‘મારા વિશે ક્યારેય ભૂતકાળમાં વાત કરતા નહીં’

અમૃતોએ ચેતનાને કહી દીધું કે, ‘હવે ઓશોની દેખભાળ આનંદો કરવાની છે. તારે લૉન્ડ્રીનું કામ સંભાળી લેવાનું છે.’ એ પછી થોડા દિવસ બાદ અમૃતોએ આનંદો અને ચેતના બેઉને સૂચના આપી દીધી કે, ‘ઓશોની ઈચ્છા છે કે તમે બંને જણીઓ થોડા દિવસ માટે કમ્યૂનની બહાર કોઈ બીજા સ્થળે જઈને રહો…’

૩૧ ઑગસ્ટ ૧૯૮૯ની સાંજે રજનીશજીએ પોતાના માટે બનાવવામાં આવેલા નવા શયનકક્ષમાં પ્રવેશ કર્યો. ઝાંખા લીલા તથા સફેદ રંગના ઈટાલિયન માર્બલથી બનેલો બેડરૂમ અત્યંત કોમળ, નિર્મળ અને નાજુક ભાસતો હતો. રજનીશજીની સૂચના અનુસાર એ ખંડનું ટેમ્પરેચર ૧૨ ડિગ્રી સેન્ટીગ્રેડ કૉન્સ્ટન્ટ રાખવામાં આવતું હતું. ન ૧ ડિગ્રી વધારે, ન ૧ ડિગ્રી કમ. છત પર ગોળાકારમાં અત્યંત કલાત્મક પ્રકાશવ્યવસ્થા કરવામાં આવી હતી. કમરાની ચારે તરફ લગાડેલા પારદર્શી કાચની આરપાર આશ્રમનો લાઓત્સે ઉદ્યાનનો સંપૂર્ણ નજારો મળતો હતો. એ કાચ પર અત્યંત કલાત્મક પડદા લગાડવામાં આવ્યા હતા.

બેડરૂમ જોઈને રજનીશજી બોલી ઊઠયા: ‘અદ્ભુત, અદ્વિતીય! બરાબર મારી કલ્પનામાં હતો એવો જ જાદુ છે અહીં.’ પછી રજનીશજીએ અમૃતોને કહ્યું, ‘મારા જૂના બેડરૂમને હવે ગેસ્ટ હાઉસ બનાવી દો…’ પછી થોડીવાર રહીને સૂચના આપી: ‘હવે ચેતના અને આનંદો બેઉ જણીઓને પાછી બોલાવી લો…’

બે જ અઠવાડિયા આ નવા શયનખંડમાં રહ્યા પછી એક દિવસ અચાનક એને છોડીને રજનીશજી ટહેલતાં ટહેલતાં પોતાના અગાઉના બેડરૂમમાં આવી ગયા. આનું કારણ પૂછવાની ન કોઈની હિંમત હતી, ન એમણે પોતે કંઈ કહ્યું. પણ સમય જતાં આ વાતનું રહસ્ય આપોઆપ ખુલ્યું. આ નવો ખંડ રજનીશજીએ પોતાના રહેવા માટે નહીં પણ પોતાના અવસાન પછીના સમાધિ ખંડરૂપે બનાવડાવ્યો હતો. એમણે એનું ઈન્ટીરિયર અને સ્ટ્રકચર સમાધિ સ્થળના મંદિર સમું કરાવડાવ્યું હતું. બે સપ્તાહ ત્યાં રહીને એમણે આ ખંડને પોતાની ઊર્જાના તરંગોથી ભરી દીધી જેથી પોતાના ગયા પછી જે કોઈ અહીં દર્શને આવીને સમાધિ પાસે આંખ બંધ કરીને બેસે એમને નવી ઊર્જાનો અનુભવ થાય.

આપણને ક્યારેક આ બધી વાતો કદાચ અધ્ધરતાલ કે અગડંમ્બગડંમ્ જેવી લાગે. રજનીશજીની સમાધિનાં દર્શનનું સદ્ભાગ્ય તો નથી મળ્યું પણ આજથી અલમોસ્ટ ચાર દાયકા અગાઉ, ટ્વેલ્ફથના વૅકેશનમાં, એક આખો મહિનો સંપૂર્ણ દક્ષિણ ભારતનો પ્રવાસ મારા મિત્ર સાથે કર્યો હતો ત્યારે પોંડિચેરીના અરવિંદ આશ્રમમાં મહર્ષિ અરવિંદની સમાધિ પાસે આંખ બંધ કરીને અમે બેઠા ત્યારે કંઈક નવા જ પ્રકારની ચેતનાનો અનુભવ થયો હતો એવું મેં, યાત્રા દરમિયાન રોજેરોજ ઘરે લખાતા પોસ્ટકાર્ડમાંના એક પત્રમાં લખ્યું હતું. મહાપુુરુષોની સમાધિ પાસે જ શું કામ, એમની હયાતિમાં જ, એમની હાજરીમાં આપણને એક નવી ચેતના, નવી ઊર્જા તથા ઉત્સાહનો અનુભવ નથી થતો? આ બધું વિજ્ઞાનસિદ્ધ હોય કે ન હોય, અનુભૂતિસિદ્ધ હોય એ પૂરતું છે.

૨૮ નવેમ્બરે જપાનના ઝેન સમુદાયમાં જેમના માટે લોકોને ખૂબ આદર અને શ્રદ્ધા હતાં તે ૮૨ વર્ષીય સદ્ગુરુ રાઈઓજી કીકૂચી પૂનાના રજનીશ આશ્રમમાં પધારી. રજનીશે એમને ‘ધ ઝેન મેનિફેસ્ટો’નું પુસ્તક, જે તાજેતરમાં જ છપાઈને પ્રગટ થયું હતું, ભેટ આપ્યું. એ પુસ્તક પર રજનીશજીએ લખ્યું: ‘હું ઓશો, જે સ્વયંના અનુભવથી એક બુદ્ધ પુુરુષ છું, તમારા બુદ્ધત્વને ઓળખું છું અને એમાં આનંદિત થઉં છું. હું જાણું છું અને તમે પણ જાણતાં હશો કે પરમસિદ્ધ માટે એક પગથિયું હજુ બાકી છે – બુદ્ધત્વની પેલે પાર જઈને શૂન્યવત્ (નથિંગ) બની જવું?

અગાઉ, ૧૯૮૯ના વર્ષની ૯મી એપ્રિલની સાંજે પ્રવચન કરતી વખતે અસહ્ય દર્દને લીધે રજનીશજી પ્રવચન અધૂરું મૂકીને જતા રહ્યા હતા. ડૉકટરોએ એમને સંપૂર્ણ આરામની સલાહ આપી હતી. શરીરના જમણા ભાગે, વિશેષ કરીને કાન, આંખ, ખભા અને દાંતમાં તકલીફો વધતી ગઈ હતી. જર્મનીથી આઈ સ્પેશ્યલિસ્ટને પણ બોલાવાયા હતા. નીચલા જડબાના જમણા ભાગમાં અસહ્ય દર્દ થતું હતું એટલે એ બાજુના બધા દાંત કાઢી નખાવ્યા હતા. રેડિયેશનના દુષ્પરિણામને લીધે જડબાને રુઝ આવતી નહોતી અને વારંવાર ઈન્ફેક્શન થતું હતું.

૧૮ જાન્યુઆરી, ૧૯૯૦ની રાત. પગમાં દર્દ વધી ગયું. દર્શન આપવા પૂરતું ઊભા થવાનુંય શક્ય નહોતું. અમૃતો અને જયેશ એમની સેવામાં હતા. શરીરનું હલનચલન અત્યંત પીડાદાયી થતું ચાલ્યું. મધરાતે પછીના ૪ વાગ્યાથી સવાર સુધી સીડીપ્લેયર પર પંડિત હરિપ્રસાદ ચૌરસિયાનું વાંસળીવાદન તથા ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંનું શરણાઈવાદન સાંભળતા રહ્યા અને બંને મહાન સંગીતકારોની ભરપૂર પ્રશંસા કરતા રહ્યા.

૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ની સવારે પૂનામાં કડાકાની ટાઢ હતી. સવારથી જ અમૃતોએ તપાસ્યું કે એમની નાડી અનિયમિત ધબકતી હતી. લાગ્યું કે હવે એ શરીર છોડવાની તૈયારીમાં છે. અમૃતોએ કહ્યું: ‘તમે શરીર છોડવાની તૈયારીમાં છો. હું કાર્ડિયોલોજિસ્ટ અને બીજા સ્પેશ્યાલિસ્ટોને બોલાવી લઉં છું જે તમારા હૃદયના ધબકારા નિયમિત કરી આપશે. અમે ચાહીએ છીએ કે તમે જેટલીવાર વધારે અમારી સાથે રહી શકો એટલું સારું.’

રજનીશજીએ માથું હલાવીને હા પાડી કે શરીર છોડી રહ્યો છું એ વાત સાચી પણ પછી જયેશ તરફ જોઈને બોલ્યા: ‘મને જવા દો. અસ્તિત્વ પોતાનો સમય જાતે જ નક્કી કરી લે છે.’ ડૉકટરોને બોલાવવાની નામરજી સાંભળીને અમૃતો અને જયેશની આંખો છલકાઈ ગઈ.

અમૃતોએ એમને બાથરૂમ લઈ જવા માટે ટેકો આપ્યો. સહારે સહારે ચાલતાં રજનીશ બોલ્યા, ‘અને તું આ આખા રૂમમાં કારપેટ લગાવડાવી દે. બાથરૂમની ફૂૂટમૅટનો જેવો કલર છે એવો જ કલર લેજે.’ પછી પોતાની વ્હીલચેર પર લઈ જવાનો ઈશારો કર્યો. વ્હીલચેર પર બેસીને બધી ચીજવસ્તુઓ ફરી ફરીને જોઈ અને કહ્યું કે કંઈ વસ્તુ કોને આપવાની છે (રજનીશજીની અંતિમ ઈચ્છા પ્રમાણે એમની પાદુકા સંગીતકાર મિત્ર કલ્યાણજી (આણંદજીભાઈવાળા)ને આપવામાં આવી જેને કલ્યાણજીભાઈએ કાચના કેસમાં મઢાવીને પોતાના ડ્રોઈંગરૂમમાં રાખી. એક જમાનો હતો, ૧૯૬૦-૭૦ના ગાળામાં જ્યારે રજનીશજી બીમાર પડતા ત્યારે કલ્યાણજીભાઈ એમની સેવા કરતા, એમને હસાવતા અને કલ્યાણજીભાઈની માંદગીમાં રજનીશજી એમની સુશ્રુષા કરતા. કલ્યાણજીભાઈ આ પાદુકા દેખાડીને એમની ટિપિકલ શૈલીમાં પ્રેમપૂર્વક રમૂજ કરતાં કહેતા: રજનીશજીની આટલી ચાકરી કરી તોય જશને માથે જૂતિયાં!’

પછી નાના સ્ટિરિયો તરફ આંગળી ચીંધીને કહ્યું: ‘આ કોને આપવો જોઈએ? નિરૂપાને ગમશે?’ નિરૂપા એમનો રૂમ સાફ કરવાની જવાબદારી નિભાવતી હતી.

છેલ્લે કહ્યું, ‘મારાં અસ્થિને નવા બેડરૂમના પલંગ નીચે મૂકી દેજો. મને સ્મશાન ઘાટ લઈ જાઓ ત્યારે ટોપી અને મોજાં પહેરાવવાનું ભૂલતા નહીં.’

પૂનાના તુલસીરામ સ્મશાન ઘાટ પર અંતિમસંસ્કાર કરવાના હતા અને તે પહેલાં સૌના દર્શનાર્થે એમના દેહને આશ્રમમાં બુદ્ધ હૉલમાં દસ મિનિટ રાખવામાં આવે એવી સૂચના આપવામાં આવી.

પથારીમાં પાછા આવ્યા બાદ સૂતાં સૂતાં બોલ્યા: ‘મારા વિશે ક્યારેય ભૂતકાળમાં વાત નહીં કરતા…’ આનંદો વિશે કહું, ‘એ મારી સંદેશવાહક છે…’ પછી બોલ્યા, ‘ના, આનંદો મારા (વિચારો પહોંચાડવાનું) માધ્યમ બનશે.’

જયેશ અને અમૃતો એમની નાડી તપાસી રહ્યા હતા. અમૃતો અનુભવી રહ્યા હતા કે હવે છેલ્લી થોડીક ક્ષણો જ છે. ધબકારા વિલીન થઈ રહ્યા હતા. એ બોલ્યો: ‘ઓશો! મને લાગે છે કે… ધિસ ઈઝ ઈટ (સમય થઈ ગયો)’

એમણે ધીમેથી શિર હલાવીને હા પાડી અને ચિરકાળ માટે આંખો બંધ કરી દીધી.

અવસાનના બે મહિના પહેલાં, ૧૭ નવેમ્બર, ૧૯૮૯ના રોજ એમણે જે ઈચ્છા પ્રગટ કરી હતી તે જ શબ્દો એમની સમાધિ પર લખાયા:

‘ઓશો

જે ક્યારેય જન્મ્યા નથી, મૃત્યુ પામ્યા નથી. કેવળ ૧૧ ડિસેમ્બર, ૧૯૩૧થી (ખાલી જગ્યા તારીખ) દરમિયાન આ પૃથ્વી ગ્રહ પર આંટો મારવા આવ્યા હતા.’

ખાલી જગ્યામાં ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ની તારીખ મૂકવામાં આવી.

અત્યાર સુધી આ દુનિયામાંથી જેટલા જીવોએ વિદાય લીધી એમાંની સૌથી વસમી વિદાય આ હતી.

આજનો વિચાર

આ જગતમાં કશું જ પૂરેપૂરું તો મળવાનું નથી. સંપૂર્ણપણે તો એક પરમાત્મા જ મળી શકે. એ સિવાય બીજું કંઈ જ પૂરેપૂરું ન મળી શકે. સંપૂર્ણ તો તમને તમારું સ્વરૂપ જ મળી શકે છે એ સિવાય બીજી કોઈ ચીજ સંપૂર્ણ હોઈ શકે નહીં… એટલે જ જેમણે ખોજ કરી છે, જેઓ પામ્યા છે, એમણે કહ્યું છે કે જ્યાં સુધી તમે તમને પોતાને પામી નહીં લો ત્યાં સુધી દુ:ખી જ રહેવાના, તડપ્યા જ કરવાના… અને જે દિવસે તમારો પૂરેપૂરો સ્વભાવ તમારી જાત સમક્ષ પ્રગટ થઈ જશે તે દિવસે તમે તમે નહીં રહો. ત્યારે તો જેમ નાની નાની જ્યોતિઓ સૂરજમાં સમાઈ જાય છે અને તમારા દીવાનું અસ્તિત્વ અલગ નહીં રહે એવું બનવાનું. તમે વ્યક્તિ તરીકે મટી જવાના. તમે પરમ પ્રકાશ સાથે એક થઈ જશો. કબીરે કહ્યું એમ – જ્યોત હી જ્યોતિ સમાની.

– રજનીશ ‘કબીરવાણી’માં.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017)

1 comment for “‘મારા વિશે ક્યારેય ભૂતકાળમાં વાત કરતા નહીં’

  1. February 16, 2017 at 12:34 PM

    આભાર સર, રજનીશજી વિશે આટલુ જાણવા મળ્યુ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *