજ સરસ લેખ છે.
    ખરેખર તો જ્યારે પણ આપણે શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે ખરીદતા પહેલા પોતે વિચાર કરીયે ને જરૂર પુરતું જ ખરીદિયે, વળી ખરીદ કરેલ વસ્તુનો વખતોવખત ઉપયોગીતા નોટ વિચાર કરીને પછી શોપિંગ કરીએ તો બહુજ ફરક પડે છે. કોઈ એક મનોવૈજ્ઞાનિકે સરસ કહ્યું છે કે જ્યારે જ્યારે તમે શોપિંગ કરવા જાઓ ત્યારે ખરીદતા પહેલા ઊંડો શ્વાસ લ્યો અને થોડો સમય કાઢી નાખો ત્યાં સુધીમાં વણ-ઉપયોગી વસ્તુઓ ખરીદ કરવાનો વિચાર ટળી જવાની પૂરી શક્યાતા થાય.
    આપનો આભાર અને ખત્રી સાહેબને અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *