‘શાંતિચાહકો સંઘર્ષ કરી શકતા નથી’

‘મારું જીવનકાર્ય હિન્દુપ્રજાને બળવાન બનાવવાનું છે, સ્વર્ગ કે મોક્ષ નથી. તેમ જ આ લોકમાં કોઈ મહંત-મંડલેશ્ર્વર કે બીજી કોઈ ઉચ્ચ જગ્યા ઉપર આસીન થવાનું નથી. નથી તો મારે કોઈ પંથ-પરિવાર-સંપ્રદાય પ્રવર્તક થવું. આમાંનું, થોડું ઘણું તો મારે માટે શક્ય છે. પણ આમાંની કોઈ વસ્તુ માટે મેં જરાય પ્રયત્નો કર્યા નથી. મારું લક્ષ્ય તો માત્ર ને માત્ર હિન્દુ પ્રજાને શક્તિશાળી બનાવવાનું છે. હિન્દુ પ્રજા દુર્બળ છે તેની પ્રતીતિ ડગલે ને પગલે થયા કરે છે. તેનાં કારણો જાણીને તે કારણોથી તે મુક્ત થાય તો જ હિન્દુ પ્રજા બળવાન થઈ શકે.’

આ શબ્દો સ્વામી સચ્ચિદાનંદના છે. શનિવારે દંતાલી (પેટલાદ)માં એમનાં દર્શન કરવા અમે ચાર મિત્રો ગયા ત્યારે આગલે દિવસે મેં એમને ફોન પર કહ્યું હતું કે મુંબઈથી વહેલી સવારે બાય રોડ પ્રવાસ કરીને બપોરે ૪ વાગ્યે આવીશું ત્યારે એમણે કહ્યું કે કલાક પહેલા, ૩ વાગ્યે ન આવી શકો? મેં કહ્યું જરૂર. કદાચ એમણે ૪ વાગ્યે બીજા મુલાકાતીઓ માટે સમય ફાળવ્યો હશે, પછી એમણે કહ્યું, ‘સાંજે આશ્રમમાં જમીને જ જજો.’ બાપજીના આ પ્રેમભર્યા આગ્રહને કોણ ટાળી શકે? બપોરના ૩થી સાંજના ૬ સુધીનો સમય એમના સાન્નિધ્યમાં ગાળ્યો તે દરમિયાન ભારતીય પ્રજાની જે ત્રણ નબળાઈઓ વિશે વાત કરી તે ગઈ કાલના લેખમાં લખી. એમણે પૂછ્યું, ‘કર્ણાટકમાં હળેબીડૂના મંદિરોના ખંડેર જોયા છે?’ ના. ‘એક વાર જરૂર જવું જોઈએ. ત્યાં તો ઈતિહાસ જાણવો જોઈએ.’ આટલું કહીને એમણે ‘હમ્પી, વેલૂર અને હળેબીડૂ પ્રવાસ’ શીર્ષકનું ગયા વર્ષ જ પ્રગટ થયેલું પુસ્તક ભેટ આપ્યું અને જમણા-હાથે ફ્રેક્ચર પછીની કસર રહી ગઈ હોવા છતાં અગાઉ કરતા હતા એવા જ સ્વચ્છ મરોડદાર અક્ષરે પોતાના હસ્તાક્ષર લખીને આશીર્વાદ આપ્યા.

સ્વામી સચ્ચિદાનંદે હિન્દુ પ્રજાને શક્તિશાળી બનાવવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને ખૂબ મોટાં કાર્યો વિશાળ પાયે કર્યા છે, જેમાં એમનાં પ્રવચનો અને પુસ્તકો કેન્દ્ર સ્થાને છે. તેઓ માને છે કે: ‘અહિંસાવાદી ધર્મો અને વિચારો વીરતાના પોષક ન રહ્યાં. માર ખાઈ લેવો, સહન કરી લેવું વગેરે વિચારોથી પ્રજા વીરતાની ઉપાસક ન થઈ શકી. તેવો ઉપદેશ જ નહોતો, ન તેવી પ્રેરણા હતી. આવા સંજોગોમાં આ દેશ ગુલામ ન થાય તો બીજું શું થાય? આપણે સદીઓ સુધી ગુલામી ભોગવી, ગુલામીનાં ઘણાં દુ:ખો ભોગવ્યાં. આવા સમયે ઉત્તરમાં ગુરુ ગોવિંદસિંહજી અને દક્ષિણમાં છત્રપતિ શિવાજી મહારાજ થયા જેમણે પ્રચંડ વીરતા બતાવીને વિદેશી અને વિધર્મીઓના શાસનના ધૂંસરાને ફગાવી દેવા ભરરર પ્રયત્નો કર્યા.’

ગુરુ ગોવિંદસિંહ અને શિવાજી મહારાજ બેઉએ ઔરંગઝેબની સેનાઓનો સામનો કર્યો છે અને એમાં ઘણી વખત જીત પણ મેળવી છે. સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે ‘આ આઝાદીનો પ્રથમ જંગ હતો.’ સ્વામીજીની વાત સાચી છે. ગાંધીજીની લડત પહેલાં ૧૮પ૭નો સંગ્રામ થયો, જેને અંગ્રેજોની અસર હેઠળના કૉન્ગ્રેસી-સામ્યવાદી ઈતિહાસકારો બળવો જ ગણતા રહ્યાં. દેશપ્રેમીઓએ એ ‘બળવા’ને સાચું નામ આપ્યું-પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, પણ હવે એને બીજો ગણીએ. પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ ગુરુ ગોવિંદસિંહજી અને શિવાજી મહારાજવાળી લડતને ગણીએ. શક્ય છે કે ઈતિહાસમાં હજુ ઊંડા ઊતરીએ તો સત્તરમી સદીના આ બેઉ બહાદુર અને મહાન પુરુષો પહેલાં પણ જે યોદ્ધાઓ થઈ ગયા તેમણે આક્રમણખોરો સામે લડેલી લડતને આપણે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખીએ.

સ્વામી સચ્ચિદાનંદે હિંદના આ બેઉ સપૂતો વિશે પુસ્તકો લખ્યાં છે. ‘શિવાજીની શૌર્યગાથા’ અને ‘સિક્ખ (શીખ) ધર્મના પક્ષમાં.’

શીખ ધર્મ વિશે ઑક્સફર્ડ યુનિવર્સિટીના આશ્રયે જબરૂં સંશોધન કરીને ખુશવંત સિંહે બે દળદાર ભાગમાં ‘ધ હિસ્ટરી ઑફ શિખ્સ’ ગ્રંથો લખ્યાં છે. એનું સંક્ષિપ્ત સ્વરૂપ પણ ઉપલબ્ધ છે. જેમને એટલા ઊંડાણમાં જવું ન હોય અને/અથવા ગુજરાતી ભાષામાં શીખોના ઈતિહાસ વિશે વાંચવું હોય તેમણે બાપજીનું આ પુસ્તક વાંચી જવું જેની પ્રસ્તાવનાનો આ લેખના આરંભે ક્વોટ કર્યો છે.

આપણે જેવા છીએ એવા શા માટે છીએ? આપણને સદીઓથી ફટકારી ફટકારીને કહેવામાં આવ્યું છે કે તમે તો નમાલા છો, ડરપોક છો, બાયલા છો. તમે તમારાં સંતાનોને નાનપણથી ટોક ટોક કર્યા કરશો કે તું તો સાવ આવો જ છે અને તું તો સાવ તેવી જ છે તો મોટપણે તેઓ આત્મવિશ્ર્વાસ ગુમાવી બેસશે અને ખરેખર તમે એને જેવાં કહેતાં હતાં તેવાં જ થશે.

સ્વામી સચ્ચિદાનંદ લખે છે: ‘જીવનમાં સૌથી મહત્ત્વનો ભાગ વૈચારિક તત્ત્વ ભજવતું હોય છે. પ્રજાને સામૂહિક વિચારો કેવા અપાયા છે? જો તેને અન્યાય અને અત્યાચારોની સામે સંઘર્ષ કરવાના વિચારો અપાયા હશે તો તેનામાં વૈચારિક પ્રબળતા આવશે, પણ જો તેને ‘મારે શું?’, ‘સૌ સૌનું ભોગવે’, ‘તું તારું કર’, ‘આત્માનું કલ્યાણ કરી લો’ જેવા વિચારો અપાયા હશે તો પ્રજા પલાયનવાદી થઈ જશે. પલાયનવાદને શાંતિપ્રિયતાનું રૂપાળું નામ આપવામાં આવે છે. આપણે ઝઝૂમનારા પેદા કર્યા કે ભાગી છૂટનારા વધુ પેદા કર્યા તેનાં લેખાંજોખાં કરવાં જોઈએ.’

મનની શાંતિની શોધ કરનારાઓ સામે સ્વામી સચ્ચિદાનંદને તીવ્ર અણગમો છે. એક જમાનામાં ઈટીવી પરના મારા ટૉક શો ‘સંવાદ’ના પ્રથમ એપિસોડમાં મેં સ્વામી સચ્ચિદાનંદને ભોળાભાવે કંઈક આ મતલબનો પ્રશ્ર્ન કર્યો કે બાપજી, મનની શાંતિ મેળવવા શું કરવું જોઈએ ત્યારે એમણે મને અલમોસ્ટ ધધડાવી નાખતા કહ્યું હતું કે: ‘શાંતિથી સમાજ ના ચાલે. પોલીસ અફસર શાંતિની શોધમાં હશે તો ગુંડાઓનો સામનો કરવાનું ટાળશે…’

શીખ ઈતિહાસવાળા પુસ્તકની પ્રસ્તાવનામાં બાપજીએ શાંતિની શોધમાં ધ્યાન શિબિરોમાં જનારા લોકોને આ જ રીતે ખખડાવી નાખ્યા છે. લાંબી વાત છે. એક એક શબ્દ કાળજીથી વાંચજો:

‘લોકોને વધુ પડતો શાંતિનો ઉપદેશ આપવાથી પણ લોકો પલાયનવાદી થઈ જાય છે. શાંતિચાહકો સંઘર્ષ કરી શકતા નથી, કારણ કે સંઘર્ષ અને શાંતિ ભાગ્યે જ સાથે રહી શકે છે. સતત અને ભારે સંઘર્ષમય જીવન જીવનારાઓને જોજો, તેમને શાંતિ ન હોય. શિવાજી મહારાજ, રાણા પ્રતાપ, ગુરુ ગોવિંદસિંહજી વગેરેને શાંતિ ન હોય. જો તે શાંતિ માર્ગે વળી ગયા હોત તો શું થાત? કોઈ ગુફામાં પલાંઠી વાળીને બેસી ગયા હોત તો પ્રજાનું શું થાત? આ પલાંઠિયો ધર્મ એક રીતે તો પલાયનવાદનું પ્રતીક જ કહેવાય. રામ-કૃષ્ણ પલાંઠી નથી વાળતા, અસૂરો સામે ઝઝૂમે છે. તેમના ઝઝૂમવાથી લોકોને શાંતિ મળે છે, કારણ કે અશાંતિ-ઉત્પાત કરનારા સમાપ્ત થાય છે. વધુ પડતાં ધ્યાનશિબિરોથી બહુ રાજી થવા જેવું નથી. આ શાંતિ ચાહકો અંતે તો સંઘર્ષથી પાછા ભાગનારા થઈ જવાના છે, કારણ કે તેમને જે શાંતિ જોઈએ છે, તે સંઘર્ષથી નહીં, સંઘર્ષત્યાગથી મળે છે. આવી શાંતિ પ્રજાને નમાલી બનાવનારી થઈ જતી હોય છે. આ પલાંઠિયું અધ્યાત્મ, કર્મઠતા, કર્તવ્ય, સાહસ શૌર્યનું વિરોધી સાબિત થતું દેખાયું છે.’

સ્વામીજી કહે છે કે આ બધાં કારણોસર તેઓ સતત દુ:ખી રહ્યા છે. એમનું દુ:ખ માત્ર ને માત્ર હિન્દુ પ્રજાની દુર્બળતા રહ્યું છે. તેઓ કહે છે: ‘ખોટો નશો ચઢાવ્યા વિના આ પ્રજાને સાચી વાત કેમ સમજાવવી, કદાચ સમજાવું તો કોઈ સમજશે? એક તરફ હજાર અને બીજી તરફ હું એકલો. નગારખાનામાં તતૂડી કોણ સંભળાવશે? પણ, સાંભળે કે ન સાંભળે, પ્રયત્નો તો કરવા જ જોઈએ. એટલે હું એકલો વર્ષોથી ઝઝૂમી રહ્યો છું.’

સ્વામી સચ્ચિદાનંદની આ જીદ, આ ખુમારી, એમના આ ખંત અને એમની નિષ્ઠાને વંદન કરીને મેં ‘ગુડ મોર્નિંગ’ની પ્રથમ સિરીઝના કેટલાક લેખો પસંદ કરીને મારો જે સૌ પ્રથમ નિબંધસંગ્રહ પ્રગટ કર્યો તે મારાં માબાપને નહીં, બીજા કોઈનેય નહીં, પણ સ્વામી સચ્ચિદાનંદનાં ચરણોમાં ધરીને એમના નામ નીચેની અર્પણ પંક્તિમાં લખ્યું હતું. ‘ક્રાંતિકારી સાધુને, પૂજ્યભાવે.’

શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવથી માંડીને દસમા અને અંતિમ ગુરુ ગોવિંદસિંહજીએ લગભગ બે સૈકા દરમિયાન કઈ રીતે એક આખી પ્રજાને શૌર્યવાન બનાવી તેનો ઈતિહાસ તમે જ્યારે વાંચો ત્યારે એ લખવા પાછળની સ્વામી સચ્ચિદાનંદની આ ભાવના ખાસ રાખવી.

આજનો વિચાર

સવા લાખ સે એક લડાઉં
ચિડિયોં સે મૈં બાજ તુડાઉં
બિલ્લીસે મૈં શેર મરાઉં
તબૈ ગોવિંદસિંહ નામ ધરાઉં!

– ગુરુ ગોવિંદસિંહજી

એક મિનિટ!

સમય ખરેખર બળવાન હોય છે.

રાજીવ ગાંધી વિમાન ઉડાવતા.

અને આજે ગગો

સાઈકલને ધક્કા મારે છે!

( મુંબઇ સમાચાર : બુધવાર, 22 ફેબ્રુઆરી 2017)

1 comment for “‘શાંતિચાહકો સંઘર્ષ કરી શકતા નથી’

 1. Vasant Dama
  February 23, 2017 at 10:47 AM

  સૌરભ ભાઈ
  ખરેખર ખુબ જ અવર્ણીય લેખ છે
  સમાજને આવી માહિતી પહોંચતી નથી , કહેવાતા સાધુ સંતો આ કામ કરતા નથી ફકત પોતાનું જુએ છે , રાજકારણીઓ લૂંટવા સિવાય કઈ કરતા નથી ,
  આપના આવા લેખો ખરેખર આંખો ખોલી દે છે ,
  આપનો ખુબ ખુબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *