વર્ષ ૧૯૬૬… અને રજનીશજીએ રાજીનામું આપી દીધું

૧૯૬૪-૧૯૬૫ના અરસામાં જટુભાઈ મહેતાનું સૂચન હતું કે રજનીશનજી એક વિરાટ પ્રતિભા છે અને ભારતના લોકોએ એમના વિચારોનો જેટલો લાભ લેવો જોઈએ એટલો લઈ શકતા નથી. એવું એક માત્ર કારણ એમની યુનિવર્સિટીની જવાબદારી છે. રજનીશજીને જો પ્રોફેસરની જવાબદારીમાંથી મુક્ત કરાવી શકીએ તો તેઓ પોતાનો સંપૂર્ણ સમય પ્રવચનો માટે, એની તૈયારીઓ માટે, પ્રવાસ માટે અને એમના ચાહકો-શ્રોતાઓની જિજ્ઞાસાઓને સંતોષવા માટે કરી શકે. પણ આ માટે રજનીશજીના જીવનનિર્વાહની સંપૂર્ણ જવાબદારી આપણે સૌએ ઉઠાવી લેવી પડે. આપણે એટલે દુર્લભજી ખેતાણી, ચીમનભાઈ ચકુભાઈ શાહ, પૂર્ણિમા પકવાસા, ગુલાબચંદ તલકચંદ શેઠ અને એ સર્વ કોઈ જેઓ આ યજ્ઞમાં જોડાઈને આહુતિરૂપે પોતાના વતી સમિધ સમર્પવા માગતા હોય.

વાત વહેતી મુકાઈ. સૌ મહાનુભાવોને આ વિચાર ગમી ગયો. રજનીશજીને પણ ગમ્યો. એક ટ્રસ્ટ રચવાનું નક્કી થયું. રજનીશજીએ જ એનું નામકરણ કર્યું. જીવન જાગૃતિ કેન્દ્ર. નક્કી એવું થયું કે આ ટ્રસ્ટ રજનીશજીની તમામ આર્થિક જરૂરિયાતોની જવાબદારી પોતાના માથે લઈ લેશે. ટ્રસ્ટની આવકમાં ટ્રસ્ટીઓ તથા દાતાઓ દ્વારા આવનારી રકમ ઉપરાંત રજનીશજીનાં પ્રવચનોની ટેપ વેચીને, એમનાં પુસ્તકોનાં પ્રકાશન દ્વારા તેમ જ ભવિષ્યમાં એમનાં પ્રવચનોનો સાર તેમ જ આગામી પ્રવચનોની સમયસારિણી આપતું એક સામયિક પ્રગટ કરવામાં આવશે જેમાંથી થનારી આવક (જો થશે તો) ટ્રસ્ટમાં જમા કરવામાં આવશે અને આવક નહીં થાય તો રજનીશજીના વિચારોના પ્રચાર-પ્રસાર માટે તો આ સામયિક ખપમાં આવવાનું જ છે. રજનીશજીએ આ સામયિકનું નામ ‘જ્યોતિશિયા’ રહેશે એવું સૂચવ્યું. રજનીશજીએ પ્રવચનો દરમ્યાન પોતાને મળનારી દક્ષિણા કે પુરસ્કારની રકમ કે રોકડ ભેટ ટ્રસ્ટમાં જ જમા થશે એવું પણ સૂચન કર્યું.

૧૯૬૬માં રજનીશજીના રાજીનામાનો તખ્તો ગોઠવાઈ ગયો. જબલપુરના પંખીને પિંજરામાંથી મુક્ત કરીને ખુલ્લા આકાશમાં વિહરવાની સગવડ મુંબઈના મિત્રોએ કરી આપી અને રજનીશજીએ રાજીનામું આપી દીધું.

રજનીશજીએ શા માટે આઠ વર્ષ સુધી યુનિવર્સિટીની નોકરી કર્યે રાખી તેનું ખરું કારણ આ. અને એ ઉપરાંત જે ઑફિશ્યલ વર્ઝન મેં લખ્યું તે. અને મારી તાર્કિક ધારણાનું જે કારણ લખ્યું તે પણ. આ ત્રણ કારણો એકમેકનાં વિરોધાભાસી નથી. પણ મોહન રાકેશના મશહૂર નાટક ‘આધે અધૂરે’માં જેમ એનો નાયક પોતાના જીવનમાં બનેલી ઘટનાઓનું વર્ણન લોકો સામે જે કરે છે તે તેનું એક વર્ઝન છે, એની નજીકની વ્યક્તિઓએ એ ઘટનાના સાક્ષી તરીકે જોયેલું બીજું વર્ઝન છે અને ખરેખર એ ઘટના શું બની હતી તે તેનું ત્રીજું વર્ઝન છે, એ જ રીતે આપણા સૌની જિંદગીમાં મોટે ભાગે સત્યના ત્રણ સ્તરે દરેક ઘટના જોવાયા કરતી હોય છે.

૧૦મી એપ્રિલ ૧૯૮૯. કોઈને ખબર નહોતી આચાર્ય રજનીશજીમાંથી ભગવાન રજનીશ અને હવે ઓશો બની ચૂકેલા ચંદ્રમોહન બાબુલાલ જૈન (જન્મ: કુચવાડા – મોસાળનું ગામ, તહેસિલ: બરેલી, જિલ્લો: રાયસેન, સ્ટેટ ઑફ ભોપાલ – બ્રિટિશ ઈન્ડિયા, અત્યારનું મધ્ય પ્રદેશ અને ઉછેર ગાદરવાડા, જબલપુર)ના જીવનનું આ છેલ્લું પ્રવચન હશે. આ પ્રવચનમાં એમણે કહ્યું કે: ‘પરંપરાવાદી ઝેનનો માર્ગરહિત માર્ગ બહુ કઠિન છે… હું આ પરંપરાને પૂર્ણતયા બદલી રહ્યો છું. એ પરંપરા વૈજ્ઞાનિક પ્રગતિ અને ટૅક્નોલૉજીને કારણે મૃત:પ્રાય થઈ રહી છે અને એ જીવંત ત્યારે જ રહેશે જ્યારે એ સરળ, સહજ અને વિશ્રામપૂર્ણ હોય. એનું વાસીપણું દૂર થાય અને એમાં સેલિબ્રેશન ઉમેરાય…’

‘ધ ઝેન મેનિફેસ્ટો’ પ્રવચન આપણું એ અંતિમ શિખર હતું. પ્રવચનના અંતે રજનીશજીના સંકેતથી તબલાં, સિતાર અને વાંસળીના સ્વર ગૂંજી ઉઠ્યા, રજનીશજીએ પોતાના સંન્યાસીઓને નૃત્ય કરતાં છોડીને સૌને પ્રણામ કરતાં કરતાં પોતાની વ્યાસપીઠ પરથી ઊભા થઈ ધીમા પગલે પ્રવચનખંડમાંથી વિદાય લીધી અને તેઓ પોતાની કારમાં ગોઠવાઈ ગયા. પૂનાના આશ્રમની આ વાત. વિશ્ર્વયાત્રા ખેડીને રજનીશજી મુંબઈ થઈને ૪ જાન્યુઆરી ૧૯૮૭ના દિવસે પૂના પાછા આવી ગયા હતા.

આ પ્રવચન પછી ચાર જ મહિનામાં ૨૦ ઑગસ્ટ ૧૯૮૯ના રોજ રજનીશજીના ડેન્ટિસ્ટ ડૉ. દેવગીતે રજનીશજીને તપાસીને કહ્યું કે તમને આ ઉંમરે હવે રહી રહીને ડહાપણની દાઢ ઊગી રહી છે! ડૉક્ટરે કહ્યું: ‘અમેરિકાની જેલમાં અપાયેલા થેલિયમ વિષના દુષ્પ્રભાવને કારણે તમારા શરીરમાં નવા કોષો બનાવવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ હોવા છતાં આ વિઝડમ ટૂથ ઉગ્યો એનું આશ્ર્ચર્ય છે.’

રજનીશજી મૌન રહ્યા. કોઈ જવાબ આપ્યો નહીં. ડૉ. દેવગીત બીજા દાંતોમાં દવા લગાવતા રહ્યા. દવા લગાવડાવી દીધી પછી થોડી વાર રહીને રજનીશજી બોલ્યા, ‘દેવગીત, મને લાગે છે કે મારા બધા જ દાંત મૂળમાંથી હાલી ગયા છે અને દાંત જ નહીં, મને લાગે છે કે મારું આખું શરીર જર્જરિત થઈ ગયું છે. હું હવે ખૂબ અન્કમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો છું. મારી જ્યોતિ હવે પરમ શૂન્યમાં વિલીન થવા માગે છે.’

તે વખતે બાજુમાં જ રજનીશજીના અંતેવાસી અમૃતો બેઠા હતા. એમની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યાં. રજનીશજી એ એમને સાંત્વન આપતાં કહ્યું, ‘અમૃતો! આ રૂદનનો નહીં, ઉત્સવ મનાવવાનો સમય છે. મારી નૌકાનો સઢ હવે ખુલી ગયો છે. પણ લંગરનું દોરડું હજુ ખુલ્યું નથી. મને બે મહિનાથી આવું લાગી રહ્યું છે. પણ હજુ ત્રણચાર મહિના બાકી છે. તમે લોકો મારા શરીરના મોહમાં પડ્યા વિના મારા મૌનને જેટલું પી શકો, પીતા રહો. હું હજુ પણ છું.’

૨૯મી ઑગસ્ટે દંત ચિકિત્સા થઈ ગયા પછી રજનીશજીએ આનંદો પાસેથી એની નોટબુક લઈને એના પર ‘ઓમ’ (ૐ) લખ્યું. પછી ધીમેકથી કહ્યું: ‘મારી આંખો સામે બ્લ્યુ પ્રકાશમાં આચ્છાદિત ‘ઓમ’ની આકૃતિ નિરન્તર નૃત્ય કરતી રહે છે.’

ભારતીય રહસ્યદર્શીઓ અનુસાર મૃત્યુના ત્રણ માસ પૂર્વે ધ્યાનસ્થ વ્યક્તિઓને ‘ઓમ’નાં આ જ રીતે નિરંતર દર્શન થતાં રહે છે.

રજનીશજીનું સ્વાસ્થ્ય નિરંતર કથળતું જતું હતું. જે કંઈ દવા આપવામાં આવતી તેનાથી એ રોગ તો ઠીક થતો પણ એની સાઈડ ઈફેક્ટને લીધે કે એના રિએક્શનને કારણે બીજો રોગ શરૂ થઈ જતો. ભોજન લેવાનું તો કેટલાય અઠવાડિયાઓથી બંધ જ થઈ ગયું હતું. માત્ર પાણી અથવા ફ્રૂટ જ્યુસ પર જીવતા હતા. દૂધ પણ પચતું નહોતું.

બીજા દિવસે રજનીશજીને ભૂખ લાગી. એમણે ખાવાનું માગ્યું. સૌના માટે એ આનંદના સમાચાર હતા. એક દિવસ પહેલાં જ એક જપાની સંન્યાસીએ બહુ પ્રેમથી આપેલા નવા જપનીસ ડિનર સેટમાં ભોજન સર્વ થયું. બ્લેક રંગની ક્રોકરી પર સફેદ ઊડતા હંસોની બેલડીનું ચિત્ર અંકિત હતું. ચેતનાએ ભોજન પીરસ્યું અને એ રજનીશજીનાં ચરણો નજીક બેસી ગઈ. બધાને લાગતું હતું કે રજનીશજીના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. પણ જમ્યા પછી થોડીવાર બાદ તબિયત પાછી બગડવા માંડી. અમૃતો, ડૉ. દેવગીત અને ડૉ. મોદીએ પૂનાના તમામ પ્રસિદ્ધ ડૉકટરોને રજનીશજીના જડબાનો એક્સ-રે તથા અન્ય રિપોર્ટ્સ દેખાડીને સલાહ લીધી. સૌનો ઓપિનિયન એક સરખો નીકળ્યો: ‘રજનીશજીનાં દાંત અને હાડકાંની હાલત જે રીતે કથળી રહી છે તે જોતાં નિ:શંક કહી શકાય કે અમેરિકાની જેલમાં આપવામાં આવેલા થેલિયમ વિષના રેડિયેશનનું જ આ પરિણામ.

કાલે પૂરું.

( મુંબઇ સમાચાર : બુધવાર, 15 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *