પંજ પ્યારા, ખાલસા અને તંબૂમાંથી વહેતી લોહીની ધારા

શીખનો સાચો ઉચ્ચાર સિક્ખ થાય પણ આપણે પ્રચલિત ઉચ્ચારથી જ ચલાવીશું. જોકે, પ્રચલિત ઉચ્ચારમાં એક ઈન્હેરન્ટ જોખમ રહેલું છે. પંજાબમાં જ્યારે આતંકવાદ ફૂલ્યોફાલ્યો હતો તે જમાનામાં અમે છાપાની લાઈનમાં નોકરીઓ કરતા હતા. ત્યારે એક ગુજરાતી મૉર્નિંગરમાં મથાળું વાંચ્યું હતું: પંજાબમાં બૅન્ક લૂંટતા શીખો.

શીખોના ઈતિહાસની વાત કરતી વખતે દસમા ગુરુ ગોવિંદસિંહજીનાં પ્રકરણોમાં સ્વામી સચ્ચિદાનંદની કલમ કંઈક વિશેષ ખીલી ઊઠે છે. ગુરુ નાનકદેવથી લઈને ગુરુ ગોવિંદસિંહજી વચ્ચે બીજા આઠ ગુરુઓ થઈ ગયા જેમાં ગુરુ અર્જુનદેવજી, ગુરુ હરગોવિંદજી અને ગુરુ તેગબહાદુરજીનો સમાવેશ થાય છે. જે ગુજરાતીઓએ શીખોનો ઈતિહાસ જાણ્યો છે એમને પંજ પ્યારા અને ખાલસા વિશે જાણકારી હશે જ. આ પંજ પ્યારામાંના એક ભાવનગરના ગુજરાતી હતા તે જાણીને ઘણાને આશ્ર્ચર્ય થશે, ગૌરવ તો થશે જ. વિગતે વાત કરીએ.

સ્વામી સચ્ચિદાનંદ લખે છે: ‘ધ્યાન ધરવાથી શાંતિ મળે છે તે વાત સાચી પણ ધ્યાન ધરવાથી ક્રાન્તિ નથી થતી. ક્રાન્તિ ઠંડી થઈ જાય છે. તમે જ્યારે કોઈ મહાન હેતુ માટે સંઘર્ષ કરો છો ત્યારે તમને અશાંતિ રહેતી હોય છે. સંઘર્ષ અને શાંતિ સાથે ન રહી શકે. સંઘર્ષ શત્રુ સાથે હોય. શત્રુની પ્રબળતા તમારા સંઘર્ષનું કદ નક્કી કરે છે. જેને કોઈ શત્રુ જ નથી તેને સંઘર્ષ પણ નથી. તે ધ્યાન કરે અને શાંતિ પામી શકે, પણ શત્રુ કોને ન હોય? જે અન્યાય- અત્યાચારોની સામે ન થાય, જે નમી જાય, ઝૂકી જાય. આંધી અને તોફાન વખતે નાનું ઘાસ ઝૂકી જાય તેથી તે તૂટતું નથી, માત્ર વળી જાય છે, પણ ઊંચાં વૃક્ષો જે ઝૂકી શકતાં નથી તે કાં તો ઊખડી જાય છે કાં પછી તૂટી જાય છે. માણસોનું પણ આવું જ થતું હોય છે. જે લોકો શાંતિપ્રિય હોય છે તે ગમેતેવી આંધી વખતે ઝૂકી જાય છે તેથી નમીને બચી જાય છે, પણ જે નમી શકતા નથી તે કાં તો તૂટી જાય છે કે પછી સમૂળગા ઊખડી જાય છે.’

જે જમાનામાં ભારત ઉપર વિદેશી અને વિધર્મીઓની પ્રચંડ આંધી ચાલી રહી હતી તે વખતે ગુરુ ગોવિંદસિંહજી ધ્યાનના માર્ગે નહીં, ક્રાન્તિના માર્ગે ચાલતા હતા. ઔરંગઝેબની આંધીમાં સમગ્ર ભારત વટલાઈને મુસલમાન ન બની ગયું તેનો ઘણો મોટો શ્રેય ગુરુ ગોવિંદસિંહજી તથા શિવાજી મહારાજ જેવા અડીખમ વૃક્ષોએ ઝીલેલા પડકારોને જાય છે. અન્યથા આજે તમે અને હું શ્રીનાથજી કે પાલિતાણાની જાત્રાએ જવાને બદલે પાંચ વાર નમાજ પઢતા થઈ ગયા હોત, મહાશિવરાત્રિ વખતે વારાણસી જઈને કાશી વિશ્ર્વનાથના મંદિરમાં દર્શન કરવાને બદલે મુસ્લિમ આક્રાંતાઓએ તોડેલા મંદિરની જગ્યાએ બાંધવામાં આવેલી ગ્યાનવાપી મસ્જિદમાં કલમા પઢતા હોત.

ગુરુ ગોવિંદસિંહજી શીખોના દસમા અને અંતિમ ગુરુ. ખાલસા પથના સ્થાપક. ગુરુ નાનકે સ્થાપેલા શીખ સંપ્રદાયની પ્રગતિ થતાં થતાં લગભગ બે સૈકા લાગ્યા. હવે તો એ સંપ્રદાય નહીં ધર્મ છે, હિન્દુ ધર્મનો સહોદર છે.

પંજ પ્યારા કેવી રીતે સર્જાયા તેનો ખ્યાલ આપતાં સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે તમારે કોઈ મહાન કાર્ય કરવું હોય તો તમારી પાસે ત્રણ વસ્તુઓ હોવી જોઈએ.

પહેલી વાત તે કાર્ય કરવાની મહત્ત્વાકાંક્ષા. મહત્ત્વાકાંક્ષા વિના મહાન કાર્યો ન થઈ શકે. જે લોકો ઈચ્છાને જ સર્વ દુખોનું કારણ માનીને પ્રજાને ઈચ્છાત્યાગનો ઉપદેશ આપે છે તે પ્રજાને ક્રિયાહીન અને શક્તિહીન બનાવે છે. ક્રિયાહીનતાથી દારિદ્રય આવે છે અને શક્તિહીનતાથી ગુલામી આવે છે. ભારતની દરિદ્રતા અને ગુલામીનું મૂળ આ ચિંતનમાં છે. પ્રજા મહત્ત્વાકાંક્ષા વિનાની થઈને પેટ ભરવા પૂરતી જીવી જાણે અને તેમાં જ ધન્યતા અનુભવે તો સમજવું કે પ્રજા મરી ચૂકી છે.

બીજી વાત- મરણિયા અને સમર્પિત માણસો. તમારી પાસે મહત્ત્વાકાંક્ષા હોય પણ તે માટેના સહાયક સાથીદારો ન હોય તો ઈચ્છાને કાર્યરૂપ ન આપી શકાય. તમારી પાસે પૂર્ણ વફાદાર અને મરણિયા માણસો હોય તો જ તમે તમારી મહત્ત્વાકાંક્ષાને વાસ્તવિકતાની ધરતી પર લાવી શકો.

ત્રીજી વાત એ કે જેણે અતિમહાન કાર્યો કરવાં હોય તેની પાસે લોકમાનસને જીતવાની ક્ષમતા હોવી જોઈએ. લોકચાહનાથી લોકમાનસ જીતી શકાતું હોય છે. લોકચાહના બધી રીતે તર્કસંગત નથી હોતી તો પણ, શક્ય તેટલી લોકોની અપેક્ષા પૂરી કરવાના પ્રયત્નો કરવા જોઈએ, પણ સિદ્ધાંતનો ભોગ લીધા વિના. કોરા તાર્કિકો લોકચાહના પ્રાપ્ત કરી શકતા નથી અને તેથી તેઓ કોરી તાર્કિક વાતો કરતા રહે છે.

ગુરુ ગોવિંદસિંહજીએ એક વખતે દુર્ગાષ્ટમી નિમિત્તે યજ્ઞ કર્યો. આનંદપુરથી થોડે દૂર એક પર્વત પર આવેલા નયનાદેવીના મંદિરમાં આ ભવ્ય યજ્ઞ કરવાનું આયોજન થયું, કારણ કે એક કર્મકાંડી પંડિતે ગુરુજીને (ગુરુ ગોવિંદસિંહજીને) કહેલું કે જો તમે અમુક પ્રકારનો યજ્ઞ કરો તો દુર્ગામાતા પ્રસન્ન થાય અને તમારી ધારેલી ઈચ્છા પૂરી થાય, બધાં યુદ્ધમાં વિજય મળે.

મોટા વિશાળ યજ્ઞકુંડનું નિર્માણ થયું. ચારે તરફ તંબૂઓ લાગી ગયા. ગુરુજી પણ એમાંના એક તંબૂમાં રહેવા લાગ્યા. યજ્ઞ શરૂ થયો. મુખ્ય આચાર્યનો દાવો હતો કે યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે માતાજી પ્રગટ થશે અને તમને દર્શન આપીને વિજય વરદાન આપશે. કહેવાય છે કે એ સમયમાં આ યજ્ઞ પાછળ બે લાખ રૂપિયા ખર્ચ થયો હતો, પણ યજ્ઞ પૂરો થયા પછી માતાજી પ્રગટ ન થયાં. ગુરુજીએ મુખ્ય આચાર્યને કારણ પૂછ્યુું તો એમણે કહ્યું કે, ‘જ્યાં સુધી એક પવિત્ર માણસ આ યજ્ઞમાં પોતાનું બલિદાન નહીં આપે ત્યાં સુધી માતાજી પ્રગટ થશે નહીં.’

ગુરુજીએ ભેગા થયેલા હજારો ભક્તોને સંબોધીને કહ્યું કે અકાલ પુરુષને એક વીર વ્યક્તિનું બલિદાન જોઈએ છે. જેની ઈચ્છા બલિ થઈ જવાની હોય તેે આગળ આવે. ગુરુજી હાથમાં તલવાર ઘુમાવતા ઘુમાવતા લોકો સામે જોતા હતા ત્યાં સભામાંથી દયારામ ખત્રી નામનો માણસ આગળ આવ્યો. ગુરુજીએ એની પીઠ થાબડીને શાબાશી આપી. તેને તંબૂમાં લઈ ગયા અને થોડી વાર રહીને બહાર લોહી નીંગળતી તલવાર સાથે બહાર આવ્યા. તંબૂમાંથી લોહીની ધારા બહાર વહી રહી હતી. ગુરુજીએ ફરીથી બૂમ પાડી, હજી એક બલિદાન જોઈએ છે. સામેની ભીડમાંથી એક પછી એક એમ કુલ ચાર માણસ આવ્યા. ચારેયને વારાફરતી તંબૂમાં લઈ ગયા. જ્યારે બહાર આવતા ત્યારે તંબૂમાંથી વધારેને વધારે લોહીની ધારા વહેતી દેખાતી. કારણ કે તંબૂમાં જઈને ગુરુજી બલિદાન આપવા આવનાર માણસને ગુપચુપ ખૂણામાં બેસવાનું કહીને એક બકરું વધેરતા અને બહાર આવતા. લોકો સમજતા કે એ માણસનું બલિદાન અપાઈ ચૂક્યું છે. આ પાંચેય જે ગુરુજીને પ્યારા થયા તેમાંના સૌથી પહેલા તે દયારામ ખત્રી. બીજા, ધર્મસિંહ જાટર. ત્રીજા હિંમતસિંહ કહાર. ચોથા મોકમસિંહ છીપા જે ભાવનગરના ગુજરાતી હતા. જેમની સ્મૃતિમાં બેટ દ્વારકામાં ભવ્ય ગુરુદ્વારો નિર્મિત થયાં છે અને પાંચમા સાહબસિંહ વાળંદ હતા.

ગુરુ ગોવિંદસિંહજી આ પાંચેયને જીવતાજાગતા તંબૂની બહાર લઈ આવ્યા. સૌ કોઈએ એમનો જયજયકાર કર્યો. આ ‘પંજપ્યારા’એ શીખ ધર્મના રૂપાંતરણનું, નવા ધર્મ ‘ખાલસા’નો પાયો નાખ્યો. આ પંચપ્યારા ઉપર નવા ધર્મ ખાલસાની ભવ્ય વીરતાભરી અને બલિદાનભરી ઈમારત ઊભી થવાની હતી. ગુરુજીએ આ પાંચેયનાં નામ પાછળ ‘સિંહ’ શબ્દ લગાડી દીધો. હવેથી દરેક શીખ સિંહ થશે એવી જાહેરાત કરી. ગુરુજીએ પોતાનું નામ પણ ગોવિંદરાયમાંથી બદલીને ગોવિંદસિંહ કરી નાખ્યું. આ બધા પાછળ એક જ હેતુ હતો કે લોકો ‘દાસ’ કે ‘રામ’ વગેરેની જગ્યાએ પોતાના નામની પાછળ ‘સિંહ’ લગાડે અને બહાદુરીની ભાવના મનમાં લાવે. આપણા ધર્મ ઉપર, દેશ ઉપર જે ભૂંડોનાં ટોળાં ફરી વળ્યાં છે તેમનો સામનો કરીને દેશ બચાવો, ધર્મ બચાવો. ગુરુ ગોવિંદસિંહજીએ શીખોનું ઘડતર કર્યું અને પાંચ પ્રકારનાં વ્રત આપ્યાં: ૧. કેશ, ૨. કાંસકી, ૩. કિરપાણ, ૪. કડું, ૫. કચ્છ.

મુસલમાન આક્રમણખોરોએ શાસક બનીને આ દેશ પર જુલમ ન વરસાવ્યો હોત તો કદાચ ખાલસાપંથની જરૂર પણ ન પડી હોત. ખાલસાપંથનો ઈતિહાસ આ દેશની મર્દાનગીનો ઈતિહાસ જે હજારો શીખોનાં બલિદાનમાંથી, એમના લોહીથી લખાયો છે જે ઈતિહાસ આજે સુવર્ણ અક્ષરે ઝળહળીને શીખ પ્રજાને ગૌરવ બક્ષે છે.

આજનો વિચાર

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી

મનોજ ખંડેરિયા

એક મિનિટ!

પિતા: શું રિઝલ્ટ આવ્યું?

બકો: સરે કહ્યું છે કે હજુ એક વર્ષ આ જ ક્લાસમાં રે’વું પડશે…

પિતા: ભલે, ભલે. બે-ત્રણ વર્ષ રે’વું પડે તો રે’જે પણ ફેલ નો થાતો.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *