લોહી-માંસ જોઈને અરેરાટી થાય એ પ્રજા ક્યાંથી બહાદુર બનવાની

કોઈપણ પરિવર્તનનો કોઈક ને કોઈક જગ્યાએ તો વિરોધ થવાનો જ. પરિવર્તન $. ભલા માટે હશે તો પણ અને પરિવર્તન સામેની વ્યક્તિના સારા માટે હશે તો પણ. એનું કારણ છે. માણસનો જીવ જૈસે થે વાદી છે. જે છે, જેમ છે, જ્યાં છે તેને એ જ રીતે રહેવા દેવામાં આપણને સલામતી લાગતી હોય છે.

ધાર્મિક સુધારાઓ વિશે ચિંતન કરતાં સ્વામી સચ્ચિદાનંદે શીખો વિશેના ઇતિહાસમાં લખ્યું છે કે, ‘ધાર્મિક સુધારો કદી પણ શત્રુ વિનાનો નથી હોતો. બીજા સુધારા માત્ર વિરોધ જ ઉત્પન્ન કરે છે અને પછી સમય જતાં વિરોધનું શમન થઈ જાય છે. પણ ધાર્મિક સુધારા તો શત્રુઓ જ પેદા કરે છે. કારણ કે જે લોકોનું સ્થાપિત હિત હોય છે તે તરત જ પ્રતિવાદ કરવા લાગતા હોય છે. ગુરુજીએ (ગુરુ ગોવિંદસિંહજીએ) ખાલસા પંથની સ્થાપના કરી, ઊંચનીચના ભેદ મિટાવી સૌને એક સાથે અમૃતપાન કરાવી ઊંચનીચને એક કરી દીધા છે તેવી વાતો સાંભળીને પહાડના રાજાઓ ગભરાયા. અમેરચંદ રાજા તો જાતે આનંદપુર આવ્યો. ચારે તરફ યોદ્ધા જ યોદ્ધા દેખાતા હતા. ભગવાન રામે પણ હજારો વર્ષ પહેલાં વાનરોને યોદ્ધા બનાવીને રાવણના છક્કા છોડાવી દીધા હતા. તે પછી

માર્ગ બદલાયો. શ્રમણો આવ્યા. શ્રમણોએ યોદ્ધાઓને શસ્ત્રત્યાગી સાધુઓ બનાવ્યા. ચારે તરફ હજારોની સંખ્યામાં સાધુઓનાં જ ટોળાં દેખાવા લાગ્યાં. વિધર્મી અત્યાચારીઓને મજા પડી ગઈ. યોદ્ધા વિનાનો સોનાની મરઘી જેવો દેશ કોને ન ગમે? અધૂરામાં પૂરું આ સાધુઓ બાકી બચેલા લોકોને પણ શસ્ત્રત્યાગનો ઉપદેશ આપીને ધર્મના કેન્દ્રમાં ‘અહિંસા’ને સ્થાપિત કરતા હતા તેથી પ્રજા પણ પ્રતિકારશક્તિ વિનાની થઈ ગઈ હતી. વિદેશી અને વિધર્મીઓએ બહુ જ સરળતાથી આ દેશને ગુલામ બનાવી દીધો.

પ્રજાને નમાલી બનાવનારાઓ બે પ્રકારના હોય છે. એક તો વિદેશી શક્તિઓ જે આપણાં ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા સાથે ચેડાં કરીને તદ્દન ખોટો ઈતિહાસ આપણા ગુલામ માનસ પર થોપ્યા કરે છે. બીજી આંતરિક શક્તિઓ જેમના હાથમાં શાસનની ધુરા હોય છે. તેઓ આ વિદેશી તાકાતની કઠપૂતળી જેવું વર્તન કરે છે ત્યારે હજારો વર્ષ જૂના ઈતિહાસને ભૂંસીને આપણને આપણા માટે તિરસ્કાર થાય એવી વાતોને પ્રોત્સાહન આપે છે. આ સંદર્ભમાં સ્વામી સચ્ચિદાનંદ જે કેટલાક દાખલાઓ આપે છે તેને આપણે તમિલનાડુમાં જલિકુટ્ટુની આખલાઓને દોડાવીને એમને વશમાં કરવાની પરંપરાગત રમતના વિરોધમાં જોવા જોઈએ. ‘પેટા’ નામની પ્રાણી સંરક્ષણના નામે કકળાટ કરતી એન.જી.ઓ. દર વર્ષે બકરી ઈદે લાખો બકરાંની જે કતલ થાય છે તેને તો રોકી શકતી નથી, રોકવા માગતી પણ નથી, અને આ બાજુ હિંદુઓની પરંપરા સાથે ચેડાં કરતી રહે છે.

સ્વામી સચ્ચિદાનંદ ત્રણ દાખલા આપે છે: રોમ, ગ્રીસ અને સ્પેનના. તેઓ કહે છે કે આ ત્રણેય રાષ્ટ્રો વારાફરતી યુરોપની મહાશક્તિ બન્યાં તેની પાછળનું એક અગત્યનું કારણ ઉત્સવો અને રમતો દ્વારા તે દેશોની પ્રજાઓનું જે રીતનું ઘડતર થયું તે પણ છે.

રોમનોએ ભવ્ય સ્ટેડિયમો બનાવ્યાં જેનાં ખંડેરો આજે પણ ટૂરિસ્ટ આકર્ષણ છે. આ સ્ટેડિયમોમાં જેને ફાંસી આપવાની હોય તે કેદીને હજારો પ્રજા વચ્ચે સિંહની સાથે લડાવવામાં આવતો. ભૂખ્યો સિંહ તે વ્યક્તિને ફાડી ખાવા તેના પર તૂટી પડતો. પેલા કેદીના હાથમાં એક કટાર રહેતી. કટારથી એ પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરતો. સ્ત્રીપુરુષો અને બાળકોથી ખીચોખીચ ભરેલું સ્ટેડિયમ આ રોમાંચક યુદ્ધની મઝા લેતું, ચિચિયારીઓ પાડતું. જો કેદી જીતી જતો તો તેને છોડી દેવામાં આવતો. આવી ભયાનક રમતો જોવાથી પ્રજાનું માનસ ઘડાતું, તે યુદ્ધો કરી શકતી, જોઈ શકતી.

સ્વામીજી લખે છે: ‘ગ્રીસમાં પણ આવાં અસંખ્ય સ્ટેડિયમ મેં જોયાં છે, જ્યાં તે સમયની બહાદુરીભરી રમતો રમાતી અને પ્રજા દર્શક બનીને જોતી, ઘડાતી. સિકંદર મહાન આ ગ્રીસની જ પેદાશ હતો.’

ત્રીજો દાખલો સ્વામીજી સ્પેનનો આપે છે. સ્પેનમાં આજે પણ રોડિઓની દિલ થંભાવી દેનારી રમત રમાય છે. માંડ બે મિનિટ ચાલનારી આ રોડિઓ રમત લોકોના શ્ર્વાસ અધ્ધર કરી મૂકે છે. બીજી એક રમતમાં એક માતેલા સાંઢ સાથે એક રમતવીર હાથમાં કટાર લઈને મેદાનમાં ઊતરે છે. સાંઢ તેના ઉપર વારંવાર હુમલો કરે છે. પેલો બચી જવાનો પ્રયાસ કરે અને કૂદીને સાંઢના અંગમાં કટાર ભોંકી દે છે. લોહીના ફુવારા ઊડે. દર્શકો કિકિયારીઓ પાડે. આ રમતમાં કાં તો સાંઢ મરે, કાં પછી રમતવીર.

આપણી પ્રજાની કમનસીબી એ છે કે આપણે કૂકડાની ગરદન કપાતાં પણ જોઈ શકતા નથી. ગોવિંદ નિહલાનીએ ‘તમસ’ સિરિયલમાં આને લગતું સરસ દૃશ્ય બતાવ્યું છે. આપણામાંના મોટાભાગનાઓને તો કસાઈની દુકાને લટકતાં મૃત જાનવરોનાં અંગોને કપાતાં જોઈને ય કંપારી છૂટે છે. ઉપદ્રવી વાંદો કે માંકડ તો શું ઉપદ્રવી મચ્છરને પણ ન મારવો એવી પોપલી જીવદયાનો ઉપદેશ આપણા દિમાગને ખોટે રવાડે લઈ જાય છે. જરૂર ન હોય તો કીડી જેવા ક્ષુદ્ર જંતુને પણ ન મરાય પરંતુ જરૂર પડ્યે આખેઆખા માણસના પેટમાંથી આંતરડાં ખેંચી નાખવાનો બોધ નહીં મળે ત્યાં સુધી આપણી પ્રજા આવી જ પોચટ અને બાયલી રહેવાની.

આ સંદર્ભે સ્વામીજી લખે છે: ‘આપણે ત્યાં આવી (રોમ, ગ્રીસ, સ્પેનમાં રમાય છે એવી) રમતો રમાતી નથી. વ્યાપારી વર્ગ તો કોઈ પણ પ્રકારની રમતો રમતો જ નથી. અરે, જોવા પણ નથી જતો. તે કીડી-મકોડી-મચ્છરની હિંસા પણ સહન કરી શકતો નથી. બોલો, હવે કેવું ઘડતર થાય? આમાંથી કોઈ સિકંદર કે નેપોલિયન પેદા ન થાય. અને જો આવા મહાન સેનાપતિ યોદ્ધાઓ પેદા ન થાય તો દેશ કેવો થાય? વિદેશી અને વિધર્મીઓના પગ નીચે કચરાતો જ જાય ને.’

ગુરુ ગોવિંદસિંહજીએ બધા શીખોને આદેશ આપ્યો: ‘હવેથી તમે બધા શસ્ત્ર ધારણ કરો અને તમને પજવનારા લોકોનો સામનો કરો. ડરો નહીં, એકતા કરો અને પૂરી શક્તિથી જવાબ આપો.’ ગુરુજીના આવા આદેશથી પ્રત્યેક શીખ શસ્ત્રધારી બન્યો અને હેરાનપરેશાન કરનારાઓથી ડર્યા વિના સામનો કરવા લાગ્યો. તેમના પરાક્રમથી ગુંડા લોકો ડરી ગયા. તેમણે શીખોને પજવવાનું બંધ કર્યું અને શાંતિ થઈ ગઈ. સ્વામી સચ્ચિદાનંદ નોંધે છે: ‘અશાંતિ શસ્ત્રોથી અને પરાક્રમથી દૂર થઈ હતી. આ જ ખરો રસ્તો કહેવાય. શઠં પ્રતિ શાઠ્યં કુર્યાત્ એ નીતિ ત્યારની માફક આજે પણ પ્રસ્તુત છે જ. આમાં એટલી સાવધાનીની જરૂર છે કે શસ્ત્ર ધારણ કરનાર વ્યક્તિ પછી પોતે જ ગુંડાગીરી કરતા ન થઈ જાય.’ કાલે પૂરું.

આજનો વિચાર

આવતી કાલના ટી.વી. સમાચાર આજે: નોટબંધી કે વિરોધ મેં જનતા કા ગુસ્સા ફૂટા. દસ મેં સે સિર્ફ આઠ મહાનગરપાલિકા મેં જીતી ભાજપા.

– વૉટ્સએપ પર વાંચેલ.

એક મિનિટ!

પુરુષો કેવા હોય?

નર્કમાં જશે તો પણ કહેશે: યમરાજની વાઈફ જોઈ? શું ફટાકડો છે યાર!

અને સ્ત્રીઓ કેવી હોય?

સ્વર્ગમાં જશે તો પણ બોલવાની: અપ્સરાઓ જોઈ? કંઈ ડ્રેસિંગ સેન્સ જ નથી!

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *