‘મનુષ્ય પોતાને રજકણથી પણ નીચો માને ત્યારે ઈશ્વર સહાય કરે’

ગાંધીજીએ ૧૯૨૪ સુધીમાં ભારતમાં જે સાત સત્યાગ્રહો કર્યા તેમાંના ચંપારણના સત્યાગ્રહની શતાબ્દી નિમિત્તે શરૂ કરેલી ત્રણ હપ્તાની લેખમાળાના બીજા હપ્તામાં ગયા રવિવારે વિરમગામના સત્યાગ્રહની ઝલક જોઈ. ગાંધીજી ૧૯૧૫માં ભારત પાછા આવ્યા તે પહેલાં દક્ષિણ આફ્રિકામાં આઠ વર્ષ સુધી સત્યાગ્રહની લડત લડાવી ચૂક્યા હતા. આ ત્રીજા અને અંતિમ હપ્તામાં ગાંધીજીએ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ લખતી વખતે પ્રસ્તાવનામાં વિરમગામ ઉપરાંત જે બીજા છ સત્યાગ્રહની ઝલક આપી છે તે જોઈએ.

ગાંધીજીએ વિરમગામ પછી ગિરમીટનો કાયદો હાથમાં લીધો. એગ્રીમેન્ટનું દેશી અપભ્રંશ ગિરમીટ. મોરેશ્યસનાં શેરડીનાં ખેતરોમાં એગ્રીમેન્ટ પર લઈ જવામાં આવતા હિંદીઓ ગિરમીટિયા (એગ્રીમેન્ટિયા) ગણાતા. આ એગ્રીમેન્ટ, આ કરાર એકપક્ષી રહેતો અને હિંદી મજૂરોનું આ કરાર હેઠળ ઑફિશ્યલી શોષણ થતું. ગાંધીજીએ આ ગિરમીટને રદ કરાવવા માટે સત્યાગ્રહની લડત કરી તે પહેલાં ઑલરેડી એને રદ કરાવવા ખૂબ પ્રયાસો થઈ ચૂક્યા હતા, જાહેર ચળવળો થઈ ચૂકી હતી. મુંબઈની સભામાં ગિરમીટ બંધ કરવાની તારીખ ૩૧મી જુલાઈ, ૧૯૧૭ ઠરાવવામાં આવી હતી એવી નોંધ કરીને ગાંધીજી માહિતી આપે છે કે તે લડતને અંગે વાઈસરૉય પાસે પહેલું બહેનોનું ડેપ્યુટેશન ગયું. તેમાં મુખ્ય પ્રયાસ બહેન જાઈજી પિટીટનો હતો. ગાંધીજીનું માનવું છે કે એ લડતમાં પણ કેવળ સત્યાગ્રહની તૈયારીઓથી જ વિજય થયો. આમ છતાં ગાંધીજી કબૂલે છે કે તેને અંગે અગાઉ જાહેર ચળવળ જે થઈ તેની તો જરૂર હતી જ. ગાંધીજી કહે છે: ‘ગિરમીટનો અટકાવ વિરમગામની જકાત કરતાં વજનદાર હતો. લૉર્ડ ચૅમ્સફર્ડે રૉલેટ ઍક્ટ પછી ભૂલો કરવામાં મણા નથી રાખી. છતાં તે શાણા વાઈસરૉય હતા એમ મને હજુયે લાગે છે. સિવિલ સર્વિસના સ્થાયી અમલદારોના પંજામાંથી છેવટ લગી કયો વાઈસરૉય બચી શકે?

ત્રીજી લડત ચંપારણની જેના વિશે તમે બે અઠવાડિયાં પહેલાં ‘મુંબઈ સમાચાર’ના આ રવિવારની ઉત્સવ પૂર્તિની કવર સ્ટોરીમાં થયેલી સુંદર વિગતવાર છણાવટ વાંચી ગયા છો. વધારે ઊંડા ઊતરવું હોય તેઓ રાજેન્દ્ર પ્રસાદે લખેલો ઈતિહાસ વાંચી જાવ. ગાંધીજી કહે છે કે, ‘એમાં સત્યાગ્રહ કરવો પડ્યો. કેવળ તૈયારીથી બસ ન હતું.’ ગાંધીજીએ નોંધ્યું છે કે ચંપારણમાં લોકોએ ખૂબ શાંતિ જાળવી અને બધા નેતાઓએ પણ મનથી, વચનથી અને કાયાથી સંપૂર્ણ શાંતિ જાળવી, જેના તેઓ પોતે સાક્ષી હતા, અને એટલે જ સદીઓથી ચાલતો આવેલો એ સડો છ માસમાં નાબૂદ થયો.

ચોથી લડત તે અમદાવાદના મિલમજૂરોના હક્ક માટેની લડત. આ લડત માટે ગાંધીજી નિખાલસતાથી કબૂલ કરે છે કે, ‘આ જીતને મેં સદોષ ગણી છે, કેમ કે મજૂરોની ટેક જળવાવા સારુ થયેલો મારો ઉપવાસ માલિકો પર દબાણરૂપે હતો. તેમની અને મારી વચ્ચેનો સ્નેહ, તેઓની ઉપર, ઉપવાસની અસર પાડે જ.’ આ લડતના એક અન્ય પાસા વિશે વાત કરતાં ગાંધીજી કહે છે કે મજૂરો શાંતિથી ટકી રહે તો તેમની જીત થાય જ ને (તો જ) તેઓ માલિકોનું મન જીતવામાં સફળ જાય. (પણ) મજૂરો માલિકોનું મન જીતી શક્યા નથી, કારણ કે મજૂરો મન, વચન અને કાયાથી નિર્દોષ-શાંત નથી રહ્યાં, આમ છતાં ગાંધીજી સંતોષ વ્યક્ત કરતાં કહે છે કે કાયાથી તેઓ શાંત રહ્યા એ પણ ઘણું મનાય.

પાંચમી લડત ખેડાની. આ લડતમાં બધા નેતાઓએ કેવળ સત્ય જાળવ્યું એમ હું નથી કહી શકતો એવું નોંધીને ગાંધીજી આશ્ર્વાસન લે છે! શાંતિ તો જળવાઈ. રૈયતવર્ગની શાંતિ કંઈક અમદાવાદના મજૂરોના જેવી, કેવળ કાયિક જ હતી અને તેથી માત્ર માન જ રહ્યું. લોકોમાં ભારે જાગૃતિ આવી પણ ખેડાએ પૂરો શાંતિપાઠ નહોતો લીધો, મજૂરો શાંતિશુદ્ધ સ્વરૂપ નહોતા સમજ્યા, તેથી રૉલેટ એક્ટના સત્યાગ્રહ વખતે લોકોએ સહન કરવું પડ્યું, જેને કારણે, ગાંધીજી લખે છે: ‘મારે મારી હિમાલય જેવડી ભૂલ કબૂલ કરવી પડી ને ઉપવાસ કરવા-કરાવવા પડ્યા.’

છઠ્ઠી લડત રૉલેટ કાયદાની. આ લડતની ખામીઓ વિશે ગાંધીજીએ લખ્યું: ‘તેમાં આપણામાં રહેલા દોષો ઊભરાઈ આવ્યા, પણ મૂળ પાયો સાચો હતો. દોષોમાત્ર કબૂલ કર્યાં, પ્રાયશ્ર્ચિત્ત કર્યું.’ પરિણામે રૉલેટ કાયદો ક્યારેય અમલમાં તો ન જ મુકાયો, છેવટે એ કાળો કાયદો રદ પણ થયો. આ લડતે લોકોને-ગાંધીજીને બહુ મોટો પાઠ આપ્યો.

સાતમી ખિલાફતની લડત જે ૧૯૨૪માં ચાલી રહી હતી. ગાંધીજી કહે છે કે ‘વિરમગામની જકાત વખતે મને શી ખબર કે બીજી લડતો લડવાની રહેશે? વિરમગામની પણ મને દક્ષિણ આફ્રિકામાં થોડી જ ખબર હતી? સત્યાગ્રહની એ ખૂબી છે… એવું ધર્મયુદ્ધ તો અનાયાસે જ આવે છે… પ્રથમથી રમવું પડે તે ધર્મયુદ્ધ નથી. ધર્મયુદ્ધ તો રચનાર અને ચલાવનાર ઈશ્ર્વર છે. તે યુદ્ધ ઈશ્ર્વરને નામે જ ચાલી શકે અને જ્યારે સત્યાગ્રહીના બધા પાયા ઢીલા થઈ જાય છે, તે છેક નિર્બળ બને છે, ચોમેર અંધકાર વ્યાપે છે, ત્યારે જ ઈશ્ર્વર સહાય કરે છે. મનુષ્ય જ્યારે રજકણથી પણ પોતાને નીચો માને છે ત્યારે ઈશ્ર્વર સહાય કરે છે. નિર્બળને જ રામ બળ આપે છે.’

ગાંધીજીએ કરેલા સત્યાગ્રહોએ પણ આઝાદી મેળવવામાં ઘણો મોટો ફાળો આપ્યો. આઝાદી મેળવવામાં માત્ર આ સત્યાગ્રહોનો કે માત્ર ગાંધીજી તથા તેમના અનુયાયીઓનો ફાળો હતો એવું માનવું ભૂલભરેલું છે. એવો પ્રચાર ઈતિહાસમાં પુસ્તકો દ્વારા અને કૉન્ગ્રેસ પક્ષ દ્વારા થતો રહ્યો છે. આઝાદી મેળવવા માટે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ સહિતનાં બલિદાનો તો ફેમસ છે જ પણ, કમનસીબે આ ક્રાંતિકારીઓની લડતનો વિગતવાર ઈતિહાસ આપણી પાસે નથી. આ સપૂતો ઉપરાંત બીજા અનેક નામી-અનામી શહીદોનો ઈતિહાસ પણ ખોવાઈ ગયો છે અથવા તો કહો કે કૉન્ગ્રેસ પક્ષના પીઠ્ઠુઓ જેવા સામ્યવાદી ઈતિહાસકારોની લૉબીએ એ ઈતિહાસ દાટી દીધો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝના નામનું રટણ કરીએ છીએ પણ એમના ઈન્ડિયન નૅશનલ આર્મીએ કેવું નક્કર કામ કરીને બ્રિટિશરોના પાયા હચમચાવી નાખેલા એ વિશે આપણે ભાગ્યે જ જાણીએ છીએ, કારણ કે ભારતની આઝાદીનો ઈતિહાસ શિખવાડતી વખતે આપણા સૌના મનમાં એક જ વાત ઠસાવી દેવામાં આવી અને એ વાત વેવલાઈભરી કવિતાઓમાં પણ ગવાઈ કે ગાંધીજીને દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ…

ભારતનો સાચો ઈતિહાસ નહીં લખાય ત્યાં સુધી ભારતના ખોટા ઈતિહાસને આધારે આપણે આપણી લઘુતાગ્રંથિ વધારતા રહીશું જેને કારણે વિદેશીઓ આપણને એક ઈન્ફીરિયર પ્રજા તરીકે જોવાનું ચાલુ રાખશે.

કાગળ પરના દીવા

ભવિષ્ય વિશે સ્પષ્ટ થવું હોય તો ભૂતકાળનો અભ્યાસ કરો.

-કન્ફ્યુશિયસ

સન્ડે હ્યુમર

૧૪ તારીખ સુધીમાં જેનો ક્યાંય મેળ ન પડે તે ૧પ તારીખે ઈસરોવાળા એક હાયરે ૧૦૫ ઉપગ્રહ છોડે છે તો ભેગા લટકી જાય… કહે છે કે જોડીયું આકાશમાં, સ્વર્ગમાં બને છે… કદાચ મેળ પડી જાય!

( મુંબઇ સમાચાર : રવિવાર, 12 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *