ચાર મુએ તો કિઆ હુઆ, જીવત કઈ હજાર

યોગાનુયોગ જુઓ કે જે કથા ઘરે આવેલા અમારા શીખ પાયલટમિત્ર પાસે સાંભળી તે જ થોડા દિવસ બાદ સ્વામી સચ્ચિદાનંદના ‘સિક્ખ (શીખ) ધર્મના પક્ષમાં’ પુસ્તકમાં વાંચી.

ગુરુ ગોવિંદસિંહજીના બે નાના પુત્રોની આ કથા છે. દિવસ હતો ૨૭-૧૨-૧૭૦૪નો. ગુરુજીના રસોડામાં રસોઈયાની નોકરી કરતા ગંગૂએ ધનની લાલચમાં આ બેઉ બાળકોને સરહિન્દ સૂબા પાસે મોકલી દીધા. સૂબો ઈનામ આપશે એવા વિચારથી. સ્વામી સચ્ચિદાનંદ લખે છે: ‘નાના માણસો કદી પણ મોટા માણસોની મહત્તાને સમજી શકતા નથી. મોટા માણસોની મહત્તા માત્ર મોટા માણસો જ સમજતા હોય છે. જે મોટા માણસો નાના માણસો વચ્ચે જીવનસાધના કરતા હોય છે તેઓ હીરાનો વ્યાપાર શાક માર્કેટમાં કરતા હોય છે, જ્યાં મૂળા-મોગરી અને હીરાનો એક જ ભાવ થતો હોય છે… ગુરુજીનો રસોઈયો હોવા છતાં ગંગૂ ગુરુજીની મહત્તા જાણતો ન હતો. ઘણી વાર નજીકના માણસો જ મોટા પુરુષોને ઓળખી શકતા નથી હોતા. ગાયના બાવલા (આંચળ) પર ચોંટેલી ઈતરડી દૂધને નથી સમજી શકતી, નજીકથી નજીક હોવા છતાં પણ તે લોહી જ ચૂસતી રહે છે.’

બન્ને કોમળ અને રૂપાળાં બાળકોએ સૂબાને વશ થઈને ધર્મપરિવર્તન કરવાની ના પાડી અને બેઉ ‘સત શ્રી અકાલ, જો બોલે સો નિહાલ’ બોલતા રહ્યા. સાત અને નવ વર્ષનાં બેઉ બાળકોને જીવતા દીવાલમાં ચણી લેવાનો હુકમ કર્યો. સાત વર્ષના ફત્તેસિંહ અને નવ વર્ષના જોરાવરસિંહને ઊભા રાખીને તેમની ચારે તરફ દીવાલ ચણાવા લાગી. સૂબો વજીરખાં અને એનો હિન્દુ ખત્રી દીવાન વગેરે સામે બેઠા હતા અને એક એક થરે બાળકોને ભય અને લાલચ આપી ધર્મપરિવર્તન કરી લેવા સમજાવતા હતા, પણ બન્ને બાળકો અડગ હતાં. દીવાલને ચણાતાં ચણાતાં મોઢા સુધી આવેલી જોઈને મોટા જોરાવરસિંહની આંખોમાં આંસુ આવી ગયાં. સૂબાને લાગ્યું કે આ છોકરો હવે ડરી ગયો છે. તેણે કહ્યું, ‘રડે છે શું કામ? બોલ, ધર્મ બદલી લેવો છે? હજૂય તક છે. તું કહેતો હોય તો ઇંટો કઢાવી નાખું.’ સૂબાની વાત સાંભળીને નવ વર્ષના મોટાભાઈ જોરાવરસિંહે કહ્યું, ‘હું મૃત્યુથી ડરીને રડતો નથી, પણ મારો નાનો ભાઈ નીચો હોવાથી તેના નાક આગળ પહેલાં ઈંટ મુકાશે એટલે પહેલું મૃત્યું એનું થશે, ખરેખર તો હું મોટો હોવાથી પહેલાં મારે મરવું જોઈએ, પણ મારી ઊંચાઈને કારણે હું બે મિનિટ પછી મરીશ, તેનું રડવું આવે છે.’

સૂબાએ પગ પછાડ્યાં. કેવાં પોલાદી બાળકો છે. ઇંટો ચણાતી ગઈ. સૌના જોતાં જોતાં બન્ને બાળકો જીવતાં ચણાઈ ગયા. ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. પૂરા વિશ્ર્વના ઈતિહાસમાં આટલાં નાનાં બાળકોએ આવી ખુમારી અને મક્કમતાથી બલિદાન આપ્યું હોય તેવું ક્યાંય જોવા નહીં મળે. ૨૭મી ડિસેમ્બર, ૧૭૦૪નો એ દિવસ શીખોના ઈતિહાસનો એક ખૂબ અગત્યનો દિવસ છે.

ગુરુ ગોવિંદસિંહજીએ પોતાના આયુષ્ય દરમ્યાન બીજા બે પુત્રો અજિતસિંહ અને જુઝારસિંહને પણ શત્રુની સેના સામે ઝઝૂમીને શહીદ થતાં જોયા. અજિતસિંહની સરદારીમાં પાંચ પ્યારામાંના મોકળસિંહ છીપા (ભાવસાર) પણ હતા જે ગુજરાતના બેટ-દ્વારકાના હતા. અજિતસિંહે પઠાણોની સેનામાં હાહાકાર મચાવ્યો હતો. અનેક પઠાણોનો સંહાર કર્યા બાદ ખરા સમયે એમનો ભાલો તૂટી ગયો. તલવારથી ઝઝૂમવા લાગ્યા, પણ અંતે શહીદ થઈ ગયા. આ બેઉ પુત્રો નાના જોરાવરસિંહ અને ફત્તેહસિંહથી મોટા. આ બેઉ મોટા પુત્રો ૨૨-૧૨-૧૭૦૪ના રોજ શહીદ થયા. પાંચ દિવસ પછી બેઉ નાના પુત્રોને જીવતા ચણી લેવામાં આવ્યા. એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ચાર ચાર પુત્રોને ગુમાવી દેનાર ગુરુ ગોવિંદસિંહજીએ કઠણ કાળજું કરીને આ આઘાત સહન કરી લીધો. બીજું કોઈ હોય તો ભાંગી પડે, શરણે થઈ જાય.

શત્રુઓ સામે લડતાં લડતાં એક પછી એક શીખ સૈનિકો શહીદ થતા રહ્યા. છેવટે ત્રણ શીખો અને ગુરુજી – એકલા જ રહ્યા. ગુરુજીએ આનંદપુર છોડવું પડ્યું. પાછળ ઔરંગઝેબની શાહી સેના પડી હતી. જંગલમાં ચાલતાં ચાલતાં ગુરુજીના પગમાં છાલાં પડી ગયાં, પગ મંડાતો પણ નથી, અન્નનો દાણો પણ પેટમાં ગયો નથી. જેમના આશ્રમમાં રોજ હજારો ભકતોને જમાડનારું લંગાર ચાલતું હતું તે પોતે ભૂખ્યા પેટે, ઝાડનાં પાંદડા ખાઈને, પગમાંથી ટપકતા લોહીની પરવા કર્યા વિના આગળ વધી રહ્યા. શિયાળાની કડકડતી ટાઢમાં ખેતરમાં કોઈના ફેંકી દીધેલા માટી તૂટેલા વાસણ પર માથું રાખીને ઓઢ્યા વિના સૂઈ જવાનું.

આવો સંઘર્ષ વેઠતાં વેઠતાં ગુરુજી દીના પહોંચ્યા. ઘણા સમય સુધી એમણે દીનામાં નિવાસ કર્યો અને શીખોનું એક વફાદાર જૂથને સંગઠિત કર્યું. (આ દીના ગામ અત્યારે પાકિસ્તાનમાં છે. સંપૂર્ણસિંહ કાલરા ઉર્ફે આપણા પ્યારા કવિ ગુલઝારનું વતન દીના છે).

ઔરંગઝેબને ખબર પડી કે ગુરુ ગોવિંદસિંહજી દીનામાં છે. એણે ફરી ગુરુજીને આવીને મળવાનું તથા સમાધાન કરી લેવાનું આમંત્રણ મોકલ્યું. ગુરુજીએ આ પત્રના જવાબમાં જે પત્ર લખ્યો તે ‘ઝફરનામા’ અથવા ‘વિજયપત્ર’ તરીકે ભારતના ઈતિહાસમાં જાણીતો છે. આ પત્ર રાજનીતિનો આદર્શ નમૂનો છે જ, સાહિત્યનો પણ ઉત્કૃષ્ટ નમૂનો છે.

ઔરંગઝેબે ગુરુજીને મળવાનું આમંત્રણ આપ્યું, પણ ગુરુજી એને મળવા જાય તે પહેલાં જ ઔરંગઝેબ મરી ગયો. દીનાના શાસક પર દબાણ આવતાં ગુરુજીએ ત્યાંથી વિદાય લીધી. રસ્તામાં નાની-મોટી લડાઈઓ લડતાં લડતાં ગુરુજી તલવંડી પાસે પહોંચ્યા. ગામ બહાર તંબૂ નાખીને રહેવા લાગ્યા. સેંકડો લોકો દર્શન માટે આવવા લાગ્યા. સમાચાર સાંભળીને ગુરુજીનાં પત્ની સુંદરીજી તથા સાહેબકૌરજી પણ દર્શન કરવા આવી. બેઉ પત્નીઓએ પૂછયું કે અમારા પુત્રો ક્યાં છે. તાર-ટપાલ જેવા સંદેશવ્યવહારનાં સાધનોના અભાવમાં આ સમાચાર હજુ એમને મળ્યા નહોતા. ગુરુજી ધીમેથી બોલ્યા:

ઈન પુત્રનકે સીસ પર,
વાર દિએ સુત ચાર;
ચાર મુએ તો કિઆ હુઆ,
જીવત કઈ હજાર

ગુરુજીએ બેઉ પત્નીઓને ફરીથી દિલ્હી મોકલીને દક્ષિણ તરફ પ્રયાણ કર્યું, કારણ કે ઔરંગઝેબ તે વખતે અહમદનગરમાં હતો અને તેને મળવાનું આમંત્રણ હતું. પણ પ્રવાસ દરમ્યાન ઔરંગઝેબના મૃત્યુના સમાચાર મળ્યા. આ દરમ્યાન ગુરુજીએ લડાઈઓ કરી અને દગાફટકાનો પણ સામનો કર્યો. એક પઠાણે ગુરુજીના હૃદયની નીચે છરીનો ઘા કરી દીધો. થોડા દિવસમાં ઘા રુઝાઈ ગયો, પણ એક દિવસ ગુરુજી મજબૂત ધનુષ્યની પણછ ખેંચીને ચઢાવતા હતા ત્યારે વધુ પડતું જોર કરવાથી પેલો રુઝાયેલો ઘા ફરીથી ખુલી ગયો. ઘણું લોહી વહ્યું. શરીર કમજોર થતું ગયું. ગુરુજી સમજી ગયા કે હવે વિદાયનો સમય આવી ગયો છે.

એમણે અંતિમ સભા કરીને કહ્યું: ‘જ્યાં જ્યાં પાંચ શીખો ભેગા થશે અને ગુરુ ગ્રંથસાહેબમાંથી માર્ગદર્શન મેળવશે ત્યાં હું હાજર રહીશ. હવેથી આ ખાલસાપંથ સૌનો ગુરુ થશે. ગુરુ ગ્રંથસાહેબ જ સૌનો ગુરુ કહેવાશે… હું ઈશ્ર્વર નથી. મને કોઈ ઈશ્ર્વર માનશો નહીં, જો માનશો તો નરકમાં પડશો.’

ગુરુજીએ સ્નાન કર્યું. વસ્ત્ર બદલ્યાં. સવારની પ્રાર્થના – જપજીસાહેબનો જાપ કર્યો, પછી ગુરુ ગ્રંથસાહેબને પ્રણામ કર્યા. અંતિમ દિવસોમાં એમણે બધી વ્યવસ્થાનો વહીવટ યોગ્ય રીતે થાય એ માટે વિગતવાર સૂચનાઓ આપી દીધી. ગુરુજી ધીરે રહીને બોલ્યા: ‘સત શ્રી અકાલ, વાહે ગુરુ ખાલસા.’ તેમની આંખ મીંચાઈ ગઈ ત્યારે ૭-૧૦-૧૭૦૮ના દિવસનું પરોઢિયું થઈ રહ્યું હતું. એક મહાન જ્યોતિપુંજ જ્યોતિમાં સમાઈ ગયો. મડદાલ થઈ ચૂકેલી હિન્દુ પ્રજાને નવું જીવનઅમૃત પીવડાવનાર અને મર્દાનગીના પાઠ ભણાવનાર, જેમનો જગતના ધર્માચાર્યોના ઈતિહાસમાં કોઈ જોટો નથી, તેવા ગુરુ ગોવિંદસિંહજીના જીવનનો અને શીખોનો ઈતિહાસ ગુજરાતી વાચકો સુધી પહોંચાડનાર સ્વામી સચ્ચિદાનંદના આપણે સૌ સદાય ઋણી રહીશું.

આજનો વિચાર

ઘણીવાર મને થાય છે કે જો શીખ ધર્મ માત્ર પંજાબ સુધી જ સીમિત ન રહેતાં પૂરા ભારતમાં ફેલાઈ ગયો હોત તો પૂરું ભારત મર્દાનગીથી ઝૂમી ઊઠ્યું હોત. તો કોઈ દુશ્મન તેની સામે આંખ ઉઠાવીને જોઈ પણ ના શકત. કાયરતા અને નમાલાપણાને વધારનારા હજારો પંથો-સંપ્રદાયો થયા છે અને થઈ રહ્યા છે, જે વ્યક્તિરૂપ થકી અને માત્ર પરલોકલક્ષી અને કર્તવ્યત્યાગનો ઉપદેશ આપીને પ્રજાને વધુ ને વધુ વિભાજિત તથા કાયર બનાવી રહ્યા છે, જેનું પરિણામ તો ગુલામી જ હોઈ શકે. હવે તો લોકો જાગે અને સાચી દિશા તરફ વળે.

– સ્વામી સચ્ચિદાનંદ

( મુંબઇ સમાચાર : શનિવાર, 25 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *