નિર્વિચાર મન અને જળ વિનાનું પાણી

એક રીતે જુઓ તો આ જ વિષય પર અગાઉ બેત્રણ વખત આ જ કૉલમમાં લખી ચૂક્યો છું અને દરેક વખતે નવા નવા એન્ગલ મળે છે. કબૂલ કરું કે રજનીશજી વિશેની, મને લખવાની ખૂબ મઝા આવી એવી અને લખીને ભરપૂર સંતોષ મળ્યો એવી, લેખશ્રેણી લખવાને લીધે જ આ વિષય પર ફરી એકવાર લખવાનો વિચાર આવ્યો. પણ આમાં વાત રજનીશજી નથી, ધ્યાનની છે.

નિર્વિચાર મનની ક્ધસેપ્ટ ખૂબ ચગાવવામાં આવી. મનમાં કોઈ વિચાર ન હોય એવી સ્થિતિ પર પહોંચી જવું. ધ્યાનમાં જવું.

મારા નમ્ર મત મુજબ નિર્વિચાર મનની આખી ક્ધસેપ્ટ જ બોગસ છે. તમારા ઘરે હું આવું અને તમે સ્વાગત કરતાં પૂછો કે: ‘પાણી ફ્રિજનું લાવું કે માટલાનું લાવું?’ અને હું કહું કે, ‘માટલાનું, પણ જળ વિનાનું લાવજો, હં…’ તો તમારી કેવી હાલત થાય? જળ વિનાનું પાણી કેવી રીતે હોઈ શકે? જળ એટલે જ પાણી અને પાણી એટલે જ જળ.

એ જ રીતે વિચાર વિનાનું મન પણ ન હોઈ શકે કારણ કે વિચાર એટલે જ મન અને મન એટલે જ વિચાર. મન કોઈ ભૌતિક વસ્તુ તો છે જ નહીં. વિચારોનો સંગ્રહ કે વિચારોનો પ્રવાહ એટલે જ મન. મનમાંથી વિચારો ત્યારે જ ખાલી થાય જ્યારે હૃદય કામ કરતું અટકી જાય. કોઈ તમને કહે કે એક પણ વિચાર ન આવે એ રીતે ધ્યાનમાં બેસો ત્યારે તમે તમામ વિચારો દૂર કરીને ‘મારે કોઈ વિચાર કરવાનો નથી’ એ વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરતા હો છો. વિચાર તો ત્યાં પણ છે.

ધ્યાન ધરવું એટલે શું? જેમ નિર્વિચાર મન ન હોઈ શકે એમ ધ્યાનમાં બેસો છો ત્યારે કોઈને કોઈ મંત્ર, છબિ કે છેવટે નિરાકાર અસ્તિત્વનું પણ તમે ધ્યાન તો ધરતા જ હો છો. ધ્યાન વખતે પણ મન ખાલીખમ હોતું જ નથી.

ધર્મ, અધ્યાત્મ, ફિલસૂફી કે એની આસપાસના વિષયોમાં લોકોને પ્રભાવિત કરવા માટે ક્યારેક એમને ઊંધે રવાડે ચડાવી દેવા જરૂરી હોય છે. લોકો માટે જે અશક્ય હોય અને જે વાત એમને સમજવામાં ન આવે એવી વાતો તમે કરો તો જ લોકો તમારાથી ઈમ્પ્રેસ થાય, તમે વિદ્વાન છો, ઈશ્ર્વરના અવતાર છો એમ ગણીને તમને પૂજે અને તમારાં ચરણોમાં પોતાની તિજોરીઓ ઠાલવી દે.

સામાન્ય માણસ પણ તરત સમજી શકે એવી વાતોથી લોકો તમારા પ્રભાવતળે આવતા નથી. નિર્વિચાર મન અને ધ્યાન વગેરે એવી ક્ધસેપ્ટ્સ છે જેમાંથી કરોડો રૂપિયાની કમાણી થઈ શકતી હોય છે. આવી કે આવી બીજી અનેક વાતોનાં ફીંફાં ખાંડતા ધાર્મિક/ અધ્યાત્મિક કે ચિંતનપુરુષોમાં મને રસ નથી. હું માનું છું કે જે ધર્મ, અધ્યાત્મ, ફિલસૂફી વગેરે હું જેટલો સારો છું એના કરતાં મને વધારે સારો બનાવી શકે અથવા તો હું જેટલો ખરાબ છું એના કરતાં ઓછો ખરાબ બનાવી શકે તે જ મારા માટે કામનાં છે. બાકીનો બધો વાણીવિલાસ તમને મુબારક. કોન્ક્રીટ રિઝલ્ટમાં મને રસ છે. પ્રવચનો સાંભળ્યા પછી કે એ વિષયને લગતાં પુસ્તકો વાંચ્યા પછી ‘મને સારું લાગતું’ હોય તો મારે એ લગાડવા માટે મારાં ટાઈમ-એનર્જી વેસ્ટ કરવાં નથી. હું કંઈ ‘ફીલગુડ કરવા’ આ બધામાં પડતો નથી. પણ બહુ ઓછા લોકો પાસે જઈને આપણને આ બધાં ક્ષેત્રોમાંથી નક્કર પરિણામો પ્રાપ્ત થતાં હોય છે.

ધ્યાન એટલે તમે જે કંઈ કરો છો તેને સંપૂર્ણ એકાગ્રતાથી કરો તે. તમે લખતા હો, ડ્રાઈવિંગ કરતા હો, રસોઈ કરતા હો, વાસણ ઘસતા હો કે સંભોગ કરતા હો. જે કોઈ ક્રિયા કરતા હો તે કરતી વખતે આજુબાજુના વાતાવરણનું ડિસ્ટર્બન્સ ખરી પડે, અર્જુનની જેમ માત્ર પંખીની આંખ જ દેખાય, ન એની પાંખ, ન એનું શરીર, ન પાંદડાં, ન ડાળ, ન ઝાડ, ન ગુરુ, ન શિષ્યો. માત્ર આંખ. આવી એકાગ્રતાપૂર્વક થયેલું કામ એ જ ધ્યાન છે અને જીવનમાં એનું જ કામ છે. આસન પાથરીને પલાંઠી મારીને, આંખો બંધ કરીને ધ્યાનમાં બેસવાની કૃત્રિમતા નિરર્થક છે. આવું હું વર્ષોથી માનું છું. ઈનફેક્ટ, ‘ગુડ મૉર્નિંગ’ની ફર્સ્ટ સિઝનમાં આ જ વિચારો વ્યક્ત કરતો લેખ લખ્યો ત્યારે મારા એક સ્નેહીમિત્રે મને પ્રેમાળ ઠપકો પણ આપ્યો હતો કે તમે ધ્યાનમાં નથી બેસતા એટલે આવું કહો છો, બાકી તમે જેને કહો છો એ ધ્યાન નથી, ધ્યાન બહુ ઊંચી અવસ્થા છે વગેરે.

હશે.

પણ એ બધા વિવાદમાં પડ્યા વિના મારે એક વાત કહેવી છે તમને. ૧૯૬૪ કે તેની આસપાસના ગાળામાં કોઈ હિલ સ્ટેશન પર (કદાચ મનાલી) રજનીશજીની મહર્ષિ મહેશ યોગી સાથે મુલાકાત થઈ હતી. મહેશ યોગીનું એક જમાનામાં બહુ મોટું નામ. સ્વિટ્ઝરલૅન્ડમાં આશ્રમ. લાખો- કરોડો રૂપિયા. પદ્માસનમાં બેસાડીને જમીનથી અધ્ધર થવાના યોગ શીખવાડે એવી હવા ફેલાવવામાં આવેલી.

આ મહર્ષિ મહેશ યોગી એક સિદ્ધ આત્મા હતા એવું કહેવાતું. પણ રજનીશજીએ મહેશ યોગીને મળ્યા પછી મહેશ યોગીના કેટલાક શિષ્યોને એમ કહ્યું હતું કે તમારા ગુુરુ તો ધ્યાન શીખવાડવાને બહાને તમને ઠગે છે. તમારી પાસેથી ધ્યાન શીખવવાની ફી રૂપે પૈસા પડાવીને કરોડપતિ થઈ ગયા છે.

રજનીશજી ધ્યાન વિશે ખરેખર શું માનતા? જિંદગી આખી એમણે આ વિષયમાં શું કર્યું અને શા માટે કર્યું એની ચર્ચા છોડો. ૨૬ જાન્યુઆરી ૧૯૮૯ના રોજ, અર્થાત્ અવસાનના એક વર્ષ અગાઉ આપેલી ‘ધ મિસ્ટ્રી એન્ડ ધ પોએટ્રી ઑફ ધ બીયોન્ડ’ નામની પ્રવચનમાળામાં રજનીશજીએ કહ્યું હતું:

‘…જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કામને પૂૂજા સમજીને, નિષ્ઠાપૂર્વક સમગ્રતાથી કરે છે ત્યારે સંપૂર્ણપણે એનો ગુણધર્મ કંઈક જુદો જ થઈ જતો હોય છે. આ રીતે પોતાના કાર્યમાં ડૂબીને આનંદનો અનુભવ કરવો (એના માટે) ધ્યાન બની જાય છે.’

પ્રવચનના અંતે એમણે કહ્યું: ‘તુમ જો ભી કરો યા ન કરો, ઉસમેં પૂરા હોના. ઉસે સમગ્રતા સે હોંશપૂર્વક કરના. તબ તુમ્હારા પૂરા જીવન હી ધ્યાન બન જાયેગા.’

રજનીશજીની અત્યારની સિરીઝ લખતી વખતે જીવનમાં પહેલીવાર એમના આ શબ્દો વાંચ્યા. વીસ વરસ પહેલાં વાંચ્યા હોત તો ધ્યાન વિશેનો લેખ વાંચીને જ સ્નેહીમિત્રનો ફોન આવ્યો તેમના ગળે મારા શબ્દો ઊતરે એવી માથાકૂટ કરવાને બદલે મેં રજનીશજીના આ શબ્દો જ એમને ધરી દીધા હોત!

આજનો વિચાર

વૈભવી સામાનથી છલકાય છે હર ઓરડા,
કોઈ ખૂણામાં કિતાબો આપણી પાસે નથી.
એક બીજાનો પરિચય આપવો કેવી રીતે,
આજ પણ અસલી રૂઆબો આપણી પાસે નથી.
એક ઊંચા કૂદકે આકાશને આંબી શકે,
એટલા મજબૂત ખ્વાબો આપણી પાસે નથી.

– હરજીવન દાફડા

એક મિનિટ!

સારું છે કે ૧૦૪ સેટેલાઈટ લૉન્ચ કર્યા, જો ૧૦૮ કર્યા હોત તો અમુક ફેસબુકિયા દેડકાઓ ઈસરોને પણ સાંપ્રદાયિક ડિકલેર કરી નાખત પણ ભવિષ્યમાં ૭૮૫ સેટેલાઈટનું લૉન્ચિંગ હશે અને જો સેક્યુલર સરકાર હશે તો તે ગમે ત્યાંથી એક સેટેલાઈટનો બંદોબસ્ત કરીને ૭૮૬ સેટેલાઈટ લૉન્ચ કરશે.

લખી લેજો.

(ફેસબુક ફરતુંં, વૉટ્સ એપ પર વાંચેલું, ટ્વિટર પર તરતું)

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *