આ જીવન સ્વયં પરમાત્મા છે અને તૈરો મત, બહો…

ખ્રિસ્તી ધર્મમાં ‘ટેન કમાન્ડમેન્ટ્સ’નું બહુ મહત્ત્વ છે. એ એક્ઝેટલી કોણે આપ્યા કે ઓરિજિનલી કોણે લખ્યા એ વિશે ભિન્નમતો છે પણ બાઈબલના એકાધિક વર્ઝન્સમાં ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ આપેલા છે. ભગવાનના આ દસ આદેશો ગણો કે ઉપદેશો ગણો કે એમની શિખામણ કે સૂચના ગણો. પટણા યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના અધ્યાપક ડૉ. રામચન્દ્ર પ્રસાદ રજનીશજીના ઘણા મોટા ચાહક હતા. એમણે એક વખત રજનીશજીને પૂછયું હતું કે તમારી દૃષ્ટિએ અમારા માટે કઈ ૧૦ આજ્ઞાઓ છે, તમે ક્યા ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ અમને લોકોને આપશો. રજનીશે હસીને આ વાત સાંભળી લીધી અને પછી એમને એક પત્ર લખ્યો જે ‘જ્યોતિ શિખા’ નામના મૅગેઝિનના જૂન, ૧૯૭૦ના અંકમાં પ્રગટ થયો.

રજનીશજીના સમગ્ર વૈચારિક સાહિત્યનો નિચોડ મારા હિસાબે આ નાનકડા પત્રમાં છે. આ પત્ર લખાયો ત્યાં સુધી અને તે પછી રજનીશજીએ જે જે વિચારો દુનિયાને આપ્યા તેનું સૂત્રાત્મક સ્વરૂપ એમના આ ‘ટેન કમાન્ડમેન્ટ્સ’માં છે:

“પ્રિય રામચન્દ્ર,

પ્રેમ!

મારી દસ આજ્ઞાઓ (ટેન કમાન્ડમેન્ટ્સ) વિશે તમે પૂછ્યું હતું. બહુ અઘરું કામ છે આ કારણ કે હું કોઈ પણ પ્રકારની આજ્ઞા કે આદેશ આપવાની વિરુદ્ધ છું. છતાં આ રમત રમવાની મઝા આવશે એટલે કહું છું.

૧. કિસી કી આજ્ઞા કભી મત માનો, જબ તક કિ વહ સ્વયં કી હી આજ્ઞા ન હો.

૨. જીવન કે અતિરિકત ઔર કોઈ પરમાત્મા નહીં હૈ.

૩. સત્ય સ્વયં મેં હૈ, ઈસ લિયે ઉસે ઔર કહીં મત ખોજના.

૪. પ્રેમ પ્રાર્થના હૈ.

૫. શૂન્ય હોના સત્ય કા દ્વાર હૈ. શૂન્યતા હી સાધન હૈ, સાધ્ય હૈ, સિદ્ધિ હૈ.

૬. જીવન હૈ, અભી ઔર યહીં.

૭. જિયો ઔર જાગે હુયે.

૮. તૈરો મત, બહો.

૯. મરો પ્રતિપલ તાકિ પ્રતિપલ નયે હો સકો.

૧૦. ખોજો મત. જો હૈ – હૈ. રૂકો ઔર દેખો.

– રજનીશ કે પ્રણામ

રજનીશજીના કોઈપણ પ્રવચનમાં તમને આ ટેન કમાન્ડમેન્ટ્સનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાશે અને એમના પ્રત્યેક પુસ્તકમાં તમે આ ટેન કમાન્ડમેન્ટ્સ બિટ્વીન ધ લાઈન્સ વાંચી શકશો.

જબલપુર નજીકનું ગાડરવારા ગામ રજનીશજીનું વતન. રજનીશજીનાં નાનીમા ત્યાં રહે. નાનપણથી નાનીમા એમના પર ખૂબ સ્નેહ રાખે અને રજનીશજી એમને પોતાની સગી મા કરતાં વધારે ચાહે. એક દિવસ ગાડરવારામાં નાનીમાને મળીને રજનીશજી પોતાના જૂના મિત્ર શંભુને મળે છે. યુનિવર્સિટીમાં એમને પગાર વધારો મળતો હતો તે થોડા વખત પહેલાં જ એમણે ઠુકરાવી દીધો હતો, એમ કહીને કે પગાર વધ્યા પછી હું ઈન્કમ ટેક્સના બ્રેકેટમાં આવી જઈશ અને હું સરકારને આવકવેરો ભરવાની ખિલાફ છું (આ વાંચીને કોઈએ પોતાની જાતને રજનીશજી સાથે સરખાવવી નહીં!)

શંભુબાબુ રજનીશજીની પાસે સમયનો કેટલો અભાવ છે એ વિશે વાત કરવા માગતા હતા પણ સંકોચાતા હતા. રજનીશજીએ કહ્યું, ‘મને ખબર છે તમે શું કહેવા માગો છો, તમારી આંખોમાં મેં બધું વાંચી લીધું છે. મને ખબર છે કે આજે નહીં તો કાલે મારે યુનિવર્સિટીમાંથી રાજીનામું આપીને છૂટા થઈ જવું પડશે. યુનિવર્સિટી જોઈન કરવાનો નિર્ણય તો મારા માટે એક સીડી પર ચઢવા જેવો હતો. એથી વિશેષ કંઈ નહીં.’

શંભુબાબુએ પૂછયુ, ‘પછી તમે આગળ શું કરવાનું વિચાર્યું છે?’

રજનીશજીએ લાપરવાહીથી કહ્યું, ‘તમે સારી રીતે જાણો છો, શંભુબાબુ કે હું ભવિષ્ય વિશે કંઈ વિચારતો નથી. અસ્તિત્વ મારી પાસે જે કરાવવા માગશે તે સમય આવ્યે આપોઆપ થતું રહેશે.’

થોડા જ મહિનામાં યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભ બાદ કેટલાક પ્રોફેસરોએ ભેગા મળીને વાઈસ ચાન્સેલરને ચુગલી કરી. વાઈસ ચાન્સેલરે રજનીશજીને બોલાવ્યા. ફરિયાદના સૂરે કહ્યું: ‘તમારા કલીગ્સને તમારા માટે કેટલીક શિકાયત છે. તમે એમને પ્રોપર રિસ્પેક્ટ નથી આપતા. એમનું અપમાન કરો છો. ક્યારેય કોઈ ફંકશનમાં હાજરી નથી આપતા. ગ્રુપ ફોટો સેશનમાં પણ હાજરી નથી આપતા. બધાથી અતડા રહો છો. તમારા આ સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સથી બધાને અપમાન જેવું લાગે છે. વળી રજા લીધા વિના અઠવાડિયાઓ સુધી હાજરી પણ નથી આપતા…’

રજનીશજીએ કહ્યું, ‘એમની વાત છોડો, તમારી વાત કરો. તમને મારાથી શું ફરિયાદ છે?’ એ લોકોને મારી સામે જે ફરિયાદ હશે તેના વિશે સીધા મને મળીને વાત કરી શકે છે. મારી પીઠ પાછળ આ રીતે તમારી આગળ આવીને રડવાનું યુનિવસિર્ટીના પ્રોફેસરોને શોભતું નથી.’

પછી જે વાતચીત થઈ એ દરમ્યાન રજનીશજીએ કહ્યું, ‘મારા વિદ્યાર્થીઓ મને માન આપે છે, મને ધ્યાનથી સાંભળે છે. એમનો કોર્સ પૂરો કરાવીને જ હું ઈધર-ઉધર ઘૂમતો હોઉં છું. મારા કલીગ્સ મારાથી એટલા માટે ચીઢાય છે કે એમનામાં એક ઈન્ફીરિયોરિટી કૉમ્પ્લેક્સ ઘૂસી ગયો છે. મારી સાથે સીધી વાત કરી શકતા નથી. મને ફેસ કરતાં ગભરાય છે. હવે આમાં હું શું કરી શકું?’

એ પછી બંને વચ્ચે થોડીક શાબ્દિક ઝપાઝપી થઈ અને રજનીશે તત્કાળ ઊભા થઈને વાઈસ ચાન્સેલરના ટેબલ પરથી પેડ ઉઠાવ્યું અને ત્રણ વાક્યમાં પોતાનું રાજીનામું લખીને નીચે સહી કરીને વીસીને પકડાવી દીધું. વીસી હતપ્રભ થઈ ગયા. બોલ્યા, ‘બહુ અજીબ પ્રોફેસર છો તમે તો! રાજીનામું આપીને ખુશ છો. ક્યાંક તમારું દિમાગ તો ખસી નથી ગયું ને?’

રજનીશજીએ કહ્યું, ‘મારું દિમાગ ખરેખર ખસી ગયું હતું એટલે જ તો મેં આ નોકરી કરી. આજે મારું દિમાગ પહેલી વાર ઠેકાણે આવ્યું છે. કેટલાય મહિનાથી હું વિચાર્યા કરતો કે ત્રીસ વિદ્યાર્થીઓને ભણાવ ભણાવ કરીને હું મારો સમય નકામો બગાડી રહ્યો છું. આટલા સમયમાં તો હું હજારો-લાખો લોકોની જિજ્ઞાસાઓને શાંત કરી શકું. એમને બોધ આપી શકું. તમે મારા આ ત્યાગપત્ર બદલ તમારી જાતને જવાબદાર માનતા નહીં. આમેય મારે રાજીનામું તો આપવું જ હતું. આજની ઘટના તો એક બહાનું બની ગઈ.’

રજનીશજીએ બે હાથ જોડીને વાઈસ ચાન્સેલરની વિદાય લીધી. ગાડીમાં બેસીને ઘરે જતી વખતે એક ઘણો મોટો બોજ માથા પરથી ઊતરી ગયો હતો. યુનિવર્સિટીની નોકરી એમની મંઝિલ નહોતી. એમના માટે એ એક પડાવ હતો. અસ્તિત્વ એમની પાસે જ કરાવી રહ્યું હતું તે જ એ કરી રહ્યા હતા. તેઓ કર્તા નહોતા. કેવળ સાક્ષી હતા.

રજનીશજીના રાજીનામાનું આ ઑફિશ્યલ વર્ઝન છે.

રજનીશજીએ ૧૯૫૮થી ૧૯૬૬ સુધી યુનિવર્સિટીમાં ભણાવ્યું, બહારની વ્યસ્તતા હોવા છતાં, નોકરીમાંથી છૂટા ન થયા તેનું કારણ મારી દૃષ્ટિએ કંઈક આવું છે, હું ખોટો હોઈ શકું, આ માત્ર મારો આધાર વિનાનો તર્ક છે. રજનીશજીને બહાર દેશભરમાં નામના મળી રહી હતી અને એમના વિચારો તથા વાણીપ્રવાહથી લોકો પૂરેપૂરા પ્રભાવિત થઈ જતા હતા. આમ છતાં યુનિવર્સિટીના નાનકડા વર્ગમાં એમને જે બે વાત મળતી હતી તે જાહેર પ્રવચનોમાં પ્રાપ્ત નહોતી થતી. એક તો, યુનિવર્સિટીમાં એમની સામે જે શ્રોતાવર્ગ હતો તે શતપ્રતિશત યુવાવર્ગ હતો. વીસ-પચ્ચીસ વર્ષનો. અને પાછો દર વર્ષે બદલાતો. નવા યુવાનો આવતા રહેતા. નવી પેઢીના ટચમાં રહેવા માટેનો આ સૌથી સરળ અને મોસ્ટ ઈફેક્ટિવ માર્ગ હતો. બહાર જે શ્રોતાઓ મળતા તેમાંના અનેક લોકો માત્ર એમની ખ્યાતિ સાંભળીને આવતા, પોતાની શ્રીમંતાઈનો દેખાડો કરવા આવતા કે પછી પોતાની બૌદ્ધિક કક્ષા કેટલી ઊંચી છે એ જતાવવા આવતા, કેટલાક, બધા જ નહીં. જ્યારે યુનિવર્સિટીમાં યુવાનો અભ્યાસમાં ઊંડા ઊતરવાના હેતુથી એમને સાંભળતા.

બીજું કારણ આના કરતાં વધારે ગહન છે. બહાર પ્રવચનો કરવામાં કોઈક રીતે સભાનતા આવી જતી હશે. અમુક વિષયો પર આ રીતે બોલીને લોકોને ઉશ્કેરવાના છે, વિવાદ ઊભો કરવાનો છે કે પછી પ્રભાવ ફેલાવવાનો છે કે પછી સંપર્કો વધારવાના છે એવું એ વખતે એમના સબકૉન્શ્યસમાં હોઈ શકે. યુનિવર્સિટીમાં આવાં કોઈ ભૌતિક કારણો વિના નિશ્ર્ચિંત રહીને પોતાને જે બોલવું હોય તે બોલવાની તક મળતી.

આઠ વર્ષના ગાળામાં રજનીશજીને લાગ્યું કે હવે બહાર પણ મારે જે બોલવું હોય તે હું બોલી શકું એમ છું, લોકોએ મને સ્વીકારી લીધો છે, એવો આત્મવિશ્ર્વાસ આવી ગયો એટલે હવે યુનિવર્સિટીને પકડી રાખવાનો કોઈ અર્થ નહોતો. વળી, આ આઠ વર્ષમાં એમણે જોઈ લીધું કે નૉર્મલી ધર્મ-અધ્યાત્મ જેવા વિષયોના પ્રવચનોમાં મોટી ઉંમરના લોકો જ આવે પણ મારા પ્રવચનો સાંભળવા તો યુવાનો પણ પડાપડી કરે છે એટલે પણ હવે એમને ત્રીસ યુવાનોના વર્ગની જરૂર જણાઈ નહીં.

આ માત્ર મારો તર્ક છે.

આ લેખશ્રેણી વાંચતા નિરંજન મહેતાએ મને ત્રીજી જ વાત કરી. નિરંજનભાઈ ગુજરાતી નાટકોને લગતી ફર્સ્ટહેન્ડ માહિતીના જીવતાજાગતા એન્સાઈક્લોપીડિયા છે. એમના પિતા જટુભાઈ મહેતાએ મુંબઈમાં રજનીશજીનું સૌપ્રથમ પ્રવચન ગોઠવ્યું હતું. રજનીશજીને મુંબઈમાં સૌથી પહેલા જે મુંબઈગરા મળ્યા તે નિરંજન મહેતા – આ ૧૯૬૧ની વાત. પચાસ કરતાં પણ વધારે વર્ષ થયાં.

નિરંજન મહેતાના જણાવ્યા અનુસાર ૧૯૬૧માં સૌથી પહેલીવાર રજનીશજીનું જે પ્રવચન મુંબઈમાં થયું તે જટુભાઈ મહેતાના આયોજન હેઠળ ગોઠવાયું. જટુભાઈ જાહેરખબરની એજન્સી ચલાવે એટલે સંખ્યાબંધ વર્તમાનપત્રો એમની ઑફિસમાં રોજેરોજ આવે. એમાંથી એકમાં રજનીશજીના પ્રભાવશાળી પ્રવચનની નોંધ વાંચીને જટુભાઈએ જબલપુરમાં ‘નવભારત’ દૈનિકની કચેરીમાં ફોન કરીને રજનીશજીનો કૉન્ટેક્ટ કર્યો. સી. પી. ટેન્ક પરના હીરાબાગ હોલમાં રજનીશજીનું પ્રવચન ગોઠવાયું. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને એમને લેવા માટે નિરંજન મહેતા અને બીજા એક મિત્ર ગયા હતા. હીરાબાગના હોલની કૅપેસિટી લગભગ ૧૫૦ની. પ્રવચનમાં ત્રીસથી ચાળીસની હાજરી હતી. સુંદર પ્રવચન થયું. બધા જ બહુ પ્રભાવિત થયા. બીજા વર્ષે, ૧૯૬૨માં પણ જટુભાઈએ રજનીશજીને બોલાવ્યા. આ વખતે હોલમાં ઊભા રહેવાની જગ્યા નહીં. કેપેસિટી કરતાં ત્રીસ-ચાળીસ જણ વધારે હતા. આ પ્રવચન સાંભળીને ૧૯૬૩માં પરમાનંદભાઈ કાપડિયાએ જટુભાઈ દ્વારા રજનીશજીને મુંબઈ જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં બોલવા માટે આમંત્રણ આપ્યું. તે વખતે ચોપાટીના બિરલા ક્રીડા કેન્દ્રમાં શહેરની આ સૌથી પ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળાનું આયોજન થયું. બિરલા ક્રીડા કેન્દ્રના હોલમાં ચિક્કાર ભીડ. બહારની લૉબીમાં ત્રણસો-ચારસો માણસોએ ઊભા રહેવું પડ્યું. સીસીટીવી તો હતું નહીં એ જમાનામાં. વાયર ખેંચીને સ્પીકર્સ લગાડવામાં આવ્યાં. રજનીશજીને સાંભળવાનો લહાવો આ બહાર ઊભેલા લોકોને મળ્યો, પણ એમને બોલતાં સાંભળવાનો લહાવો માત્ર અંદર હોલમાં બેઠેલાઓને જ મળ્યો. મુંબઈમાં રજનીશજીની ખ્યાતિ આ પ્રવચનથી તો ખૂબ જ વધી ગઈ. ૧૯૭૦માં પ્રથમ ચર્ચગેટના સી.સી.આઈ. ચૅમ્બર્સ અને ત્યારબાદ પેડર રોડના વુડલૅન્ડના ફલેટ નંબર એ-વન (ફોન નંબર હતો ૩૮૨૧૮૪)માં રજનીશજી રહેવા આવ્યા એની પાછળ મુંબઈનાં આ પ્રવચનોને લીધે ઊભી થયેલી એમની ગુડવિલ, લોકપ્રિયતા તથા પ્રભાવક વ્યક્તિત્વનો અને એમની મૌલિક દાર્શનિક દૃષ્ટિનો ફાળો. જટુભાઈ ૧૯૬૧ પછી રજનીશજીનાં પ્રવચનોને મળતાં આમંત્રણોનો વહીવટ કરતા થઈ ગયેલા. બંનેને પરસ્પર ઘણો મોટો સદ્ભાવ. રજનીશજીના હસ્તાક્ષરમાં લખાયેલા દસેક પત્રો હજુય નિરંજનભાઈ પાસે સચવાયેલા છે. રજનીશજી પોતાને સીધા મળતા આમંત્રણોની વિગતો પણ જટુભાઈને મોકલે. જટુભાઈ આમંત્રણ આપનાર આયોજક સામે જરૂરી વાતચીત કરીને રજનીશજીને ફીડબૅક આપે. રજનીશજી એમાંથી સિલેક્ટ કરે અને જટુભાઈ રજનીશજીની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને સૌને ડેટ્સ ફાળવે.

આ દરમ્યાન, જટુભાઈએ જોયું કે યુનિવર્સિટીની વ્યસ્તતાને લીધે રજનીશજીએ ઘણાં આમંત્રણો નકારવા પડે છે. યુનિવર્સિટીમાંથી કાયદેસર મળતી બધી રજાઓ તથા વૅકેશન્સ ઉપરાંત કપાતા પગારે વધુમાં વધુ જેટલી રજાઓ મળી શકે તે પણ વપરાઈ ગયા પછીય કેટલાંય આમંત્રણો પાછાં ઠેલવા પડે છે. આનો ઉપાય શું? જટુભાઈ મહેતાએ દુર્લભજી ખેતાણી, ચીમનભાઈ ચકુભાઈ શાહ, પૂર્ણિમાબેન પકવાસા અને ગુલાબચંદ તલકચંદ શેઠ જેવા રજનીશજી માટે જબરજસ્ત આદર અને પ્રેમ ધરાવતા મુંબઈના મહાનુભાવો સમક્ષ એક પ્રસ્તાવ મૂકયો.

રજનીશજીએ ૧૯૬૬માં યુનિવર્સિટીમાંથી રાજીનામું આપ્યું તેનું ખરું કારણ આ પ્રસ્તાવમાં છુપાયેલું છે. થોડીક લાંબી વાત છે. પ્લસ રજનીશજીના છેલ્લા દિવસની ઓછી જાણીતી વાતો શેર કરવાની પણ બાકી છે. તમારા સૌના અઢળક સંદેશા તો એવા મળતા રહે છે કે હજુ આ સિરીઝ ખૂબ લાંબી ચાલે. પ્રેમભાવ બદલ આભાર. પણ બીજા ઘણા વિષયો ધક્કામુક્કી કરીને પજવ્યા કરે છે. એટલે આ ભાગમાં પૂરું કરવાનું પ્રોમિસ ભલે તોડું પણ મંગળવારે અચૂક બિલકુલ અને પોઝિટિવલી છેલ્લો પીસ. રજનીશજી વિશે એ પછી પણ જાણવાની, એમના વિચારો માણવાની જિજ્ઞાસા હોય તો એમનાં પુસ્તકો-પ્રવચનો સહેલાઈથી બધે ઉપલબ્ધ છે. એક વખત ઓનલાઈન જવાની માત્ર તસ્દી જ લેવાની છે.

આજનો વિચાર

તમારા મનમાં થતા તમામ સવાલોને જવાબની શોધ નથી હોતી – એવા સવાલો તમને મહાતકલીફમાં મૂકી શકે એમ છે.

– ઓશો

એક મિનિટ!

એક વાર દારૂ પીવાથી તમારી જિંદગીની ૮ મિનિટ ઓછી થાય છે. એક વાર હસવાથી તમારી જિંદગીમાં ૧૦ મિનિટનો ઉમેરો થાય છે. હસતા રહો અને દારૂ પીતા રહો તોય બે મિનિટનો નેટ પ્રોફિટ છે.

(અહીં કવિ સી.એ. છે).

– વૉટ્સએપ પર વાંચેલું

( મુંબઇ સમાચાર : સોમવાર, 13 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *