ભારતની સૌથી મોટી ત્રણ સમસ્યાઓ કઈ

વર્ણવ્યવસ્થા, અધ્યાત્મ અને અહિંસા – ભારતીય પ્રજાની આ ત્રણ સૌથી મોટી નબળાઈ છે એવું સ્વામી સચ્ચિદાનંદ કહે ત્યારે તમારે ધીરજપૂર્વક એમની આ વાત પાછળનાં કારણો સમજવાં પડે.

‘અધોગતિનું મૂળ: વર્ણવ્યવસ્થા’ આ શીર્ષક હેઠળ સ્વામી સચ્ચિદાનંદે છેક સિત્તેરના દાયકામાં એક દળદાર પુસ્તક લખ્યું. તે વખતે તેઓ આત્મકથા લખી ચૂક્યા હતા અને ‘મારા અનુભવો’ શીર્ષક હેઠળનું એ પુસ્તક ખૂબ લોકપ્રિય થઈ ચૂક્યું હતું. આજની તારીખે પણ એ બેસ્ટસેલર છે. ‘અધોગતિનું મૂળ: વર્ણવ્યવસ્થા’ એમનું તેરમું પુસ્તક અને ૧૩ના આંકડાની અપશુકનવૃત્તિમાં તમે માનો કે ન માનો પણ આ પુસ્તકને પ્રગટ કરવાની એમના રેગ્યુલર પ્રકાશકે ના પાડી દીધી કારણ કે એ વિવાદાસ્પદ બની શકે એમ હતું. છેવટે આ પુસ્તક સ્વામી સચ્ચિદાનંદના એક બ્રાહ્મણ મિત્ર રસિકભાઈ ઠાકરે પોતાના પ્રેસમાં છાપ્યું અને એના પ્રકાશક પણ બન્યા. આજે તો હવે આ પુસ્તક એમનાં પુસ્તકોનાં રેગ્યુલર પ્રકાશક દ્વારા જ છપાય છે અને એની ખૂબ આવૃત્તિઓ પણ પ્રગટ થઈ ચૂકી છે. મારી પાસે યોગાનુયોગ એ પુસ્તકની પ્રથમ આવૃત્તિ કોઈ જમાનામાં ખરીદી હતી. મને જ્યારે ખબર પડી કે એ પ્રથમ આવૃત્તિની નકલ હવે દુર્લભ થઈ ગઈ છે અને એને છાપનાર સ્વ. રસિકભાઈના પુત્ર કિરણ ઠાકર પાસે પણ નથી ત્યારે મેં મારી લાઈબ્રેરીમાંથી શોધીને એમને મોકલવાનું નક્કી કર્યું. મઝાની વાત જુઓ, મારી પાસે એ પ્રથમ આવૃત્તિની બે નકલ મળી આવી!

વર્ણવ્યવસ્થાને કારણે ભારતને સામાજિક ક્ષેત્રે જે હાનિ થઈ એના કરતાં પણ વધારે નુકસાન રાજકીય ક્ષેત્રે થયું. તમામ ભારતીયોમાંથી સૈન્યમાં જોડાઈને રાજ્યનું રક્ષણ કરવાની જવાબદારી માત્ર ક્ષત્રિયોના માથે આવી. હજારો વર્ષ દરમ્યાન આક્રમણખોરો આપણા પર ચડાઈ કરતા રહ્યા, પરંતુ એમની સામે લડવા માટે બ્રાહ્મણો, વૈશ્યો કે શૂદ્રોને મોકલવામાં આવતા નહીં. આને કારણે આ દેશની વસ્તી સમૃદ્ધ હોવા છતાં સૈન્યબળની દૃષ્ટિએ માર ખાતો રહ્યો. વર્ણવ્યવસ્થા ન હોત તો આપણી પાસે ખૂબ મોટું સૈન્ય હોત.

સામાજિક દૃષ્ટિએ વર્ણવ્યવસ્થાને કારણે સદીઓ સુધી બ્રાહ્મણેતર પ્રજા શિક્ષણ વિનાની રહી. અભણ પ્રજાનાં જે અનેક દૂષણો હોય તે બધાં જ દૂષણોનો આપણે ભોગ બન્યા.

વર્ણવ્યવસ્થાને લીધે સામાજિકક્ષેત્રે બીજો એક જે મોટો ગેરફાયદો થયો તે એ કે આપણી પ્રજામાં ઐક્ય ન સચવાયું. સમાજમાં ભાગલા પડી ગયાં, તડાં પડી ગયાં, સમાજ વિવિધ વર્ણોના જૂથ તથા પેટા જૂથોમાં વહેંચાતો ગયો. ઊંચનીચના ભેદભાવો, સામાજિક અન્યાયો તથા શોષણની સમસ્યાઓ સર્જાઈ.

આપણી બીજી સમસ્યા અધ્યાત્મ છે એવું સાંભળીને નવાઈ લાગે અને સ્વામી સચ્ચિદાનંદના મોઢે આવું સાંભળીને તો આઘાત જ લાગે. પણ એમની વાત સાથે આ લખનાર શત પ્રતિશત સહમત છે. આપણા અધ્યાત્મજગતના કોઈ મહાપુરુષે આપણી પ્રજાને શીખોના ગુરુ ગોવિંદસિંહજીની જેમ હિંમતભેર આપણા ધર્મના દુશ્મનોનો, આતતાયીઓનો અને આક્રમણખોરોનો સામનો કરતાં શીખવાડયું નહીં એવું જ્યારે સ્વામી સચ્ચિદાનંદ કહે છે ત્યારે આ વિચારોના બદલે મનોમન એમને સાષ્ટાંગ દંડવત્ કરતા હો છો. સ્વામી સચ્ચિદાનંદે પોતે સૈકાઓથી ‘વીરતા પરમો ધર્મ’ સૂત્ર પ્રચલિત કર્યું છે. તેઓ માને છે કે ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે ત્યાં હાજર રહેલા દોઢસો જેટલા સંતોએ જીવ બચાવવા છુપાઈ જવું પડ્યું અને બે આતંકવાદીઓને મારવા છેક દિલ્હીથી કમાન્ડો બોલાવવા પડ્યા (જેમને આવતાં સ્વાભાવિક રીતે અમુક કલાકોનો કિંમતી સમયગાળો વેડફાઈ જ જવાનો હતો) અને એ દરમ્યાન પેલા આતંકવાદીઓએ ૪૦ જેટલા નિર્દોષ લોકોનો જીવ લીધો, પણ જો આ હિંદુઓના મંદિરને બદલે શીખોનું ગુરુદ્વારા હોત અને ત્યાં ૧૫૦ જેટલા શીખ સંતો હાજર હોત તો એ સૌ તાલીમ પામેલા સંતોએ બહાદૂરીપૂર્વક આતંકવાદીઓનો સામનો કરીને કમરમાં બાંધેલી કિરપાણ – તલવાર વડે એમનો ખાતમો બોલાવી દીધો હોત અને દિલ્હીથી કોઈ કમાન્ડોઝને બોલાવવાની નોબત પણ ના આવી હોત. એટલું જ નહીં ૪૦ નિર્દોષોનાં જીવ પણ બચી ગયા હોત. હા, આ મૂઠભેડમાં ૧૫૦માંથી બે-ચાર સંતો પોતે શહીદ થઈ ગયા હોત પણ એમનું આ બલિદાન દીપી ઊઠ્યું હોત.

આપણા અધ્યાત્મવાદની ખામીઓ વિશે તો ખૂબ લાંબું લખી શકાય. માણસને કર્મશીલ બનાવવાને બદલે મોક્ષ, પુનર્જન્મ, પૂર્વજન્મ કે પછી હું કોણ, ઈશ્ર્વર એટલે શું વગેરે ફોગટિયા પ્રશ્ર્નોમાં ગૂંચવી નાખનાર અધ્યાત્મે છેવટે તો આપણું નુકસાન જ કર્યું છે અને આશ્રમોનો ધંધો ધમધોકાર ચલાવ્યો છે. સ્વામી સચ્ચિદાનંદના દંતાલી (પેટલાદ) આશ્રમમાં તમે જાઓ ત્યારે આશ્રમની દીવાલો પર લખેલાં બે સૂત્રો ઊડીને આંખે વળગે: ‘યોગી બનવાને બદલે ઉપયોગી બનો’ અને બીજું સૂત્ર: ‘ધ્યાન કરવા કરતાં ધ્યાનથી કામ કરવું ઉત્તમ છે.’

૨૨ એપ્રિલ ૨૦૧૭ના રોજ સ્વામી સચ્ચિદાનંદ ૮૫ વર્ષ પૂરાં કરશે. બે દાયકા પહેલાં બાયપાસ સર્જરી થઈ. (૧૦ જૂન ૧૯૯૫ના રોજ થયેલા આ ઑપરેશન વિશે એમણે લખેલી નાનકડી પુસ્તિકા વાંચવા જેવી છે. આત્મા-બાત્મામાં અટવાઈને પોતાની જાતને ધાર્મિક કે બૌદ્ધિક કે અધ્યાત્મિક માનનારાઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે એટલી સરળતાથી એમણે બાબાગુરુઓ દ્વારા ‘આત્મા’ના નામે ચાલતી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે). બાયપાસ પછી હમણાં, છેલ્લા એકાદ મહિના દરમિયાન બે હાર્ટ એટેક આવી ગયા, એ પહેલાં જમણા હાથે ફ્રેકચર થઈ ગયું અને છેક ગયા અઠવાડિયે કફ વધી જતાં કોમ્પ્લિકેશન્સને લીધે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોવા છતાં સ્વામી સચ્ચિદાનંદે ભરપૂર પ્રવૃત્તિઓ વચ્ચે લેખનકાર્ય છોડ્યું નથી. લાંબો સમય સુધી હાથમાં પેન પકડાતી નથી એટલે શ્રુતલેખન કરાવે છે. એમનું ૧૦૫મું પુસ્તક (‘તનોટમાતા અને લોંગોવાલનું યુદ્ધ’) પ્રવાસના વિવિધ અનુભવો સાથે વિચારયાત્રાનો સંગમ કરાવતી એમની આગવી શૈલીનું એક ઔર ઉત્તમ ઉદાહરણ છે. ચાર-પાંચ મહિના પહેલાં જ પ્રગટ થયું. ટૂંક સમયમાં એમના જીવનના કડવા-મીઠા અનુભવો વિશેનું પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે. એ પછી ઈતિહાસનાં પ્રસંગો/પાત્રો વિશે પણ પુસ્તક લખવાનું આયોજન છે. ભારતીય ઈતિહાસની ક્યારેય બહાર ન આવેલી કે ઓછી જાણીતી હકીકતો વિશેનાં એમનાં પુસ્તકો વાંચવાનો મોકો મળે તો છોડવો નહીં.

ત્રીજી વાત એમણે અહિંસાની કહી. ગાંધીજીના અનુયાયીઓને તેમ જ ગાંધીજીના નામનો વેપાર કરનારા ગાંધીવાદીઓને કે પછી ગાંધીજીનો સિક્કો વટાવીને રાજકારણ ખેલનારા લોકોને સ્વામી સચ્ચિદાનંદની આ વાત નહીં ગમે. ધર્મને અહિંસા સાથે સાંકળી લેનારા કટ્ટર અહિંસાવાદીઓ પણ આ વાતનો વિરોધ કરશે. કરવા દો. હકીકત એ છે કે હિંસા વિના કોઈ પ્રજાને ચાલ્યું જ નથી. જે લોકો હિંસાનો વિરોધ કરે છે એમણે જોવું જોઈએ કે તેઓ પોતાના ઘરમાં, વિસ્તારમાં, દેશમાં સુરક્ષિત છે એનું કારણ પોલીસ અને લશ્કરી તંત્ર છે જેમની પાસે હિંસાની તાકાત છે એટલે જ અસામાજિક તત્ત્વો કે દેશના દુશ્મનો તમારો જાન લઈ શકતા નથી અને તમારી માબહેનદીકરીઓની આબરૂ લૂંટી શકતા નથી. અહિંસાના વળગણે કાં તો આપણને દંભી બનાવી દીધા છે કાં પોચટ. પ્રજાને અહિંસક બનાવવાના ચક્કરમાં એને સામાજિકરીતે નમાલી, માનસિકરીતે બીકણ અને શરીરથી તાકાતવિહોણી બનાવી દેવામાં આવી છે.

સ્વામી સચ્ચિદાનંદના ક્રાંતિકારી વિચારોને લીધે સ્થાપિત હિત ધરાવતા હજારો-લાખો લોકોનો ગરાસ લૂંટાઈ જતો હોય છે. આ લોકોનો પડ્યો બોલ ઝીલતા એમનાં ઘેટાંનાં ટોળાંઓ પણ આવી, મગજને ઝકઝોરી નાખે એવી વાતો સ્વીકારી શકતા નથી. ભવિષ્ય પુરવાર કરશે કે જૂનવાણી વિચારોમાં પડ્યાપાથર્યા રહેનારાઓ કેટલા પછાત હતા અને સ્વામી સચ્ચિદાનંદ એમના જમાનાથી કેટલા આગળ હતા. બે મહિના પછી આવી રહેલી એમની ૮૫મી વર્ષગાંઠ નિમિત્તે પ્રભુને એક જ પ્રાર્થના: તેઓનું આરોગ્ય સદા સ્વસ્થ રહે અને સો વર્ષ સુધી જીવીને તેઓ પોતાના ક્રાંતિકારી વિચારોનો લાભ ભારતીય પ્રજાને આપતા રહે.

આજનો વિચાર!

ઈશ્ર્વરકૃપાથી મેં આજ સુધી ઘણી યાત્રા અને પ્રવાસો કર્યા છે. આ બધાંથી મને અનહદ લાભ થયો છે. એમ કહેવાય છે કે મારા વૈચારિક જગતનું ઘડતર કરવામાં આ પ્રવાસોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પણ હવે મારામાં પ્રવાસ કરવાની ક્ષમતા રહી નથી, કારણ કે ૮૫ વર્ષની વૃદ્ધાવસ્થા અને સતત નાનામોટા રોગોથી આક્રાન્ત મારું શરીર હવે પ્રવાસનો શ્રમ વેઠી શકે તેવું રહ્યું નથી તો પણ મન તો પ્રવાસરસિયું છે જ. મને લાગે છે કે મેં વિદેશોની યાત્રાઓ તો ક્યારનીએ બંધ કરી દીધી છે, પણ હવે મારે દેશની પણ યાત્રાઓ બંધ કરી દેવી જોઈએ. કદાચ આ મારી છેલ્લી યાત્રા જ હશે. જે હોય તે. પરમેશ્ર્વરે મને ઘણું બધું ભમાવ્યો છે અને ઘણું ઘણું દેખાડ્યું છે. હવે બસ કરું તો સારું એવું લાગી રહ્યું છે.

– સ્વામી સચ્ચિદાનંદ (‘કૌસાની, રાણીખેત અને નૈનિતાલનો ઊડતો પ્રવાસ’ પુસ્તકની ૩-૮-૨૦૧૬ના રોજ લખાયેલી પ્રસ્તાવનામાં.)

એક મિનિટ!

ઓલ્યા છેલ્લી બેન્ચવાળાનો પ્રશ્ન…

સાહેબ,

રાષ્ટ્રીય ગીત,

અને

રાષ્ટ્રીય પ્રાણી

બંને એક સાથે આવે તો ઊભા રહેવું કે ભાગવા માંડવું?

( મુંબઇ સમાચાર : મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *